Get The App

ભાદરવો: શ્રાવણની ચંચળતા અને આસોની ગંભીરતા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ભાદરવો: શ્રાવણની ચંચળતા અને આસોની ગંભીરતા 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- સૌથી વધારે આકાશમાં વાદળોનાં વ્હાણની હેરાફેરી ભાદરવામાં જ થતી હોય છે. પક્ષીઓ શાંત થઇ જાય છે. પક્ષીઓ, પુષ્પો આકાશ તરફ સૂરજની રાહ જુએ છે મીટ માંડી રહ્યાં છે.

શ્રા વણે કરેલી ભોળાનાથની પૂજાનો લાભ ભાદરવાને પણ પ્રાપ્ત થાય છે. આમ તો ભાદરવો હિંદુ પંચાંગ મુજબ અગિયારમો મહિનો છે અને સપ્ટેમ્બર અંગ્રેજી કેલેન્ડર અનુસાર નવમો મહિનો છે. લોકોને જેટલો સપ્ટેમ્બર યાદ રહે છે એટલો ભાદરવો નથી રહેતો. પણ ભાદરવાનો ભાવ અને ભય એટલાં બધાં કે એ ભય અને પ્રીતિને કારણે જ યાદ રહે છે. હમણાં ભાદ્રપદના આગમને જ જળ જોગણ બની ! જોયું ને ? ભાદરવામાં વાડો ઉપર વેલીના શણગાર જોવા મળે. ઝાડ પાન ન્હાઈ ધોઈ તાજાં તાજાં થયેલાં લાગે. આકાશની સ્થિતિ જ અનિશ્ચિત સવારે સૂરજ લઇને નીકળે પછી સૂરજ સંતાડે... પછી વાદળો આવે, પછી અંધારું ફેલાય. પછી વીજળી થાય. વરસાદ આવે. પણ પેલાં સપ્ટેમ્બર જેવું કશું નક્કી નહિ, સમય ચોક્કસ નહિ, નિયત નહિ પણ નિયતિને વફાદાર ભાદરવો!! સૌથી વધારે આકાશમાં વાદળોનાં વ્હાણની હેરાફેરી ભાદરવામાં જ થતી હોય છે. પક્ષીઓ શાંત થઇ જાય છે. પક્ષીઓ, પુષ્પો આકાશ તરફ સૂરજની રાહ જુએ છે મીટ માંડી રહ્યાં છે. પણ... પક્ષીઓ પણ વાદળથી છેતરાય છે. વાદળ એ આચ્છાદન છે. ઢાંકે છે. ભાદરવો ચાલાક છે. સૂર્ય જેવા સત્યને સંતાડે છે. અને તડકાના તાકાઓ આકાશના વ્હાણમાં સંતાડી રાખે છે. એ વ્હાણમાં પાણીના ટાંકાઓ ભર્યા હશે કે શું ? ભાદરવાને કહો કે એક ઝાપટું આપો. તો ભાદરવો ધારે તો ટીપુંય ન આપે. અને આપે તો ભોળાનાથની જેમ રેલમ છેલ કરી દે. વડોદરાવાસીઓને કરગરવું પડે. સૌરાષ્ટ્રવાસીઓને કાકલૂદી કરવી પડે. દક્ષિણ ગુજરાતને બે હાથ જોડવા પડે. માને તો ભાદરવો શાનો ? અગાઉ કહ્યું ને શ્રાવણે કરેલી પૂજાનો લાભ ભોળાનાથે ભાદરવાને આપી દીધો છે.

ભાદરવાને પંખીનાં ચણનો, વાંદરાંના નિવાસનો, કીડીના દરનો, પશુના આહારનો કોઈ ખ્યાલ જ નહિ આવતો હોય ? એનો પૃથ્વીવાસી પ્રત્યે ભાવ છે ? પ્ર-ભાવ છે ? કે દુર્ભાવ છે ? હેલીના દિવસોમાં કેટકેટલા નિસાસા ભાદરવાના ભાગ્યમાં લખાતા હશે ? ભાદરવો કરફ્યૂ લાગુ કરે ત્યારે પોલિસખાતું સ્તબ્ધ થઇ જતું હશે ને ? ભાદરવો ના વરસે ત્યારે આકાશમાંથી જે બાફ સર્જાય.. એ બફારો તમને સંસાર વિમુખ થઇ જવાની પ્રેરણા આપે એવો ! હવે કહો ભાદરવો ભીંજવે, તાણી જાય કે ગભરામણ આપી જાય ? ત્રણેય.... ભાદરવો અકળ છે. ભાદરવો ભોળો પણ છે અને ઘેલો પણ છે. ભાદરવો ભીંજવીને પ્રેમ કરે અને વધારે વરસીને ભય પણ પમાડે એવો મહિનો છે.

ભાદરવાના દિવસો નરી સજીવતાના દિવસો છે. કોઠારમાં ભરેલા જૂના દાણા, સંઘરેલું કઠોળ તપાસવું જ પડે. તે ધાનમાં અસંખ્ય જીવ પડે. ખાટલાય ખંખેરવા પડે. એમાંય માંડક હોય. મચ્છરો પણ વધે. ભાદરવાની જેવી જબરી હેલી હોય એવો જબરો તાપ પણ હોય. ભાદરવાના તાપને ઓતરા ચિતરાનો તાપ કહે છે. ભાદરવાની પૂર્ણિમાનો મહિમા પણ મોટો છે. એ પૂર્ણિમાના દિવસે અંબાજી સુધી શ્રદ્ધાની કતાર જામે છે. શ્રદ્ધાના ઘોડાપૂર આવે છે. ભાદરવા સુદ બીજને દિવસે ગામડામાં ગાયો, ભેંસોનું દૂધ વેચાય નહિ. પાડાં વછેરાં પીએ. વધે તો ગામમાં જરૂરિયાતવાળાં ને વહેંચાય. સૌ ખીર કરીને ખાય. ભાદરવામાં ખીર-(ક્ષીર) નોય મહિમા ભારે. સુદ આઠમે ધ્રો આઠમ આવે. ગામમાં બધાં ધરોઆઠમ કહે. તે દિવસે બહેનો ચાર લેવા ન જાય. ધરો તોડાય નહિ. શ્રાવણની ચંચળતા અને આસોની ગંભીરતા બંને માસના ગુણોનું મિશ્રણ ભાદરવો ધરાવે છે. ભોળપણથી એ ધાન્યના ઢગલા કરે છે અને ઘેલછામાં પૂર જેવી તારાજી સર્જે છે.

ભાદરવાની પ્રકૃતિ અકળ રહી છે. એકતરફ આરાસુરી માના પગમાં આળોટે, બીજી તરફ ખેતરોમાં બંધાયેલાં કણસલાંમાં દાણા પાકા થાય છે. છોડવે છોડવે જીવ મોટો થાય છે. પિતૃદેવની સ્મૃતિનો મહિનો છે. છત્રી લઇને નીકળ્યા હો તો ખોલવી ના પડે. અને છત્રી લીધા વગર નીકળ્યા હો તો ભીંજાઈ જાઓ એ ભાદરવો ! ભાદરવાને ભાદ્રપદ કહેવામાં આવે છે. શ્રાવણ શંકરની તો ભાદરવો શંકરસુતની આરાધના કરે છે.

ગુજરાતી રૂઢિપ્રયોગમાં કોઈ વધારે રડે, મુશળધાર રડે એવું ક્યારેક આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહે છે એવું કહેવાય છે. ખાઈપીને પુષ્ટ થયેલા, ખડતલ માણસને 'ભાદરવાની ભેંસ' કહે છે. ભાદરવામાં ભેંસને પાણીમાં પડયા રહેવાનું વધારે ગમતું હોય છે. 'ભાદરવાની ભેંસ, ચરવું થોડું ને તરવું ઘણું' એવી કહેવત પણ છે. જેમ કલેડા પર મેંશ વધુને વધુ જામે તેમ ભેંસ મસ્તીમાં આવીને તોફાને ચઢે ત્યારે આવી કહેવત વપરાય છે - 'ભાદરવાની ભેંસ ને કલેડાની મેંશ'... 'ભાદરવાની ભેંસે પાડો જણ્યો' કોઈ નાની સિદ્ધિ મળી હોય અને મોટી કરીને કોઈ દેખાડે ત્યારે આવી કહેવત વપરાતી હોય છે 'ભાદરવાનો ભીંડો ફાટે અને વિવાહે ફાટે વહુ' આવી કહેવત પણ છે. જનો મતલબ લગ્ન આવે એટલે વહુ વધારે વટ મારતી હોય છે તેવી રીતે ભાદરવો આવે એટલે ખૂબ મોટો થઇને ભીંડો પણ વટ મારી ફાટી જતો હોય છે.

ગણપતિબાપાનું પર્વ બની ગયેલો આ પવિત્ર માસ ભાદરવાને માતાજીનો મહિનો પણ ગણવામાં આવે છે. ભાદરવાના ભાગ્યમાં અપયશ હોય છે પણ ભાદરવો ઓછા યશનો અધિકારી નથી... એ ભુલાવું ન જોઇએ. ભાદરવા પાસે અષાઢની ચંચળતા અને આસોની માંગલિક ગંભીરતા બંને હોય છે.


Google NewsGoogle News