કૂંચી .
- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
- 'મૃતદેહને લઈને જવું ક્યાં? ત્યાં આપણું કોણ? કોના ખભે માથું મૂકીને આંસુ પાડીએ?' વાત કરતાં એની આંખો છલકાઈ ગઈ. મોટાને થયું, વચેટ હવે સમૂળગો પાછો આવ્યો છે.
'બા પુજી ભજનિક હતા. નાનપણથી મને યાદ છે કે, રાત પડયે ગમે તેને ત્યાં ભજન હોય કે બાપુજી અચૂક પહોંચ્યા હોય.. લોયણનું એક પદ મને એમ જ હૃદયમાં કોતરાઈ ગયેલું ઃ
જી રે લાખા! લાવોને કૂંચીયું ને તાળાં ખોલીએ રે..
કૂંચી મારા સદ્ગુરુને હાથ
હું થોડો સંવેદનશીલ. ભાઈભાંડુ સાથેના વ્યવહારમાં ક્યારેક ખાટીમીઠી વાણી સાંભળવી પડે તો હું એકદમ હલી ઊઠું... બાપુજી સમજાવે ઃ કોઈક તાળું એવું હોય કે એને કોઈ કૂંચી લાગુ ન પડે! માટે સમતા રાખવી.'
માય ડિયર જયુની વાર્તા 'કૂંચી' કુટુંબના મોટા દીકરાને મુખે કહેવાઈ છે. વખત જતાં મોટો અને નાનો દીકરો શહેરે જઈ નોકરીએ વળગ્યા. વચેટ દૂરને ગામડે ગયો, તેણે બાકીના પરિવાર સાથેનો સંબંધ નહિવત્ કરી નાખ્યો. તેણે શહેરમાં વન રૂમ કિચનનો ફ્લેટ રાખેલો, રજાઓમાં ત્યાં આવે, પણ ભાઈ-બહેનોને મળવાનું ટાળે. એક વાર બા-બાપુ ગામડેથી આવ્યા હતા. નાના દીકરાને ઘેર માંદગી ચાલે, એટલે બાપુજીએ રાત રોકાવા વચેટ પાસે તેના ફ્લેટની કૂંચી માગી. વચેટે બહાનું કાઢીને કૂંચી આપી નહિ. બાપુજીને આઘાત કારમો થઈ પડયો. મોટા દીકરાએ તેમના જ શબ્દોમાં તેમને સમજાવ્યા, 'એવી વાતે ચલિત ન થવું જોઈએ. આપ્તજનો સાથેનો તંતુ કોઈ કાળે તૂટવાનો નથી. કોઈક તાળું એવું હોય કે એને કોઈ કૂંચી લાગુ ન પડે. માટે સમતા રાખવી.' થોડા મહિને બાપુજીનું અવસાન થયું. ગામમાં બાર દિવસ સુધી ઉત્તરક્રિયા ચાલી. 'એ દિવસોમાં અમે પળવાર પણ એકલાં પડયાં હોઈએ એમ લોકોએ થવા દીધેલું નહિ. લોકોની લાગણી અમને સતત હૂંફ આપતી રહી.'
બાપુજીની પુણ્યતિથિએ સૌ પરિવારજનો ગામમાં એકઠાં થયાં. વચેટ એકલો જ આવ્યો. ઝંખવાણો દેખાતો હતો. જાણવા મળ્યું કે તેની પત્ની અસાધ્ય રોગથી પીડાય છે. બચે તેમ નથી. રાતે ભજન મંડળી બેઠી. બૈરાંઓ બેય ઓરડામાં અને પરિચિતો ફળિયામાં. સૌ પ્રસન્નતાથી પુણ્યતિથિ ઉજવતા હતાં. એક ભજનિકે મીઠી હલકે વાણી વહાવી, 'જી રે લાખા! લાવોને કૂંચીયું ને તાળાં ખોલીએ રે..' સવાર સુધી ભજન ચાલ્યાં. નીકળતી વખતે વચેટે પૂછયું, 'આ ઘરની કૂંચીઓ ક્યાં રાખો છો?' મોટાએ કારણ પૂછયું તો કહે, 'મૃતદેહને લઈને જવું ક્યાં? ત્યાં આપણું કોણ? કોના ખભે માથું મૂકીને આંસુ પાડીએ?' વાત કરતાં એની આંખો છલકાઈ ગઈ. મોટાને થયું, વચેટ હવે સમૂળગો પાછો આવ્યો છે.
આ વાર્તા સમજવાની કૂંચી તેના શીર્ષકમાં જ છે. લોયણ પ્રભુ સુધી અને એકમેકના મન સુધી પહોંચવાની કૂંચી સુઝાડે છે. બાપુજી તો નિસ્પૃહ હતા. વચેટ એકલપેટો, પરિવારથી વિમુખ થતો ચાલ્યો. સગા બાપને રાત રોકાવા કૂંચી ન આપી. કૂંચી તો પ્રતીક છે. વચેટે દિલના દરવાજે તાળું વાસી દીધેલું. પણ માણસ સામાજિક પ્રાણી છે. વચેટે અનુભવ્યું કે ગામ આખાએ ભેગા થઈને બાપુજી ગયાનું દુઃખ હળવું કરી દીધું. વહેંચવાથી દુઃખ ઓછું થાય અને પ્રસન્નતા વધે. વચેટને ભાન થયું કે પત્નીનો વિરહ એકલાએ જ વેંઢારવો પડશે, સાંત્વન આપવાવાળું કોઈ જ નથી. તેણે ઘરની કૂંચી માગી. તે પરિવાર અને સમાજમાં જાણે પાછો વળ્યો.
બાઈબલમાં ઈસુ 'પ્રોડિગલ સન'ની નીતિકથા કહે છે. એક દીકરો બાપ પાસે સંપત્તિનો હિસ્સો માગીને અલગ થઈ ગયો. ધન ઉડાવી નાખ્યા પછી બાપને ઘેર પાછો ફર્યો. બાપે ક્ષમા આપીને તેને આવકાર આપ્યો.
માય ડિયર જયુએ કૂંચી લેવા-આપવાની વાત કરી. ભાવેશ ભટ્ટ એનાથી એક ડગલું આગળ વધે છે ઃ
એણે એવું કીધું કે જાઓ
સુખની ચાવી શોધી લાવો
હું તો એને શોધું છું કે
સુખને તાળું કોણે માર્યું?