શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સત્પુરુષ કોણ?
- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- 'ચિત્ત એ જ તારો સંસાર છે, એને તારે પ્રયત્નપૂર્વક શોધવો જોઈએ.' આપણા ચિત્તમાં કેટકેટલાં વિચારો સતત આંટાફેરા કરતા હોય છે
આ છે આપણી અનોખી સત્સંગ સભા ! એમાં આપણે ભારતીય અધ્યાત્મવિદ્યાના સાગરમાંથી ગાગરરૂપ વિચારો પામીએ છે. એ ભગવાનની વાણી હોય કે સંત- મહાત્માનો ઉપદેશ, એનો અર્ક જાણીએ છીએ ! આ વિશિષ્ટ સત્સંગ સભામાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને એમની સાથે પરમ આત્મીય સંબંધ ધરાવનાર એવા એમના સલાહકાર, સંદેશવાહક ઉદ્વવજી વચ્ચેનો સંવાદ જોઈએ છીએ. 'એકનાથી ભાગવત'માં આ સંવાદ માર્મિક રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. એક અર્થમાં કહીએ તો એમાં આધ્યાત્મિતાની ઊંચાઈ છે અને સત્યની ઉત્કૃષ્ટ સમજ છે. 'એકનાથી ભાગવત'ના અગિયારમા અધ્યાયના સત્યાવીસથી એકત્રીસ સુધીના શ્લોકમા ઉદ્વવજીની જિજ્ઞાાસા મળે છે અને એમાં એક મહત્ત્વનાં વિષય પર ઉદ્વવજીએ પૂછેલો પ્રશ્ન જોઈએ.
આ જગતમાં સજ્જનોનાં રક્ષણ માટે અને દુર્જનોનાં સંહાર માટે આપણે શ્રીકૃષ્ણને જોઈએ છીએ, પરંતુ આ સજ્જન કેવો હોય ? એ સત્પુરુષ કે સંત કેવા હોય ? એનામાં કેવાં કેવાં લક્ષણો હોય ? એ પ્રકારની જિજ્ઞાાસા ધરાવતા ઉદ્વવજી શ્રીકૃષ્ણને પૂછે છે,
'હે ઉત્તમ કીર્તિવાળા પ્રભુ ! આપના મતે સત્પુરુષ કેવા પ્રકારના હોય છે ?'
આના ઉત્તરના જવાબમાં શ્રીકૃષ્ણએ સત્પુરુષના અઠયાવીસ લક્ષણ બતાવ્યાં છે. આ સત્પુરુષનું લક્ષણ તો છે જ, પરંતુ એની સાથોસાથ તમે આ લક્ષણો જોશો, ત્યારે ખ્યાલ આવશે કે માનવજીવનને માયાવી મનની લીલામાંથી મુક્ત કરવાનો અહીં માર્ગ બતાવ્યો છે. માણસ મોહથી ઘેરાયેલો હોય છે અને મમતાથી બંધાયેલો હોય છે, ત્યારે સાચો સત્પુરુષ એનાથી અળગો હોય છે અને એટલે જ શ્રીકૃષ્ણે બતાવેલા આ અઠયાવીસ લક્ષણો એ હીકકતમાં તો પ્રત્યેક માનવીને સારા માનવી બનીને કઈ રીતે અધ્યાત્મના પંથે આગળ જવું તે દર્શાવે છે. માનવીમાંથી સાધક બનવાની આ જડીબુટ્ટી છે અને તેને માટે કયા ગુણો હોવા જોઈએ તેનું માર્મિક વર્ણન કરે છે.
એ અઠયાવીસ ગુણોની વિશેષતા વિશે વિચારીએ તો ખ્યાલ આવે કે આમાં પહેલો ગુણ તે બુદ્ધિની કૃપાળુતા છે. સત્પુરુષની બુદ્ધિમાં એક પ્રકારનો કૃપાનો ભાવ વસતો હોય છે. આને પરિણામે એ એવું વિચારે છે કે પોતાને જે બાબત સુખરૂપ બને છે અથવા તો દુઃખરૂપ નીવડે છે એવી જ રીતે એ જ બાબતથી બીજાને પણ સુખ ઉપજી શકે છે અથવા તો દુઃખી કરી શકે છે. આ રીતે આ પ્રથમ ગુણમાં સહુને આત્મવત્ માનવાનો ભાવ છે. બીજાને દુઃખ આપતાં પૂર્વે એ વિચાર કરવો કે કોઈ મને એ દુઃખ આપે તો શું થાય ? અને તેમ વિચાર કરીને કોઈને ય દુઃખ આપવું જોઈએ નહીં. 'આત્મવત્ સર્વભુતેષુ'નો ભાવ એ સત્પુરુષના જીવનનો કેન્દ્રીય ભાવ હોવો જોઈએ અને એથી જ અહીં શ્રીકૃષ્ણ સતપુરૂષના પ્રથમ લક્ષણ તરીકે અર્થાત્ સૌથી પહેલી બાબત તરીકે બુદ્ધિની કૃપાળતાને દર્શાવે છે.
સત્પુરુષનું બીજું લક્ષણ છે અદ્રોહ. એક સંતના દૃષ્ટાંતમાં આપણે જોઈએ છીએ કે એક સંત રોટલો આરોગતા હતા. બાજુમાં ઘીથી ભરેલી વાઢી (ઘી ભરવાનું વાસણ) હતી. એકાએક એક કૂતરો ધસી આવ્યો અને રોટલો મોંમા લઈને ભાગવા લાગ્યો. સંત એની પાછળ દોડયા અને કૂતરાને પકડીને મોંમાંથી રોટલો બહાર ખેંચી લીધો. સહુએ માન્યું કે, 'આ સંત કેવા છે ? કૂતરાના મોંમાંથી પોતાનો રોટલો છીનવી લે છે.'
પણ સંતે તો રોટલો બહાર ખેંચીને વાઢીમાંથી રોટલા પર ઘી ચોપડયું અને કહ્યું, 'જેમ હું ઘી વગર રોટલો ખાઈ શક્તો નથી તો મારે તને પણ એ જ રીતે રોટલો ઘી ચોપડીને આપવો જોઈએ.'
એક પ્રાણીમાં પણ પોતાના આત્મા જેવો ભાવ અનુભવે છે અને ત્યારે અદ્રોહ એટલે કે આવો સત્પુરુષ સર્વત્ર ભગવાનને જુએ છે. જેને ભગવાન સર્વત્ર દેખાતા હોય એને જગત આખું સારું જ લાગે. જેમ સર્વત્ર ઇશ્વરનો વાસ છે, એમ સત્પુરુષને પ્રત્યેક વ્યક્તિ ઇશ્વર સમાન લાગે છે. જેની દૃષ્ટિ આવી હોય તે પછી એ કઈ રીતે બીજા માણસ પર દ્વેષ કરે. આથી સત્પુરુષનું બીજું લક્ષણ એ છે કે એ કોઈના ય પ્રત્યે દ્વેષભાવ ધરાવતો નથી.
સત્પુરુષનું ત્રીજું લક્ષણ તિતિક્ષા છે. તિતિક્ષા એટલે સહિષ્ણુતા. જીવનમાં ક્યારેક સુખ આવે છે અને ક્યારેક દુઃખ આવે છે. જો રમતમાં તમને રસ હોય તો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ નામના ખેલાડીએ શાનદાર સદી કરી અને બીજી ટેસ્ટમાં એ પહેલે જ દડે આઉટ થઈ ગયો. આમ જિંદગીમાં ક્યારેક સુખ આવે છે, તો કયારેક દુઃખ આવે છે. આથી જ કેટલાક લોકો પોતાની જિંદગીને જોઈને કહેતા હોય છે કે, 'કભી ખુશી, કભી ગમ.' પરિણામે સજ્જન માનવી સુખમાં છકી જતો નથી અને દુઃખથી ભાંગી પડતો નથી. જીવનમાં આવાં આ દ્વંદ્વો તો છે જ, અનેક સંઘર્ષો તો છે જ, સહુ કોઈનાં જીવનમાં સુખ કે દુઃખની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ વ્યક્તિએ એ બંને પ્રત્યે સહિષ્ણુતા દાખવવી જોઈએ. આપણા સંતોએ તો દુઃખ તરફ સહિષ્ણુતા દાખવીને એને સહન કર્યા છે.
ગઈ કાલે રાત્રે વૈભવશાળી અયોધ્યા નગરીમાં ચોતરફ ઉલ્લાસ હતો કે, 'સહુના લાડકવાયા રામ આવતી કાલે અયોધ્યાના રાજસિંહાસન પર બેસશે,' પરંતુ રામને તો વહેલી સવારે વનવાસ માટે નીકળવું પડે છે. જે સમયે ભવ્ય રાજ્યારોહણનો ભભકદાર ઉત્સવ ઉજવવાનો હતો, તે જ સમયે વલ્કલ ધારણ કરીને રામને વનમાં જવું પડે છે.
એ સમયે એમની પાછળ પાછળ વનમાં આવતા અયોધ્યાવાસીઓને રામે અટકાવ્યા, ત્યારે નગરજનોએ પૂછ્યું, 'અમને આપ કોઈ સંદેશ આપો.'
એ સમયે રામે કહ્યું, 'બસ, આ જ મારો સંદેશ છે. ગઈકાલે રાજસિંહાસન મળવાનું હતું અને આજે વનવાસ મળ્યો છે.'
આનો અર્થ જ એ છે કે જીવનમાં ક્યારે દુઃખનો પહાડ તૂટી પડે એનો કોઈને ખ્યાલ હોતો નથી. ક્યારે સુખની લોટરી લાગી જાય એની ખબર હોતી નથી. આ સુખ અને દુઃખની સાઠમારી વચ્ચે માણસે તિતિક્ષા ધારણ કરવી જોઈએ. આવી તિતિક્ષા ધરાવનારો સત્પુરુષ પોતાની જિંદગીને દૂર રહ્યે રહ્યે જોતો હોય છે અને વિચારતો હોય છે કે, 'દુઃખના દિવસો પણ થોડા સમયમાં વીતી જશે.'
સત્પુરુષ એટલે કે સંતનો ચોથો ગુણ એટલે કે સત્ય છે. આ સંતના આશ્રયે જ સત્ય જીવે છે અને તેમના યોગે સત્યમાં બળ આવે છે. આપણે જાણીએ છીએ સત્ય એ સૌથી મહત્ત્વનો ગુણ છે. એ સત્યને ખાતર તો સોક્રેટિસ ઝેરનો પ્યાલો ગટગટાવી ગયો હતો. એ સત્યને ખાતર ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર ચઢી ગયા હતા, સત્યને ખાતર ગાંધીજીએ જીવન સમર્પિત કર્યું એ જ સત્ય રામ, કૃષ્ણ, મહાવીર કે બુદ્ધમાં જોવા મળે છે. 'સત્ય એ જ ઇશ્વર છે' એ ઉક્તિ ઘણી પ્રસિદ્ધ છે.
સંતનો પાંચમો ગુણ છે પવિત્રતા. આ સંતે એટલે કે સત્પુરુષે નિંદા, દ્વેષ આદિ સર્વ દોષો આત્મબોધથી ધોઈ નાખીને પોતાનું ચિત્ત અત્યંત પવિત્ર કર્યું હોય છે. સત્પુરુષના આ પાંચમા ગુણ વિશે વિચારીએ. માનવી બીજાના સુખે દુઃખી થતો હોય છે અને બીજાના દુઃખે સુખી થતો હોય છે. બીજાનું સુખ જોઈને એના મનમાં દ્વેષ જાગતો હોય છે. પોતાને નથી મળ્યું અને બીજાને જે મળ્યું છે, તે પ્રાપ્ત કરવા માટે રાત-દિવસ ઉજાગરા કરતો હોય છે. તુલના એ અત્યંત દુઃખદાયી છે અને આવી તુલના કરીને કે સરખામણી કરીને માણસ રાત-દિવસ ઇર્ષ્યાના અગ્નિમાં બળતો રહે છે. એ નિંદા કરે છે અને આમ નિંદા અને દ્વેષભરી આંખે એ આસપાસના જગતને જોઈને સતત અજંપો અને અકળામણ અનુભવતો હોય છે.
સત્પુરુષ અંતર્મુખ બનીને પોતાના ભીતરને જોતા હોય છે, પોતાના આત્માને ઓળખતા હોય છે, ચિત્તમાં ચાલતા વિકારોને ધીરે ધીરે દૂર કરતા હોય છે. એક અર્થમાં કહીએ તો 'મૈત્રાયણી ઉપનિષદ'માં કહ્યું છે તેમ 'ચિત્ત મેવ હી સંસારમ્, તં પ્રયત્નેન શોધયેત્. એનો અર્થ એ કે 'ચિત્ત એ જ તારો સંસાર છે, એને તારે પ્રયત્નપૂર્વક શોધવો જોઈએ.' આપણા ચિત્તમાં કેટકેટલાં વિચારો સતત આંટાફેરા કરતા હોય છે. એ વિચારે છે કે, જો મારા વિરોધીનો વહેલી તકે નાશ થાય તો મને આનંદ થાય. એ પોતાની વસ્તુઓ પ્રત્યે અત્યંત મોહિત અને આસક્ત રહે છે. હકીકતમાં માનવીનું ચિત્ત નવરુ જ પડતું નથી ! અને દિવસે તો શું, રાત્રે પણ એને નિરાંત હોતી નથી, ત્યારે અહીં કહેવાયું છે કે 'પવિત્રતા એ સત્પુરુષનો પાંચમો ગુણ છે અને એ ગુણપ્રાપ્તિ માટે એણે એના ચિત્તને અત્યંત પવિત્ર કરવું જોઈએ.'
'એકનાથી ભાગવત'માં સત્પુરુષના અઠયાવીસ ગુણોમાંથી પાંચ ગુણો પર આપણે દૃષ્ટિપાત કર્યો. આ પ્રત્યેક ગુણ જિજ્ઞાાસુ કે સાધકને અંતર્મુખતા તરફ એક એક ડગલું આગળ લઈ જાય છે, તેથી આ ગુણોનો વાંચકોએ ઊંડાણથી અભ્યાસ કરવો. અભ્યાસ એટલે પોતાના જીવનમાં પ્રયોગશાળામાં એની તાલીમ લેવી જોઈએ.