નટરાજની ભૂમિનો નૃત્યાનંદ : શક્તિપર્વનો રાસશૃંગાર!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- શિવસૂત્રનું પ્રથમ જ સૂત્ર છે : નર્તક: આત્મા! આપણો આત્મા નર્તન કરી રહ્યો છે! આ પણ જીવનો શિવ સુધી પહોંચવાનો માર્ગ છે!
ન વરાત્રિ ઉલટું વિશ્વના લોંગેસ્ટ રનિંગ ચીઅરફુલ એન્ડ કલરફૂલ સોંગ એન્ડ ડાન્સ યૂથ ફેસ્ટિવલ તરીકે વિશ્વવિખ્યાત થતી જાય છે. દેશ અને દુનિયામા પ્રદેશનું નામ ઝગમગતું રાખવું અને આઘુનિકતાનું આકર્ષણ પેદા કરી ગુજરાતી સ્પેશ્યાલિટીનુ બ્રાન્ડિંગ કરવું કંઈ આસાન કામ નથી. ગુજરાતમાં ફક્ત પીડિતો, ગરીબો અને કિસાનો જ રહેતા નથી. એમાં થનગનતા યુવક-યુવતીઓ પણ રહે છે. એમાં ગામડાઓ કામ કર્યા વિના પણ ટકી શકે, એટલી પ્રોડક્ટિવિટી (ઉત્પાદકતા) ધરાવતા શહેરો પણ મોજૂદ છે. આ બધા (અર્બન, સેમી અર્બન યંગસ્ટર્સ, ટીનએજર્સ) પણ જીવતાજાગતા હાડચામના માણસો છે. એ કંઈ પૈસા, ગ્રાન્ટ, સરકારી યોજનાઓની સહાય, મફત વીજળી કે દાણાપાણી માંગતા નથી.
એ માંગે છે મુક્તિ અને મસ્તીનો થોડો મજેદાર માહોલ. ધે વોન્ટ ફ્રીડમ ફોર ફન. આનંદ કરવા માટે, ઉછળવાકૂદવા માટે એમના હોર્મોન્સ એક્ટિવેટ થયેલા છે. કુદરતમાં માણસ સિવાયના દરેક પશુપંખીને ઈચ્છે તે મુજબ (અને મરજી પડે તેની સાથે) થિરકવા-ટહૂકવાની આઝાદી છે. જો સમાજની છેડે ઉભેલાના પણ 'હ્યુમન રાઈટ્સ' (માનવ અધિકાર) હોય, તો સમાજની વચ્ચે ઉભેલાના 'પ્લેઝર રાઈટ્સ' (આનંદ અધિકાર!) કેમ ન હોય? (આપણે 'ઉપર' ઉભેલાઓની ફિકર નથી કરતા, એ લોકો તો એમના અધિકારોનો ભોગવટો ગમે ત્યારે કરવા શક્તિમાન હોય છે!) સંગીતનૃત્યનો ઉન્માદ તો વેદકાળથી માણસને વગર મહેનતે 'દેવ' બનાવતો આવ્યો છે! ખરેખર તો માણસની તલાશ જ જીંદગીમાં 'પ્લેઝર પોઈન્ટસ' કે 'મેરી મોમેન્ટસ' યાને ખુશીના ખજાનાની હોય છે. તમે એમાં પૈસા ન આપો. સમય ન આપો. શ્રમ ન આપો. સાધન સગવડો પણ મફત ન આપો. પણ કમસે કમ સાથે હરવાફરવાની, હળવામળવાની અને ગાવાનાચવાની છૂટ તો આપો! જુવાન દીકરા-દીકરી કંઈ દસ્તાવેજ કરીને ખરીદેલો ફ્લેટ છે કે એમના પર સતત તાળા મારી રખાય? એ કંઈ બિલ ચૂકવીને ખરીદેલું ટીવી છે કે એનું રિમોટ કંટ્રોલ સતત ઓપરેટ કરતાં રહેવું જોઈએ?
કોઈ પણ વાતમાં કશીક છૂટછાટ, નવીનતા, આઘુનિકતા કે ઉલ્લાસ હોય ત્યાં તરત જ એમાં જે ખરાબમાં ખરાબ શક્યતા હોય, એ જ આપણી જનતાને મોટી દેખાય છે! ગ્લોબલાઈઝેશનમાં મૂકેશ અંબાણી કે રતન તાતા બીજી કંપનીઓ ખરીદી શકે, એ એમને સૂઝે જ નહિ પણ મલ્ટીનેશનલ ભારતમાં આવે એ અગાઉથી એના મરશિયા ગવાવાના ચાલુ થઈ જાય! ડિટ્ટો, નવરાત્રિ! ગુજરાતી ગૃહિણીઓને 'રસોડાની રાણી'માંથી 'રાસની રાતરાણી' બનવામાં એની પોતાની મોકળાશના બે-ચાર કલાક મળે છે, અને થોડા ઠુમકા લગાવે તો ઉપર-નીચે વધવાને બદલે ફક્ત ફાંદની ઉપર જ ચરબી વધે એવું ફિગર મેઈન્ટેઈન પણ થાય! આપણે સ્ત્રીને એની મરજી મુજબ મ્હાલવાના, મોજ કરવાના, રખડવાના કેટલા કલાકો સમાજીક વાતાવરણના સંદર્ભે પણ આપીએ છીએ? કેટલી છોકરીઓને ટ્રેેકિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સની ફ્રીડમ મળે છે. એમને શું એકલા ફિલ્મ જોવા જવાનું મન ન થાય? એમને જંગલો ખૂંદવાનો રોમાંચ ન થાય? એ જમીને શેરીની બહાર લટાર એકલી મારે એવા ખ્વાબ ન જૂએ? સ્ત્રીનો દેહ કે સ્વભાવ અલગ હોય, પણ સુખદુ:ખનો ઉમળકો કે ઉદાસી તો સમાન છે ને? ભારતભરની સ્ત્રીમાં ગુજરાતી નારી માટે નવરાત્રિની આ નવ રાતો કમસેકમ એની જાત સાથે વીતાવવાનો અણમોલ અવસર છે.
હરિવંશ (૨-૨૦-૧૫), વિષ્ણુપુરાણ (૫-૧૩-૧૫) અને ભાગવત (૧૦-૨૯-૧) ત્રણેમાં એકસરખું અદ્ભુત કાવ્યાત્મક વર્ણન શરદપૂનમની રાતની ઓપનિંગ સીક્વન્સનું છે : 'શરદની સુંદર રાતે આકાશમાંથી અમૃત વરસાવતો ચંદ્રમા, ડોલી ઉઠતા વૃક્ષો-વેલાઓ, અઢળક પુષ્પ-ફળોની મિશ્રસુગંધ ફેલાવતી લ્હેરખીઓ, કૃષ્ણની ફૂટતી રૂપસુંદર જુવાની, સ્વરૂપવાન દેહલાલિત્ય ધરાવતી યુવાન ગોપીસખીઓના સમૂહને લીધે જાગૃત થતી કામેચ્છા!...'
જવા દો, યંગ જનરેશન કદી જૂની ટેક્સ્ટસનો સ્ટડી કરતી નથી. ઓલ્ડ જનરેશન ગાંધીયુગમાં આવો અભ્યાસ કરતી, પણ પછી સંયમનિયમના ઓઠે એમને મનફાવે એટલું કાઢી નાખી, મોડેલોના રંગીન ફોટા ફાડીને અપાયેલા 'સાત્વિક' દેખાતા બ્લેક એન્ડ વ્હાઈટ મેગેઝીન જેવા વિચારો જ ફેલાવતી ગઈ. જે રૂઢ બની ગયા.
બેઝિકલી, ધ કોન્સેપ્ટ ઓફ રાસ ઈઝ નોટ ફોર ડિવોશન, બટ ફોર સેલિબ્રેેશન. નૃત્ય એટલે જ રાસ નહિ. રાસ એક આખી પ્રેમક્રીડાની ઘટના છે. નૃત્ય એનું એક અંગ છે. એક ભાગ છે. મૂળ શબ્દ છે : રાસ. અર્થાત્ આનંદપ્રમોદ, પ્રેમ. લવ એન્ડ જોય! વ્રજમાં તો રાધાકૃષ્ણના પ્રેમગીતોને 'રસિયા' કહેવાતા. હજુ પણ એક છંદને 'રસિયા' કહેવાય છે. રાસ લય છે, તાલ છે, રિધમ છે, બીટ છે. એમાં સાથે મળીને એકબીજામાં વીંટળાઈને થતો રાત્રિવિહાર 'રમણ' છે. ભલે, પ્રાચીન કાળમાં સંસ્કૃતમાં યુગલ નૃત્ય સાથે થતી થતી એવી 'અમારા તપ્ત (હોટ!) વક્ષ પર મસ્તક કે હાથ રાખવાની' વિનંતી આજની 'રમણી'ઓ શરમાઈને ન કહી શકે!
શિવસૂત્રનું પ્રથમ જ સૂત્ર છે : નર્તક: આત્મા! આપણો આત્મા નર્તન કરી રહ્યો છે! આ પણ જીવનો શિવ સુધી પહોંચવાનો માર્ગ છે!
રાવણે કૈલાસપતિને રાજી રાખવા રચેલા શિવતાંડવ સ્ત્રોતનો પાઠ તો આજકાલ ગુજરાતી ડાયરાઓની 'એન્ટરટેઇનમેન્ટ' ખાતર લોકો અર્થ સમજ્યા વિના સાંભળે છે. એવું જ શિવમહિમ્ન સ્તોત્રનું છે. તેમાં 'મહી પાદાધાતાત વ્રજતિ...'થી શરૂ થતી પેલી ચલતીની સ્પીડમાં ગવાતી 'જયતાડિતતરા'વાળી પંકિતઓ સાંભળીને પબ્લિક તાળીઓ પાડે છે. પણ એનો અર્થ નવરાત્રિના હાર્દિક સ્ટાઇલ સિક્સર જેવો છે:
'હે નટરાજ! નૃત્યની શરૂઆતમાં તમારા પગના ઠેકાથી આ ધરતી હાલકડોલક થઇ રહી છે. મંડલાકાર ઘૂમતા આપના બાહુઓથી આકાશમાં તારાઓના જૂથો આમથી તેમ ફંગોળાઇ રહ્યા છે. આપની વીખરાયેલી જટાના (નૃત્યની ગતિને લીધે) લાગતા ઝટકાથી બ્રહ્માંડ (લોલકની જેમ) ડોલી ઉઠે છે!'
યસ, ધેટસ ધ પાવરડાન્સ! જવાનીના જોશ અને એન્ટરટેઇનમેન્ટની એનર્જીનું ફયુઝન! કાલિદાસના 'મેઘદૂત'ના ૩૮માં શ્લોકમાં પણ પેલો પ્રેમવિરહી યક્ષ મેઘવાદળને લવ મેસેન્જર બનાવતી વખતે સૂચના આપતો કહે છે કે 'તું જયારે ઉજજૈનમાં સાંજના સમયે પહોંચીશ, ત્યારે મહાકાળનું સાયંનૃત્ય (ઇવનિંગ ડાન્સ!) ચાલી રહ્યું હશે, અને (પવનમાં લહેરાતા) ઉંચેરા વૃક્ષોનું વન એમના ચક્રાકારે ઘૂમતા હાથનો વેગ ઝીલી રહ્યા હશે!'
ડાન્સ ઇઝ લાઇફ. નટરાજનું નિરંતર, નિત્યનૂતન નર્તન એટલે જીંદગી. 'રાસ' ઓફ યુનિવર્સ!
શિવના પ્રથમ પત્ની મહારાજ દક્ષ પ્રજાપતિના પુત્રી. હિન્દી ફિલ્મોનાં ઠાકુર જેવા દક્ષને ઘૂર્જટિ (ભભૂતધારી) જમાઈ દીઠ્ઠો ન ગમે! દક્ષના યજ્ઞામાં શિવની અનિચ્છા છતાં શિવપત્ની ભૂતગણો સાથે ગયા અને પિતા દ્વારા પતિનું અપમાન સહન ન થતાં, યજ્ઞામંડપમાં જ પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી. આ ખબર જાણ્યા પછી પ્રિય પત્નીનો મૃતદેહ ખભે ચડાવીને શિવે ત્રિલોકને ધુ્રજાવતું તાંડવ શરૂ કર્યું અને એમની સંહારક મુદ્રામાંથી સર્વનાશ રોકવા વિષ્ણુએ સુદર્શનચક્ર ધુમાવી પત્નીના મૃતદેહના ૫૧ ટૂકડા કર્યા - જે ભારતમાં જયાં પડયા ત્યાં એક શકિતપીઠ રચાઈ..
નૃત્યકાર શિવની 'નટરાજ' મુદ્રા તો ભાવિકો જ નહિ, દુનિયાના કળાકારો અને વિજ્ઞાનીઓને પણ અખૂટ ચિન્તન કરવા પ્રેરે છે. અમેરિકાના મ્યુઝિયમમાં મોજૂદ એવી કાંસાની નટરાજપ્રતિમા હોય કે આપણા ઘરમાં રહેલો શોપીસ.. દરેકમાં એક અસુર જેવા ઠીંગણી આકૃતિ પર પગ મુકીને નટરાજ નૃત્ય કરતા હશે. એ આકૃતિનું નામ અપાસ્મારપુરૂષ છે. યાને અજ્ઞાનનું પ્રતીક ! શિવનું નર્તન એ જ્ઞાન નર્તન છે.
થોડા સમય પહેલાં બહુ ગાજેલો (અને એના પ્રમાણમાં ઓછો વરસેલો) પેલો લાર્જ હેડોન કોલાઇડરનો 'મહાપ્રયોગ' યાદ છે? બ્રહ્માંડની બિગ બેંગ થિયરી ચકાસતું અને ઉદ્દભવ પહેલાંની સ્થિતિનો અભ્યાસ કરતું વિશ્વભરના પાર્ટિકલ ફિઝિકસના ખેરખાં વિજ્ઞાનીઓના આ સંયુક્ત પ્રયોગનું વડું મથક સ્વીત્ઝર્લેન્ડના પાટનગર જીનિવા ખાતે છે. સીઇઆરએન-સર્ન નામે ઓળખાતી આ વિશ્વવિખ્યાત સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટના આંગણામાં જ ૨૦૦૪થી ૨ મીટર ઉંચી આપણા નટરાજની ભવ્ય પ્રતિમા શોભાયમાન છે! જે હમણાં જી ટવેન્ટી સમયે ઉભા થયેલા ભારત મંડપમ બહાર પણ સૌથી મોટી કાંસ્યપ્રતિમા તરીકે વડાપ્રધાન મોદી સાહેબે મુકાવી છે.
આમ કેમ? એનો જવાબ ૧૯૭૫માં પ્રકાશિત થયા પછી પચાસેક આવૃત્તિઓ પામી ચૂકેલા પુસ્તક 'તાઓ ઓફ ફિઝિકસ'માં છે. ૨૪ ભાષાઓ (આંશિક રીતે, યાને પાર્ટલી ગુજરાતીમાં પણ)માં અનુવાદ પામેલા આ પુસ્તકના એક પ્રકરણમાં સમગ્ર બ્રહ્માંડને નટરાજના નૃત્ય તરીકે રજૂ કરવામાં આવ્યું છે, અને એ પણ સાયન્ટિફિક આધારપુરાવાઓ સાથે! આ કિતાબના લેખક ડો. ફ્રિત્ઝોફ કાપ્રા વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી છે. દુનિયાના નામાંકિત રિસર્ચ ઈન્સ્ટિટયુટસમાં ભણી અને ભણાવી ચૂકેલ કાપ્રા સાહેબે શિવ અને નર્તન પરનો પ્રથમ અભ્યાસલેખ છેક ૧૯૭૨માં લખ્યો હતો.
કાપ્રા લખે છે : ગ્રીષ્મની નમતી બપોરે હું દરિયાકિનારે બેઠો હતો, અને ઘૂઘવતા સમંદરને જોઈ મને અનુભૂતિ થઈ કે આખું ય વાતાવરણ એક મહાન વિશ્વવ્યાપી નૃત્ય છે. હું મટીરિયલ ફિઝીકસનો સંશોધક એટલે જાણતો હતો કે મારી આજુબાજુના રેતી, પથ્થરો, પાણી, હવા બધું જ ગતિશીલ (ડાયનેમિક) અણુ- પરમાણુ અને લઘુકણો (પાર્ટિકલ્સ) બનેલું છે. જેમના વચ્ચે સતત ક્રિયા - પ્રતિક્રિયા ચાલે છે. પૃથ્વી પર હંમેશા ઉર્જાસભર કિરણોની ઝગમગતી વર્ષા થાય છે. જે બાહ્યાવકાશની ઊર્જામાં એક લય અને તાલ સર્જાય છે. મારા દેહના અણુ- પરમાણુઓ આ ઊર્જાના વિશ્વ વ્યાપી નર્તનમાં સામેલ છે. એક એ (અનાહત) નાદ સાંભળો તો જાણી શકો કે આ દુનિયા, ભારતીયો જેને નૃત્યના દેવ તરીકે પૂજે છે, એ શિવનું નૃત્ય છે!
નટરાજના નૃત્યના ભારતે પાંચ પરિમાણો કલ્પ્યા છે : સૃષ્ટિ (સર્જન), સ્થિતિ (સ્થિરતા), સંહાર (વિસર્જન), તિરોભાવ (માયા - ભ્રમણા - ફેન્ટેસી) અને અનુગ્રહ (પ્રેમ) આપણે જયારે મન મૂકીને, તન ઉલાળીને નાચીએ છીએ - ત્યારે આ બધું જ અનુભવીએ છીએ. આપણી અંદરની બ્રેેઈન ન્યુરોન્સ અને બ્લડ સેલ્સની દુનિયા બહારથી આપણે સ્થિર હોઈએ, ત્યારે ય સતત ગતિમાં હોય છે. ડાન્સ એ અંદરની પરમેનન્ટ સ્પીડને એકસપ્રેસ કરવાનો આપણા આત્માનો ઉમળકો છે. શિવસૂત્ર જ કહે છે : રંગોઅંતરાત્મા! આપણે આત્મા જ શાશ્વત નૃત્યનો એક રંગમંચ છે.
મહાચિત્રકાર મકબૂલ ફિદા હુસેને પહેલી વખત દુનિયા સામે એ વાત મૂકી કે, જગતમાં ઈમ્પ્રેશીસ્ટ, એબ્સ્ટ્રેકટ જેવી ચિત્રપરંપરા તો બહુ મોડી આવી, પણ દુનિયામાં એના હજારો વર્ષો પહેલા ભારતે સ્થિર
ચિત્રોને બદલે ગતિ, નૃત્ય, વૈવિધ્યને મલ્ટીલેયર્ડ થ્રી ડાયમેન્સનમાં કળાની અભિવ્યકિત કરવાની શરૂઆત કરી હતી! જેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત એટલે નટરાજની પ્રતિમાઓ, અને ચિત્રો! જી હા,એ વિશ્વની સર્વપ્રથમ એવી કળાકૃતિ છે - જેમાં સ્ટેન્ડિંગ પોઝિશનને બદલે ડાન્સિંગ પોઝિશન ઝીલાઈ છે. એક હાથમાં નર - નારીના અર્ધાંગ યાને અડધિયાંના મિલનથી સર્જાતા મિસ્ટિક મ્યુઝિકના પ્રતીકરૂપ ડમરૂ છે, જેના સાઉન્ટથી શિવ જીવના સર્જનનું સંગીત વહાવે છે. એકમાં પ્રલયનો અગ્નિ છે. એક વળી અભયમુદ્રામાં નૃત્ય કરતા કરતા જ પાર્ટનર્સને પ્રોટેકશન આપે છે. આહવાનરૂપી વામન રાક્ષસ રૂદ્રના પગ નીચે દટાઈ ચૂકયો છે, અને ફરતું પ્રકાશનું ચક્ર રચાઈ ગયું છે!
પશ્ચિમ લોજીકથી સબએટોમિક પાર્ટિકલ્સના ડાન્સને જોઈ શકે છે, પણ પૂર્વે એમાં રહેલા નટરાજના કોસ્મિક ડાન્સને અનુભવી શકે છે. બ્રહ્માંડ અંગે વિજ્ઞાનીઓની ઈટર્નલ કવેસ્ટ છે - આ બધું જ રચાયું... પણ એ રેન્ડમ નથી. તો કેવી રીતે રચાયું? કોણે રચ્યું? ગ્રહો, તારા, અવકાશ, વાદળો, લાવારસ, સમુદ્ર, પવન, વૃક્ષો બધું જ નાચી રહ્યું છે. દોડતી શિકારી સિંહણથી લઈ પાંખો ફફડાવતા મોર સુધી, તરતી ડોલ્ફીનથી લઈને સરકતા સાપ સુધી, આકાશગંગાઓના ચકચાવાથી કેન્દ્ર પર ફુદરડી ફરતા પાતાળ સુધી, ફરકતાં રૃંંવાડાઓથી પટપટતી આંખો સુધી બધે જ નટરાજનું એક મહાનૃત્ય ચાલી રહ્યું છે. આપણી જ ભીતર એનું જોશથી ભભૂકતું તાંડવ છે. અને આપણી જ ભીતર હોશથી શાંત એવું લાસ્ય છે!
અગાઉ વિગતે લખેલું એમ સ્વયમ- જગદંબા નટરાજ શિવના અર્ધાંંગિની, નૃત્ય એમને પ્રિય ઉષાએ પાર્વતી પાસેથી સ્ત્રીઓ માટેનું માદક, રંગીલું નૃત્ય શીખેલું. ઉષા ગુજરાતમાં કૃષ્ણની રાજધાની દ્વારકામાં અનિરૂધ્ધને પરણીને સાસરે આવી. અને ઉષાએ એ રોમેન્ટિક ડાન્સ ગુજરાતણોને કોચિંગ આપીને શીખવાડયો હશે. કૃષ્ણ તો ગોપીઓની રાસલીલાના પ્રણેતા. રાતના રાસ રચવાની મુરલી વગાડતા માધવ. એટલે ગુજરાતમાં શક્તિપૂજામાં નર-નારીનો રાસ પણ ભળી ગયો. નવરાત્રિનો રાસ પરાપુર્વથી કૃષ્ણ-ગોપી (રાધા), શિવ-પાર્વતી, અનિરૂધ્ધ- ઉષાનું યુગલનૃત્ય જ રહ્યો છે- એટલે આજના જુવાનિયાઓ પોતાની ફિટનેસનું પ્રદર્શન કરી મન મુકીને અર્વાચીન રાસ ખેલે એમાં વાંધાજનક કશું છે જ નહિ. બસ, નટરાજનું સ્મરણ કરી નીરખવાનો આ નૃત્યાનંદ અને સાંભળવાનું... ચિદાનંદ રૂપમ, શિવોહમ શિવોહમ!
આપણે આપણા તહેવારોનું નવું પેકેજીંગ કરવું છે, પણ ધાર્મિક્તાનું લેબલ ઉખાડવું નથી! મુદ્દાની વાત સમજજો. પર્વનું માહાત્મ્ય ધાર્મિક હોઈ શકે, પણ એની ઉજવણી તો સાંસ્કૃતિક જ હોય છે. ધર્મ અને સંસ્કૃતિ બંને એક નથી. ધર્મ વ્યક્તિગત છે, સંસ્કૃતિ સામુહિક હોય છે. ધર્મમાં વિચારનું મહત્ત્વ છે, સંસ્કૃતિમાં આચારનું મહત્ત્વ છે. ધર્મ શ્રદ્ધાકેન્દ્રિત હોય, સંસ્કૃતિ આનંદકેન્દ્રિત હોય. ધર્મમાં ભાગ્યે જ ફેરફાર થઈ શકે અને સંસ્કૃતિમાં જો સમયાંતરે ફેરફાર ન થાય...તો જડસુ બનેલા જેહાદી ઇસ્લામની જેમ એ હડધૂત થાય, ને અંતે આધુનિકતા પરિવર્તનોથી એ ખતમ થાય!
પણ આપણે ત્યાં આપણા વારસાથી અભણ ધાર્મિક્તાએ સાંસ્કૃતિક પરિવર્તન ફરતે જડબેસલાક સાંકળો ભીડી દીધી છે. નાચવું-ગાવું એ મૂળભૂત રીતે પ્રકૃતિ છે. જીવડાંઓ પણ ડાન્સ કરે છે. પંખીઓ પણ થનગને છે. માછલીઓ પણ સ્થિર રહેવાને બદલે ઘુબાકા મારે છે. આખી સૃષ્ટિનું સર્જન નૃત્યમય છે. માનવ શરીરથી લઈને નિર્જીવ પથ્થરમાં પણ સતત ચાલતા પરમાણુ નૃત્ય યાને બ્રહ્માંડમાં રચાતા પ્રોટોન-ઈલેક્ટ્રોનની રાસલીલા જ છે. સૂર્યને ફરતે ધૂમરી લગાવતા પૃથ્વી જેવા ગ્રહો શું ગોળ ગોળ ફરીને ગરબા ગાતા નથી ?
આ નૃત્ય-સંગીતની વ્યવસ્થા કરવી...એના સ્ટેપ્સ બનાવવા, એને સજાવવા, એને વઘુ સુંદર, વઘુ દર્શનીય, વઘુ કમનીય, વઘુ માદક, વઘુ માણવાલાયક બનાવવાની માનવની સર્જનાત્મક ક્રિયાઓ એટલે જ સંસ્કૃતિ. એમાં પૂર્વ કે પશ્ચિમના ભેદ હોય જ નહિ. એમાં રિધમ બીટ્સ ભળે કે ટેકનો સાઉન્ડ ભળે, એ તો સંસ્કૃતિના દરિયામાં વરસતો વહેતા સમયનો વરસાદ છે. એ પરિવર્તનને 'પાશ્ચાત્ય'એવા ચોકઠામાં ફિટ કરીને અણગમો વ્યક્ત કરવો, એ છે વિકૃતિ!
માટે નવરાત્રિના બદલાતા સ્વરૂપ સામેની હાયવોય એ બદમાશી જ નહિ, બેવકૂફીની પણ નિશાની છે. વાત માત્ર માતાજીની ભક્તિની જ હોય, તો પછી ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. ગોખલામાં ગરબો મૂકી, અખંડ દીવો પ્રગટાવી, ન્હાઈ ધોઈને શક્રાદય સ્તુતિથી લઈને જય અંબેના ગરબા ભાવતરબોળ થઈને ગાવ. કોણ રોકે છે ? રોકવા જોઈએ પણ નહિ. આત્મા અને પરમાત્માનો સંવાદ કંઈ તમાશો નથી કે હલ્લાગુલ્લાગોકીરો મચાવવાનો હોય! અને જો કોઈને એ કીર્તનને બદલે નવ રાત સુધી નર્તન કરવાનું હોય, તો એનો પણ વિરોધ ન કરવો એ ય ધર્મ જ છે.
હવે આપણી વાત કરો તો તરત જ ઉછળીકૂદીને રાસલીલાનું ધાર્મિક મહાત્મ્ય અને પ્રાચીન પવિત્રતાની દુહાઈઓ આપવામાં આવશે. બધી નરી 'કહેતો'તો ને કહેતી 'તી'વાળી સાંભળેલી વાતો! બતાવો, કોઈ પ્રમાણિત શાસ્ત્ર કે ધર્મ પુસ્તકમાં ક્યાંય સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આસો નવરાત્રિના નવ દિવસ દાંડિયારાસ- ગરબી લેવાના ફરજીયાત છે ? જી ના. એમાં માત્ર પૂજન અર્ચન સ્તુતિની જ વાત છે. નાચવા-ગાવાની નહિ!
માટે જેને આપણી સીધીસાદી પવિત્ર પરંપરાગત પ્રાચીન સંસ્કારી ગરબી કહીએ છીએ, એ પણ લોકોએ પોતે જ સ્વીકારીને શરૂ કરેલી એક સાંસ્કૃતિક ઘટના જ છે. સદીઓ પહેલાં કોઈને ગરબો લેવાનું સૂઝયું. સદીઓ પછી કોઈને એના સૂરતાલમાં ફેરફાર કરવાનું સૂઝયું! આમાં ધર્મની કોઈ વાત જ નથી! લોકજીવનમાંથી પ્રાચીન ગરબી આવેલી. ધીરે ધીરે લોકો બદલાયા, જીંદગી બદલાઈ અને એનું પ્રતિબિંબ અર્વાચીન દાંડિયારાસમાં પડયું! ઈટ્સ સિમ્પલ પ્રોસેસ!
બાય ધ વે, ગરબી જુદી વાત છે. અને આજે ચાલે છે, એ રાસ જુદી વાત છે. રાસક્રીડાને વળી મૂળભૂત રીતે દુર્ગા કે કાલિકા જેવા માતાજી કરતાં કૃષ્ણ સાથે સીધો સંબંધ છે. આપણા ઘણા પ્રાચીન સાહિત્યમાં કૃષ્ણની રાસલીલાનું વર્ણન છે. આમાંનું કોઈ વર્ણન શુદ્ધ આઘ્યાત્મિક નથી. કેવળ શૃંગારિક છે. કોઈ વાર કોઈ નિખાલસ વિદ્વાનને હલ્લીરાસકમાં યુવક યુવતીઓની મુદ્રાનું વર્ણન પૂછી જોજો ! નવી પેઢીના યુવક-યુવતીઓના સ્ખલનની વાત કરનારાઓએ એમના ચર્મચક્ષુઓને હેલોજન લાઈટ જેવા પ્રકાશમાન કરીને કૃષ્ણની રાસલીલાના સદીઓ પહેલાં લખાયેલા વર્ણનો સંસ્કૃતમાં વાંચવા જોઈએ. નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાનારાઓએ કદી એમના રાસના પદ વાંચ્યા/સાંભળ્યા છે ? જયદેવના 'ગીતગોવિંદ'થી લઈને ભાગવતના 'રાસપંચાધ્યયી'સુધીના રાસના વર્ણનોની ખબર છે ?
સો વાતની એક વાત. કોઈપણ બહાને- ધર્મ કે યુદ્વનો વિજય કે લગ્ન...માનવજાતને પહેલાં પણ નાચવું ગમતું હતું, આજે ય નાચવું ગમે છે. રાસ રસિકજનો માટે જ છે. એનો રસ નવા-નવા સ્વરૂપે પ્રગટ થતો જ રહેવાનો છે. ફિલોસોફી ટાઈમ ઈઝ ઓવર. ટ્રેજેડીથી ભરપૂર જીંદગીમાં અસ્તિત્વ ઓગાળે એવો આનંદ સંગીતનૃત્યનો 'રાસ ડાન્સ' આપે છે. આવી ક્ષણો વારંવાર નથી મળતી, ગ્રેબ ઈટ!
ફાસ્ટ ફોરવર્ડ
નાચતાં નાચતાં નયણ-નયણાં મળ્યાં,
મદભર્યાં નાથને બાથ ભરતા;
ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી,
કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં.
પ્રેમદા પ્રેમ-શું અધર ચુંબન કરે,
પિયુ-સંગ પરવરી સબળ બાળા;
તાળ-મૃદંગ મધ્ય ઘમઘમે ઘૂઘરી,
શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા.
ઉર-શું ઉર ધરે, નાથ રંગે રમે,
જેહને જ્યમ ગમે ત્યમ રમતાં;
ભણે નરસૈયો, રંગરેલ ઝકોળ ત્યાં,
રસ ઠર્યો સપ્તસ્વર ગાન કરતાં.
(નરસિંહ મહેતા, રાસના પદો)