પર્ણ ખીલે અને પર્ણ ખરે તે પ્રક્રિયામાં જીવન રચાય છે
- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ
પડછાયાની પળોજળમાંથી બચવું છે?
તો અંધકારમાં એકલા બેસો ને....
આપણે એમ માનીએ છીએ કે શિયાળો એટલે ગરમી કે હુંફ વિના સ્વ અને સ્મરણો સાથે વિતાવવાનો સમય. પણ ના! શિયાળો એટલે જગતમાંથી પાછાં ફરવું, એકાંતના આશ્રયે શાંત અને સ્થિર થવું, આડા પડવું, વિશ્રામ કે વિરામ લેવો. આ નિષ્ક્રિયતા નથી પણ સક્રિયતાની તૈયારીઓનો સમય છે. ઘડીઆળનું લોલક જ્યારે ડાબે જાય છે ત્યારે તે જમણી બાજુ જવાની તૈયારી કરે છે. આપણે ઉજાસ માટે અંધકાર અને વસંત માટે પાનખરમાંથી પસાર થતાં જ હોઈએ છીએ. આ તો છે જીવનનો લય, તાલ કે છંદનો સ્વીકાર. જીવનનું ડહાપણ તેની અનિશ્ચિતતા અને અસલામતી સાથે લડવામાં નથી તેના આવકારમાં છે.
આપણને સમાજ સાથે રહેવાની તાલીમ મળે છે પણ પોતાની જાત સાથે રહેવાની તાલીમ નથી મળતી. શિયાળાનું એકાંત વિશ્વથી બચીને જાતને માંજવાનો અને મઠારવાનો સમય છે. તેમાં પીડા નથી, ઉપચાર છે. માનવીય સંવેદનાશીલતાનો આકરો શિયાળો વેઠનારો વધુ માનવીય બનતો હોય છે. પ્રકૃતિના પ્રિય સંતાનો જેવા કે પંખી, પ્રાણી વનસ્પતિ ક્યારેય શિયાળાની ફરિયાદ નથી કરતા પણ રૂપાંતરિત થાય છે. તેમની જૂની અને ઘસાયેલી ચામડી ખરી પડે છે અને નવી આવે છે. એક અફલાતૂન કથા યાદ આવે છે.
એક વખત અતિશય ક્રૂર શિયાળામાં બધી જ શાહુડીઓ એકઠી થઈ ગઈ. દરેકનો પ્રશ્ન હતો કે આ શિયાળો કેમ વ્યતીત કરવો? એક વૃદ્ધ શાહુડીએ સૂચન કર્યું કે સૌ પોતાના શૂળ એકમેકની નજીક રાખશે તો ઠંડીથી બચાશે. કોઈએ એકમેકની શુળ વાગે છે તેવી ફરિયાદ કરી ત્યારે પેલી વૃદ્ધ શાહુડીએ ઠપકો આપતા કહ્યું 'બેટા, એકમેક ની શુળ વેઠી લેવી છે કે, શિયાળામાં મરી પરવારવું છે?'
શિયાળા બે પ્રકારના હોય છે અંદરનો અને બહારનો. તેને નિવારવાના, નાથવાના અને નકારવાના પ્રયાસને બદલે તેને જીવી લઈએ. જાતને એકલતા અને અંધકારથી બચવાની અને બચાવવાની મથામણને બદલે તેમાંથી પસાર થઈએ. જ્યારે પણ અંધાર, એકલતા અને અધૂરપ લાગે ત્યારે મીણબત્તી કરી બેસો. તેથી ત્યાં બે વ્યક્તિઓ થઈ જશે તમે અને તમારો પડછાયો. બસ, સંવાદ કરો. બાકી ધુમ્મસ કે ઝાકળની ગાઢતા શિયાળાની કે માનવ મનની સરખી જ હોય છે. શિયાળો સ્વપ્નો જોવાનો અને વાવવાનો સમય છે, પ્રયાસ પૂર્વેના પ્રમાદનો સમય છે.
એકવીસમી સદીનો સૌથી મોટો અભિશાપ છે - અંધકાર બચ્યો જ નથી, બધું ઝળાહળા. પશ્ચિમના દેશોમાં ભરશિયાળે પણ રોબિન નામનું પંખી જીવનની આસ્થાના ગીતો ગાય છે. તે યાયાવરી પણ નથી કરતું. તે માનવ મિત્રનુ ચીયર લીડર્સ છે.
જો ગ્રીષ્મ-વસંતમાં ભૂરા આકાશમાં એકલા ઉડવું હોય તો હેમંત-શિશિરમાં બધા સાથે હુંફ મેળવી લેવી. આપણે સૌ સ્વ-ગૃહ તરફ જઈ રહ્યા છીએ. ચાલો, સૌ સાથે વાતો-ગીતો-નાચતા રહીએ. જીવન તો બે જ વસ્તુથી રચાય છે.
પર્ણો ખીલવા, પર્ણો ખરવા....