Get The App

16 વર્ષના એથ્લીટ ગાઉટની ઝડપ વિક્રમોની વણઝાર સર્જી રહી છે

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
16 વર્ષના એથ્લીટ ગાઉટની ઝડપ  વિક્રમોની વણઝાર સર્જી રહી છે 1 - image


Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- ગાઉટમાં મને મારી કિશોરાવસ્થાનો ચહેરો દેખાય છે.  -યુસૈન બોલ્ટ

- સુદાનીયન મૂળના ગાઉટે એથ્લેટિક્સ લેજન્ડ બોલ્ટે ૨૧ વર્ષ પહેલા તેની કિશોરાવસ્થામાં નોંધાવેલો ૨૦૦ મીટરનો વિશ્વવિક્રમ તોડી નાંખ્યો છે 

દરેક વિક્રમ તૂટવા માટે જ સર્જાતા હોય છે. - રમત જગતની આ બહુ જાણીતી લોકોક્તિ એ વર્તમાન અને ભાવિ ખેલાડીઓને પોતાની શ્રેષ્ઠતાના સીમાડાને નવી ઊંચાઈએ પહોંચાડવા માટેના પડકાર સમાન છે. વિક્રમો એ જે તે રમત કે ક્ષેત્રમાં શ્રેષ્ઠ માનવ પ્રયાસના સીમાચિહ્ન બની રહે છે. સફળતા એ આકાશ જેવી વિરાટ અને અસીમિત છે. એક સમયે જે વિક્રમોને તોડવા એ અશક્ય અને દુષ્કર લાગતા હોય છે, તેને સમયાંતરે પ્રગટ થતી મહાન પ્રતિભાઓ અનાયાસે જ તોડી નાખતી હોય છે.

આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડમાં વિક્રમોની વણઝાર સર્જવાની સાથે સાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો જીતવાની સાથે નવો ઈતિહાસ રચી દેનારા જમૈકાના યુસૈન બોલ્ટની નિવૃત્તિ બાદ એક પ્રકારનો ખાલીપો સર્જાયો હતો. જો કે તાજેતરમા જ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની શાળાકીય સ્પર્ધામાં ૧૬ વર્ષના ખેલાડી ગાઉટે તેની વિક્રમી ઝડપને સહારે જુનિયર સ્તરે નવો વિક્રમ તો સર્જ્યો જ છે, સાથે સાથે ભવિષ્યમાં બોલ્ટ જેવા ધુરંધરના પૈગડામાં પગ નાંખવાની ક્ષમતા સુધી પહોંચવાનો આશાવાદ પણ જન્માવ્યો છે.

આફ્રિકન મૂળના ઓસ્ટ્રેલિયાના ૧૬ વર્ષના એથ્લીટ ગાઉટે ૧૮ વર્ષથી ઓછી વયના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ૧૦૦ મીટરની દોડ માત્ર ૧૦.૦૪ સેકન્ડમાં જ પુરી કરીને ખળભળાટ મચાવી દીધો. તેની રેસના સમયે પવનની ગતિ નિર્ધારિત આંક કરતાં વધુ હોવાથી તેના સમયના સત્તાવાર વિક્રમોમાં સ્થાન ન મળ્યું, પણ તેણે યુથ એથ્લેટિક્સમાં ૧૦૦ મીટરમાં સૌથી ઓછો સમય આપનારા ટોચના ચાર ખેલાડીમાં સ્થાન મેળવી લીધું. આ વય વિભાગનો વિક્રમ હાલ અમેરિકાના એરિયોન નાઈટનના નામે છે, જેણે ૨૦૨૧માં ૯.૯૯ સેકન્ડમાં જ આ રેસ પુરી કરી હતી. એરિયોન નાઈટને આગળ જતાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક અને આ વર્ષે યોજાયેલા પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જો ગાઉટની કારકિર્દી પણ યોગ્ય રાહ પર જ આગળ વધે તો તે સિદ્ધિના વધુ ઊંચા શિખરોને સર કરવા માટેની કાબેલિયત ધરાવે જ છે, તેનું પ્રમાણ તેનો આ વિક્રમ છે.

ગાઉટની પ્રતિભા જો માત્ર ૧૦૦ મીટરની દોડના સીમાચિહ્નરુપ દેખાવ બાદ અટકી ગઈ હોત તો તે અંગે આંતરરાષ્ટ્રીય રમત જગતમાં ખાસ ચર્ચા ન થઈ હોત. જોકે તેણે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ૧૦૦ મીટરની દોડની ફાઈનલ પછી બીજા દિવસે યોજાયેલી ૨૦૦ મીટરની દોડ માત્ર ૨૦.૦૪ સેકન્ડમાં જ પૂરી કરીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ગાઉટે આ સાથે અડધી સદીથી વધુ સમય સુધી અકબંધ રહેલો ઓસ્ટ્રેલિયન રેકોર્ડ તોડી નાંખ્યો. ઓસ્ટ્રેલિયાના મહાન એથ્લીટ પીટર નોર્મને છેક ૧૯૬૮ના મેક્સિકો ઓલિમ્પિકમાં ૨૦૦ મીટરની રેસ ૨૦.૦૬ સેકન્ડમાં પુરી કરીને રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો હતો. જેને છેલ્લા ૫૬ વર્ષમાં કોઈ તોડી શક્યું નહતુ, પણ આ ૧૬ વર્ષના છોકરડાએ ૫૬ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડવાની સાથે ઓસેનિયા વિસ્તારના સૌથી ઝડપી એથ્લીટ તરીકેનું ગૌરવ હાંસલ કરી લીધું છે.

એથ્લેટિક્સ જગતે ગાઉટની આ સિદ્ધિની નોંધ એટલા માટે પણ લીધી છે કારણ કે ૨૦૦ મીટરની દોડમાં અંડર-૧૮ કેટેગરીનો વિક્રમ મહાન એથ્લીટ યુસૈન બોલ્ટના નામે હતો, જેણે પણ ગાઉટે ધરાશાયી કરી દીધો છે. બોલ્ટ જ્યારે તેની કિશોરાવસ્થામાં હતો, ત્યારે તેણે ૨૦૦ મીટરની દોડ ૨૦.૧૩ સેકન્ડમાં પુરી કરી હતી. જ્યારે ગાઉટે તેમાં ૦.૦૯ સેકન્ડનો સુધારો કર્યો છે. સેકન્ડના ૧૦૦માં ભાગમાં થયેલા સુધારાને કારણે આખા એથ્લેટિક્સ જગતે ગાઉટને ઉદયમાન સિતારા તરીકે વધાવી લીધો છે. ખુદ યુસૈન બોલ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, ગાઉટમાં મને મારી કિશોરાવસ્થાનો ચહેરો દેખાય છે. બોલ્ટે તેની સરખામણી ગાઉટની સાથે કરીને તેના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી છે.

ગાઉટના માતા-પિતા ભારે સંઘર્ષ અને લાંબી યાત્રા બાદ આખરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. આંતરકલહ અને ભૂખમરાને કારણે પરેશાન સુદાન થી જીવ બચાવીને ભાગેલા દંપતિએ પહેલા ઈજિપ્તમાં શરણ લીધી અને ત્યાર બાદ તેઓ ઓસ્ટ્રેલિયામાં આવીને વસ્યા. બોના અને મોનિકા ઓસ્ટ્રેલિયા પહોચ્યાં તેના બે વર્ષ બાદ તેઓ ક્વિન્સલેન્ડના ઈપ્સવિચમા રહેવા લાગ્યા અને ત્યાં જ ગાઉટનો જન્મ થયો.

બોના અને મોનિકાએ ઓસ્ટ્રેલિયામાં શરણ માગી તેની સાથે સાથે કેનેડામાં પણ રહેવાની પરવાનગી માંગતી અરજી કરી. જોકે, કેનેડા તેમની અરજી સ્વીકારે તે પહેલા જ ઓસ્ટ્રેલિયાએ તેમને શરણ આપવાનું નક્કી કરી દીધું અને આખરે તેઓ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ સ્વીકારવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયામાં જ અભ્યાસની સાથેે સાથે મળેલી તાલીમને કારણે ગાઉટની ખેલાડી તરીકેની પ્રતિભા વિકસી. પહેલા તેણે ફૂટબોલર બનવાનું નક્કી કર્યું, પણ તેની ઝડપ જોતા સ્કૂલના કોચની સલાહ પર તેણે ટ્રેક પર પસંદગી ઉતારી.

કસાયેલા શરીર અને મજબુત બાંધાની સાથે કુદરતી રીતે જ તેનામાં પડેલા એક અચ્છા દોડવીરના લક્ષણ થોડી જ મહેનત બાદ દેખાવા લાગ્યા. વૈજ્ઞાાનિક ઢબની તાલીમ અને માર્ગદર્શનને પરિણામે તેની એથ્લીટ તરીકેની કારકિર્દીને જબરજસ્ત નિખાર મળ્યો.  

ચાલુ વર્ષ ૨૦૨૪માં પેરુના લિમા ખાતે યોજાયેલી અંડર-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમા પણ ગાઉટે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતાં ૨૦૦ મીટરની દોડમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો,ત્યારે તેણે ૨૦.૬૦ સેકન્ડનો સમય આપ્યો હતો. જે પછી ચાર જ મહિનામા તેણે તેના દેખાવમાં જબરજસ્ત સુધારો કરતાં ૨૦૦ મીટરની દોડમાં ૨૦.૦૪ સેકન્ડનો સમય આપીને અંડર-૧૮ કેટેગરીમાં નવો વૈશ્વિક કિર્તીમાન સ્થાપિત કરી દીધો છે. ગાઉટની સિદ્ધિ અને તેની ઝડપથી દુનિયાભરના એથ્લીટ પ્રભાવિત થયા છે. 

ઓસ્ટ્રેલિયાની ૧૦૦ મીટરની વિઘ્ન દોડની ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન સેલી પિયરસને ગાઉટને ભાવિ બોલ્ટ તરીકે ઓળખાવ્યો હતો. બ્રિસબેનમાં ૨૦૩૨માં ઓલિમ્પિક યોજાવાના છે, જેમાં ગાઉટ ઓસ્ટ્રેલિયા માટે સુવર્ણ ચંદ્રક જીતી શકે છે, તેવી આશા પિયરસને પણ વ્યક્ત કરી હતી. અલબત્ત, ઓસ્ટ્રેલિયાના કેટલાક સ્થાનિક નાગરિકોએ સોશિયલ મીડિયામાં ગાઉટને ઓસ્ટ્રેલિયન તરીકે ઓળખાવવા માટે પણ વાંધો ઉઠાવતી કોમેન્ટ કરી હતી. જેના કારણે આખા મામલામાં વંશિય ભેદભાવનો વિવાદ પણ સર્જાયો છે. 

ગાઉટના પિતા બોના પુત્રની સિદ્ધિઓથી ખુશ છે, પણ તેને મળેલા નામથી નાખુશ છે. બોના કહે છે કે, હકીકતમા મારા પુત્રનું નામ ગ્યુઓટ છે, ગાઉટ નથી. ગાઉટ શબ્દનો અર્થ તો એક પ્રકારની બીમારી થાય છે. કયો પિતા ઈચ્છશે કે તેના પુત્રને બધા કોઈ બીમારીના નામથી બોલાવે. જોકે, આ છબરડો રાજદ્વારી કચેરીએ કર્યો અને ગ્યુઓટમાંથી ગાઉટ થઈ ગયું. હાલનું તેનું સત્તાવાર નામ ગાઉટ જ છે, પણ તેના પિતા તેમાં પરિવર્તન કરવા માટે પ્રયત્નશીલ બન્યા છે.

અલબત્ત, ઓસ્ટ્રેલિયાના આ સુદાનિયન મૂળના એથ્લીટે આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં એક નવી આશાનો ચમકારો ફેલાવી દીધો છેે. 


Google NewsGoogle News