Get The App

લીડરશિપ સિક્રેટ્સ : સરદાર આટલા અસરદાર કેમ હતા?

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
લીડરશિપ સિક્રેટ્સ : સરદાર આટલા અસરદાર કેમ હતા? 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- વલ્લભભાઈ મૌન રહી આંટા મારે ત્યારે વિચાર કરતા હોય. સામાવાળાને એક નજરમાં માપી લેવાની કુશળતા એમનામાં ખીલી ગઈ હતી, એના બે કારણ. સખત અભ્યાસની વૃત્તિ. કામ કાચું ના કરે, અધૂરું ના છોડે...

'જે લમાં સરદાર વલ્લભભાઈ સાથે રહેવાનું મળ્યું એ એક મોટો લહાવો હતો. તેમની અદ્વિતીય શૂરવીરતા અને જ્વલંત દેશપ્રીતિની તો મને ખબર હતી, પણ આ સોળ મહિના તેમની સાથે જે રીતે રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડયું તેવી રીતે કદી હું તેમની સાથે રહ્યો નથી. તેમણે પ્રેમથી મને જે તરબોળ કર્યો છે તેથી તો મારી વહાલી માતાનું સ્મરણ થઈ આવતું. તેમનામાં આવા માતાના ગુણો હશે તે તો હું જાણતો જ નહોતો. મને જરાક કંઈક થાય તે એ પથારીમાંથી ઊઠયા જ છે. મારી સગવડની નાનામાં નાની વસ્તુ માટે પણ તેઓ જાતે કાળજી રાખતા. તેમણે અને મારા બીજા સાથીઓએ સંતલસ કરી મૂકી હતી કે મને કશું કામ કરવા ન દેવું.'

આ શબ્દો ગાંધીજીએ ૧૯૩૨-૩૩ના જેલવાસ બાદ કહ્યા અને શરૂઆતના બે મહિના બાદ એમની સાથે જ એમાં જોડાયેલા મહાદેવભાઈ દેસાઈએ નોંધ્યા. સરદારને ગાંધીજી સાથે યરવડા જેલમાં રહેવાનું થયું એ એમના જીવનમાં એક ભારે મહત્વની ઘટના ગણાય. આમ તો એ ગાંધીજીને વારંવાર મળતા, અને પોતાનાં તમામ કામો તેમની સૂચના લઈને જ કરતા. પણ ચોવીસે કલાક સાથે રહેવું, ઊઠવું, બેસવું, જમવું, સૂવું એ જુદી વાત છે. સાબરમતી જેલના દરવાજામાં પેસતાં તેમણે બીડી કાયમની છોડી દીધી હતી. યરવડામાં ગાંધીજીની સાથે રહ્યા એટલો વખત તેમણે ચા છોડી. સરદારને બંને વેળા ભાત ખાવાની ટેવ હતી અને ચોખા ઊંચી જાતના હોય તે એમને બહુ ગમતું. પણ અહીં તો ખીલા ખાઈએ છીએ એમ એ ચોખાની મશ્કરી કર્યા વિના રહેતા નહીં. ગુવારનું શાક કર્યું હોય ત્યારે આ તો બળદનું ખાણું કર્યું છે એમ કહેતા. અગાઉ દાંડીકૂચ ગાંધીજીએ કરી ત્યારે પણ અંગ્રેજોએ અગાઉ બારડોલી સત્યાગ્રહમાં સરદારના મેનપાવર મેનેજમેન્ટની પ્રચંડ શક્તિ જોતાં ગાંધીજીને નબળા પાડવા એમને બદલે સરદારની આગોતરી ધરપકડ કરેલી.

ત્યારે પણ ગાંધીજીએ સરદારને 'જેલમહેલ'માં કહીને એમની પ્રશંસા કરતા કહેલું કે - 'સરદાર વલ્લભભાઈ પટેલ વિનોદમાં કહેતા કે તેમની રેખામાં જેલ નથી જોવામાં આવતી. એમનામાં જેલ અને મહેલમાં ભેદ નથી, જ્યાં આજે સરદાર બિરાજે છે ત્યાં આપણે સહુએ જવાનું છે. પણ લાયકાત મેળવ્યા વિના જેલ મળતી નથી. સરદાર વલ્લભભાઈની અમૂલ્ય સેવાને સારું આપણે લાયક હતા કે નહીં તે આપણે હવે બતાવવાનો અવસર આવ્યો છે. તેમને ગુજરાતની આશા કાં ન હોય? મજૂરોની સેવા તેમણે કયાં નથી કરી? ટપાલવાળાઓએ, રેલવેના નોકરોએ તેમની પાસેથી ક્યાં સ્વરાજ્યના પાઠ નથી લીધા? અમદાવાદના કયાં શહેરીને ખબર નથી કે તેમણે પોતાનું સર્વસ્વ હોમીને શહેરની સેવા કરી છે. શહેરમાં જ્યારે ભારે મરકી (કોરોના જેવો સદી પહેલા આવેલો પ્લેગ)  ફેલાઈ રહી હતી ત્યારે માંદાની સેવાને સારું ગોઠવણ કરનાર વલ્લભભાઈ, દુષ્કાળ વખતે દુષ્કાળિયાની વહારે ધાનાર વલ્લભભાઈ, મહાપૂર આવ્યું, લાખો ઘરબાર વિનાના થયા, ખેતરોના પાક તણાઈ ગયા ત્યારે આખા ગુજરાતનાં સંકટનું નિવારણ કરવા સેંકડો સ્વયંસેવકોને તૈયાર કરનાર, લોકોને સારું કરોડ રૂપિયા સરકાર પાસેથી કઢાવનાર વલ્લભભાઈ, બારડોલીના વિજયને સારૂ જેમને ઋણી પ્રજાએ સરદાર તરીકે સંબોધ્યા તે વલ્લભભાઈ, અને સંપૂર્ણ સ્વરાજ્યની છેલ્લી લડત લડવાને સારૂ પ્રજાને તૈયાર કરી રહ્યા હતા તે વલ્લભભાઈ. એ તો પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં જેલમાં પહોંચ્યા. આપણે હવે શું કરવું? આ પ્રશ્નનો એક જવાબ તો સ્પષ્ટ છે. આપણે હતાશ ન થવું પણ દરેકે બમણી દ્રઢતાથી, બમણી હિંમતથી સવિનય ભંગને સારું તૈયાર થવું ને જેલનો, ને મોત મળે તો મોતનો માર્ગ લેવો. સરદાર ગયા એટલે કોણ દોરશે એવો નામર્દીનો સવાલ મનમાં ઊઠવા ન દેવો. આ યુદ્ધમાં એક જ વસ્તુની જરૂર છે. જો આપણે વિવેકપૂર્વક સર્વસ્વ હોમવા તૈયાર થઈએ ને હોમીએ તો પૂર્ણ સ્વરાજ હસ્તમલકવત્ છે.'

માત્ર ૬ વર્ષ ઉંમરમાં મોટા હોવા છતાં જેમની અંગત કાળજી રાખી જેમને ગુરુથી આગળ બાપના સ્થાને સરદાર ગણતા, એવા ખુદ અગાધ લોકચાહના મેળવેલા અને આખાબોલા સત્યનિષ્ઠ એવા મહાત્મા ગાંધી સરદાર માટે કોઈ સન્માનપત્ર લખાતું હોય એવા વખાણ કરે એવું તો શું હતું સરદાર વલ્લભાઇ પટેલમાં ? ૧૮૭૫ એમનું જન્મવર્ષ છે એટલે થોડા દિવસોમાં આપણે સરદાર ૧૫૦ના ઉત્સવવર્ષમાં પ્રવેશ કરીશું. ત્યારે આજના સરદારનિર્વાણદિને આ કોયડાનો જાહેર જવાબ શોધીએ. 

વકીલ વલ્લભભાઈ સરદાર કહેવાયા બારડોલીના ૧૯૨૮ના સત્યાગ્રહના કુશળ સંચાલન થકી. ગાંધીજીએ બારડોલીને વલ્લભભાઇ આપ્યા અને બારડોલીએ દેશને સરદાર જેવા રાષ્ટ્રપુરુષ આપ્યા ! એ અગાઉ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એમણે વહીવટી આગેવાની લઈને સપાટો બોલાવેલો. અંગ્રજ કેન્ટોનમેન્ટના ગોરા અધિકારી હોય કે પેઢા પડેલા હિંદુ કે મુસ્લિમ ઈજારાદારો, બધાને કાયદાનું કડક રાજ બતાવીને આયર્ન હેન્ડનો લોખંડી પરચો એમણે દેખાડેલો. હજુ અમદાવાદમાં વાઘબકરી ચાના કરોડપતિ માલિકને ગુમાવ્યા (તો શેરીમાં ફરતા સામાન્ય રાહદારીનું શું થતું હશે?) એટલી હદે ગુજરાતભરની જેમ રખડતા, ભસતા, કરડતા કૂતરાઓનો ત્રાસ છે. એ જમાનામાં સરદારે જીવદયા અને અહિંસાની ઐસી કિ તૈસી કરી એ અનિષ્ટને મારવાનો હુકમ કરેલો અને આજની જેમ કકળાટ શરુ થયો એની સામે લાગણીદુભાઉ લખોટાઓને તો રોકડું પરખાવેલું કે 'તમારી ઘેર શેરીમાં રખડતા પશુઓ પાળો, નહિ તો નિયમ મુજબ સફાઈ કરવા દો!'

એવી રીતે વિકાસ માટે જૂના કોટનો મોહ રાખ્યા વગર તોડવાની પહેલ કરેલી. અન્ય ધર્મોના કે બિનશાકાહારી નાગરિકો માટે કતલખાના પણ મંજૂર રાખેલા ને ટાઉન પ્લાનિંગ ડ્રેનેજ, રોડ, વોટર, લાઈટનું કરેલું. લોકો મળે એ માટે ટાઉન હોલ બનાવેલો, અને જરૂર પડે કોઈ મંદિર પણ રસ્તો પહોળો કરવામાં આડે આવતું હોય તો ખસેડવાની ચીમકી આપેલી. સરદાર થવું હોય તો ઈમોશનલ નહિ થવાનું. રિયલીસ્ટિક થવાનું !

સરદાર જોડે કામ કરનારા મિત્રોએ એમનો એક ગુણ બારીકાઇથી નોંધેલો. સરદાર કોઈ પણ બાબતનો પુરતો અભ્યાસ કરે. ના ખબર પડે તો જે જાણકાર હોય એને શરમ વિના પૂછે. પછી તરત ઉકેલ બાબતે વિચારે અને જે શક્ય ના હોય એની માથાકૂટમાં સમય વેડફવાનું પડતું મૂકે. વહેવારમાં વાસ્તવિક રીતે જે યોગ્ય લાગે તેવો નિર્ણય લે અને એ પણ બહુ વિચારમાં સમય વેડફ્યા વિના ઝડપથી લે. એક વાર નિર્ણય લેવાઈ ગયા પછી ભાગ્યે જ ડબલ માઈન્ડ થાય. કન્ફયુઝન સાથે એમને આડવેર. વિચાર બધો ડીસિશન લેતા પહેલા કરવાનો. એ પછી તો તરત અમલ જ દ્રઢ રહીને કરવાનો. 

એકવાર ગાંધીજીના લાંબા ઉપવાસ બાબતે એમને કોઈએ ગાંધીજીની તબિયત લથડવાની બીકે સમજાવવા કહ્યું તો એમનો જવાબ હતો ઃ 'અગ્નિપરીક્ષામાંથી બાપુ પસાર થઈ જઈ શકશે એવી આશા રાખવી એ મૂર્ખાઈ ગણાય એ વાત સાચી છે. પણ હું એ મૂર્ખાઓના ટોળામાંનો નથી. વળી સફળતાની જરાયે આશા રાખીને તેમનો નિશ્ચય છોડાવવા અથવા ફેરવવાનું સમજાવવા પ્રયત્ન કરવો એ એથીયે વધારે મૂર્ખાઈ છે. એટલે મેં તો એ યોગ્ય ધાર્યું છે કે તેમને (નાહક સમજાવટની દલીલ કરીને)  નકામી તકલીફ ન આપો અને તેમની શક્તિનો સંગ્રહ કરવા દેવો.' મતલબ, એ સત્ય ખરું કે એનાથી તબિયત બગડે પણ એથી મહત્વનું જેની સાથે કામ લેવાનું એનો સ્વભાવ જાણી લેવો એ છે. ચેસના ચેમ્પિયનની જેમ બે ડગલા આગળ એ જોઈ શકતા ! એટલે ભાગ્યે જ એમના આકલન (એનાલિસીસ)માં એ ફેઈલ જતા ! માણસોને આદર્શનું પુતળું માનવાને બદલે એ જાતભાતના લોકોના પરિચયને લીધે એની ખૂબી ઉપરાંત ખામીઓ સહિત સમજી લેતા અને અનુભવે એ કઈ દિશામાં જશે એનું અનુમાન કરી શકતા. એમનું જ્ઞાાન જીવનમાંથી આવેલું હતું. પુસ્તકિયું નહોતું. જેલમાં જ એક દંભી લેખક બાબતે બાપુ સાથે સંવાદ થયેલો એમનો એ વાંચો ઃ

બાપુ ઃ 'એમના લેખોથી સેવા નથી થતી એમ તમે કહો?' વલ્લભભાઈ ઃ 'વિદ્વાનોના લેખોથી જરાય સેવા નથી થતી. વિદ્વાનો વાંચવા લખવાનો શોખ લગાડે છે અને તેમ કરીને ઊલટા નુકસાન પહોંચાડે છે. માણસોને વાંચવા લખવાના મોહમાં નાખીને નમાલા કરી મૂકે છે. નમાલા કરે એ વિદ્યા અને લખાણ શા કામનાં?' બાપુ ઃ 'એમના લખાણ વિષે એમ કહેવાય છે ખરું ? મેં એમનું લખેલું જીવનચરિત્ર નથી વાંચ્યું પણ એ જીવનચરિત્ર નમાલા કરે?' વલ્લભભાઈ ઃ 'લોકો એણે લખેલું બીજાનું ચરિત્ર વાંચશે કે એનું ચરિત્ર જોશે ?'

પોઈન્ટ ટુ બી નોટેડ. એમને સ્વામી વિવેકાનંદ બંગાળના એ ત્યારે ખબર નહોતી અને ગીતા તો હજુ શરુ કરી હતી વાંચવાની. પણ પ્રેક્ટિકલ નોલેજ ધરતીના જાયા તરીકે ધીંગુ હતું. રમૂજી પણ સાથોસાથ એમની કાયદા અને માણસની પરખ બાબતે દૂરંદેશી દેખાડતો બીજો સંવાદ વાંચો. 

એક જણનો ખુલ્લો પત્ર આવ્યો. તેમાં એણે બિચારાએ છેવટે લખ્યું છે કે તમારા જમાનામાં જીવવાનું દુર્ભાગ્ય મેળવનાર. બાપુ કહે ઃ 'એને શો જવાબ આપીએ?' વલ્લભભાઈ ઃ 'કહો કે ઝેર ખા.' બાપુ ઃ 'એમ નહીં. મને ઝેર આપ એમ ન લખાય ?'

વલ્લભભાઈ ઃ 'પણ એમાં એનો દહાડો ન વળે. તમને ઝેર આપે એટલે તમે જાઓ અને એને ફાંસીની સજા મળે એટલે એનેય જવાનું. એટલે પાછું તમારી સાથે જ જન્મ લેવાનું કરમમાં ઊભું ને ઊભું રહે. એના કરતાં એ પોતે જ ઝેર ફાકે એ સરસ !'

સરદારે પ્રજાની અસ્મિતા માટે સોમનાથનું પુનઃ નિર્માણ નેહરૂથી ઉપરવટ જઈને કરાવ્યું. પણ ધાર્મિકતા કરતા નૈતિકતાને પૂજે. આજકાલ ઉપાડો લઇ લીધો છે શાસ્ત્રોના નામે ફરી રૂઢિચુસ્ત જૂનવાણી જડતા ફેલાવવાનો એવા ગોખણપટ્ટીના ચટ્ટાબટ્ટા સનાતનીઓને તો એ કાયમ ખંખેરી નાખતા.  બે શાસ્ત્રીઓ પૂનામાં વેદસંહિતાનું પારાયણ કરતા કરતા અગિયાર દિવસનું અનુષ્ઠાન કરે છે એમ જાણીને કહે ઃ 'પેલા બધા સેંકડો (અંત્યજો જાતિવાદી અસ્પૃશ્યતાથી ત્રાસીને) ખ્રિસ્તી અને મુસલમાન થયા ત્યારે આ અનુષ્ઠાન કરનારા ક્યાં ગયા હતા?'

એકવાર એમણે વારસાના મૂલ્યોના ગાંધીજીના આગ્રહ બાબતે ભારતની દંભી અને સુધારા બાબતે સાવ ડઠ્ઠર પ્રજાની રગ પકડીને અદ્ભુત વાત કહેલી  ઃ 'બાપુ આશા રાખે એવી કાયાપલટ તો અસાધારણ માણસની થાય. એને માટે સંસ્કાર જોઈએ. શલ્યાની અહલ્યા થઈ એ વાત સાચી. પણ એને માટે પ્રથમ અહલ્યાની શલ્યા થવાની જરૂર હતી ના? માણસ પોતાના પાપે પ્રજળીને પથરો અથવા કોયલો થઈ જાય તો પછી તેને કોઈ સાધુના ચરણસ્પર્શે હીરો બનવાની આશા રહે. નહીં તો કોઈને પણ સ્પર્શ એને કશું ન કરી શકે. હિંદુ ધર્મનું પ્રામાણિક અને સતત પાલન કરનાર આજે કોણ છે ? જો હોય તો આજે આપણી આ દશા ન હોત. હિંદુ ધર્મની રક્ષાને નામે જે હળાહળ જૂઠ અને પ્રપંચનો ભારે પ્રયોગ થઈ રહ્યો છે, તે પણ જોઈ રહ્યો છું. મોટામાં મોટી પદવીએ પહોંચેલા કેટલાક આપણા જ ભાઈઓ આ ચળવળને રાજદ્વારી ચાલબાજી લેખે છે, અને બાપુના ઉપર ઢોંગનું આરોપણ કરે છે.'

એટલે કે સરદાર મોટી મોટી અને ખોટી ખોટી વાતોથી દોરવાયા વિના પોતાની આસપાસના માહોલનો ઠંડા કલેજે ક્યાસ કાઢી શકતા હતા અને જરૂર પડે કોઈની સાડીબારી રાખ્યા વિના એને સંભળાવી દેવામાં શરમાતા નહોતા. આ પણ એક ગુણ છે નિર્ભીક સ્પષ્ટવક્તા હોવાનો. એની જોડે પોતે અફર છે, એવી એક છાપ પાડી દીધેલી એમણે. આ માણસ પ્રેડીકટેબલ નથી. વિફરશે તો કોઈનાથી સમજશે નહિ, એ ઈમેજ એમને બહુ કામમાં આવી. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં હતા ત્યારે ઈશ્વરલાલ ભગતને ચીફ ઓફિસર બનાવશો તો રાજીનામું આપી દઈશ એવું એમણે કહેલું ને અંબાલાલ સારાભાઇ ને કસ્તૂરભાઈ જેવા મહાજનોએ સમજાવ્યા છતાં નમતું નહોતું જોખ્યું! બધાને હતું કે વાતો કરે એમ કોઈ રાજીનામું ના આપે. પણ સરદારે આપી દીધું! લીડરની આ ધાક તો હોવી જ જોઈએ કે એ ઝટ પોતાની જીદ ગણો તો જીદ પણ વાતમાંથી ફરી નહિ જાય!

અમદાવાદમાં ૧૯૧૭થી ૧૯૨૮ દરમિયાન જ એમણે અંગ્રેજ સરકારની ગ્રાન્ટ પર ઓછામાં ઓછો આધાર રાખી કન્ટ્રોલ પોતાની પાસે રાખ્યો. ધુરંધર લીડર થવું હોય તો તમારી આઝાદી કોઈને આધીન 

ના હોવી જોઈએ. સરદાર એ થઇ શકે જે આર્થિક લાલચમાં કોઈના ઓશિયાળા ના રહે. દાન પછી કરજો, પહેલા હકના રૂપિયા વટથી લઈને સમૃદ્ધ થાવ એ એમનો અભિગમ. એ પોતે સિવિક પાવર માટે જનજાગૃતિના ખેરખાં. લોકોને જગાડવા માટે પહેલા એમના સુધી વાત પહોંચાડવી પડે. એમને ગળે એમની ભાષા અને એમના સ્વાર્થને ધ્યાનમાં રાખી ઘૂંટડો ઉતરાવવો પડે. પણ એ સંગઠન બનાવી તમારી પડખે રહે તો તમારી તાકાત અનેકગણી વધી જાય એ એમનો કીમિયો. 

ભારતમાં એટલે જ એક બંધારણ રચવાની ભૂમિકા તૈયાર કરવામાં અને ખાસ તો આજે પણ સરકારો બદલાયા કરે તો પણ શાસન અટકે નહિ, એવી બ્રિટીશરોની સિવિલ સર્વિસનું ભારતીયકરણ કરવામાં એમનો ગજફાળો છે, અને આ પણ રજવાડાઓના એકીકરણ જેટલું અગત્યનું પરાક્રમ છે. સરદારને આ બાબતોમાં કાયદાનિષ્ણાતથી આગળ રસ એ હતો કે સિવિક પાવર (નાગરિક શક્તિ) તો જ જળવાય જો સિવિક કલ્ચર (સમૂહમાં વ્યક્તિને બદલે જાગૃત નાગરિક તરીકે વર્તવાની આદત) વિકસે. ગુજરાતી પ્રજાની આમે એક ખમીરવંતી તાસીર છે, તંત લીધો હોય તો ઝટ ના છોડે. અડચણ વચ્ચે માર્ગ શોધી કામ પૂરું કરી બતાવે ગમે તેમ કરીને. બિઝનેસ હોય કે પોલિટિક્સ. 

વલ્લભભાઈ મૌન રહી આંટા મારે ત્યારે વિચાર કરતા હોય. સામાવાળાને એક નજરમાં માપી લેવાની કુશળતા એમનામાં ખીલી ગઈ હતી, એના બે કારણ. સખત અભ્યાસની વૃત્તિ. કામ કાચું ના કરે, અધૂરું ના છોડે. પાક્કા અભ્યાસનો ગુણ કેળવો તો ફટાફટ પરખ વિકસે. બીજું, સામે પક્ષે હોય એમના પણ ગુણ એ સમજે. જે સારા અનુયાયી બને, ડીસીપ્લીન્ડ ફોલોઅર બને એ જ મજબૂત સરદાર ભવિષ્યમાં થઇ શકે. પોતાનાથી હોશિયાર હોય એની પાસેથી નમ્રતાપૂર્વક શીખવામાં ખોટી વાયડાઈ કે અભિમાન વચ્ચે નહિ લઇ આવવાનું. જશ એકલા લૂંટી લેવાને બદલે લાયક હોય એવા સાથીદારો સાથે વહેંચતા શીખવું એ એમની કુશળતા હતી. બીજું, એ કે એ કાયમ સામેના એન્ગલથી વિચારતા. પછી અંગ્રેજો હોય, સૈનિકો હોય, ઉદ્યોગપતિ હોય કે મહારાજાનવાબો હોય. એમની સાથે કામ લેવું છે તો એમના પ્રશ્નો, એમની ખાસિયતો અને એમના ગમા અણગમા સમજીને ચાલવું પડે. ધરાર બધે જ બધું થોપી ના શકાય. સમય મુજબ આગળ કે પાછળ જવું પડે. ગાંધીજીએ નોંધેલું કે અંગત ચર્ચામાં સરદાર બ્રિટિશ સરકારને કોઈ બાબતે શી મુશ્કેલી પડે સમાધાનમાં એ પણ વિચારી રાખતા ! 

સરદાર કાયમ ફોરવર્ડ વિઝનમાં માનતા અમદાવાદને સહકારી મંડળી મળી કે મોટી હોસ્પિટલ મળી એ બધા એમના જોયેલા સપના. પછી દેશ માટે મોટા સપના જોતા થયા અને એટલે જાણતા હતા કે શ્રીમંતોને સાથે રખાય, એમનો સામ્યવાદી માનસથી તિરસ્કાર ના કરાય. પણ એમાંથી પોતાના ગજવા ભરવાનો ભ્રષ્ટાચાર નથી કરવાનો. નીતિ નથી, ઈમાન નથી, તો સરદાર પટેલ પણ નથી !

કૃષ્ણની જેમ જ મોહનદાસ હોય કે વલ્લભ, કોઈએ પોતાના સ્વાર્થ માટે કશું નથી કર્યું, અને એટલે એમની સરદારી આટલી અસરદાર રહી છે. સતત વધુ પ્રગતિની ખેવના હતી. કેવળ પોતાના સુખની ઝંખના નહોતી. લીડરશિપ, મેનેજમેન્ટ એન્ડ હ્યુમાનિટીનો ત્રિવેણી સંગમ સરદારને સરદાર બનાવતો. મહાવીર ત્યાગી લખે છે કે, એક પ્રસંગે સરદારસાહેબ પાસે ગયો. ત્યારે મણિબહેનના સાડલા પર એક મોટું થીંગડું જોઈને મારાથી બોલાઈ જવાયું કે મણિબહેન, રાજા રામનુંયે નહીં કે અકબરનુંયે નહીં અને અંગ્રેજોનુંયે નહીં એવું અખંડ ચક્રવર્તી રાજ્ય જેમણે સ્થાપી દીધું છે એવા, મોટા રાજા-મહારાજાઓનાયે સરદારની પુત્રી થઈને આવો થીંગડાંવાળો સાડલો પહેરતાં તમને શરમ નથી આવતી? અમારા દહેરા ગામની બજારમાંથી નીકળશો તો લોકો સમજશે કે કોઈ ભિખારણ જાય છે ને આનો બે આના તમારા હાથમાં મૂકશે!'

મારી મશ્કરીથી સરદાર પણ હસ્યા ને બોલ્યા, 'બજારમાં ઘણા લોકો હોય છે એટલે આના-બે આના કરતાં મોટી રકમ ભેગી થઈ જશે.'

એમણે પોતે ૭ જૂન, ૧૯૪૦ના ભાષણમાં અમદાવાદના સ્મરણો તાજા કરતાં એમનું સકસેસ સિક્રેટ ખોલ્યું છે. વાંચો ઃ 'નાનામોટા બીજા લોકો પણ એ રીતે યાદ કરે છે તેનું કારણ તો એ છે કે અહીંની મારી ખુરશી ઉપર બેઠો હતો છતાં બધાના દુઃખની વાતો એ મોટી ખુરશીમાં બેઠે બેઠે નહીં, પણ એમની સાથે બેસીને સાંભળી હતી. નાના માણસના હકનું રક્ષણ કરવામાં મોટાના હકનું રક્ષણ થઈ જાય છે. જે માણસ પોતાના હકની અપેક્ષા રાખે છે એણે પોતાના ધર્મનો ખ્યાલ રાખવો જોઈએ. ધર્મનો, જવાબદારીનો અર્થ એ છે કે સંચાલકોને આપણા કામથી સંતોષ થવો જોઈએ. કામ કરતાં લોકોનો પ્રેમ સંપાદન કરવો, એમને એમની ફરજોનું ભાન કરાવવું, આપણી વચ્ચે પ્રેમની ગાંઠ હોવી જોઈએ. સંગઠનમાં બીજી વસ્તુ એ છે કે એકબીજા વચ્ચે જોઈએ એવો ભાઈચારો રાખીએ. એક નાવમાં બેઠેલા ભરદરિયે જે મહોબત, પ્રેમ રાખે છે, તેવા મહોબત-પ્રેમ રાખીએ.'

સરદાર થવા માટે નીડર નજર અને નક્કર નીતિ જોઈએ !

ફાસ્ટ ફોરવર્ડ 

વલ્લભભાઈને પાકીટો બનાવતા, અનેક વસ્તુઓ સંઘરતા અને બીજા અનેક કિસ્સાઓ કરતા જોઈને બાપુ કહે ઃ 'સ્વરાજમાં તમને શેનું દફતર આપીશું ?'

વલ્લભભાઈ કહે ઃ 'સ્વરાજમાં હું લઈશ ચીપિયો અને તૂમડી !' (તા. ૨૫-૫-'૩ર, યરવડા જેલ, મહાદેવ દેસાઈ)


Google NewsGoogle News