Get The App

ભારતના કારણે પશ્વિમ એશિયાના દેશો 'મિડલ ઈસ્ટ'ના નામથી ઓળખાયા

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ભારતના કારણે પશ્વિમ એશિયાના દેશો 'મિડલ ઈસ્ટ'ના નામથી ઓળખાયા 1 - image


- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

- ૧૯૦૨માં અમેરિકન લશ્કરી વ્યૂહરચનાકારે પશ્વિમ એશિયાના દેશોના સંદર્ભમાં લેખમાળા લખી તે પછી યુરોપ-અમેરિકામાં મિડલ ઈસ્ટ શબ્દ વધુ જાણીતો બન્યો

મિડલ ઈસ્ટ.

આ નામ સાંભળીએ એટલે તુરંત ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ-હિઝબુલ્લાહ, ઈઝરાયલ-ઈરાન, ઈઝરાયલ-તુર્કી વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સમાચાર ફ્લેશ થઈ જાય. સાથે સીરિયાની રાજકીય અસ્થિરતાનું સ્મરણ થાય. હૂથી આતંકવાદીઓથી લઈને હમાસના આતંકીઓ જે રીતે આખાય વિસ્તારમાં હુમલાઓ કરે છે તેના કારણે આખાય વિસ્તારમાં અશાંતિની સ્થિતિ છે. અત્યારે દુનિયામાં જે બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે એમાં એક યુક્રેન-રશિયા અને બીજું ઈઝરાયલ-હમાસ. પુતિન ગમે ત્યારે નાટો સાથે યુદ્ધ છેડી દેશે તો ત્રીજું વિશ્વયુદ્ધ આવી પડશે એવી ચિંતા કરતા વધુ ચિંતા એ છે કે ઈઝરાયલ જે રીતે આક્રમક બન્યું છે તે જો આટલી જ આક્રમકતા દેખાડશે તો આરબ વર્લ્ડ અને ઈઝરાયલ વચ્ચે જંગ જામી પડશે અને એ ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે.

મિડલ ઈસ્ટમાં ઠેર-ઠેર લોહીયાળ લડાઈઓ ચાલી રહી છે. હૂથી આતંકીઓ રાતા સમુદ્રને હિંસાથી વધુ રાતો બનાવી રહ્યા છે. તો હમાસ-હિઝબુલ્લાહ ઈરાનના સમર્થનથી ઈઝરાયલને પડકારી રહ્યા છે. આવી સ્થિતિમાં અત્યારે મિડલ ઈસ્ટ સૌથી વધુ ચર્ચામાં છે. દુનિયાની આંખો મિડલ ઈસ્ટ પર મંડાઈ છે ત્યારે આપણે 'મિડલ ઈસ્ટ'ને જાણીએ...

કેમ આ વિસ્તાર મિડલ ઈસ્ટના નામે ઓળખાય છે?

આલ્ફ્રેડ થાયર મેહેન નામના અમેરિકન નેવી અધિકારીએ 'ભારત અને અરેબિયા વચ્ચેના વિસ્તારને નક્કી કરીએ' એવા હેડિંગ સાથે ૧૯૦૨માં લેખ લખ્યો. એમાં તેણે લખ્યું કે ભારતની પશ્વિમે આવેલા એશિયન દેશો અને ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા ઉત્તર આફ્રિકાના દેશોને મિડલ ઈસ્ટ યાને મધ્ય પૂર્વ કહી શકાય. એમાં એશિયા અને આફ્રિકાના ૨૧ દેશોને તેણે મધ્ય પૂર્વના દેશો કહ્યા હતા. આલ્ફ્રેડ થાયર મેહેન નેવી અધિકારી હતો ને સાથે નૌસેના વ્યૂહરચનાકાર હતો. તે વખતે રશિયા અને બ્રિટન વચ્ચે આ વિસ્તારમાં પ્રભુત્વ જમાવવાની હોડ જામી હતી. તેનો ઉલ્લેખ કરીને અમેરિકન નૌસેના વ્યૂહરચનાકારે આખાય વિસ્તારનું વેપાર અને દરિયાઈ માર્ગની દૃષ્ટિએ શું મહત્ત્વ છે એ સમજાવ્યું હતું.

આ લેખ બ્રિટિશ જર્નલમાં પણ છપાયો. એ પછી આલ્ફ્રેડે મિડલ ઈસ્ટ, પર્શિયન ગલ્ફ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા વિષયમાં લેખમાળા લખી. એ બધા જ લેખો બ્રિટિશ અને અમેરિકન અખબારોમાં ફરીથી છપાયા ને ત્યારથી મિડલ ઈસ્ટ શબ્દ જાણીતો બન્યો. ત્યારબાદ ભારતની પશ્વિમે આવેલા દેશો માટે મિડલ ઈસ્ટ શબ્દ સત્તાવાર ડોક્યુમેન્ટ્સમાં પણ પ્રયોજાવા લાગ્યો.

એ પહેલાં એશિયન દેશોમાં ભારત, ચીન અને જાપાન જ વધુ જાણીતા હતા એટલે યુરોપિયનો ચીન, ભારત અને જાપાનને નામથી ઓળખતા. તે વખતે પશ્વિમ એશિયા, પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા જેવા જુદા જુદા વિભાગો પડયા ન હતા. તુર્કી અને તેની નજીકના જે દેશો છે તે નિઅર ઈસ્ટથી ઓળખાતા અને ભારત, ચીન, જાપાનની નજીકના દેશોને ફાર ઈસ્ટનું સંબોધન થતું. બ્રિટિશ સહિતના યુરોપના દેશોએ નિઅર ઈસ્ટ માટે મિડલ ઈસ્ટ એટલે કે મધ્યપૂર્વ શબ્દ પ્રયોજવાનું શરૂ કર્યું હતું.

પણ મિડલ ઈસ્ટ શબ્દ આલ્ફ્રેડે બનાવ્યો ન હતો, તેણે કોઈન કર્યો હતો. તેની લેખમાળાના કારણે આ શબ્દ વધારે પ્રચલિત બન્યો હતો અને આ દેશોની ચર્ચામાં કે આ વિસ્તારની ચર્ચા માટે મિડલ ઈસ્ટ કહેવાનું શરૂ થયું હતું. ખરેખર તો 'મિડલ ઈસ્ટ' શબ્દ ભારતમાંથી બન્યો હતો. ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ અરસામાં બ્રિટિશ અધિકારીઓએ તેની સમજ માટે અરબી સમુદ્રના સામા કાંઠાના અને પર્શિયન ગલ્ફના કાંઠે આવેલા દેશોને મિડલ ઈસ્ટ કહેવાનું શરૂ કર્યું હતું. જેમાં ઈરાન, ઈરાક, તુર્કી, સાઉદી, ઈજિપ્ત, સુદાન, યમન, ઓમાન જેવા વિસ્તારોનો સમાવેશ થતો હતો.

આમાંથી ઘણાં તે વખતે કોઈને કોઈ સામ્રાજ્યનો હિસ્સો હતા એટલે આજના નકશામાં એની સરહદો અંકાયેલી છે એવી ન હતી. પરંતુ ભારત સ્થિત બ્રિટિશ ઓફિસર્સ માટે આ દેશો મિડલ ઈસ્ટ હતા. ટૂંકમાં, બ્રિટિશ અધિકારીઓએ ભારતમાં બેસીને મિડલ ઈસ્ટની જે વ્યાખ્યા બનાવી એ આજેય દુનિયાભરમાં પ્રચલિત છે.

    

વેલ, પશ્વિમ એશિયા જેને કહેવાય છે એ તમામ દેશો મિડલ ઈસ્ટમાં આવી જાય છે. મિડલ ઈસ્ટની ટર્મમાં થોડો ઘણો ફરક પડે છે ને એક આફ્રિકાની હદનો ને એક યુરોપની હદનો દેશ એમાં ઉમેરાય છે. આરબ વર્લ્ડના ૨૨માંથી ૧૩ દેશો મિડલ ઈસ્ટમાં આવ્યા છે. આરબ વર્લ્ડ અને ઈઝરાયલને ઘર્ષણ થાય છે એમાં આ ૧૩ દેશો મુખ્ય છે.

પહેલાં ૨૧ દેશોના સમુહને મિડલ ઈસ્ટ નામથી ઓળખવામાં આવતો. એમાં લિબિયા, ઈથિયોપિયા અને સોમાલિલેન્ડને ગણવામાં આવતા હતા, પરંતુ હવે આ ત્રણેયને એમાંથી બાકાત રાખવામાં આવે છે. એટલે વ્યાપક રીતે ૧૭ યુએન માન્ય દેશો અને એક બ્રિટિશ ટેરેટરી મિડલ ઈસ્ટ 

કહેવાય છે.

બહેરિન, સાયપ્રસ, ઈજિપ્ત, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, ઓમાન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કી, યુએઈ, યમન આ દેશો હવે મિડલ ઈસ્ટ ગણાય છે અને એમાં સાયપ્રસ પાસે આવેલા ટાપુઓ કે જે બ્રિટિશ ટેરેટરી ગણાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધા દેશો વેસ્ટ એશિયામાં ગણાય છે.

તુર્કી અને ઈજિપ્ત એમાં અપવાદ છે. તુર્કી આ વિસ્તારમાં રહેવા છતાં યુરોપની સરહદને જોડે છે ને ઈજિપ્ત મિડલ ઈસ્ટમાં ગણાય છે, પણ પશ્વિમ એશિયામાં એ ન આવે. એ એશિયાના દક્ષિણ-પશ્વિમ અને આફ્રિકાના ઉત્તર-પૂર્વ ખુણામાં છે. પરંતુ આ બંને દેશો વગર મિડલ ઈસ્ટની વ્યાખ્યા અધૂરી રહે છે.

હવે મિડલ ઈસ્ટ શબ્દ એટલો જાણીતો બની ગયો છે કે અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-જર્મની જેવા દેશોના વિદેશ વિભાગમાં મિડલ ઈસ્ટ પૉલિસી માટે અલગ ડેસ્ક છે. મિડલ ઈસ્ટના દેશો તેના ઓઈલ ભંડારના કારણે બધા દેશો માટે બહુ જ મહત્ત્વના છે. તેના પરિણામે દરેક દેશ મિડલ ઈસ્ટ નામથી પૉલિસી ઘડે છે, એનાલિસિસ કરે છે.

    

વેલ, પેટ્રોલિયમના કારણે ગ્લોબલ પોલિટિક્સનું મેદાન બનેલો આ વિસ્તાર સેંકડો વર્ષોથી હિંસાની આગમાં બળી રહ્યો છે. એક સમયે ધર્મયુદ્ધો થયેલા ત્યારે એનું એપી સેન્ટર પણ આ મિડલ ઈસ્ટમાં હતું. યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ, જરથોસ્તી જેવા ધર્મોનો ઉદય આ વિસ્તારમાં થયો હતો. ઈઝરાયલનું જેરૂસલેમ યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ એમ ત્રણ મહત્ત્વના ધર્મોનું પવિત્ર સ્થાન હોવાથી કાયમ વિવાદ રહ્યો છે અને મિડલ ઈસ્ટ અશાંત રહેવા પાછળ આ એક અગત્યનું કારણ રહ્યું છે.

પેટાળમાં ખનીજતેલ સાચવીને બેઠેલો આ મિડલ ઈસ્ટ અત્યારે હિંસાની અગનજ્વાળામાં લપેટાયો છે. ત્યારે આ વિસ્તારમાંથી વર્લ્ડવોરની આગ ન લાગે એટલી જ આશા અત્યારે તો રાખી શકાય.

- મિડલ ઈસ્ટમાં સૌથી વધુ બળવાખોર જૂથો સક્રિય

મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી લડાઈ ચાલી રહી છે. હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ સામે મોરચો ખોલ્યો હતો, પરંતુ છેલ્લાં પખવાડિયામાં યુદ્ધવિરામ માટે બંને વચ્ચે સહમતી થતાં એ મોરચો થોડો શાંત પડયો છે. સીરિયામાં બળવાખોરોના જૂથે બશર-અલ-અસદની સત્તા ઉથલાવી દેતા સીરિયામાં અરાજકતા સર્જાઈ છે. તહેરિર અલ શામ નામનું જૂથ સીરિયામાં ૨૦૧૭થી સક્રિય છે. યમનના હૂથી બળવાખારો રાતા સમુદ્રમાં હાહાકાર મચાવતા રહે છે. ખાસ તો ઈઝરાયલ અને અમેરિકાના જહાજોને ટાર્ગેટ કરે છે. શિયા મુસ્લિમોનું આ જૂથ છેક ૧૯૯૪થી હુમલા કરે છે. ઈરાનમાં એકથી વધુ આતંકી અને બળવાખોર જૂથો હુમલા કરે છે. અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ્સ જેવા સંગઠનો પણ મધ્યપૂર્વના ઘણાં દેશોમાં સક્રિય છે. કુર્દ બળવાખોરો પણ પોતાના અલગ દેશની માગણી માટે હિંસક હુમલા કરે છે. મિડલ ઈસ્ટમાં સૌથી વધુ બળવાખોર અને આતંકવાદી સંગઠનો સક્રિય હોવાથી ત્રીજું વિશ્વયુદ્ધ આ વિસ્તારમાંથી ફાટી નીકળે એવી ભીતિ છે.

મિડલ ઈસ્ટ પર બંને વિશ્વયુદ્ધની તીવ્ર અસર થઈ

પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ યુરોપમાં શરૂ થયું હતું, પરંતુ તેની તીવ્ર અસર મિડલ ઈસ્ટમાં થઈ હતી. ઓટોમન સામ્રાજ્યના પતન થવામાં પ્રથમ વિશ્વયુદ્ધની ચાવીરૂપ ભૂમિકા હતી. ઓસ્ટ્રિયા-હંગેરી, જર્મની, બલ્ગેરિયા સાથે દોસ્તી હોવાથી ઓટોમન સામ્રાજ્યએ એમાં ઝંપલાવ્યું હતું. ઓટોમન સામ્રાજ્યનો આજના મિડલ ઈસ્ટમાં દબદબો હતો. તુર્કી, સીરિયા, લેબેનોન જેવા આજે અસ્તિત્વ ધરાવતા દેશો તે વખતે ઓટોમન સામ્રાજ્યનો ભાગ હતા. વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ અને બ્રિટને મિડલ ઈસ્ટના દેશોને કબજે કર્યા હતા. તેના કારણે ઈઝરાયલ-પેલેસ્ટાઈનનો ભાગ બ્રિટન પાસે આવ્યો હતો. બ્રિટને બગદાદ સુધી કબજો લઈ લીધો હતો.

બીજા વિશ્વયુદ્ધ પછી ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની રચના થઈ તેની દુનિયામાં લાંબાંગાળાની અસરો થઈ હતી. વર્ષો સુધી આરબ વર્લ્ડ અને ઈઝરાયલ વચ્ચે જંગ જામ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી મિડલ ઈસ્ટના ઓઈલ પર અમેરિકા અને રશિયા બંનેની નજર હતી, પરિણામે કોલ્ડવોરની આ વિસ્તારમાં વ્યાપક અસર પડી હતી. તેમની પાવરગેમના પરિણામે જ ઓપેક, આરબ લીગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન જેવા સંગઠનો રચાયા. અમેરિકાએ જે દેશો સાથે કરારો થયા તે કર્યા, ન થયા ત્યાં આંતરિક સંઘર્ષ કરાવ્યો. જેના કારણે બળવાખોર જૂથો આખાય વિસ્તારમાં દાયકાઓથી આતંક મચાવતા રહ્યા છે.



Google NewsGoogle News