Get The App

સરદારના બસેં પાડા કેવી રીતે ભાગી ગયા?

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
સરદારના બસેં પાડા કેવી રીતે ભાગી ગયા? 1 - image


- સરદાર @150 - હસિત મહેતા

- નડિયાદ કરતાં વડોદરાની સ્કૂલમાં અંગ્રેજી સારુ ભણાવાતું હોવાથી સરદારે ત્યાં એડમિશન લીધું

- સંસ્કૃત વિષય રાખવાનો આગ્રહ કરતા શિક્ષકને સરદારે રોકડું પરખાવ્યું ઃ 'અમે બધા સંસ્કૃતમાં રહેત તો તમે ગુજરાતી ભણાવત કોને? તમારે તો ઘરે બેસવું પડત'

આજે બસેં પાડા કેમ નથી લાવ્યાં ?

'બસે પાડા તો લાવ્યો 'તો, પણ એક મારકણો નીકળ્યો, તેથી ભડકીને બધા ભાગી ગયાં.'

'કાલે બસેં પાડા જોઈએ જ'

આ સંવાદો છે વડોદરાની હાઈસ્કૂલના માસ્તર છોટાલાલ ભટ્ટ અને સાતમી અંગ્રેજીના વિદ્યાર્થી વલ્લભભાઈ પટેલ વચ્ચેના. ૧૮૯૬ના એ વર્ષો. સરદાર ત્યારે ૧૮ વર્ષના. એ વર્ષે તેમનું લગ્ન પણ થયેલું. સાતમી અંગ્રેજીમાં, એટલે કે મેટ્રિકના વર્ષોમાં સરદાર નડિયાદ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને અચાનક વડોદરાની હાઈસ્કૂલમાં ભણવા જવાનું મન થયું.

આમ તો સરદારને પહેલેથી જ અંગ્રેજી વાંચવા, લખવા, બોલવાનો શોખ ઘણો અને ફાવટ પણ ઘણી. તેઓ ફાંકડા અંગ્રેજી માટે નડિયાદ સ્કૂલમાં અવ્વલ નંબરે રહેતા, પરંતુ નડિયાદ કરતાં વડોદરાની સ્કૂલમાં અંગ્રેજી વધારે સારું શિખવાય છે, એમ જાણીને તેઓ ૧૮૯૬માં વડોદરા સ્કૂલમાં દાખલ થયા.

અંગ્રેજી માટેની લગનીએ જ એમને વડોદરા સ્કૂલ માટે પ્રેર્યા હતા. ત્યાં કમાટીબાગ પાસેના રામજી મંદિરમાં કેટલાંક છોકરાઓ છાત્રાલય ખોલીને રહેતા હતા. વલ્લભભાઈએ એમની સાથે જ રહેવાનું પસંદ કર્યું. વડોદરાના એ શાળાજીવનમાં તેમને એક પછી એક કડવા અનુભવો થવા લાગ્યા હતા. તેથી એમની ભણવાની સીધી ચાલતી ગાડી અચાનક આડે પાટે ચઢી ગઈ હતી.

વાત એવી બની કે વડોદરા સ્કૂલમાં ગુજરાતીનાં જાણીતાં શિક્ષક અને શ્રીમદ્ નૃસિંહાચાર્યજીના મુખ્ય અનુયાયી છોટાલાલ ભટ્ટ સાથે સરદારને સાવ સામાન્ય કારણે અથડામણમાં આવવાનું થયું. એ વખતે ગુજરાતી સાહિત્યમાં છોટાલાલ ભટ્ટનું ઘણું મોટું કામ અને ઘણું મોટું નામ. તેઓ પ્રાચીન કાવ્યમાળાના સહ-સંપાદક અને 'પ્રાતઃકાળ' તથા 'મહાકાળ' નામના બે જાણીતાં સામયિકોના તંત્રી. સાહિત્યનાં આવા મહારથીના ક્લાસમાં અચાનક સંસ્કૃત છોડીને ગુજરાતી રાખનાર વિદ્યાર્થી વલ્લભભાઈ પટેલ પહોંચ્યાં. આ જાણીને પેલા શિક્ષકથી રહેવાયું નહીં, એટલે કરડા અવાજે તેમણે વલ્લભભાઈને કહ્યું કે 'આવા મહાપુરૂષ! ક્યાંથી આવ્યા!(તમે) સંસ્કૃત છોડીને ગુજરાતી લો છો, પણ તમને ખબર નથી કે જેને સંસ્કૃત ના આવડે તેને ગુજરાતી પણ સારું ના આવડે.'

આજીવન રોકડું પરખાવી દેવાની પ્રકૃતિવાળા સરદાર પટેલ પોતાની મશ્કરી અને ટીકા થતી સાંભળીને બેસી રહે તેમ ન હતા. એમણે સામી ટીખળ પધરાવતાં શિક્ષક મહાશયને કહી સંભળાવ્યું કે 'અમે બધા સંસ્કૃતમાં જ રહેત તો તમે ગુજરાતી ભણાવત કોને?, તમારે ઘરે બેસવું પડત.'

મોટા સાક્ષર ગણાતાં આ શિક્ષક સામે આ પહેલાં કોઈએ આવી આમન્યા તોડી ન હતી.  સરદારની આવી તોછડાઈથી પેલા શિક્ષક તો ઉકળ્યાં, તેમણે ખિજાઈને સરદારને ચાલુ ક્લાસમાં જ શિક્ષા ફટકારી કે 'જાઓ, તમે આખો દિવસ છેલ્લી પાટલી પર ઊભા રહેજો અને એકથી દસ એકા સુધીના પાડા લખી લાવજો.'

વલ્લભભાઈ છેલ્લી પાટલીએ જઈને ઊભા તો રહ્યાં, પરંતુ આંકના પાડા લખવાનું તેમણે માન્યું નહીં. બીજા દિવસે છોટાલાલ માસ્તરે તેમની શિક્ષા વધારીને ડબલ વખત પાડા લખી લાવવાનું ફરમાન કર્યું, તો ય ડગે તો સરદાર શેના? માસ્તર સાહેબ ચિડાતા જાય અને રોજે રોજ સરદારની શિક્ષા વધારતા જાય. કાલ ચાર વાર લખી લાવજો, હવે આઠ વાર લખવા પડશે.... એમ વધતાં વધતાં તેમણે બસો પાડા લખવાના શિક્ષા- હૂકમો ફટકાર્યા. પરંતુ આ 'મહાપુરુષ' ઉપર તેની કોઈ અસર જ નહોતી. માસ્તર રોજ શિક્ષાને વધારતાં જાય, પણ આ અડગ વિદ્યાર્થી તેને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે. માસ્તર રોજ બસો પાડા લખીને લાવ્યાં કે નહીં, એમ પૂછતાં જાય અને સરદાર નનૈયો ભણતાં જાય.

એક દિવસ માસ્તરે ખૂબ કડકાઈ કરી, તો સરદારે ફરીથી ઉદ્ધતાઈથી પરખાવી દીધું કે 'હું તો બસો પાડા લાવ્યો હતો, પણ એમાંનો એક મારકણો નીકળ્યો, તેનાથી ભડકીને બાકીના બધા ભાગી ગયાં.'

હવે માસ્તરનો પિત્તો આસમાને ગયો. જ્યારે વલ્લભભાઈ તો સાવ શાંત અને ફિકર વગરના બેસી રહ્યાં. તે પછીના દિવસે આખરી ફેંસલો થવાનો હતો. વડોદરાની એ સ્કૂલમાં પાડાનો પ્રશ્ન તેની ચરમસીમાએ પહોંચ્યો હતો, અને આખરે એ એવો વિકટ બન્યો, જેણે વલ્લભભાઈ પટેલમાં ભવિષ્યનાં અડગ મહાનાયકના બીજ રોપ્યાં હતા, શું હતો આ આખો પાડા એપિસોડ, અને તેનો આખરી નિકાલ કેવી રીતે આવ્યો, તે પોતે એક ઘટના છે, તે પણ અત્યંત રસપ્રદ ઘટના. 

(ક્રમશઃ)


Google NewsGoogle News