વાત થોમસન ટીચર અને તેના વિદ્યાર્થી ટેડીની
- હોરાઈઝન - ભવેન કચ્છી
- સંવેદના સાથેની સુવાસ બીજાનું જીવન પણ મહેકાવી શકે છે
- ટેડીએ નાતાલની ભેટમાં આપેલું અત્તર થોમસન ટીચરે કાંડા પર લગાડયું અને ટેડી ભાવવિભોર થઈ ગયો
- ટેડીના ધોરણ એકથી ચારના રીપોર્ટ કાર્ડ થોમસન ટીચરે જોયા અને તેની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ
એ ક ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા 'ગમતાનો કરીએ ગુલાલ'ની ભાવના સાથે રજૂ કરી છે.
શ્રીમતી થોમસન ટીચર ધોરણ પાંચના પ્રથમ સત્રના પ્રથમ દિવસે તેના વર્ગમાં અભ્યાસનો પ્રારંભ કરવા ગયા. આમ તો નર્સરીથી તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓને તે જાણતા જ હતા. વિદ્યાર્થીઓ માટે પણ થોમસન ટીચર અજાણ્યા નહોતા. આ વર્ષે આ વર્ગના મુખ્ય શિક્ષિકા તરીકે થોમસન મેડમને જવાબદારી સોંપાઈ હતી.
થોમસન ટીચરે પહેલી બેન્ચથી છેલ્લી બેન્ચ તરફ સસ્મિત નજર ફેરવી પણ વચ્ચેની બેન્ચમાં બેસેલ ટેડી નામના વિદ્યાર્થી તરફ આંખો મંડાતા તેમની આંખોનું સ્મિત અણગમામાં ફેરવાઈ ગયું.
થોમસન ટીચરને એ ન ગમ્યું કે શાળામાં જે વિદ્યાર્થી મેલો ઘેલો યુનિફોર્મ પહેરીને આવે છે અને અતડો રહી માંડ પાસ થાય છે તેવી છાપ ધરાવે છે તેવો અશિષ્ટ લાગતો ટેડી આ વખતે તેના વર્ગમાં
આવ્યો છે.
નવું સત્ર શરૂ થયું. ટેડી જેવા ગેરશિસ્ત આચરતા વિદ્યાર્થીને તો બરાબરનો પાઠ ભણાવવો જોઈએ તેવી ઘૃણા સાથે અઠવાડિક પરીક્ષામાં ટેડીના ખોટા જવાબો પર થોમસન ટીચર લાલ બોલપેનથી ગુસ્સા સાથે ઘાટી દેખાય તેવી બોલ્ડ ચોકડી મારતા. અને ઉત્તરવહી પર તેવા જ ફોર્સ સાથે અંગ્રેજીમાં 'એફ' એટલે કે ફેઇલ લખતા.'
થોમસન ટીચર શાળામાં સિનિયર હોઇ તેને આ વર્ષથી એક નવી જવાબદારી પણ આપવામાં આવી હતી. શાળાના સંચાલકો પ્રત્યેક વિદ્યાર્થીઓની પ્રગતિનો ગ્રાફ વીતતા વર્ષો સાથે કેવો રહ્યો છે તે રીપોર્ટ જોવા માંગતા હતા. થોમસ ટીચરને આ મહત્વનું કામ સોંપાયું. પહેલાં ધોરણથી અત્યાર સુધીના વિદ્યાર્થીઓના જે રીપોર્ટ જે તે વર્ષે શિક્ષકે આપ્યા હતા તે તમામ રેકોર્ડ થોમસન ટીચરને આપવામાં આવ્યા.
થોમસન ટીચર આ કામ પાર પાડવા માટે તમામ રીપોર્ટ ઘેર લઈ ગયા. ટેડીના રીપોર્ટની ફાઈલ આવી એટલે મોં મચકોડતા તેણે આ ફાઈલ સૌથી છેલ્લે મૂકી દીધી.
આખરે થોડા થાક અને કંટાળા સાથે તેમણે ટેડીની ફાઈલ હાથમાં લીધી. પણ તેમના આશ્ચર્ય વચ્ચે ટેડી પ્રથમ ધોરણમાં (કક્ષામાં) અભ્યાસ કરતો હતો ત્યારે રીપોર્ટમાં શિક્ષકે લખ્યું હતું કે 'ટેડી ખૂબ જ તેજસ્વી અને આનંદી પ્રકૃતિ ધરાવતો વિદ્યાર્થી છે. બધા જોડે ગમ્મત પણ કરે છે. તે હોમ વર્કમાં પણ નિયમિત છે અને તેનું વર્તન પણ સરસ છે. તેની હાજરીથી વર્ગનું વાતાવરણ જીવંત લાગે છે.'
થોમસન ટીચરે આશ્ચર્ય અનુભવ્યું. તેણે ખાતરી કરી કે આ ટેડીનો જ રીપોર્ટ છે ને. હવે ઝડપથી તેણે ટેડીનું બીજા ધોરણના શિક્ષકે લખેલું રીપોર્ટ કાર્ડ જોયું. તેમાં લખ્યું હતું કે 'ટેડી ખૂબ જ ઉત્કૃષ્ટ વિદ્યાર્થી છે. તેના વર્ગના સાથી વિદ્યાર્થીઓ પણ તેની જોડે મિત્રતા માણે છે પણ ટેડી થોડો ગંભીર અને ગમગીન બનતો જાય છે. તપાસ કરતા જાણ્યું કે ટેડીની માતા ફરી સ્વાસ્થ્ય ન મેળવી શકે તેવી બીમારીથી પીડાય છે. આમ છતાં અભ્યાસમાં અને શિસ્તમાં સંતોષકારક છે.'
થોમસન ટીચરે વ્યથિત થતાં ત્રીજા ધોરણનો રીપોર્ટ હાથમાં લીધો. જેમાં લખ્યું હતું કે 'તેની માતાના મૃત્યુનો તેને ઘણો આઘાત લાગ્યો હોય તેમ સ્પષ્ટ જોઈ શકાય છે. તે આમ છતાં અભ્યાસમાં તેની અસર ન થાય તેમ ધ્યાન આપે છે. વાલીઓની મિટિંગ પરથી કહી શકાય કે તેના પિતા એકલા પડી ગયેલ ટેડીની લાગણીને સમજતા ન હોય તેમ જણાય છે. ટેડીમાં હૂંફથી વંચિત બાળકના લક્ષણો જોઈ શકાય છે. જો આ બાબત કંઇક નક્કર નહીં કરાય તો ટેડીનું જીવન પણ બરબાદ થઈ શકે તેવો તે મનોબીમાર બની શકે છે.'
થોમસન ટીચરે અશ્રુભીની આંખે ઝડપથી ટેડીનું ચોથા ધોરણનું રીપોર્ટ કાર્ડ હાથમાં લીધું. રીપોર્ટમાં લખ્યું હતું કે 'ટેડીની માનસિક સ્થિતિ અંગે પિતાનું ધ્યાન શાળાના સંચાલકોએ દોર્યું પણ તેમણે ખાસ રસ ન લીધો.' સમય વીતશે તે સાથે ટેડી સુધરી જશે' તેમ જણાવી પિતાએ તે મિટિંગ પૂરી કરી હતી. ટેડી હવે તો કોઈ સાથી વિદ્યાર્થીઓ જોડે ભળતો નથી. અભ્યાસમાં પણ રસ ન હોય તેમ તેનું સ્તર કથળતું જાય છે. તે કોઈ વખત ચાલુ પીરીયડ દરમ્યાન બેન્ચ પર ઊંઘી પણ જાય છે.'
થોમસન ટીચરે તેના આંસુ લૂછયા. તેને તેની સોચ અને આવી શિક્ષિકા બનવા બદલ દોષની લાગણી થઇ.
બીજે દિવસે જ શાળામાં નાતાલની ઉજવણી હતી. વર્ગમાં બધા વિદ્યાર્થીઓ તેમની મુખ્ય શિક્ષિકા માટે સરસ મજાના ગિફ્ટ પેકિંગ પર રંગબેરંગી રિબન લગાવી બ્રાન્ડેડ ચીજ વસ્તુની નાતાલની ભેટ લાવ્યા હતા. ટેડીએ જાણે તેની ગિફ્ટ બધાથી છુપાવતો હોય તેમ થોમસન ટીચરને આપી. થોમસન વર્ગના વિદ્યાર્થીઓની ગિફ્ટ બાજુમાં ઢગલો કરીને મૂકી દીધી અને બધા વિદ્યાર્થીઓ વચ્ચે જ ટેડીએ આપેલી અખબારના કાગળથી વિંટેલ ગિફ્ટ ખોલી. નાના બોક્સમાં એક બ્રેસ્લેટ હતું. જે હાથી દાંતનું બનેલું હતું. તેમાં લગાવેલ કેટલાક સ્ટોન્સ તો નીકળી પણ ગયા હતા. બીજું એક નાનું બોક્સ પણ હતું જેમાં અત્તરની શીશી હતી જે કોઈએ ઉપયોગ કરી હોય તેમ અડધી જ ભરેલી હતી.
બધા વિદ્યાર્થીઓ આ રીતની પેક થયેલી અને આવી ગિફ્ટ જોઈને હસવા માંડયા. ટેડી પણ લગભગ રડવા જતો હતો ત્યાં જ થોમસન ટીચરે કહ્યું કે 'મને બધામાં સૌથી વધુ ગમી હોય તો તે આ ગિફ્ટ છે. તેમ કહીને બ્રેસલેટ તેણે ત્યારે જ પહેરી લીધું અને પરફયુમની બોટલમાંથી સ્પ્રે તેના કાંડા પર લગાવ્યો. ટીચરે થોડો સ્પ્રે ટેડીને પણ છાંટયું.
શાળામાં છૂટ્ટીનો બેલ વાગ્યો. બધા વિદ્યાર્થીઓ તેમના ઘર તરફ જવા દોડીને બહાર ગયા. ટેડી એકલો જ શાળામાં હતો. તે થોમસન ટીચર પણ ઘેર જવા બહાર નીકળે તેની રાહ જોતો હતો.
થોમસન ટીચરને જોતા જ તે ઝડપથી તેની નજીક ગયો અને તેણે કહ્યું કે 'ટીચર, આજે તમારી નજીક ઊભો છું ત્યારે મારી માતા જોડે ઊભો હોઉં તેવી જ સુગંધ આવે છે.'
ટેડી આટલું કહીને તરત નીકળી ગયો પણ થોમસન ટીચર અડધો કલાક સુધી રડતા જ રહ્યા.
હવેથી થોમસન ટીચર વર્ગ ખંડમાં ટેડી પર પણ વાત્સલ્યથી નજર માંડી ભણાવતા. અગાઉ ટેડી જાણે ઠોઠ હોય તેમ તેને ઉતારી પાડતા હોય તેમ તેની સામે જોતા હતા. વર્ગ ખંડ વગર પણ ટેડીને ઘેર બોલાવીને તે એકાદ કલાક કોચિંગ આપતા. થોમસન ટીચર આ વખતે ટેડીએ આપેલ પરફયુમ સ્પ્રે કરીને બેસતા હતા. ટેડી અગાઉના વર્ષોમાં અભ્યાસમાં તો તેજસ્વી હતો જ. હવે તે એકાગ્રતા સાથે અભ્યાસ કરતો હોઇ વર્ગમાં તેનો નંબર પ્રથમ આવ્યો. સાથી વિદ્યાર્થીઓ જોડે પણ તે ધીમે ધીમે ખીલી ઊઠતો હતો.
ટેડીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ વધુ બે વર્ષ ભણીને પૂર્ણ કર્યો. આ શાળા પ્રાથમિક ધોરણ સુધીની જ હતી. ટેડી શાળાનો તેજસ્વી અને વિવિધ પ્રવૃત્તિમાં પણ ઈનામ જીતી વિદાય લેતો વિદ્યાર્થી હોઇ સંચાલકો અને પ્રિન્સિપાલે તેને શાબાશી આપી. શાળા છોડતી વખતે ટેડીએ થોમસન ટીચરને એક કવર આપ્યું હતું. ટીચરે ખોલીને જોયું તો તેમાં લખેલું હતું કે 'નર્સરીથી સાત ધોરણના મારા તમામ શિક્ષકોમાં તમે મને સૌથી શ્રેષ્ઠ અને વ્હાલા લાગ્યા છો.'
હવે તો ટેડી હાઈસ્કૂલમાં એટલે કે બીજી સ્કૂલમાં અભ્યાસ કરવા ગયો. કોઈ કોઈ વખત થોમસન ટીચરને મળીને અનેરી હૂંફ મેળવતો. આમ ને આમ છ વર્ષ વિતી ગયા. ટેડીએ હાઈસ્કુલનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. તે શાળામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયો હતો. હવે થોમસન ટીચરને ટેડી તરફથી એક કવર મળ્યું તેમાં પણ લખ્યું હતું કે આટલા વર્ષો અભ્યાસના પૂરા કર્યા પણ તમારા જેવા શ્રેષ્ઠ અને પ્રેમાળ ટીચર મને મળ્યા નથી..આભાર.'
થોમસન ટીચર ગળગળા થઈ જતાં.
વધુ સાત વર્ષ પસાર થયાં. ટેડી હવે ટૂંકા પત્રમાં લખે છે કે 'અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. યુનિવર્સિટીમાં મારા વિષયમાં પ્રથમ આવ્યો છું. તમને કેમ ભૂલી શકું... તમે અત્યાર સુધી મેં જેમના હાથ નીચે અભ્યાસ કર્યો તે તમામ શિક્ષકો અને પ્રોફેસરોમાં શ્રેષ્ઠ છો. વીતતા વર્ષો સાથે તમારા માટે પ્રેમ આદર વધતો જાય છે. 'લી. માં અત્યાર સુધીના તમામ આવા પત્રમાં ટેડી જ લખેલું આવતું હતું. પણ આ પત્રમાં થોડું લાંબુ નામ લખેલું હતું.'લી. ટેડી સ્ટોડાર્ડ.. એમ ડી.' જી હા, ટેડી હવે ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી ડોકટર બની ગયો હતો
હજુ વાત અહીં પૂરી નથી થતી. એકાદ વર્ષ વીત્યું હોય છે ત્યાં ટેડીનો પત્ર થોમસ ટીચરને મળે છે. જેમાં એક સરસ મજાની છોકરીનો ફોટો છે અને ટેડીએ લખ્યું છે કે 'આ છોકરી ખૂબ સંસ્કારી છે. અમે પ્રેમ કરીએ છીએ. તે પણ ડોકટર છે. અમે આ દિવસે લગ્ન કરીએ તો તે તારીખ તમને અનુકૂળ છે ? તમારી હાજરી મારા માટે ખૂબ મહત્વની છે. મારા પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું છે. મારી માતા નથી તે તો તમે જાણો જ છો. તો લગ્નવિધિ વખતે માતા પિતાની જગ્યાએ તમે રહેશો?'
આ પત્ર વાંચીને થોમસ ટીચર ધ્રુસકે ધ્રુસકે રડયા. તેમણે ખુશી અને ધન્યતા અનુભવતા લગ્નમાં માતાના સ્થાને બેસીને હાજરી આપી. થોમસ ટીચરે ખાસ યાદ રાખીને લગ્ન સમારંભમાં ટેડીએ આપેલું બ્રેસ્લેટ તો પહેર્યું જ હતું પણ ટેડીની માતા જે પરફ્યુમ લગાવતી હતી તે પરફયુમ કે જેની બોટલ ટેડીએ પાંચમા ધોરણમાં ભેટમાં આપેલી તેનો સ્પ્રે પણ લગાવ્યો હતો. ટેડી થોમસ ટીચરને ભેટીને આશીર્વાદ લેતા ખૂબ રડે છે. ઊંડો શ્વાસ લઈને પરફ્યુમની સુગંધ હૃદય સુધી ઉતારતા તે થોમસ ટીચરનો આભાર માનતા તેના કાનમાં કહે છે કે 'આજે મારા જીવનના અતિ મહત્ત્વના નવા મુકામમાં મારી માતાની હાજરી હોય તેવું મને લાગે છે. આભાર, તમે પાંચમા ધોરણમાં હતો તે વર્ષથી મારામાં વિશ્વાસ અને હૂંફનું સિંચન કર્યું. હું ચોક્કસ મારી પરિસ્થિતિ બદલી શકીશ તેવી આત્મશ્રધ્ધા મારામાં જગાડી જેના લીધે તો હું આટલે સુધી પહોંચ્યો છું.'
માંડ અશ્રુઓને અટકાવતા થોમસ ટીચરે ટેડીને લાગણી ભીના અવાજે કહ્યું કે 'ટેડી, ખરેખર તો મારે તારો આભાર માનવાનો હોય. કેમ કે તે મને ભાન કરાવ્યું કે હું કોઈના જીવનમાં સુખદ પરિવર્તન લાવી શકું છું. તને મળ્યા પછી કેટલાયે વિદ્યાર્થીઓને મેં સહાનુભૂતિથી જોવા પામવાનો પ્રયત્ન કર્યો અને તેઓના જીવન બન્યા છે. હું સંવેદનશીલ શિક્ષક જ નહીં પણ બધાને કરુણાથી જોતી માનવી બની છું.તે મારી આંખ અને દ્રષ્ટિ ઉઘાડી છે.
ટેડી અને તેની પત્ની અવારનવાર થોમસ ટીચરને મળવા જાય છે. થોમસ ટીચરની નિવૃત્તિ બાદ વૃધ્ધાવસ્થામાં પણ ટેડી તેની સંભાળ લે છે.
પ્રત્યેક વ્યક્તિ ધારે તો તેની આસપાસની વ્યક્તિનું જીવન બદલી શકે છે.