Get The App

ગિર ગયે, ગિરકર ઉઠે, ઉઠકર ચલે! .

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ગિર ગયે, ગિરકર ઉઠે, ઉઠકર ચલે!              . 1 - image


- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- સફળતા એટલે સતત પુરુષાર્થ કરતા રહેવો અને ગીતાનો કર્મયોગ સંદેશ આપે છે તેમ નિષ્કામ કર્મયોગની આરાધના કરવી

ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાાની સૉક્રેટિસ શાળા, મહાશાળા કે જનસભાને બદલે નગરની શેરીઓમાં કે બજારોમાં ઊભા રહીને જિજ્ઞાાસુઓ અને યુવાનો સાથે ચર્ચા કરતો હતો. સૉક્રેટિસના વ્યક્તિત્વ અને વિચારોથી આકર્ષિત થયેલા અનેક યુવાનોમાંથી એકે સૉક્રેટિસને પૂછ્યું, 'જીવનમાં સફળતા કઈ રીતે મળે એનું રહસ્ય મારે જાણવું છે ?'

સૉક્રેટિસે એ યુવાનને પછીના દિવસે નદીકિનારે મળવા આવવાનું કહ્યું. બંને મળ્યા અને સૉક્રેટિસે યુવકને કહ્યું, 'તમે નદીના ઊંડા પાણીમાં ઊતરો ને હું અટકાવું નહીં, ત્યાં સુધી નદીના પાણીમાં આગળ વધતા રહેજો.'

નદીનું પાણી યુવકના ગળા સુધી આવ્યું કે, તરત જ સૉક્રેટિસે એનું માથું પકડીને એને પાણીમાં ડુબાડી દીધો. સૉક્રેટિસના હાથની પકડમાંથી છૂટવા માટે યુવાને ઘણી મહેનત કરી, એમ છતાં સૉક્રેટિસે એના મજબૂત હાથની પકડ સહેજે ઢીલી કરી નહીં.

પાણીમાંથી માથું બહાર કાઢવા માટે યુવક તરફડવા લાગ્યો. અંતે સૉક્રેટિસે હાથની પકડ ઢીલી કરી. કિનારે આવ્યા ત્યારે એ નવયુવાને ઊંડો શ્વાસ લીધો અને જીવન બચી ગયું તે માટે ઈશ્વરનો ઉપકાર માન્યો.

સૉક્રેટિસે સવાલ કર્યો, 'જ્યારે તમે પાણીની અંદર હતા, ત્યારે કઈ ચીજની તમારે સૌથી વધારે જરૂર હતી?'

'શ્વાસ લેવા માટે હવાની.'

સૉક્રેટિસે કહ્યું, 'સફળતાનું આ જ રહસ્ય છે. તમે જે કંઈ હાંસલ કરવા માગતા હો, તેને માટે તીવ્ર તડપ ન હોવી જોઈએ. આવા પ્રબળ તરફડાટથી જ વ્યક્તિ જીવનમાં સફળતાની સીડી પર ચડી શકે છે.'

કોઈ પણ ઉપદેશક વિદ્ધાન, વિજ્ઞાાની, રાજપુરુષ કે ઉદ્યોગપતિના પુરુષાર્થને જુઓ તો એ વાત પહેલી તરી આવશે કે, એમના દિલમાં પોતાનું ધ્યેય સિદ્ધ કરવાનો 'ધખારો' હતો. પારાવાર મુશ્કેલીઓ અને હતાશા મળી હોવા છતાં મહાત્મા ગાંધીજીએ વર્ષો સુધી આઝાદીના આંદોલનમાં ક્યારેય પીછેહઠ કરી નહીં. ચૂંટણીમાં વારંવાર નિષ્ફળતાની પછડાટ પામ્યા છતાં અબ્રાહમ લિંકન રાજકારણનું મેદાન છોડીને નાસી ગયા નહીં અને અંતે અમેરિકાના સૌથી મહાન માનવતાવાદી પ્રમુખ બન્યા.

એડમન્ડ હિલેરીએ પહેલી વાર માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરવાનો પ્રયત્ન કર્યો પણ એમાં નિષ્ફળ ગયો. એણે પોતાના ઘરની દીવાલ પર માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર દોર્યું હતું અને ચિત્રને જોઈને એ કહેતો, 'ઓ માઉન્ટ એવરેસ્ટ ! તેં મને એક વાર પરાજિત કર્યો, પરંતુ તું હવે પરાજિત થવાનો છું, કારણ એટલું જ કે, તારે વિકસવાનું હતું તેટલું તું વિસ્તરી-વિકસી ચૂક્યો છે. જ્યારે હું હજી વિકસી રહ્યો છું.' અને આપણે જાણીએ છીએ કે, વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ ૧૯૫૩ની ઓગણત્રીસમી મેએ એડમન્ડ હિલેરીએ શેરપા તેનસિંગ સાથે સર કર્યું હતું.

વિશ્વમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતા થોમસ આલ્વા એડિસન તો કહેતા હતા કે નિષ્ફળતા છે જ ક્યાં ? મારી સફળતા એક હજારમા પગથિયા પર વસે છે, માટે ૯૯૯ પગથિયાં તો ચડવાં જ પડે ને ! એ તો કહે છે કે સફળતા મેળવવા ચાહતા હો, તો ધૈર્યને તમારો ગાઢ મિત્ર, અનુભવને તમારો બુદ્ધિશાળી સલાહકાર અને સાવધાનીને તમારો મોટો ભાઈ બનાવો અને આશાને તમારી માર્ગદર્શક પ્રતિભા બનાવો.

કુછ ઈસ તરહ તય કી હૈ હમને મંઝિલે,

ગિર ગયે, ગિરકર ઉઠે, ઉઠકર ચલે.

આમ સફળતા એટલે સતત પુરુષાર્થ કરતા રહેવો અને ગીતાનો કર્મયોગ સંદેશ આપે છે તેમ નિષ્કામ કર્મયોગની આરાધના કરવી. નિષ્કામ ચિત્ત હોવાથી સફળતા માટેના પ્રયોગોમાં ભય, હતાશા, નિષ્ફળતા, ચિંતા, ઉશ્કેરાટ, આવેગ, સ્ટ્રેસ કે ટેન્શન પજવતાં નથી. આમ સફળતા એટલે સંઘર્ષ પછીની પ્રાપ્તિ, પોતાના પર ફેંકવામાં આવેલી ઈંટ અને પથ્થરમાંથી પોતાના મકાનનો પાયો ચણવાની કલા.

માનવીની સ્થિતિ, સંજોગ અને પરિવેશ પ્રમાણે એની સફળતાના હેતુઓ ભિન્ન ભિન્ન હોઈ શકે. એના હેતુઓ સતત પલટાતા પણ રહે છે. વિદ્યાર્થી અવસ્થામાં ઉચ્ચ ગુણો મેળવીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું એ સફળતાનો માપદંડ હોઈ શકે. યુવાનીમાં પ્રિયજનની પ્રાપ્તિ એમાં જ સઘળી સફળતા સમાયેલી લાગે. પ્રૌઢ વયે વર્ષોના અનુભવની અવસ્થા બદલાય, તેમ તેમ એનું જીવનલક્ષ્ય બદલાતું હોય છે અને એની સાથોસાથ એનો સફળતા વિશેનો અભિગમ અને દ્રષ્ટિકોણ પરિવર્તન પામતો હોય છે.

માનવી જે ક્ષેત્રમાં સફળતા ઈચ્છે છે. એ પ્રકારના વિશ્વમાં એ વસવા ચાહે છે. રાજકારણમાં પ્રધાન બનવાની ઝંખના રાખનાર વિદ્વાન બનવાની કલ્પના ક્યારેય કરતો નથી. ઉદ્યોગપતિનું જગત જૂદું હોય છે અને લોકસેવકની દુનિયા નોખી હોય છે. દરેકની પાસે સફળતા પામવા માટે પોતીકો માર્ગ હોય છે અને એ માર્ગે એ અવિરત પ્રયત્ન કરતો હોય છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ફેશનેબલ કપડાં પહેરીને આકર્ષક દેખાવાનો વિચાર ક્યારેય ન આવ્યો અને થોમસ આલ્વા એડિસનને પ્રયોગશાળાની બહાર રહેવું ક્યારેય પસંદ ન પડતું. આમ સફળતાના  હેતુ વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા હોય છે. કોઈકને બેંતાલીસ માળની ગગનચુંબી ઈમારતના માલિક બનવામાં આનંદ હોય છે ને કોઈને દૂરના ગામડામાં રોગથી રિબાતી સ્ત્રીઓની સારવાર કરવામાં આનંદ આવતો હોય છે.

સફળતા માટે જોઈએ શું ? 'વાલ્મીકિ રામાયણ'ના કિષ્કિન્ધાકાણ્ડ (૪૯-૬)માં કહ્યું છે,

ઉત્સાહ, સામર્થ્ય ને મનથી હિંમત ન હારવી,

એ કાર્યની સિદ્ધિ કરનારા ગુણ કહેવાયા છે. 

આમ સાધના વગર સિદ્ધિ થતી નથી. પરિશ્રમ વગર પ્રાપ્તિ થતી નથી. સમુદ્રનો તાગ મેળવવા માટે મરજીવા બનવું પડે. સમુદ્રને કિનારે રહેનારા તો શંખલા, છીપલાં ને કોડીઓ જ પામે છે. મોતી મેળવવા માટે તો મઝધારમાં જવું પડે.

હવે વિચારીએ કે, સર્વોત્તમ સફળતા વસે છે ક્યાં ? એ વસે છે માનવઆત્મામાં. માઉન્ટ એવરેસ્ટ ૨૯૦૨૯ ફૂટ ઊંચો છે, હિંદી મહાસાગર ૨૫૯૩૮ ફૂટ ઊંડો છે અને નર્મદા ડેમ ૩૯૮૦ ફૂટ પહોળો છે. હવે તમે એવરેસ્ટને જઈને વિનંતી કરો કે, જરા ત્રીસ હજાર ફૂટ ઊંચો થઈ જા ને ! હિંદી મહાસાગરને જઇને કહો કે, એવરેસ્ટ જેટલો ઊંચો છે, એટલા ફૂટ તું ઊંડો થઈ જા ને ! નર્મદા ડેમને કહો કે, તું જરા તારા બાહુ પ્રસારીને ૪૦૦૦ ફૂટ પૂરા કર, તો આમાંથી એકેયને માટે ઊંચાઈ, ઊંડાઈ કે પહોળાઈ વધારવી શક્ય નથી. જ્યારે માનવઆત્મા એક એવી ચીજ છે કે, જે સેવાભાવ કે અધ્યાત્મભાવથી સતત વિકસી શકે છે. આત્મતત્ત્વને જાણીને આત્મદર્શન, આત્મઆનંદ અને આત્મસિદ્ધિ પામે છે, એ જ જીવનમાં પરમ સાર્થક્ય અને સફળતા પામે છે.

ઈશ્વરને એક વાર અમૃત મળ્યું. વિચાર કર્યા કે, આ અમૃત સંતાડું ક્યાં ? એવી જગ્યાએ છુપાવી દઉં કે, માનવી ગમે તેટલી મહેનત કરે, તોય એને હાથ ન લાગે. થયું કે, એને એવરેસ્ટના શિખર પર મૂકી દઉં. પણ લાગ્યું કે, આ માનવજાતને માટે એવરેસ્ટને આંબી જવો એ ક્યાં નવાઈની વાત રહી છે ! વિચાર આવ્યો કે, સાતમા પાતાળે સંતાડી દઉં, પણ થયું કે, ચંદ્ર અને મંગળ સુધી પહોંચનારો માણસ એને સાતમા પાતાળમાંથી ય શોધી કાઢશે.

તો પછી એને સંતાડવું ક્યાં ? અને એમને સરસ ઉકેલ મળી ગયો. એમણે એ અમૃત માનવી-આત્મામાં મૂકી દીધું. માનવીની દશા કસ્તુરી મૃગ જેવી થઈ. એ પોતાની આસપાસની સૃષ્ટિમાં અમૃત મેળવવા ઉધમાત કરે, પણ પોતાના અંતરમાં રહેલા અમૃતનો વિચાર સુધ્ધાં ન કરે.

સરળ શબ્દોમાં કહીએ તો ખુદને સમજે છે તે ખુદા અને એવી ખુદની સમજ, પોતાની જાતની સમજમાંથી વ્યક્તિ આત્મઓળખ સુધી પહોંચે છે.

આમ આપણી જિંદગી એ સિક્કા જેવી છે. તમે ધારો તેમ વાપરી શકો, પણ હા, માત્ર એક જ વાર વાપરી શકાય છે. એ જિંદગી આખીય અલ્પવિરામથી ચાલતી હોય છે, તેમાં આત્મઓળખથી પૂર્ણવિરામ સર્જાય છે, આથી સફળતા મેળવવી હોય તો ભૂતકાળને જોઈને એમાંથી અનુભવ પામો, ભવિષ્યની સામે દ્રષ્ટિ રાખીને એમાંથી સ્વપ્ન રચો, આજુબાજુને જોઈને વાસ્તવિકતાને જાણો અને ભીતરમાં જોઈને આત્મજ્ઞાાન પામો. એ આત્મજ્ઞાાનમાંથી પ્રાપ્ત થયેલી સમતા, મમતા, નમ્રતા અને ક્ષમતા એવી સફળતા આપશે કે એની પ્રાપ્તિ પછી સફળતાની કોઈ ચાહના પણ નહીં રહે !

- ક્ષણનો સાક્ષાત્કાર

નિર્દોષ બાલ્યાવસ્થાની કોઈ મધુર યાદ મનમાં એકાએક જાગી જાય, ત્યારે કેવી આનંદલહરીનો આપણને અનુભવ થાય છે. યુવાની કે પ્રૌઢાવસ્થાની જંજાળ વચ્ચે ભૂતકાળની કોઈ મધુર સ્મૃતિ એકાએક મનમાં સળવળી ઊઠે, ત્યારે મન કેવું મ્હોરી ઊઠે છે. યુવાનીની આપાધાપીમાં આપણે ઘણું ગુમાવીએ છીએ અને તે છે આપણી બાળપણની નાની મજાની મીઠી પીપરમીટ જેવી સ્મૃતિઓને. દુનિયાના કેટલાંય દેશોનો અને અનેક સૌંદર્યધામોનો પ્રવાસ કર્યો, પરંતુ બાળપણમાં જોયેલો રાણપુરનો કિલ્લો, એક જગાએ ઊંચા પથ્થરિયા આસન પર આકાશ ભણી તાકીને બિરાજમાન તોપ, નજીકમાં ઊંડો ભમ્મરિયો કૂવો, આખીય નદી પાર કરાવે તેવું ભોંયરું અને એની રાજકથાઓ આજેય મનને કોઈ જુદા જ આનંદમેળામાં લટાર મારવા લઈ જાય છે. સ્પેનના વિખ્યાત ટેનિસ ખેલાડી રાફેલ નાદાલે ભવ્ય કારકિર્દી પછી હાલ નિવૃત્તિ લીધી. આડત્રીસ વર્ષના રાફેલે એની પ્રભાવક રમતથી કેટલાય વિક્રમો અને સિદ્ધિઓનો ઢગલો કર્યો છે. ટેનિસની ફ્રેંચ ઓપન સ્પર્ધામાં ૧૪ વખત ગ્રાન્ડસ્લામ ટાઈટલ મેળવનાર એક માત્ર રાફેલ છે. સિંગલ્સના ખેલાડી તરીકે વ્યવસાયી ટેનિસ મંડળ (એટીપી)માં ૨૦૯ અઠવાડિયા એ જગતશ્રેષ્ઠ સિંગલ્સ ખેલાડી તરીકે જાહેર કરાયો. ક્લે કોટ સતત ૮૧ વિજય મેળવનારા રાફેલ નાદાલે બે દાયકા સુધી ટેનિસની સ્પર્ધાઓમાં આગવી ખ્યાતિ મેળવી.

હવે ટેનિસમાંથી વિદાય લેનારા આ ખેલાડીને એવી ઈચ્છા નથી કે એની સિદ્ધિનાં યશોગાન થતા રહે, બલ્કે એ તો ભૂતકાળની સિદ્ધિ-પ્રસિદ્ધિની ઝાકઝમાળને ઝાઝું મહત્ત્વ આપતો નથી. લોકો સમર્થ ટેનિસ ખેલાડી તરીકે એના વિક્રમોની વાત કરે કે ક્લે કોટ પર એની સફળતાની યશોગાન ગાય એની લેશમાત્ર ઈચ્છા નથી. એ કહે છે કે, 'લોકો મને સ્પેનના મેલોરકા ટાપુના માનકોર નામના નાનકડા ગામની સારી વ્યક્તિ તરીકે યાદ રાખે એટલે બસ. વધુ કશું નહીં.' તમે પણ વિચારજો કે લોકો તમને કઈ રીતે સ્મૃતિમાં સંઘરી રાખે તેમ તમે ઈચ્છો છો.



Google NewsGoogle News