'નવરાત્રિ'ની ફેરતપાસ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- સત્ય ઉપર અસત્ય, દૈવી ઉપર આસુરી અહિંસા ઉપર હિંસા વિજય મેળવવા મથામણો કરે જ છે પણ આખરે વિજય તો દૈવીશક્તિનો જ થાય છે એ સંદેશ આ તહેવાર પાસેથી હિંદુ પ્રજા દુનિયાને આપે છે
આ જે નવરાત્રિ છે, ગરબો છે અને ગરબે ફરનારાં પણ છે પણ એના કેન્દ્રભાવો પરિવર્તિત થતા જાય છે. ગરબો ચોક છોડી, શેરી છોડીને પાર્ટી પ્લોટ સુધી વિસ્તર્યો છે. દર્શનનું પ્રદર્શનમાં રૂપાંતરણ થયું છે. ઉપવાસનું ખાણીપીણીમાં, દીવાનું વિદ્યુત ઉપકરણોના ઝગમગાટમાં રૂપાંતર થતું જાય છે. ખાસ બેનોના ઉત્સવમાં ભાઈઓ વધુ જોડાયા છે - ગરબાનું સ્થાન ગરબીએ લઈ લીધું છે. આધુનિકતાએ આક્રમણ કર્યું છે, અને 'નવલાં નોરતાં'ની અસલિયતને અભડાવી છે ગરબાના મૂળ શબ્દો વિસારે પડયા છે - સંગીતથી મઢેલા અને ઘોંઘાટમાં ખોવાયેલા શબ્દો કાને પડતા નથી. ભાવના પણ કેન્દ્ર ખોઈને અન્યત્ર ભટકે છે. ગોળાકારે ગવાતો ગરબો આકૃતિહીન ચોરસ, લંબચોરસ, લંબગોળ થતો જાય છે. એનો તર્ક એમ બેસાડાય કે કેન્દ્ર બદલાતાં જાય છે, પરિઘ પરિવર્તિત થાય છે.
નવરાત્રિની ફેરતપાસમાં આપણે એનાં મૂળ અને મર્મને પામીએ, પરમાત્માએ રચેલી સૃષ્ટિની વ્યવસ્થાને રોળી ઢોળી નાખનાર મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થઈ ગયો તે વખતે તેણે પોતાની તાકાતથી બધા જ દેવો તથા મનુષ્યોને રંજાડીને ત્રાહિમામ્ પોકારતા કરી દીધા હતા. દૈવી તેજ ઝંખવાઈ ગયું હતું દેવો પણ ત્રાસ અનુભવતા હતા, દેવોએ આ વાત બ્રહ્મા-વિષ્ણુ અને શંકરને કરી, આરાધના-પ્રાર્થનાથી એ ત્રણેય ઉપરી અધિકારીઓ પ્રસન્ન થયા. એ બધા મહાન દેવો મહિસાસુર રાક્ષસ ઉપર ક્રોધે ભરાયા, અને પાશવી તાકાત ઉપર કાબુ મેળવવા જે દૈવી શક્તિ નિર્માણ કરી તે નવરાત્રિ. બધા જ દેવો પ્રસન્ન થઈને બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના ઋણી બન્યા, તે દેવોએ જયજયકાર કર્યો, દૈવી શક્તિને આવકારી તેનું પૂજન કર્યું. એ દૈવીશક્તિએ નવદિવસ અવિરત યુદ્ધ કર્યું અને આખરે મહિષાસુરને હણ્યો. ત્યારથી કહેવાય છે કે પાશવી શક્તિ ઉપર દૈવીશક્તિનો વિજય થયો. દૈવીશક્તિ પાસે પોતીકાં શસ્ત્રો હતાં એ શસ્ત્રોની મદદથી આસુરી વૃત્તિ ઉપર વિજય મેળવ્યો. આસુરી શક્તિ છે આસુરી વૃત્તિ પણ છે. એની ઉપર વિજય મેળવવા માટે તો દૈવી વૃત્તિ-શક્તિ ઉભયની આવશ્યકતા છે. એ નવ દિવસ લગાતાર યુધ્ધે ચઢેલી દૈવીશક્તિ એટલે જ આપણા જગદંબા. આપણે એ વાતને ભુલી ગયા છીએ. નવું જ કંઈક કરીએ છીએ.
આદિ-અનાદિકાળથી સત્ય ઉપર અસત્ય, દૈવી ઉપર આસુરી અહિંસા ઉપર હિંસા વિજય મેળવવા મથામણો કરે જ છે પણ આખરે વિજય તો દૈવીશક્તિનો જ થાય છે એ સંદેશ આ તહેવાર પાસેથી હિંદુ પ્રજા દુનિયાને આપે છે. સારી વૃત્તિ હોવી, એ આચરણમાં આવે તેનું મહત્વ છે. આપણી ઉપર અંધકાર હાવી ન થવો જોઈએ - પરંપરાગત શક્તિની, દૈવી કૃપાની અવગણના ન થવી જોઈએ. સામર્થ્યથી સત્યના પક્ષનો વિકાસ કરવો જોઈએ. પ્રમાદને ખંખેરી નાખીને આપણે જાગૃત થઈ શક્તિની પાસે જ જવું જોઈએ. રાસ-ગરબા, તાલી, દાંડિયા વગેરે નિમિત્તો છે. મૂળ તો માની આગળ-પાછળ, ફરતે, ચોમેર ઘૂમવાનું છે, શરણે જવાનું છે તેની પ્રસન્નતા પામવાની છે. રાજી રાખવાની છે માને... રાજીપો મેળવવાનો છે માનો - કુમારિકાઓ આ દિવસોમાં માથે ગરબો ઉપાડી ગાતી ગાતી, શેરીમાં ઘરે ઘરે ફરતી પછી ચોકમાં જતી. એ ગાણાનો મહિમા જ નોખો હતો.
* ગરબો કેણે રે કોરાવ્યો કે નંદજીના લાલજી રે લોલ
* ગરબે સોનાનાં સાંકળિયા કે નંદજીના લાલજી રે લોલ
અસુરો દૈવીશક્તિને સમજી ના શક્યા. દૈવીશક્તિથી ચોંકી ગયા અસુરોનો રાજા પોતે લડાઈમાં ઉતર્યો, અનેક રૂપો ધારણ કર્યા આખરે જીતી તો દૈવીશક્તિ જ, દિશાઓ પ્રસન્ન થઈ ગઈ, ત્યારથી મહિષાસુર સૂક્ષ્મરૂપે આપણામાં સામ્રાજય સ્થાપવા મથી રહ્યો છે. આપણે સાવધ થઈએ એ હેતુસર નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે.
આજે નવરાત્રિના ઉત્સવની ઉજવણી થાય છે - વધારે ભપકા ભરેલી છે. ઘોંઘાટ છે - જ્યોત છે - વીજળી છે - વાજાં છે. વસ્ત્રોનું વૈવિધ્ય પ્રદર્શિત થાય છે. ભક્તિ ગૌણ અને મેળાવડા ઝાઝા જણાય છે. પહેલાં તો વર્તુળાકારે ગરબા થતા કારણ કે એના કેન્દ્રમાં શક્તિની ભક્તિ હતી. હવે કેન્દ્રમાં ભક્તિ નથી એટલે ગરબાનો આકાર બદલાયો છે. લંબગોળ, લંબચોરસ જેવા આકારોમાં નવરાત્રિ ગવાય છે. ઉપવાસ છે ક્યાં ? પ્રાર્થના છે ક્યાં ? દીવા ક્યાં છે ? ક્યાં છે ગરબા ? ક્યાં છે તાલીઓના તાલ ? ક્યાં છે મીઠો કંઠ ? - એ બધું ખોવાયું છે. ક્યાંક છે પણ એમાં મૂળ ભાવથી તે વિકેન્દ્રિત થતું જાય છે. અસુરો અને દેવો વચ્ચેનો ટકરાવ નથી - અસુરનો પ્રભાવ વરતાય છે... ઉપવાસની જગ્યાએ ખાદ્ય અને અખાદ્ય ખાણીપીણી... દર્શનની જગ્યાએ પ્રદર્શન... રૂની દિવેટો જાતે વણવાનો કાર્યક્રમ થતો - હવે તો વીજળીનાં કરતૂતો છે. કુદરતી ફૂલોની જગ્યા બનાવટી ફૂલોએ લઈ લીધી છે.કાકાસાહેબ કાલેલકરે ઘટસ્થાપનની વાત કહી છે. નવરાત્રિની ઘટસ્થાપના વિધિ વિશે આજની પેઢી તો શું જાણે ? પ્રતિપદાને દિવસે સ્વચ્છ કાળી માટી લવાતી, નવ પ્રકારનાં ધાન ભેગાં કરાતાં... નાળિયેર લવાતું... પુષ્પો-પાંદડાં લવાતાં કાળી માટી પાથરી દેવાતી... જે જગાએ પથરાય ત્યાં ગાયના છાણનું લીંપણ થતું - વચ્ચે કળશ મુકાતો - કળશમાં સોપારી અને દક્ષિણા રખાતાં. કળશમાં પાંચ આસોપાલવ કે આંબાના પાન ગોઠવી વચ્ચે શ્રીફળ મુકાતું... કાળી માટીમાં ધાન ઓરાતા, પાણી છંટાતું... તેની પણ પૂજા થતી... આ આખો વિધિ ઘટસ્થાપનનો હતો - પછી ઘડો કોરાવાની ઘટના આવી છે. ધીરે ધીરે ધાનના અંકુર ફૂટે. એક-બે-ત્રણ-નવ દિવસ સુધીમાં તો મોટા ઝવેરા તૈયાર થઈ જતા - ખેતરની તાલીમ ઘરમાં બાળકોને મળી રહેતી... આમ નવરાત્રિની ઘટ સ્થાપના થતી. વિસર્જન થતું. સરસ્વતીનું આહવાન પણ થતું. આઠમ-નોમના દિવસે શક્તિને ભોગ આપવા નૈવેધ થતાં હોય છે. ધર્મજીવનનાં મૂળ કાકાસાહેબના મતે ઘણાં ઊંડાં છે. તેમાંથી લોકકેળવણી મળતી... આપણે તેને રૂઢ-પરંપરા તરીકે પ્રસ્થાપિત કરીને મૂળ કેન્દ્ર ભાવથી કેટલા બધા વિચલિત-વિકેન્દ્રિત થઈ ગયા છીએ ? તે અંગે નવેસરથી કંઈક વિચારણા કરીશું ખરા ! નવરાત્રિને મૂળ અર્થમાં માણીએ.