શ્રીવિદ્યા સાધનાનો પ્રભાવ ! .
- સનાતન તંત્ર - પરખ ઓમ ભટ્ટ
- 'આશા રાખું કે હવે આપને ચરણસ્પર્શ ન કરવા પાછળનું તાત્પર્ય સમજાયું હશે.'
શ્રી વિદ્યાના સિદ્ધ ઉપાસક શ્રી ભાસ્કરરાય માખિન સાથે જોડાયેલાં કેટલાક અદ્ભુત કિસ્સા વાંચીને મન આપોઆપ ભગવતી રાજરાજેશ્વરીની ભક્તિમાં લીન થઈ જવાય. એક વિદ્વાન, પ્રકાંડ પંડિત અને શસ્ત્રોના જ્ઞાતા ગામમાં પધાર્યા અને એ વખતે જોગાનુજોગ ભાસ્કરરાય પણ ત્યાં જ હતાં. વિદ્વાનની ખ્યાતિ એટલી બધી હતી કે સૌ કોઈ એમને જોઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં. એમની વિદ્વત્તા સામે ગામવાસીઓ મસ્તક ઝુકાવતાં.
તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, એ વેળા એમને ભાસ્કરરાયનો ભેટો થયો. ભાસ્કરરાય તો પોતાની ધૂનમાં મસ્ત હતા. જગતજનનીનું નામ હંમેશા એમના મુખેથી સ્ફુર્યા રાખતું. તેમણે પંડિતજીને બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને હળવું સ્મિત આપ્યું. આ જોઈને પંડિતજી અને એમના શિષ્યોને પોતાના ગુરુનું અપમાન જણાયું. એક બાજુ સહુ કોઈને સ્વયંના ચરણકમળોમાં દંડવત્ કરી રહ્યાં હતાં અને બીજી બાજુ આ સામાન્ય જણાતો માણસ પોતાની મસ્તીમાં ચાલતો ચાલતો માત્ર નમસ્કાર કરે? આ ઘટના પંડિતજીના અહંકારને હાનિ પહોંચાડતી ગઈ.
ગુરુની ભાવના આહત થયાની જાણ થતાં જ એમના શિષ્યોએ ભાસ્કરરાયને રસ્તા વચ્ચે અટકાવ્યા. ભાસ્કરરાય અચાનક થયેલી આ અટકાયતને કારણે વિમાસણમાં પડી ગયાં. કારણ પૂછતાં જણાયું કે પંડિતજીના ચરણસ્પર્શ ન થવાને કારણે સમસ્ત ગામવાસીઓની સામે એમને પોતાનું અપમાન થતું જણાયું હતું, જે અંગે તેઓ ભાસ્કરરાય પાસેથી સ્પષ્ટતા ઈચ્છતાં હતાં.
માર્મિક સ્મિત સાથે ભાસ્કરરાય પંડિતજી સમક્ષ ઉપસ્થિત થયા. સામે પક્ષે, પંડિતજી થોડા આક્રોશમાં હોય એવું જણાયું. એમના ચહેરા પરની સૌમ્યતા અદ્રશ્ય થઈ ચૂકી હતી.
'શાસ્ત્રોના જ્ઞાાતા અને વેદપાઠી વિદ્વાનની ગરિમા આપે ભંગ કરી છે!' પંડિતજીએ થોડા ઊંચા અવાજે કહ્યું. એમના સ્વરમાં નારાજગી સ્પષ્ટપણે વર્તાતી હતી, 'શું આપને એ પણ યોગ્ય ન જણાયું કે એક વિદ્વાન, જેની સમક્ષ સમસ્ત પ્રજાજન મસ્તક ઝુકાવે છે, એમના ચરણસ્પર્શ કરીએ? આવું તે કેવું અભિમાન આપનું?'
ભાસ્કરરાય શાંત ચિત્તે કશું જ બોલ્યા વિના સસ્મિત એમની ફરિયાદ સાંભળતાં રહ્યાં. અજપ જપ એમના મનમાં નિરંતર ચાલતાં રહેતાં. એમની પાસેથી કશી જ પ્રતિક્રિયા પ્રાપ્ત ન થતાં પંડિતજી વધુ ક્રોધે ભરાયાં.
'આપનો અહંકાર હવે બધી જ સીમારેખા પાર કરી ચૂક્યો છે, મહોદયશ્રી!' પંડિતજીએ કહ્યું, 'આટલું સાંભળીને પણ આપને એ પ્રતીત નથી થઈ રહ્યું કે આપે મારી ક્ષમા માંગવી જોઈએ? હજુ પણ અવસર છે. આપની ભૂલ સ્વીકારીને વિદ્વત્તાની શરણે આવી જાઓ.'
વાસ્તવમાં, પંડિતજીનો અહંકાર તમામ મર્યાદા ઓળંગી ચૂક્યો હતો.
ભાસ્કરરાયજીએ સૌપ્રથમ વાર કશુંક કહેવા માટે હોઠ ફફડાવ્યા, 'આપને ચરણસ્પર્શ જ જોઈએ છે ને? શું આપ એ જાણવા નથી માગતા કે મેં શા માટે આપને દંડવત્ પ્રણામ અથવા ચરણસ્પર્શ ન કર્યા?'
જવાબમાં પંડિતજી કશું જ ન બોલ્યાં.
'સારું, એક કામ કરીએ. આપની લાઠી/દંડ અને કમંડળ આપ નીચે જમીન પર મૂકી દો.' ભાસ્કરરાયે કોમળ સ્વરે કહ્યું.
પંડિતજી હજુ પણ નમતું જોખવા તૈયાર નહોતાં. આમ છતાં, શાસ્ત્રાર્થની મર્યાદા જાળવવા માટે એમણે પોતાના શિષ્યોના હાથમાં કમંડળ અને લાઠી સોંપીને તેને ધરતી ઉપર મૂકવા આદેશ આપ્યો.
ગુરુના હાથમાંથી કમંડળ અને લાઠી લઈને જમીન પર મૂક્યા બાદ શિષ્યો ત્યાં ને ત્યાં ઊભા રહ્યાં. આ જોઈને ભાસ્કરરાયે કહ્યું કે, 'આપ થોડા પાછળ થઈ જાઓ. કમંડળ અને લાઠી નજીક ઊભા રહેવાનું સાહસ કરવા જેવું નથી.'
ક-મને શિષ્યો સહિત પંડિતજી પોતાના સ્થાન પરથી પાછળ હટી ગયાં.
ભાસ્કરરાય કમંડળ અને દંડ પાસે આવ્યાં. બે હાથ જોડીને એમણે પ્રણામ કર્યા અને તત્પશ્ચાત્ જેવા તેઓ નીચે નમીને કમંડળ અને દંડનો શ્રદ્ધાપૂર્વક સ્પર્શ કરવા ગયા કે તરત અગનજ્વાળાનો ભડકો થયો! એ પછી જે દ્રશ્ય જોવા મળ્યું, એ જોઈને પંડિતજી અને એમના શિષ્યો સહિત ગામવાસીઓ પણ સ્તબ્ધ થઈ ગયાં.
ભાસ્કરરાયના સ્પર્શને કારણે તત્ક્ષણ કમંડળ અને દંડ ભડથું થઈ ચૂક્યાં હતાં.
'આશા રાખું કે હવે આપને ચરણસ્પર્શ ન કરવા પાછળનું તાત્પર્ય સમજાયું હશે.' ભાસ્કરરાયજીના મુખ પર હજુ પણ પહેલાં જેટલી જ સરળતા, નિર્મળતા અને સાલસતા ઝળકતી હતી, 'શ્રીવિદ્યા તંત્રસાધના અને મા લલિતા મહાત્રિપુરસુંદરીની અપાર ભક્તિને કારણે જગતજનની સાક્ષાત્ મારી ભીતર સમાહિત થઈ ચૂક્યા છે, શ્રીમાન! એક મનુષ્ય જ્યારે સાક્ષાત્ ઈશ્વરના ભાવમાં વિલીન થઈ ચૂક્યો હોય, ત્યારે તેની અવસ્થા પણ ઈશ્વર સમકક્ષ હોય છે!'
આ ઘટના થકી એ સમયના વિદ્વાનોને એ પણ સમજાયું કે ભાસ્કરરાય માખિન સમયની સાથે સદાશિવ બની ચૂક્યા છે!
એ સમયે ત્યાં ઉપસ્થિત પંડિતજી અને એમના શિષ્યોને પણ ભાન થયું કે જો ભાસ્કરરાયજીએ ચરણસ્પર્શ કર્યા હોત, તો અત્યારે એમની શું હાલત થઈ હોત! પંડિતજીનું અભિમાન ઓગળ્યું અને ભાસ્કરરાયની ભક્તિનો પરિચય મળતાંની સાથે જ એમણે જાતે ભાસ્કરરાયના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા!