દરદીઓનાં જીવ બચાવતી નર્સોનું જાતીય શોષણ અને હિંસક હુમલા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
દરદીઓનાં જીવ બચાવતી નર્સોનું જાતીય શોષણ અને હિંસક હુમલા 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- નર્સનો વ્યવસાય ખરેખર પવિત્ર અને ઉત્તમ છે. આ ક્ષેત્રમાં  એવો નિયમ છે કે નર્સને  કોઈ વ્યક્તિ સ્પર્શ પણ ન કરી શકે કે તેને માનસિક રીતે પરેશાન પણ ન કરી શકે

કો લકાતાની  આર.જી.કાર હોસ્પિટલમાં  ગયા મહિને  ડોક્ટરના  બળાત્કાર અને પછી હત્યાની  હિચકારી  ઘટનાએ દેશ વ્યાપી  વિરોધનો વંટોળ ફેલાવ્યો હતો.  હોસ્પિટલના  બિછાને  પડેલા દરદીની  દિવસ-રાત સેવા કરતી, તેમને માંદગીમાંથી  ઉગારીને  બેઠાં કરતી મહિલા ડોક્ટરો કે નર્સોનું  તેમની સાથે કામ કરતાં ડોક્ટરો અને પેશન્ટો જ જાતીય શોષણ  કરતાં હોય એથી વધુ નિંદનીય બીજું શું  હોઈ શકે?

નર્સનો વ્યવસાય ખરેખર પવિત્ર અને ઉત્તમ છે. આ ક્ષેત્રમાં  એવો નિયમ છે કે નર્સને  કોઈ વ્યક્તિ સ્પર્શ પણ ન કરી શકે કે તેને માનસિક રીતે પરેશાન પણ ન કરી શકે.  પરંતુ આજે આવા નિયમોને  કે નીતિમત્તાને ઘોળીને પી જવામાં આવે છે.

ડૉક્ટરના દવાખાના, નર્સિંગ હોમ કે મોટી હોસ્પિટલોમાં નર્સની સેવા ખૂબ જ અનિવાર્ય ગણાય છે. આ નર્સોને ઓછા પગાર અને કામકાજની અગવડતા ઉપરાંત ડૉક્ટરો અને દર્દીઓ પણ ખૂબ પરેશાન કરતાં હોય છે. જેની ચર્ચા બહારની દુનિયામાં તો   કોલકાતાની આર.જી. કાર હૉસ્પિટલ જેવો એકાદ બળાત્કાર અને હત્યાનો  કેસ થાય ત્યારે જ છાપે ચઢે છે.

કોલકાતામાં જે બન્યું તેવું જ મુંબઈમાં પાંચ દાયકા પૂર્વે બન્યું હતું. પરેલની કેઈએમ હોસ્પિટલમાં નર્સ અરુણા શાનબાગ પર બળાત્કારની ઘટના બાદ તે કોમામાં સરી પડી અને ૪૨ વર્ષે તેનું મૃત્યુ થયું. આ ઘટનાને  પાંચ    દાયકા વીત્યા છતાં આજે પણ કેઈએમની નર્સો અસલામતી અનુભવે છે. આટલી મોટી હોસ્પિટલમાં સલામતી વ્યવસ્થામાં હજી સુધારો નથી થયો.

પરેલની આ મ્યુનિસિપલ હોસ્પિટલમાં  થોડા સમય  પૂર્વે  નર્સોના વિનયભંગની ત્રણ ઘટના બની હતી. આને લીધે નર્સોએ બે દિવસની હડતાલ પાડવાની ફરજ  પડી હતી.

ફક્ત કેઈએમ હોસ્પિટલ જ નહીં અન્ય મોટી સાર્વજનિક હોસ્પિટલો નાયર, સાયન અને જેજે હોસ્પિટલમાં પણ સલામતી વ્યવસ્થામાં સુધારણાની જરૂર છે. દરદીના સગાસંબંધીઓને પૂરતી તપાસ વિના આવવા દેવામાં આવે છે. તેને કારણે હોસ્પિટલોના મહિલા સ્ટાફને જોખમ ઊભું થાય છે.

થોડાં વર્ષ પૂર્વેનો  ખૂબ જ ચકચારજનક મહાલક્ષ્મીની શક્તિ મિલ ગેન્ગ રેપ કેસનો આરોપી મોહમ્મદ કાસીમ હાફીઝ શેખ મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલના છઠ્ઠે માળેથી પકડાયો હતો. હોસ્પિટલના કોરીડોરમાં સંબંધી સાથે સૂતો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો હતો. હોસ્પિટલના ચોકીદારો મુલાકાતીઓ ઉપર નજર રાખવામાં બેદરકારી રાખે છે. હોસ્પિટલમાં મુલાકાતના સમયે તો ગમે તે માણસ અંદર આવી જતા હોય છે. ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા પણ કામ નથી કરતા.

આ પરિસ્થિતિ સંદર્ભે સાયન હોસ્પિટલના ડીન જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં દર વર્ષે  આશરે  નવથી દસ લાખ દરદીઓ આવે છે. દરેક દરદી સાથે ચાર-પાંચ સગા-સંબધી  આવતા હોય છે. લાંબા સમયથી ફરજ બજાવતી નર્સોએ જણાવ્યું હતું કે સલામતી વ્યવસ્થામાં કોઈ સુધારો નથી થયો.

ખેર, હૉસ્પિટલોની અંદર ડૉક્ટરો પેશન્ટો દ્વારા થતાં શોષણની વાત બાજુએ મૂકીયે તો રાજકારણીઓ અને સમાજની બીજી વગદાર વ્યક્તિઓ દ્વારા પણ નર્સોનું જાતીય શોષણ થાય છે.

મહારાષ્ટ્રના એક ભૂતપૂર્વ પ્રધાન શ્રીએ પોતાની પિતાની સંભાળ લેવા માટે ચારેક વર્ષ સુધી ચોવીસ કલાકની નર્સ ઘરમાં રાખી હતી. આ પ્રધાન-સાહેબના પિતા નર્સ રાખ્યા બાદ ટૂંક સમયમાં જ સ્વર્ગવાસી થયા હતા, પરંતુ પૂરા ચાર વર્ષ સુધી સરકારે નર્સનો પગાર ચૂકવ્યો અને નર્સે પ્રધાનશ્રીને ખાસ સેવાઓ આપી...

આજે આ નર્સ જાહેર કાર્યકર, સમાજસેવિકા બનીને એ વગદાર નેતાની સાથે જનતાની સેવા કરે છે અને નેતાજીનો થાક ઉતારે છે. નેતાજી ગામ, પરગામ જ્યાં થાય ત્યાં આ ભૂતપૂર્વ નર્સ સમાજસેવિકા રૂપે સાથે જ જાય છે. 

એક માજી પ્રધાન સાહેબ બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં એમની શારીરિક માંદગી દૂર થઈ, પરંતુ દિલની બીમારી ઘર કરી ગઈ અને એમણે છાશવારે એ ચોક્કસ નર્સની સારવાર મેળવવા હોસ્પિટલમાં જવાનું શરૂ કર્યું. કહે છે કે આજે આ નેતા પ્રધાન નથી, પરંતુ પેલી નર્સની સારવાર ચાલુ છે! 'દિલ કા  ડૉક્ટર' નામની એક ફિલ્મમાં પણ નર્સ અને ડૉક્ટર તથા રંગીન સ્વભાવના પુરુષ પેશન્ટોની ધમાચકડી બતાવી છે.

મુંબઈની એક ખ્યાતનામ ઇલેકટ્રોનિક્સ કંપનીના એક સિનિયર ઓફિસરને રાબેતા મુજબના મેડિકલ ચેકઅપ વખતે એક નર્સને જોઈને દિલની ધડકન એટલી હદે વધી ગઈ કે તેઓ દિલના દર્દી જ બની ગયા.

છાશવારે આ ઓફિસર એકબે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થઈ જતા. અને પેલી નર્સને તેઓ કંપનીના ખર્ચે રાઉન્ડ ધ ક્લોક ડયુટી પર હાજર રાખતા.

મુંબઈમાં જ નહિ, આખા દેશમાં પોતાના દિલની બીમારી અને હવસ સંતોષવા માટે નર્સનો ઉપયોગ કંઈ કેટલાયે બદચલન લોકો કરતા હોવાનું નવું નથી. નર્સોની પરેશાનીનો અંત કંઈ અહીં નથી આવી જતો.  ઘણી વખત તો નર્સો સારવાર લેતા કોઈ પાગલ, મનોરોગીના હુમલાનો ભોગ પણ બને છે.  કેટલાંક ઈશ્કી દિલફેંક દર્દીઓ  નર્સોને પોતાના  પ્રેમનો લફરામાં પણ ઘસડી જતાં હોય છે.

સરકારી હૉસ્પિટલોનો પ્રધાનો કેવી રીતે દુરુપયોગ કરતા હોય છે તેના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે,    જેમ કે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાને   તેમની સાસુની સેવા માટે જ સરકારી હૉસ્પિટલની નર્સોને જ ફરજ પાડવામાં આવી એવો કિસ્સો  પ્રકાશમાં આવ્યો હતો. 

કામા એન્ડ આબ્લેસ સરકારી હોસ્પિટલોની ત્રણ નર્સને આ વિશિષ્ટ સેવા માટે  નેપિયન્સી રોડ ખાતેના  મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને મોકલવામાં આવતી. પરંતુ ડયૂટીમાં મોડી રાત થઈ જતી હોઈ બીજા દિવસે ત્યાં ડયૂટી પર નહીં મોકલવાની વિનંતી નર્સોએ જ કરી હતી. તેઓએ આ અંગેની લિખિત ફરિયાદ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને પણ કરી હતી, પરંતુ સુપરિન્ટેન્ડન્ટે આ કામ તમારે કરવું જ પડશે, એવી સખતાઇ કરી હતી. જો ડયૂટી નહીં કરવામાં આવે તો બીજા જિલ્લામાં બદલી કરવામાં આવશે, એવી ધમકી પણ હૉસ્પિટલના અધિકારીઓએ આપી હતી.

આ પછી હૉસ્પિટલની તમામ નર્સોએ બીજા દિવસે સવારે સુપરિન્ટેન્ડન્ટની ઑફિસ બહાર જોરદાર દેખાવો કર્યા. આ પછી હૉસ્પિટલ તંત્ર ઝૂક્યું હતું અને નર્સોને બહારની ડયૂટી પર મોકલવામાં નહીં આવે એવી ઘોષણા કરતાં નર્સોએ આંદોલન પાછું ખેંચ્યું હતું. વીવીઆઇપીનાં સગાંની સેવા માટે નર્સોને હૉસ્પિટલ બહાર મોકલવી ખોટું છે કારણ કે એક વેળા આવી પ્રથા પડી ગઈ તો આવતી કાલે કોઈ પણ વીઆઇપી નર્સોને બોલાવતા થઇ જશે, તો હૉસ્પિટલોના પેશન્ટોની સારવાર કોણ કરશે? એટલું જ નહીં, હૉસ્પિટલની બહાર ગયેલી નર્સોની સલામતીનું શું?

પોતાની હવસ સંતોષવા માટે નર્સનો ઉપયોગ કરનારાઓનો એક ખાસ વર્ગ છે.  

જે શહેરથી દૂર પોતાના બંગલો કે ફાર્મ હાઉસમાં માંદગીનું બહાનું કાઢી પડયા પાથર્યા રહેતા આ ખમતીધરો નર્સની સેવાને બહાને પોતાના પરિવારને પણ અંધારામાં રાખે છે.

થોડાં વર્ષો પૂર્વે બિહારમાં એક પ્રધાનશ્રીએ એક નર્સ પર નજર ઠેરવી. નર્સે પ્રધાનની માગણી ઠુકરાવી અને નર્સની ખાતાવાર પરેશાની શરૂ થઈ. નર્સને એકથી બીજી જગ્યાએ બદલી કરી સતાવવાનું શરૂ થયું. એની સામે ખાતાવાર તપાસના હુકમો નીકળ્યા અને આ બધી હુકમશાહી છતાં નર્સેે ઝૂકવાનો ઇનકાર કર્યો ત્યારે એક રાતે એ નર્સનું ખૂન થયું.... આ ખૂનનો આરોપી આજ સુધી લાપત્તા હોવા છતાં લોકો માને છે કે માનનીય પ્રધાનશ્રીના આ ખૂનથી હાથ ખરડાયેલા છે. 

અનેક નર્સોએ સત્તાધીશો કે સંપત્તિવાનોના સકંજામાંથી છૂટવા માટે નોકરીઓ છોડી દીધી હોવાના અનેક કિસ્સા બન્યા છે, પરંતુ દરેક નર્સ આટલી હિંમતવાળી નથી હોતી. અને પાપી પેટને ખાતર નોકરી કર્યા વિના ચાલતું ન હોય એવી કમનસીબ નર્સોને ક્યારેક ને ક્યારેક હવસખોરોની ઇચ્છાનો શિકાર બનવું પડે છે.

સિવિલ હૉસ્પિટલની નસગ સ્કૂલ ખાતે પૌષ્ટિક ખોરાક ન મળતો હોવાને કારણે તાલીમી નર્સોમાં ટી.બી. જેવા ચેપી રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ખૂબ જ ઓછી હોય છે. કેટલીક નર્સોને તો દર વર્ષે ટી.બી.ની સારવાર માટે છ મહિનાની લાંબી રજા પણ આપવી પડે છે.

કેન્દ્ર સરકારે તમામ તાલીમી નર્સોને ભોજનાલયમાં ભોજન લેવા, યુનિફોર્મ માટે, કપડાં ધોવા તથા રિસ્ક એલાઉન્સ તરીકે ૩૦૦ રૂપિયા આપવાની ભલામણ કરી હોવા છતાં આ હૉસ્પિટલમાં તાલીમી નર્સોને તે એલાઉન્સ આપવામાં નથી આવતું.

ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ રેગ્યુલેશન્સ મુજબ કોઇ પણ હૉસ્પિટલના વૉર્ડમાં દર ત્રણ દર્દીઓ દીઠ એક નર્સ હોવી જોઇએ, પરંતુ આ નિયમમાં ઘણી હૉસ્પિટલોમાં અમલ નથી થતો અને રાતની પાળીમાં એકસો (૧૦૦) દર્દીઓની સંભાળ લેવા માટે ફક્ત એક કે બે જ નર્સ હોય છે.

ચાર વર્ષ પૂર્વે મુંબઈની એક ખ્યાત-નામ હોસ્પિટલના એક ટ્રસ્ટીએ ઓન ડયુટી આર.  એમ. ઓને પોતાના માટે પસંદગીની શ્રેષ્ઠ નર્સ ઘરે મોકલવા કહ્યું. ડૉક્ટર સાવ નવો હોઈને સમજ્યો કે ટ્રસ્ટી-સાહેબ બીમાર હશે એટલે તેણે એક પ્રૌઢ અને અનુભવી નર્સને ટ્રસ્ટીને ત્યાં જવા કહ્યું. નર્સ એ ટ્રસ્ટીને જાણતી હોઈ તેણે ટ્રસ્ટીના ઘરે જવા ઇનકાર કરી દીધો. ડૉક્ટરે નર્સ સામે શો-કોઝ નોટિસ કાઢી અને નર્સ વતી નર્સોના યુનિયને જે જવાબ આપ્યો તે જાણીને આર. એમ. ઓ. ડરી ગયા. તેમાં કહેવાયું હતું કે જો કોઈ પણ નર્સને સંબંધિત ટ્રસ્ટીને ત્યાં પરાણે મોકલવાનો પ્રયત્ન થશે તો હોસ્પિટલમાં હડતાળ થશે. ત્યારે જ ડૉક્ટરને અંદાજ આવ્યો કે હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે અને તેમણે નર્સની માફી માગી એટલું જ નહિ, ટ્રસ્ટીને પણ એનું સ્થાન બતાવી આપ્યું.

એક ખાનગી હૉસ્પિટલ સાથે સંકળાયેલી નર્સ કહે છે કે નર્સોનો કોઈની હવસ સંતોષવા માટે જો બહોળો ઉપયોગ થતો હોય તો તે પણ કદાચ સરકારી હોસ્પિટલોમાં જ થતો હશે.

મુંબઈની એક સરકારી હોસ્પિટલમાં કેટલાક આર. એમ.ઓ. યાને સ્થાયી તબીબોએ કેટલીક નર્સોને આ કામ માટે ખાસ મજબૂર કરી હતી અને કેટલાક સરકારી ઓફિસરો તથા પ્રધાનોએ આ ખાસ સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો એવી વાતો બે વર્ષ પહેલાં ભારે ચર્ચાનો વિષય બની હતી આજે પણ આવું નથી બનતું કે નહિ બનતું હોય એમ કહેવાનું મુશ્કેલ છે.

કેટલીકવાર ડોક્ટરો તેમની મનપસંદ નર્સને પોતાના તાબે કરવા તેની પર ખોટા આરોપો મૂકે છે.  તેમની ભૂલો કાઢીને  શિસ્તભંગના પગલાં લેવાની ધમકી આપે છે.  બાપડી નર્સ પોતાની નોકરી ચાલી જશે એ ડરે ડોક્ટરબાબુને તાબે થાય છે.

હોસ્પિટલમાં નર્સોનું જાતીય શોષણ થાય છે તે વાત હવે સૌ જાણે છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હજું તો નર્સિંગનો અભ્યાસ કરતી હોય તેવી કન્યાઓને પણ છેડતી અને બીજી બીભત્સ ચેષ્ટાનો ભોગ બનવું પડે છે. તેમાંય થોડાં વરસ પૂર્વે વિશાખાપટ્ટણમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં બનેલો કિસ્સો તો ખરેખર નિંદનીય છે. આ સંસ્થામાં પ્રવેશ માટેની લાયકાત માટે વિવિધ પ્રકારની ટેસ્ટ લેવામાં આવતી હતી. જેમાં કેટલીક યુવતીઓ અરજીમાં લખ્યા મુજબ કુંવારી છે તે સાબિત કરવા તેમની વજાઈનલ  (પીવી) ટેસ્ટ લેવામાં આવી હતી. રાયપુરની ડી. કે. સરકારી હોસ્પિટલમાં પણ આવા કૌમાર્ય પરિક્ષણનો કિસ્સો બહુ ચગ્યો હતો.

ફ્લોરેન્સ નાઇટિંગલ જોડે સરખામણી થાય તેવી દયાની દેવી ગણાતી નર્સોની આદર્શ વાતો વાગોળવા માટે સારી છે. બાકી ક્યાં આજની શોષાતી, પીડાતી અને અપમાન સહન કરતી પગારદાર નર્સો. દયાની જે દેવી દર્દીને નવું જીવન અને નવી આશા બક્ષે છે તેની જ સાથે ખૂબ જ તુચ્છ વર્તાવ રખાય છે. હૉસ્પિટલોમાં ફક્ત સ્ત્રી નર્સો જ હોય છે એવું નથી. પુરુષ નર્સ પણ હોય છે. પરંતુ નર્સિંગની સેવા બજાવતા પુરૂષોને આવી બધી કઠનાઈઓનો સામનો કરવો નથી પડતો.

ટૂંકમાં, બીજા વ્યવસાયની માફક શોખીન, હવસખોર પુરુષોએ દાકતર અને નર્સના વ્યવસાયમાં પણ સ્ત્રીઓને અભડાવવાની હરકત છોડી નથી. 


Google NewsGoogle News