અતીન્દ્રિય શક્તિ ધરાવતા સાઈકિક ડિટેક્ટિવ ફિલ જોર્ડન
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- જોર્ડન ખરેખર એક મહાન ચૈતસિક માધ્યમ છે. તેમની ચૈતસિક શક્તિ પાછળ કઈ અગમ્ય, અગોચર શક્તિ કામ કરે છે તે શોધવા હવે હું પ્રયત્ન કરવા માંગું છું
અનેક પ્રકારની ચૈતસિક શક્તિ ધરાવતા અમેરિકન માધ્યમ ફિલિપ જોર્ડનને સાઈકિક ડિટેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. ફિલિપ જોર્ડનને ઘણું ખરું કરીને એમના નામના ટૂંકાક્ષરી રૂપે ફિલ જોર્ડન તરીકે બોલાવવામાં આવે છે. તેમણે ૧૯૭૦માં કોર્નિંગ કોમ્યુનિટી કોલેજમાંથી હ્યુમેનિટી અને સોશિયલ સાયન્સિઝમાં એસોસિયેટ ઓફ આર્ટસની ડિગ્રી લીધી. ૧૯૯૦માં એલમિરા કૉલેજમાંથી શિક્ષણમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી પણ લીધી હતી. તે કિશોરાવસ્થામાં હતા ત્યારે જ તેમને તેમની ચૈતસિક શક્તિઓની ખબર પડી ગઈ હતી. તેમના સગા-સંબંધીઓમાં કોઈને ગંભીર બીમારી આવવાની હોય કે તેનું મરણ થવાનું હોય તો તેમને તેની પહેલેથી જાણ થઈ જતી. નજીક કે દૂર છુપાવેલી વસ્તુ ક્યાં છે તે થોડી સેકંડોમાં જ કહી દેતા. એ રીતે ખોવાયેલી વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે તેનું ચોક્કસ સ્થાન પણ બતાવી દેતા. આ ઉપરાંત પ્રેતાત્મા સાથે સંપર્ક સાધનાર માધ્યમ તરીકે પણ તે કામ કરતા. તેમની હાજરી હોય ત્યાં તોફાની ભૂત-પ્રેતના ઉત્પાતો (Plotergist Activity) પણ થતા. તેમનામાં ગમે તેવી નાની-મોટી વસ્તુઓને મનની શક્તિથી હવામાં અદ્ધર કરવાની એટલે કે તેમને લેવિટેટ કરવાની પણ જબરદસ્ત ક્ષમતા હતી.
ફિલ જોર્ડનને ચૈતસિક ગુનાશોધક (Psychic Detective) તરીકેની ખ્યાતિ ૧૯૭૫ના ઓગસ્ટ મહિનાની ચોથી તારીખે પ્રાપ્ત થઈ હતી. એ દિવસે એક ભયંકર વાવાઝોડું આવ્યું હતું જેમાં ૬ વર્ષની ઉંમરનો ટોમી કેનેડી (Tomy Kennedy) નામનો છોકરો ગાઢ જંગલમાં ખોવાઈ ગયો હતો. પોલીસ સાથે ૨૦૦ જેટલા લોકોએ તેને શોધવાના સઘન પ્રયત્નો કર્યા હતા. ૧૭ કલાકની તે બધાની શોધખોળ પછી પણ તેને શોધી શકાયો નહોતો. એટલે ખોવાયેલી વ્યક્તિ કે વસ્તુઓને શોધી કાઢવા પ્રખ્યાત થયેલા ફિલ જોર્ડનની મદદ લેવામાં આવી હતી. ફિલ જોર્ડને તેમની ચૈતસિક શક્તિનો ઉપયોગ કરી ટોમી કેનેડી એ વિશાળ જંગલમાં કઈ જગ્યાએ છે તે જાણી લીધું હતું અને પોલીસની સંશોધક ટુકડીને તે જગ્યાએ લઈ ગયા હતા. તે જગ્યાએ પહોંચતા તેમને એક કલાક જેટલો સમય લાગ્યો હતો, પણ ફિલ જોર્ડને ત્યાં પહોંચતા પહેલાં નકશામાં જે જગ્યા બતાવી હતી ત્યાંથી જ તે ૬ વર્ષના બાળક ટોમીને સહી સલામત શોધી કાઢવામાં આવ્યો હતો.
તે પછી ફિલ જોર્ડનને ટિઓગા કાઉન્ટી શેરિફે ડેપ્યુટી તરીકે નિમણૂંક આપી હતી. ૧૯૭૬માં ન્યૂયોર્ક સ્ટેટ મ્યુનિસિપલ પોલીસ ટ્રેનિંગ એકેડેમી તરફથી તેમણે ગ્રેજ્યુએશન પણ મેળવ્યું હતું. જોર્ડને બધા સ્તરની સરકારી પોલીસ એજન્સીઓ સાથે કામ કર્યું હતું. તેમણે તેમની ચૈતસિક શક્તિથી અનેક ખોવાયેલી વ્યક્તિઓને શોધવાની, ખૂન-હત્યાની ઘટના અને આગજની જેવા અપરાધોને ઉકેલવા પોલીસને મદદ કરી હતી. ગુનાશોધનની તેમની ઝળહળતી સિદ્ધિને બિરદાવવા એમના અનેક કિસ્સાઓ અમેરિકા, કેનેડા, ગ્રેટ બ્રિટન, યુરોપ અને આફ્રિકાના અગ્રગણ્ય નેટવર્ક પર, કોર્ટ ટીવી, ટ્રુ ટીવી, બાયોગ્રાફી વગેરે પર પ્રસારિત કરાયા છે.
ફિલ જોર્ડન ૧૯૭૫ના ઓગસ્ટમાં ખ્યાતિ પામ્યા અને સરકારી અને પોલીસના લબ્ધ પ્રતિષ્ઠિત, માન્ય સાઈકિક ડિટેક્ટિવ બન્યા તે પૂર્વે ૧૯૭૫ના માર્ચ મહિનાની બારમી તારીખે ન્યૂયોર્કની અનેક ન્યૂઝ પેપર્સની માલિકી ધરાવતી માસ-મિડિયા કંપની ગેનેટ (Gannett) ના માલિકોએ એમના સાત નિષ્ણાત પત્રકારો સાથે જાણીતા જાદુગર રિચાર્ડ ડેનિસને પણ એમની સંશોધન ટુકડીમાં સામેલ કરી તેમની ચૈતસિક શક્તિનું પરીક્ષણ કર્યું હતું. ફિલિપ જોર્ડન જાદુની કોઈ યુક્તિ અજમાવતા હોય તો રિચાર્ડ ડેનિસ એને પકડી પાડે એ હેતુથી આ તપાસ અભિયાનમાં એમને સાથે રાખ્યા હતા. આ તપાસ ટુકડી જોર્ડનને કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર એમના ઘેર પહોંચી ગઈ હતી અને તેમની ચૈતસિક શક્તિ પુરવાર કરવા પડકાર ફેંક્યો હતો. ફિલ જોર્ડને તે સ્વીકારી લીધો હતો.
પ્રયોગ કરવાનો હતો તે ખંડની બારીક તપાસ કરવામાં આવી. કોઈ હાથ ચાલાકી કે દ્રષ્ટિભ્રમ ઊભો ના કરાય એની પણ કાળજી લેવામાં આવી. પછી રિચાર્ડ ડેનિસ પોતાની સાથે લેતા આવ્યા હતા તે લોખંડનું વજનદાર ટેબલ બધાને દેખાય તે રીતે રૂમની વચ્ચે પૂરતા પ્રકાશમાં ગોઠવવામાં આવ્યું ટેબલની સામે ચાર ખુરશીઓ મૂકવામાં આવી. એક ખુરશી પર ડેનિસ પોતે બેઠા. તેમની બાજુમાં ફિલ જોર્ડનને બેસાડવામાં આવ્યા. એમની બાજુમાં એક વિજ્ઞાાની અને એક મહિલા પત્રકાર બેઠા. જોર્ડને એના શર્ટની બન્ને હાથની બાંયો કોણીથી ઉપર લઈ લીધી અને બાકીના ત્રણેયને પણ એમ કરવા કહ્યું જેથી હાથમાં કોઈએ કશું છુપાવી રાખ્યું નથી એની ખાતરી થાય. જોર્ડને તેની શક્તિ અજમાવવી શરૂ કરી થોડીવાર પછી જોર્ડન તરફનો ટેબલનો પાયો અદ્ધર થયો, પછી એ તરફનો આખો ભાગ ઊંચો થયો, એ રીતે એની સામેનો ભાગ અદ્ધર થઈ ગયો. ધીમે ધીમે આખું ટેબલ ઉપર તરફ જવા લાગ્યું અને છેક રૂમની છતને અડકીને અટકી ગયું. આ જોઈને બધા દૂર ખસી ગયા થોડીવાર પછી એ ટેબલ ધીમે ધીમે નીચે આવવા લાગ્યું અને જ્યાં હતું ત્યાં નીચે જમીન પર પાછું ગોઠવાઈ ગયું. જોર્ડને કરેલા લેવિટેશનના આ પ્રયોગથી બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.
ફિલ જોર્ડને આ ઉપરાંત તેમની ચૈતસિક શક્તિના નિદર્શનના બીજા પણ પ્રયોગો કરી બતાવ્યા હતા. તેમણે કોના ખિસ્સામાં તેના વોલેટમાં કેટલી નોટો છે અને તેના સિરિયલ નંબર ક્યા છે તે પણ કહી બતાવ્યું હતું. એમની ગેરહાજરીમાં ઓરડામાં છુપાવેલી વસ્તુ ક્યાં છે તે શોધી બતાવી હતી. ક્યા પત્રકારની સંબંધી વ્યક્તિ એ સમયે ક્યાં છે અને કઈ પ્રવૃત્તિ કરી રહી છે તે પણ તેમની દૂરદર્શનની શક્તિથી જણાવી દીધું હતું. પાછળથી તે વ્યક્તિને તે સમયે તે ક્યાં હતી અને તે શું કરી રહી હતી તે પૂછવામાં આવતાં તેણે જે જણાવ્યું તે ફિલ જોર્ડને પહેલાં કહ્યું હતું તે પ્રમાણે સાચું સાબિત થયું હતું. જાદુગર ડેનિસે પ્રયોગોના અંતે કહ્યું હતું - હું કદી જે માનતો નહોતો તેવું મેં જોયું છે એટલે હવે હું એ માનવા લાગ્યો છું. જોર્ડન ખરેખર એક મહાન ચૈતસિક માધ્યમ છે. તેમની ચૈતસિક શક્તિ પાછળ કઈ અગમ્ય, અગોચર શક્તિ કામ કરે છે તે શોધવા હવે હું પ્રયત્ન કરવા માંગું છું. ૭૫ વર્ષની વયના ફિલ જોર્ડને ઓગસ્ટ ૨૦૨૪માં બિંઘામટન રેડિયો પર પ્રોગ્રામ આપ્યા હતા.