Get The App

ઉપરવાળા પાસે સંબંધનો ચોખ્ખો ને ચટ હિસાબ છે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ઉપરવાળા પાસે સંબંધનો ચોખ્ખો ને ચટ હિસાબ છે 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'કશી ગણતરીથી ઘરમાં રહેવા આવતા હો તો એ ખ્યાલ મનમાંથી કાઢી નાખજો. શું સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણ કે લગ્નોત્સુક દ્રષ્ટિકોણ સિવાય અન્ય કશા સંબંધો જ ન હોઈ શકે?'

ન્યા રીએ ધીરેથી બારણું ખોલ્યું તે સમયે આરતીદેવી પૂજામાં બેઠેલાં હતાં. એમણે પૂજાઘરમાં બેઠે બેઠે જ પૂછ્યું : 'કોણ ન્યારી બેટા, કેમ વહેલી આવી ગઈ ?'

'હા મમ્મી, ઓફિસમાં અડધી રજા મૂકીને આવી છું. મમ્મી મારા ઓફિસના એક ભાઈને સાથે લઇને આવી છું. તમને મળવા માટે મેં તેમને ડ્રોઇંગ રૂમમાં બેસાડયા છે.'

અને આરતીદેવી જલદી-જલદી પૂજાનો કાર્યક્રમ પતાવીને ડ્રોઈંગરૂમમાં આવીને બેઠાં નમને નીચા નમીને તેમને વંદન કર્યાં. અને આરતીદેવીએ તેને આશીર્વાદ આપ્યા.

આરતીદેવી ટગર ટગર નમન સામે જોવા લાગ્યાં. જાણે વચન તેમની સામે જ આવીને ઊભો હોય તેવું તેમને લાગ્યું. એવી જ કાળી ભમ્મર આંખો, વિશાળ લલાટ, ગૌરવર્ણ, સ્મિત રેલાવતો ચહેરો, સાદગી અને સરળતાની ઝલક... આરતીદેવીને ડૂમો ભરાઈ આવ્યો. એમણે ફરીથી નમનના ચહેરા તરફ નજર કરી... અને એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. 'મમ્મી તારું આ જ દુ:ખ છે. કાં તો તું રડવા માંડીશ અથવા ઉદાસ થઇને ચૂપચાપ એકલી પડી રહીશ.' ન્યારીએ પોતાની મમ્મીનાં આંસુ રૂમાલથી લૂછી નાખીને તેને આશ્વાસન આપ્યું.

નમનને લાગ્યું કે ન્યારીના કોઈ ભાઈનાં રૂપરંગ પોતાના રૂપરંગને મળતાં આવતાં લાગે છે, એટલે આરતીદેવી તેને યાદ કરીને રડી પડયાં લાગે છે. એણે ન્યારીને કહ્યું : 'ન્યારી, તમારા મમ્મી કોને યાદ કરીને રડી પડયાં?'

નમનભાઈ, તમે આ ઘરના મહેમાન છો. મહેમાનનો મુખ્ય ધર્મ હોય છે. અતિથિ તરીકે પોતાની મર્યાદા જાળવવાનો. હું તમને એટલે જ મમ્મીથી દૂર રાખવા ઇચ્છતી હતી. પણ તમે અને મારી મમ્મી બન્ને એક જ પ્રકારનાં સ્વભાવવાળાં છો. મમ્મીને વાત કહેવાની ઉતાવળ હોય છે તેમ તમને વાત જાણવાની. ન્યારીએ કહ્યું.

'ન્યારી, તમારા મમ્મીને કોઇ પીડા સતાવી રહી છે ? મને જોઇને એમનું હૈયું એકોક કેમ ભરાઈ આવ્યું ? સૉરી, મારે આ બધી બાબતોમાં રસ નહોતો લેવો જોઇતો. પણ...' નમને વાત અટકાવી દીધી. શરબત પીધા પછી 'નમસ્તે' આન્ટી કહીને નમને વિદાય લેવાનો પ્રયત્ન કર્યો, પણ આરતીદેવીએ તેને આગ્રહ કરીને બેસાડયો અને કહ્યું : 'ઓફિસમાં રજા લીધી છે, તો થોડીક વાર વધારે બેસને બેટા. તારા આવવાથી આ ઘર જાણે કે ભર્યું ભર્યું લાગે છે, જ્યારથી વચન...'

'જો પાછી એની એ જ વાત ? મમ્મી મેં તને કેટકેટલીવાર કહ્યું કે ઘેર આવનાર દરેક વ્યક્તિ સમક્ષ શું બોલવું જોઇએ અને શું નહીં, તેને ત્યારે ખ્યાલ રાખવો જોઇએ.' ન્યારીએ પોતાની મમ્મીને છણકા સાથે કહ્યું.

'ન્યારી, મમ્મીજીની ઉંમર થઇ એટલે કોઇને જોઇને અડધાં-અડધાં થઇ જાય એ સ્વાભાવિક છે. એમાં સંકોચ પામવાની કોઈ જરૂર નથી. હા, હવે મૂળ વાત. આન્ટીજી, ન્યારી કહેતી હતી કે તમારે એક રૂમ ભાડે આપવાનો છે, એટલે હું રૂમ જોવા આવ્યો છું. અત્યારે તો હું એક હોસ્ટેલમાં રહું છું. પણ મને ત્યાં ફાવતું નથી.'

'હા, નમન, સાચી વાત છે. આ મોટા બંગલામાં હું અને ન્યારી બન્ને એકલાં જ રહીએ છીએ. બંગલો જાણે કે ખાવા દોડે છે. તારા આવવાથી કોઈ જોડે સુખ-દુ:ખની વાત કરવાનો મોકો તો મળશે. ભાડું તારે જે આપવું હોય તે આપજે. તારા વિનય વિવેક પરથી લાગે છે કે તું સંસ્કારી પરિવારનો દીકરો છે. જલદીથી રહેવા આવી જા. આરતીદેવીએ કહ્યું. અને નમને આભાર માની આરતીદેવીની વિદાય લીધી.

ન્યારી નમનને દરવાજા સુધી વળાવવા ગઇ અને કહ્યું : 'નમન, મમ્મીની પરમિશન મળી એટલે તમારું કામ પતી ગયું. બાકી એની પરીક્ષામાં પાસ થવાનું બહુ જ મુશ્કેલ છે. લોકો અઢાર ગરણે પાણી ગાળે તેવાં હોય છે, પણ મારી મમ્મી તો એકસો અઢાર ગરણે પાણી ગાળે તેવી છે. તમે નસીબદાર છો. આવજો.' કહી ન્યારીએ ઝાંપો બંધ કર્યો.

એ વાતને પંદર દિવસ વિતી ગયા. પણ ન્યારીએ પોતાને બંગલે રહેવા આવવા માટે નમન સાથે વાત પણ ન કરી. એટલે નમન મકાનભાડા અંગે વાત કરવા અડધી રજા લઇને આરતીદેવીને મળવા તેમના ઘેર પહોંચી ગયો.

સાંજે ઓફિસેથી ન્યારી ઘરે આવી, ત્યારે બહારથી જ એને લાગ્યું કે એની મમ્મી કોઇની સાથે વાતોમાં મશગૂલ છે. ડોરબેલ વગાડયા જ વગર એ બારી પાસે ઉભી રહી. અંદરના રૂમમાંથી નમનનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. અને આરતીદેવી કહી રહ્યા હતાં : 'નમન, મેં જે વચનની તને તે દિવસે વાત કરી હતી ને...'

'હા, આન્ટીજી, વચન વિષે જાણવા માટે તો હું ન્યારીની ગેરહાજરીમાં તમને મળવા આવ્યો છું, ઓફિસમાંથી રજા લઇને' નમને કહ્યું.

'હા, બેટા વચન પણ તારા જેવો જ ઊંચો, ગૌરવર્ણ, નિષ્પાપ આંખો, નમ્ર, અને મિલનસાર સ્વભાવનો હતો. વચન બે વર્ષ પહેલાં ન્યારીની ઓફિસમાં એની સાથે કામ કરતો હતો. ન્યારી જ એને અહીં લઇને આવી હતી, બીજી સગવડ ન થાય, ત્યાં સુધી અહીં રહેવા માટે અને વચન મારી નજરમાં વસી ગયો હતો. મમ્મી-મમ્મી કહેતાં એનું મોં ન સુકાય એવો લાગણીશીલ સ્વભાવ. ન્યારી કશું બોલતી નહોતી પણ ઓફિસના વચન માટે એ પણ કૂણી લાગણી ધરાવતી હોય એવું એના ચહેરા પરથી લાગતું હતું. એના મનની વાત જાણવાની મેં કોશિશ કરી. વચન પણ ન્યારી સાથે લગ્ન કરવા તૈયાર હતો. એણે ભગવાનની સાક્ષીએ મારી વાત કબૂલ રાખી હતી. અને પોતાનાં માતા-પિતાને પૂછવા માટે મુંબઇ ઉપડી ગયો હતો. બિચારી ન્યારી વચનની રાહ જોઇજોઇને અડધી થઇ ગઈ, પણ વચન પાછો ન આવ્યો. ત્યારથી ન્યારી કોઈ યુવકનો છાંયડો પણ લેતી નથી. નમન, તું ભાગ્યાશાળી છે કે તને એ અહીં લઈ આવી.' મમ્મીની આખી વાત ન્યારી સાંભળી રહી હતી.

'તમે ચિંતા ન કરશો આન્ટીજી, ન્યારી ખુશ રહે એવું જ આપણે કરીશું., હું તો એકલો - અટૂલો છું. નાનપણમાં જ મારાં માતા-પિતાની શીળી છત્રછાયા ગુમાવી હતી. દાદાજીએ ઉછેરીને મને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો... મારે કોઇને પૂછવાનું નથી. હું મારી મરજીનો માલિક છું.' નમને કહ્યું.

'હમણાં આ વાત આપણે બે જ જાણીએ વચનની જગા લઇને તું ન્યારી જોડે... બોલતાં બોલતાં આરતીદેવીનું હૈયું ભરાઈ આવ્યું અને ન્યારીએ બેલ દબાવ્યો. બારણું ખોલવા નમન જ આવ્યો. ન્યારીને જોઇને નમન ઝંખવાણો પડી ગયો.'

ન્યારીએ પણ કશી પૂછપરછ ન કરી. બન્નેને વાત કરવાની અનુકૂળતા કરી આપવા માટે આરતીદેવી આરામ કરવાના બહાને ઉપરના માળે પોતાના બેડરૂમમાં પહોંચી ગયાં.

અને નમને હરખભેર કહ્યું : 'મમ્મીની હૈયાવરાળ સાંભળવી હતી, એટલે જ તમારી ગેરહાજરીમાં આવ્યો હતો. એ અપરાધ બદલ માફી માગું છું.'

'મિ. નમન, હું તમને એક વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માંગું છું કે તમે કશી ગણતરીથી આ ઘરમાં રહેવા આવવા માગતા હો, તો એ ખ્યાલ મનમાંથી કાઢી નાખજો. શું સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણ કે લગ્નોત્સુક દ્રષ્ટિકોણ વગરના અન્ય કોઈ સંબંધો જ ન હોઈ શકે ?'

મિ. નમન, મેં મારા હૃદય દ્વારે લગ્ન સંબંધ માટે તાળું વાસી દીધું છે. મમ્મી મારી ચિંતા કરીને તમને કોઈ ખાસ ગણતરીથી અહીં લાવવા ઉત્સુક બની છે. એ હું જાણું છું. પણ મારે એવી ગમતરીથી તમને અહીં નથી નોતરવાં. મારા મનમંદિરમાં એક માનવદેવને પ્રતિષ્ઠિત કરવાનો મારો મહોત્સવ હું યોજી ન શકી, એટલે મારી સમગ્ર આરાધનાને જ ખોટી ઠેરવવાનો પ્રયત્ન એ મારી જાત સાથેની છેતરપીંડી ગણાશે. હું એવી છેતરપીંડી કરવા નથી માગતી જીવન એ કોઈ સોદો નથી કે એક ગોઠવણ પાર ન પડી એટલે તરત બીજી ગોઠવણ કરવા દોડી જવું. આને મારી ઘેલછા ન ગણશો. નમન, મારો નિર્ણય અભિશાપ છે કે વરદાન એની વ્યાખ્યા કરવાનો અધિકાર હું કોઇને આપવા માંગતી નથી. મારું એકાંત મને મુબારક. મિ. નમન, મને અને મમ્મીને એક સ્વજનની હૂંફ જોઇએ છે. મારે તમને આ ઘરના જમાઈ બનાવીને પારકાંમાંથી પોતાના નથી બનાવવા. મારે પણ તમારી ઉંમરનો એક ભાઈ હોત, જો એ ગુજરી ન ગયો હોત તો. બોલો, મમ્મીના દીકરા તરીકે આવવું છે આ ઘરમાં ? બાકીના બધા દરવાજા તમારે માટે બંધ છે. મેં કહ્યું એ રીતે આવવું હોય તો સ્વાગત, નહીં તો રહેજો ખામોશ.

ન્યારીની વાત સાંભળીને નમન સ્તબ્ધ થઇ ગયો. ન્યારીનું દૈદીપ્યમાન વ્યક્તિત્વ જોઇને નમને મનોમન તેને વંદન કર્યાં અને કશું પણ બોલ્યા વગર એણે વિદાય લીધી હતી.

એ વાતને અઠવાડિયુ વીતી ગયું. આરતીદેવી નમનને બહુ જ યાદ કરતાં હતાં. ન્યારી ઓફિસમાં પણ નમનને મળવાનું ટાળતી હતી. એક દિવસ વહેલી સવારે ઉઠીને ન્યારી બ્રશ કરવા જતી હતી, ત્યારે તેના બંગલા આગળ એક ટેક્સી આવીને ઊભી રહી. ટેક્સીમાં કોણ આવ્યું હશે તે જાણવા ન્યારી બહાર ઓટલા પર આવી. ત્યારે તેણે એક સૂટકેસ લઇને ટેક્સીમાંથી ઉતરતા નમનને જોયો. નમન બંગલાનો ઝાંપો ખોલી અંદર પ્રવેશ્યો પણ ન્યારી ચૂપ હતી.

ન્યારી કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર નમન સામે જોઈ રહી હતી. એટલામાં જ પાછળ આરતી દેવી આવીને ઊભાં રહ્યાં. તેઓ નમનને આવતો જોઇને આનંદથી નાચી ઊઠયાં. અને નમનને આવકારવા દોડી ગયાં. નમને આરતીદેવીને વંદન કરીને કહ્યું : 'મમ્મીજી, સ્વાગત્ માટે તૈયાર થઇ જાઓ. તમારો દીકરો આવ્યો છે. ન્યારી તો લાખોમાં એક છે. મમ્મીજી પત્ની થવા તૈયાર થાય એવી છોકરીઓ તો ઘણી મળી જશે, પણ મારા જીવનમાં બહેનની ખોટ પૂરી શકે એવી તો તમારી પુત્રી ન્યારી જ છે. હું એને ખોવા નથી માંગતો. લોહીની સગાઈવાળું તો કોઈ હવે રહ્યું નથી. લાગણીની સગાઈએ જેને બહેન માની લીધી એને ગુમાવી બેસું તો આખી દુનિયામાં મારું કહી શકાય એવું રહે પણ કોણ ? આપણે બંદા તો અહીં જ તમારી સાથે રહેવાનાં, ચાલશે ને ન્યારી દીદી ?'

નમનના શબ્દો સાંભળી ન્યારી હળવી ફૂલ થઇ ગઈ. જિંદગીએ ઘણીવાર એને છેતરી છે પણ આજે એણે જિંદગીને પહેલીવાર છેતરી. બીજે દિવસે નમન વહેલી સવારે ઉઠયો ત્યારે એના રૂમના દરવાજે એણે બોર્ડ જોયું. નમન સદન, ન્યારીના ભાઈનું ઘર ! એને લાગ્યું કે ઉપરવાળા પાસે માણસની સગાઈનો ચોખ્ખો ને ચટ હિસાબ છે. કોનો કયા સંબંધે મેળાવ કરાવવો એનું આયોજન ભગવાન, આપને મુબારક.


Google NewsGoogle News