ઘરની સ્ત્રી પણ બીમાર પડી શકે...
- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- 'વેદુ યાર મને પહેલી વખત સમજાયું કે સ્ત્રી હોવું કેટલું અઘરું છે. તેને પણ બીમાર થવાનો પણ અધિકાર અમે આપતા નથી. અમે ક્યારેય વિચાર્યું જ નથી કે એક સ્ત્રી પણ બીમાર પડી શકે છે...'
'કૃ તાર્થ હું શું કહું છું, મને થોડી ગભરામણ જેવું થાય છે. ખબર નહીં પણ આજે ઓફિસમાં જરાય મજા નહોતી આવી. છેલ્લાં કેટલાક દિવસથી થાક જેવું લાગે છે. શરીર જાણે અંદરથી તપતું હોય તેવું પણ ક્યારેક ફીલ થયા કરે છે. બધાને કહી દઉં છું, પ્લીઝ મને આજે કશું કામ ન સોંપશો ઘરમાં.' - વેદિકાએ ઘરમાં આવતાની સાથે જ સોફા ઉપર પડતું મૂક્તા કહ્યું.
'તારી તકલીફ જ આ છે. તને શું થાય છે એ ખબર નથી. અમે જે કહીએ એ બધું તારે માનવું હોતું નથી. બૈરાઓને આવું થાય. બધું એની જાતે મટી જશે. તાવ ઉતરી જશે. થાક જતો રહેશે. શરદી મટી જશે. આમાં જ તારું શરીર લેવાતું જાય છે. તને ખબર કેમ નથી પડતી કે મારે દવા કરવી જોઈએ અને પ્રોપર રીતે ટ્રિટમેન્ટ કરાવવી જોઈએ. ડોક્ટર પાસે જવું જોઈએ. દવાઓ સમયસર ગળવી જોઈએ.' - કૃતાર્થના શબ્દોમાં ચિંતા અને આક્રોશ બંને ભળેલા હતા.
'કૃતાર્થ પ્લીઝ યાર, તારી આ કારણ વગરની દલીલો અને ટોર્ચર રહેવા દે. તમને બધાને એવું જ લાગે છે કે, હું બધું જાણી જોઈને કરું છું. મને માંદા પડવાનું ગમે છે. તમે લોકો એવું પણ માનો છો કે મને મારી જાતની ચિંતા નથી. કોઈ માણસ જાણી જોઈને બીમાર ન પડતું હોય. અમને માંદા પડવામાં મઝા નથી આવતી. એમાંય મને એમ જણાય કે હું માંદી પડી તેમાં તારું કે ઘરનું કયું કામ અટવાઈ ગયું તો તું આ રીતે રિએક્ટ કરે છે.' - વેદિકાનો અવાજ થોડો તંગ થઈ ગયો.
'વેદિકા વાત એવી નથી. મારે કંઈ તારી જોડે ઘરના કામ કરાવવા છે એટલા માટે મારે તને કશું કહેવું પડે છે એવું નથી. મને ખરેખર તારી ચિંતા થાય છે. તને દવા લેવાનું ગમતું નથી. તને ડોક્ટર પાસે જવું નથી હોતું. અમે દબાણ કરીએ ત્યારે તો તું દવા ગળતી હોય છે. આ ઉંમર તારી પાછળ પાછળ ફરવું કેવી રીતે ગમે. જિંદગીના મધ્યાને પહોંચવા તરફ ગતિ કરનારી વ્યક્તિની પાછળ સવારે કે રાત્રે તમે હાથમાં ગોળીઓ લઈને ફર્યા કરો તે કેવું લાગે.' - કૃતાર્થે કહ્યું અને હસી પડયો. વેદિકાના ચહેરા ઉપરની તંગ રેખાઓ પણ હટી ગઈ.
'એ તો એવું જ હોય. અમારે બાઈઓને વતાવવી નહીં. અમે અમારી રીતે બધું કરી જ લેતા હોઈએ છીએ. ઘણી વખત જોતા રહીએ અને ઘણી વખત જતું કરીએ. અમારી જિંદગીમાં આ એક જ સૂત્ર કામ કરતું હોય છે. બાકી તો રંગસૂત્રો પણ પુરુષના હોવા છતાં આરોપો અમારા માથે ઘડાતા હોય છે.' - વેદિકાએ ખૂબ જ ઠંડો જવાબ આપ્યો. કૃતાર્થ સાવ હબક ખાઈ ગયો.
'વેદિકા જે હોય તે, તું દલીલો રહેવા દે આપણે કાલે સવારે ડોક્ટર પાસે જઈએ છીએ. કાલે તારે નોકરી જવાનું નથી. તું અત્યારે મેસેજ કરી દે. તું મારા દેખતા જ મેસેજ કરી દે, મારે તારા સાહેબને વાત ન કરવી પડે તો સારું. કાલે કોઈપણ ભોગે આપણે તારો મેડિકલ ટેસ્ટિંગ કરાવી લઈએ અને જરૂર હોય એ ટ્રિટમેન્ટ શરૂ કરીએ.' - કૃતાર્થના અવાજમાં આદેશનો રણકો હતો.
વેદિકાએ કૃતાર્થના આદેશ પ્રમાણે પોતાના મેનેજરને ફોન અને મેસેજ કરી દીધા. પોતાની તબિયત વિશે જણાવી દીધું. બીજા દિવસે સવારે બંને હોસ્પિટલ ગયા. વેદિકાના બ્લડ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ કરવામાં આવ્યા. તત્કાલિન સ્થિતિ જોઈને ડોક્ટરે દવા લખી આપી અને રિપોર્ટ આવ્યા બાદ બે દિવસ પછી ફરી બતાવવા જવા કહ્યું.
'હું એક વાત કહી દઉં છું કે, મને કોઈ મોટી બિમારી હશે તો મારે કોઈ ટ્રિટમેન્ટ કરાવવી નથી. હું દવા નહીં કરું. હું ક્યાંક જઈને મરી જઈશ. મારાથી ગોળીઓ નહીં ખવાય. આ દવાઓ અને ઈન્જેક્શનો મારાથી સહન નહીં થાય. મને પ્લીઝ શાંતિથી મરી જવા દેજો. આ ડોક્ટરો અને દવાઓ મને નહીં ફાવે. બસ મારા સંતાનોનું ધ્યાન રાખજો તમે. બીજી લાવવી હોય તો પણ છૂટ છે પણ મારા સંતાનોને સાચવી લેજો પ્લીઝ.' - વેદિકાએ કહ્યું.
'વેદિકા પ્લીઝ યાર, તમારા બૈરાઓના આ ટિપિકલ ડાયલોગ બંધ કરી દે. તમે એકબાજુ કહેતા હોવ છો કે અમને કશું થતું નથી. હવે રિપોર્ટ કરાવવા આપ્યા તો કહે છે કે, મને કોઈ મોટો રોગ આવે તો મરી જવા દેજો. તને નથી લાગતું કે એ રોગ પણ જાતે મટી જશે. એની રીતે બધું સરખું થઈ જશે. હજી તો ચોવીસ કલાક પણ નથી થયા અને તું મારા ફરીથી લગ્ન અને સંતાનોની જવાબદારી સુધી પહોંચી ગઈ.' - કૃતાર્થ ચિડાયો.
'તો શું કરું હું. અમને સ્ત્રીઓ આવી જ હોઈએ છીએ. અમારે થવું હોય તો હિમાલય જેવી અડગ થઈ શકીએ અને ન થવું હોય તો મીણની પુતળી જેવી થઈ જઈએ. અમારો આ જ સ્વભાવ છે.' - વેદિકાના અવાજમાં પીડા હતી.
'તમે લોકો ઓવર થિંકિંગ અને લાગણીવેડામાંથી જ બહાર નથી આવતા. કોઈપણ બાબતને એટલી મોટી કરીને જુએ છે કે, ખરેખર આ જ હિમાલય ખોદીએ ત્યારે અંદરથી ઉંદર નીકળે. પ્લીઝ ઓવરથિંકિંગ બંધ કરી દે અને જે ટ્રિટમેન્ટ કરવાની આવે તે કરી લેજે.' - કૃતાર્થે તેનો બરડો પસવારતા કહ્યું અને વેદિકાની આંખોમાં આંસુ આવી ગયા.
બે દિવસ પસાર થઈ ગયા અને વેદિકાએ તેની જીદ પ્રમાણે ડોક્ટરે લખેલી ટેમ્પરરી દવા ખરીદી પણ નહીં અને લીધી પણ નહીં. રિપોર્ટ આવ્યા એટલે સાંજે બંને ફરીથી ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે જણાવ્યું કે, શરીરમાં કેટલાક મિનરલ્સ અને વિટામિન્સ ઓછા છે. વીકનેસ છે. હાર્ટના રિપોર્ટ બધા જ નોર્મલ છે. ગભરામણ માટે ગેસ અથવા તો અપચો જવાબદાર હશે. ઘણી વખત ઓવરથિંકિંગ પણ વ્યક્તિને ગભરામણ કરાવી દે છે. વિટામિન્સ અને મિનરલ્સ માટે ડોક્ટરે ત્રણ મહિનાની દવાઓ અને ઈન્જેક્શનના કોર્સ લખી આપ્યા. ત્રણ મહિના પછી ફરી રિપોર્ટ કરાવીને બતાવવા કહ્યું. બંને જણા ઘરે આવ્યા. કૃતાર્થના ચહેરા ઉપર થોડો સંતોષ અને થોડો આનંદ હતો કે ખાસ કંઈ આવ્યું નહીં. વેદિકાના ચહેરા ઉપર ચિંતા હતી કે ત્રણ મહિના સુધી દવા અને ઈન્જેક્શન લેવા પડશે.
રાત્રે બધા પોતપોતાના રૂમમાં ઉંઘવા માટે ગયા. લગભગ અડધી રાત્રે વેદિકાની ઉંઘ ઉડી ગઈ. તેણે જોયું તો કૃતાર્થ બાલ્કનીમાં ઊભો હતો. સામાન્ય રીતે કૃતાર્થ એવું કરતો નહીં પણ આજે તેને બાલ્કનીમાં જોઈને વેદિકા ઊભી થઈને તેની પાસે ગઈ. તેણે કૃતાર્થના ખભે હાથ મુક્યો અને કૃતાર્થ પાછળ ફર્યો ત્યાં વેદિકા ડઘાઈ ગઈ. કૃતાર્થની આંખોમાં આંસુ હતા.
'વેદુ યાર મને પહેલી વખત સમજાયું કે સ્ત્રી હોવું કેટલું અઘરું છે. તેને પણ બીમાર થવાનો પણ અધિકાર અમે આપતા નથી. અમે ક્યારેય વિચાર્યું જ નથી કે એક સ્ત્રી પણ બીમાર પડી શકે છે. ઘરની કોઈપણ વ્યક્તિ બીમાર હોય ત્યારે તેની સાથે માતા, પત્ની, બહેન, પુત્રી હોય છે પણ ક્યારેય માતા, બહેન, પત્ની બીમાર પડયા હોય તેવું પુરુષોને યાદ નહીં હોય. તેઓ પોતાના રૂટિનમાં જ ખોવાયેલા હોય છે. સ્ત્રી પોતાની જાતને ઘરમાં એટલી સમર્પિત કરી દે છે કે તેના વિશે કોઈ વિચારતું નથી પણ તેને બધાની ખબર હોય છે.'
'પોતાના ગમા-અણગમા, ખરું-ખોટું, ભાવતું-ના ભાવતું દરેક બાબતોને તે છોડીને પોતાના પરિવાર માટે એક એવું જીવન જીવે છે જેના ઉપર કોઈની નજર જ જતી નથી. જિંદગીએ મને આજે પહેલી વખત અવસર આપ્યો છે કે મારે પોરો ખાવો જોઈએ. મારા માટે મારી સાથે જોડાયેલી એક વ્યક્તિ વિશે વિચાર કરવો જોઈએ. તને કંઈ થઈ જશે તો શું થશે તેનો પહેલી વખત આજે મને ભય લાગ્યો છે. આ ભય કદાચ દરેક પુરુષને લાગવો જોઈએ. આ ભય આ ડર જ સાચી લાગણી છે. પોતાનું આખું જીવન આપણા નામે કરીને આપણા ઘરે આવતી વ્યક્તિને સમયચક્રમાં ભુલી બેસીએ અને તેની ધરાર અવગણના કરીએ તેનાથી મોટો અન્યાય કોઈ ન હોઈ શકે. આઈ એમ રિયલી સોરી... એન્ડ આઈ લવ યુ વેદુ...' - કૃતાર્થે એટલું કહીને વેદિકાના કપાળને ચુમી લીધું. વેદિકાના ચહેરા ઉપર સ્મિત અને આંખોમાં આંસુ આવી ગયા.