ગણેશનનું ચકલીઓનું વન .
- આજકાલ - પ્રીતિ શાહ
- ગણેશન ડી.ને નાનપણથી જ ચકલીઓ પ્રત્યે આકર્ષણ હતું. કૂડુગલ નેસ્ટ જેવું સંગઠન સ્થાપવું તેવો વિચાર તેમને વિદ્યાર્થીકાળથી જ આવ્યો હતો
કુ દરતે આપણને પુષ્કળ આપ્યું છે, પરંતુ આપણે કુદરતને એટલું પાછું આપી શકતા નથી, કુદરતનું ઋણ આપણે માથે કેટલું બધું છે! આવી વિચારધારા ધરાવનાર ગણેશન ડી. નાનપણથી જ પ્રકૃતિપ્રેમી છે. બઁગાલુરુની બાજુના ગામમાં હરિયાળાં ખેતરો અને કુદરતી વાતાવરણમાં ઉછરેલા ગણેશન પ્રકૃતિ પ્રત્યે અગાધ પ્રેમ ધરાવે છે. મીકેનીકલ એન્જિનિયરીંગમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવનાર ગણેશન ડી. ચેન્નાઈની એસ.આર.એમ. યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે અધ્યાપનકાર્ય કરતા હતા. પ્રોફેસર તરીકેની કારકિર્દીની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણનું કામ પણ કરતા. તેમને શૈક્ષણિક કારકિર્દીથી સંતોષ ન થતાં એમણે આઈ.ટી. ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. કોડા ટૅકનૉલૉજી સોલ્યુશન્સમાં ડેટા ટૅક્નૉલૉજીમાં ડોમેન નિષ્ણાત તરીકે કામ કર્યું, પરંતુ આ બધાની વચ્ચે તેમની ઇચ્છા પર્યાવરણ ક્ષેત્રે કામ કરવાની હતી અને તેમાંથી કૂડુગલ નેસ્ટનો જન્મ થયો. ચેન્નાઈમાં આવેલી આ એન.જી.ઓ. ચકલીઓનું સંરક્ષણ કરીને તેમની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરે છે.
ગણેશન ડી.ને નાનપણથી જ ચકલીઓ પ્રત્યે આકર્ષણ હતું. કૂડુગલ નેસ્ટ જેવું સંગઠન સ્થાપવું તેવો વિચાર તેમને વિદ્યાર્થીકાળથી જ આવ્યો હતો. તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, ત્યારે સ્કૂલના કૅમ્પસમાં વૃક્ષો વાવવાની પહેલ કરી હતી અને અંગત રીતે દર વર્ષે પાંચસો વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.ગણેશન અને તેમના પત્નીએ ૨૦૨૦ના જુલાઈ માસમાં કૂડુગલ નેસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું. ગણેશનના પત્ની શાંતિની જે.એન.એન. ઇન્સ્ટિટયૂટ ઑફ એન્જિનિયરીંગમાં પ્રોફેસર તરીકે કામ કરે છે અને ગણિતમાં પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. તેઓ કૂડુગલ નેસ્ટના પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે અને તેના મુખ્ય આધારસ્તંભ બની
રહ્યા છે.
ગણેશનના એક નાનકડા વિચારમાંથી આજે કૂડુગલ નેસ્ટ એક સંસ્થા બની રહી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ચકલીઓની વસ્તીમાં વધારો થાય તે છે. તેના માટે તેઓ વિદ્યાર્થીઓને અને જુદા જુદા સમુદાયોને ચકલીના મહત્ત્વ વિશે સમજાવે છે અને ચકલીના માળા માટે બૉક્સ બનાવવાની પ્રેરણા આપે છે. શહેરીકરણને કારણે ચકલીના આવાસો નષ્ટ થઈ ગયા અને તેને કારણે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેની વાત કરે છે. ચકલી કીટભક્ષી છે. નાનાં-મોટાં જંતુઓ અને ખેતીના પાકને નુકસાન કરતી જીવાતો તેનો ખોરાક હોવાથી એ વાતાવરણમાં સમતુલા આણે છે અને પાકને બચાવે છે. વળી તે મચ્છરજન્ય રોગોથી આપણને બચાવે છે અને બાયોડાયવર્સિટીને જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્કૂલો, મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ, સ્થાનિક સમુદાયો સુધી આ વાત પહોંચાડી. ત્યારબાદ બીજો પ્રશ્ન આવ્યો કે ચકલીના માળા માટે જે બૉક્સ બનાવવાના હતા તેને માટે મિસ્ત્રીએ એક બૉક્સના બસોથી અઢીસો રૂપિયા કહ્યા.
ગણેશનની ઇચ્છા આ પ્રૉજેક્ટ સતત ચાલે તેવી હતી, તેથી તેમણે જાતે મટીરીયલ ખરીદીને વિદ્યાર્થીઓ પાસે બાક્સ તૈયાર કરાવ્યા અને એક બૉક્સ સોથી દોઢસો રૂપિયામાં તૈયાર થયું. વિદ્યાર્થીઓએ બૉક્સ ડિઝાઈનમાં મહત્ત્વના ફેરફાર કરીને ચકલીઓ આકર્ષાઈને આવે તેવું બનાવ્યું. કોર્પોરેટ કંપનીઓએ નેસ્ટ બોક્સ વહેંચવામાં સહયોગ આપ્યો. આ કામ કરતાં કરતાં એક મહત્ત્વની વાત એ જાણવા મળી કે રેતી ચકલીઓને સારું પર્યાવરણ પૂરું પાડે છે. ૨૦૨૦માં આરપીસી મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલના કૅમ્પસમાં એક સો નેસ્ટ બૉક્સ મૂકવામાં આવ્યા હતા. તેના છ મહિનામાં જ તે બધા બૉક્સમાં ચકલીઓ આવી ગઈ હતી. આ સ્કૂલની પંદર વર્ષની વિદ્યાર્થિની પ્રયુક્તાના પિતા આ એન.જી.ઓ. સાથે કામ કરે છે. તે કહે છે કે તેમના ઘરમાં નેસ્ટ બૉક્સ મૂકવામાં આવ્યું પછી ચકલી આવી અને તેની દરેક પ્રવૃત્તિ, માળો બાંધવાની પ્રક્રિયાથી માંડીને બચ્ચાંની સંભાળ સુધી જોવાનો અનુભવ અદ્ભુત બની રહ્યો.
ગણેશને પોતાના કામની શરૂઆત ધનલક્ષ્મી હાયર સેકન્ડરી સ્કૂલમાં પંદર નેસ્ટ બૉક્સ આપીને કરી હતી અને એક હજાર બૉક્સનો લક્ષ્યાંક હતો. આજે ચેન્નાઈની આશરે પચાસેક સ્કૂલો અને અન્ય જગ્યાઓએ દસ હજાર બૉક્સમાં ચકલીઓ આવી છે. આમ ચેન્નાઈના ઉત્તર ભાગમાં ચકલીની વસ્તીમાં પંદર ટકા વધારો થયો છે. ચકલીઓને અનુકૂળ વાતાવરણ હોય તેવી સ્કૂલોમાં 'સ્પેરો સેંક્ચુરીઝ' કરવા માગે છે. અત્યારે બસો જેટલી ચકલીઓ વસતી હોય તેવી આઠ સ્પેરો સેંક્ચુરીનું નિર્માણ થયું છે. જે લોકોએ પોતાના ઘરની આસપાસ નેસ્ટ બૉક્સ રાખ્યા છે. તેઓ પણ ખુશ છે, કારણ કે વહેલી સવારે ચકલીઓના કિલકિલાટ સાંભળવાની ખૂબ મજા આવે છે. તેમના આ કામને વર્લ્ડ સીએસઆર કાઁગ્રેસે તમિળનાડુ લીડરશીપ ઍવૉર્ડ આપીને સન્માન કર્યું છે. ગણેશન અને તેમની ટીમનું આવનારા વર્ષોમાં એક લાખ કુટુંબો સુધી પહોંચવાનું લક્ષ્યાંક છે. ગણેશન માને છે કે ચકલીઓના સંરક્ષણના શિક્ષણથી વિદ્યાર્થીઓની મોટર સ્કીલ સુધરે છે, એકાગ્રતા વધે છે, સંવેદના જાગે છે, બાળકો પ્રકૃતિ સાથે જોડાય છે અને તેમનો સ્ક્રીન ટાઇમ ઘટે છે.
- સુહાનીની સફળતાનો મહામંત્ર
- સુહાની આ વાહનને સ્માર્ટ, સસ્તું અને કોઈ ટૅક્નિકલ નિષ્ણાતની મદદ લીધા વિના ખેડૂતો સરળતાથી વાપરી શકે તેવું બનાવવા માંગે છે
દિ લ્હીમાં પુષ્પવિહાર એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી સુહાની ચૌહાણે ખેડૂતોના કામને આસાન બનાવતું સોલર એગ્રો વાહન બનાવ્યું છે. સુહાની સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે સ્કૂલમાંથી ગુડગાંવના માનેસરના ફાર્મ પર ગઈ હતી ત્યાં તેણે ખેડૂતોને પરિશ્રમ કરતા જોયા અને તેઓના પ્રત્યે અત્યંત સહાનુભૂતિ જાગી. એ ખેડૂતોની આત્મહત્યાના આંકડા વાંચીને ચોંકી ગઈ. જ્યારે પણ ભોજન કરતી ત્યારે અન્નદાતાની મુશ્કેલીઓ વિશે વિચારતી. આઠમા ધોરણમાં હતી ત્યારે તેણે કાગળ ઉપર કેટલીક ડિઝાઈન દોરીને તેના વિજ્ઞાન શિક્ષકને બતાવી અને પોતાનો વિચાર જણાવ્યો અને કામ કરવા લાગી. સુહાની માટે આ પ્રકારનું વાહન બનાવવાનું સહેલું નહોતું.
અભ્યાસની સાથે સાથે તેણે પ્રોટોટાઇપ બનાવ્યું અને નિષ્ણાતો, ઇલેક્ટ્રીશયન અને મિકેનિક્સની સલાહ લીધી. તેની સ્કૂલના શિક્ષકો અને માતા-પિતાએ સતત સાથ આપ્યો. નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી મહત્ત્વનું માર્ગદર્શન મેળવ્યું. તેણે ખેડૂતોને મળીને તેમની પાસેથી જાણ્યું કે તેમને ખરેખર ક્યાં મુશ્કેલી પડે છે એમના પ્રતિભાવના આધારે સુહાનીએ કેટલાક ફેરફાર કર્યા. તે તેના એસઓ-એપીટી (ર્જી-છૅા) વાહનને સ્માર્ટ બનાવવા માગે છે તેમજ ઓછી કિંમતે આપવા માંગે છે, જેથી નાના ખેડૂતોને પોષાય. આજે ટ્રેડીશનલ ટ્રેક્ટર પાંચ લાખ રૂપિયામાં આવે છે અને વળી ડીઝલનો ખર્ચ તો જુદો. જ્યારે આ વાહન સોલર પાવરથી ચાલશે અને આશરે બે લાખ રૂપિયા જેટલી કિંમત થશે. મોટા પાયે ઉત્પાદન પછી કિંમત ઘટશે.
સૌર ઊર્જાથી સંચાલિત આ વાહનના પાછળના ભાગમાં જરૂરિયાત પ્રમાણે જુદા જુદા કૃષિ મશીનોને જોડવા માટે ચાર પોર્ટેબલ સાધનો છે. જે ડ્રીલીંગ કરે, બીની વાવણી કરે, સિંચાઈના કામમાં આવે તેમજ ફર્ટીલાઇઝર અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરે. સુહાનીએ આમાં બેકઅપ એન્જિનનો ઉમેરો પણ કર્યો છે, તેથી વરસાદી વાતાવરણમાં અને રાત્રે પણ તે ચાલી શકે. સોલર પાવર અને બેકઅપ એનર્જીને કારણે તે સાચા અર્થમાં ટકાઉ અને કાયમી ઉકેલ આપનારું બની રહે છે. તેની ઇચ્છા પહેલેથી જ ઈકો-ફ્રેન્ડલી વાહન બનાવવાની હતી. તે કહે છે કે ભારત સોલર એનર્જી ક્ષેત્રે સમૃદ્ધ છે અને તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. વાહનની ઉપર લગાવવામાં આવેલ ફોટો વોલ્ટાઈક પેનલ સૂર્યના કિરણોને વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત કરે છે અને તેનાથી વાહન ચાલે છે. તેને અન્ય ઈંધણની જરૂર પડતી નથી અને હવા અને પર્યાવરણ સ્વચ્છ રહે છે. તેનો રીપેરીંગ ખર્ચ પણ નહીંવત્ આવે છે. ભારતમાં આશરે ૮૫ ટકા ખેડૂતો આર્થિક રીતે નબળા છે, તેથી આ વાહન ઓછી કિંમતે મળી શકે તેવો પ્રયત્ન કરવા માગે છે, જેથી ગરીબમાં ગરીબ ખેડૂત પણ લાભ મેળવી શકે. બેકઅપ પાવરથી લાઇટ મેળવી શકશે અને મોબાઈલ ચાર્જ કરી શકશે. તેની બેટરી લાંબો સમય ચાલશે.
સુહાનીના એસઓ-એપીટી વાહનમાં બેટરી પૂરેપૂરી ચાર્જ થયેલી હોય તો ચારસો કિલોગ્રામ ભાર વહન કરીને તે સાઠ કિમી. સુધી જઈ શકે છે. તેનું કહેવું છે કે એક ટકો ટ્રેક્ટરની જગ્યાએ આ વાહનનો ઉપયોગ કરવામાં આવે તો દર વર્ષે એકવીસ કરોડ સિત્તેર લાખ રૂપિયાનું ડીઝલ બચે અને સાથે સાથે વર્ષે બે લાખ બોતેર હજાર મેટ્રિક ટન જેટલો કાર્બન ઓછો ઉત્પન્ન થાય. આમ આર્થિક અને પર્યાવરણીય - બંને રીતે ટકાઉપણું જાળવી શકાય. સુહાની તેમાં ફેરફાર કરે છે. અત્યાર સુધીમાં તેણે એક હજાર ખેડૂતોને એસઓ-એપીટી વાહન બતાવ્યું છે અને તેમની પાસેથી પ્રતિભાવ મેળવ્યા છે. ખેડૂતો સાથે શાંતિથી વાતો કરીને તે તેમના પ્રશ્નોમાં ઊંડા ઉતરીને તેમની સમસ્યા સમજે છે, જેથી તેનું વાહન કઈ રીતે અને ક્યાં જુદું પડે છે તે સમજાય. વાહન જોઈને ખેડૂતો સાથે વાત કરતી વખતે ખેડૂતોના ચહેરા પર જે આનંદ અને પ્રશંસાનો જે ભાવ આવે છે તે સુહાનીને પ્રોત્સાહિત કરે છે. સુહાની આ વાહનને સ્માર્ટ, સસ્તું અને કોઈ ટૅક્નિકલ નિષ્ણાતની મદદ લીધા વિના ખેડૂતો સરળતાથી વાપરી શકે તેવું બનાવવા માંગે છે. ૨૦૨૩ના મે મહિનામાં દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત રાષ્ટ્રીય ટૅક્નૉલૉજી સપ્તાહ સમયે તેણે પોતાની આ શોધ એસઓ-એપીટી એગ્રો વાહન પ્રદર્શિત કર્યું હતું અને તેને બાળકો માટે અપાતો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી હતી. જે દિલ્હીની એક માત્ર વિદ્યાર્થિની હતી તે કહે છે કે આ સમગ્ર યાત્રા દરમિયાન એને ઘણું શીખવા મળ્યું છે. આ યાત્રા વખતે ઘણી વખત એવી ક્ષણો આવી હતી કે આ પ્રોજેક્ટ છોડી દેવાનું મન થાય, પરંતુ તમે જે માનો છો તેના માટે સતત કામ કરવું, અવરોધોનો સામનો કરવો અને ખંતપૂર્વક મહેનત કરવી તે જ સફળતાની ચાવી છે.