ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ સમારોહ .
- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- ટ્રમ્પની સાથે સ્પેશિયલ ડીનર લેવાની ફી ૧૮૦૦ ડોલર
- વોશિંગ્ટનમાં ઈનઑગ્યુરલ સેરેમની જોવા પડાપડી કરે છે. ચાર ક્લાક ચાલતી મનમોહક પરેડમાં નાગરિકોને સૌથી વધુ રસ પડે છે.
'હું, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈબલ પર હાથ મૂકીને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના બંધારણનું પાલન, જતન અને રક્ષણ કરવાના શપથ લઉં છું અને....'
હજુ તો સોગંદનામું પૂરું વંચાયું નથી ત્યાં જ અમેરિકાના નવા વરાયેલા ૪૭માં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હાજર રહેલી મેદની તાળીઓના ગડગડાટ અને ખુશાલીની ચિચિયારીઓથી વધાવી લેશે...
પછી તો આતશબાજી, આંખો આંજી દેતા ફોટોગ્રાફરોની ફ્લેશના ઝબકારા, કોકટેલ પાર્ટી, ભાવતા ભોજનની મિજબાની, ભવ્ય પરેડ અને બીજા અનેક કાર્યક્રમોથી ભરચક એ આખો દિવસ વોશિંગ્ટનમાં મોટા જલસાની જેમ ઊજવાઈ જશે.
દર ચાર વર્ષે નવેમ્બર મહિનામાં યોજાતી અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં વિજેતા પ્રમુખને જાન્યુઆરીની ૨૦મી તારીખે પ્રમુખપદના શપથ લેવડાવાની વિધિ ભારે દબદબાથી ઊજવાય છે. 'ઈન ઓગરલ ડે' (ઉદ્ઘાટન દિન) તરીકે ઓળખાતો આ દિવસ અમેરિકન પોલિટિક્સમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાગ્રહણનો આ વખતનો સમારંભ આ દ્દષ્ટિએ અગાઉના કોઈપણ 'ઈન ઓગરલ ડે' કરતાં વધુ ખર્ચાળ સાબિત થવાનો. ભૂતપૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટને ૧૯૯૨માં અને પછી ૧૯૯૬માં હોદ્દો સંભાળ્યો ત્યારે સત્તાગ્રહણના સમારંભો પાછળ ત્રણ કરોડ ડોલર ખર્ચ્યા હતા. બુશ માટેની ઉદ્ઘાટન સમિતિએ ૨૦ જાન્યુઆરીના જલસા માટે ૪ કરોડ ડોલર ખર્ચ્યા હતા. બરાક ઓબામાની શપથવિધી સમારોહ માટે મંદી હોવા છતા ૧૫ કરોડ ડોલરનો ધુમાડો થયો હતો. આવા ગંજાવર ખર્ચને પહોંચી વળવા આગલા દિવસે ઓગણીસમી જાન્યુઆરીની ડિનર પાર્ટીમાં ભાગ લેનારા ટ્રમ્પના પ્રત્યેક સમર્થકો, ચાહકો કે લાભ ખાટી જવા માગનારાઓ પાસેથી થાળી દીઠ ૧૮૦૦ ડોલર ઉઘરાવી લેવાશે!
પ્રમુખની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં જીતી ગયા હતા તેમ છતાં પ્રમુખ તરીકેની તેમની શપથવિધિ બે મહિના પછી શુ ંકામ? આવું કુતુહલ ઘણા ને થાય એ સ્વાભાવિક છે. અમેરિકાનું બંધારણ દરેક બાબતમાં કેટલું સ્પષ્ટ અને ચોક્સાઈ ધરાવે છે તેનું એક ઉદાહરણ ચૂંટણીના પરિણામ તથા સત્તાગ્રહણના સમારંભ વચ્ચેના સમયગાળામાં મળી આવે છે. સામાન્ય રીતે દર ચાર વર્ષે જેમ નવેમ્બર મહિનાના બીજા મંગળવારે જ પ્રમુખની ચૂંટણી યોજવાનો નિયમ અમેરિકી બંધારણમાં અફર છે એવી જ રીતે નવા ચૂંટાયેલા પ્રમુખની શપધવિધિ ૨૦ જાન્યુઆરીએ જ કરવાની જોગવાઈ પણ બંધારણે જ ઠરાવેલી છે! જો કે આ જોગવાઈ ૧૯૩૭માં (બંધારણના ૨૦મા સુધારા અનુસાર) અમલમાં આવી છે. તે પહેલાં ૧૭૯૩થી ૧૯૩૩ વચ્ચે ચૂંટાયેલા તમામ નવા પ્રમુખની સોગંધવિધિ દર ચાર વર્ષે ચૂંટણી નવેમ્બર મહિનામાં પત્યા પછી ચોથી માર્ચની બપોરે જ થતી.
છેક ૧૭૮૯ની સાલથી અમેરિકામાં પ્રમુખશાહી લોકતંત્રની સ્થાપના થઇ, જ્યોર્જવોશિંગ્ટન પહેલા યુ.એસ.પ્રેસિડેન્ટ બન્યા હતા. તેમની સોગંદવિધી ૩૦ એપ્રિલ ૧૭૮૯માં થઇ હતી. બીજી વાર પ્રમુખ બન્યા ત્યારે તેમની શપથવિધી ૪ માર્ચ ૧૭૯૩માં થઇ હતી. ૨૦ જાન્યુઆરીએ જ પ્રમુખની સોગંદવિધી રાખવાનો રિવાજ ૨૦ જાન્યુ. ૧૯૩૭થી શરૂ થયો. તે વખતે પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટ બીજી ટર્મ માટે શપથવિધી પાર પાડી રહ્યા હતા.
'ઈન ઓગરલ ડે'ની ચાર દિવસ ચાલનારી ઉજવણી દરમિયાન વિવિધ પ્રવૃત્તિ માટે ૫૦ લાખ ડોલર અમેરિકન કોંગ્રેસ ચૂકવે છે. ઉદ્ઘાટન સમિતિ પણ સુવેનિર તથા ટિકિટો વગેરેના વેચાણમાંથી મોટું ભંડોળ એકઠું કરી લે છે. સોગંદવિધી પૂરી થયા પછી વોશિંગ્ટનના મિલિટરી ડિસ્ટ્રીકટ ખાતે ૨૧ હોવિત્ઝર તોપોની સલામી અપાય છે. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખના માનમાં અમેરિકન કોંગ્રેસ દ્વારા લંચપાર્ટી યોજાય છે. આ શાહી ભોજન પત્યા પછી પ્રમુખ અને ઉપપ્રમુખ તેમના રસાલા સાથે કેપિટોલથી પેન્સિ લવાનિયા ઍવન્યુ પસાર કરીને વ્હાઇટ હાઉસ સુધી પહોંચે છે.
ઉદ્ધાટન સમારોહ વખતે એવી કેટલીક બાબતો બની છે જે પછી પરંપરા તરીકે અપનાવી લેવાઇ છે જેમ કે ફ્રેન્કલીન રૂઝવેલ્ટ પ્રમુખ બન્યા ત્યારે શપથવિધી શરૂ થાય તે પૂર્વે ચર્ચસર્વિસમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ જેટલા નવા પ્રમુખ ચૂંટાયા તે દરેકે આ પ્રથા જાળવી રાખી છે ! બરાક ઓબામાએ પ્રમુખ તરીકેની સોગંદવિધી વખતે અબ્રાહમ લિંકને જે બાઈબલ પર હાથ રાખ્યો હતો એ જ બાઈબલ મેળવીને શપથ લીધા હતા!
યુનાઈટેડ સ્ટેટ્સના પ્રથમ પ્રમુખ તરીકે ૩૦ એપ્રિલ ૧૭૮૯માં જ્યોર્જ વોશિંગ્ટનની સોગંદવિધિ થઈ ત્યારે મોટરની પણ સગવડ નહોતી. તેથી તે તેમના દૂરના પરગણાંમાંથી ઘોડાગાડીમાં રાજધાની ન્યુયોર્ક પહોંચવા નીકળેલા. (પાછળથી જો કે રાજધાની વોશિંગ્ટન ખસેડવામાં આવી.) જ્યોર્જ વોશિંગ્ટને તેમની એ ઐતિહાસિક સફરમાં માત્ર એક વળાવિયાને જ સાથે રાખેલો. અને ગજવામાં ૫૦૦ ડોલર રાખેલા તે પણ કોઈની પાસેથી ઉછીના લીધા હતા! સર્વપ્રથમ પ્રમુખની સોગંદવિધિ થઈ ત્યારે ૩૫ શબ્દોનું સોગંદનામું જ્યોર્જ વોશિંગ્ટને વાંચ્યું તે જ શબ્દોમાં ગઈ બે સદીમાં કોઈ જ... ફેરફાર થયો નથી. માત્ર પ્રમુખના નામ બદલાય એટલું જ.
પ્રમુખનો સોગંદવિધિ થયા પછી ૧૬ કોર્સનું ડિનર યોજાય છે. આ ભપકાદાર પાર્ટીઓમાં હાજર રહેવા માટે બહુ મોંઘી ટિકિટ ખરીદવી પડે છે. ૧૯૭૩માં રિચર્ડ નિક્સનની પાર્ટીમાં વ્યક્તિ દીઠ ટિકિટનો દર એક હજાર ડોલર હતો. જ્યારે સાદગીમાં માનતા કાર્ટરે આમંત્રિતોને બહુ આકરું ન પડે એ રીતે ટિકિટના દર ઘટાડીને માત્ર ૨૫ ડોલર રાખ્યા હતા તેને કારણે ૬૦,૦૦૦ લોકોએ ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી. કાર્ટરના ૨૫ ડોલર અને ક્યાં ઓબામાના ૧૭૦૦ ડોલર!
સોગંદનામાના શબ્દો પણ બંધારણે મુકરર કરેલા છે. સંપૂર્ણ શપથનો સૂર કંઈક આવો નીકળે છે ઃ
'અમેરિકાના પ્રમુખ તરીકે હું (નામ) પદને વફાદાર રહીને જ ફરજ બજાવીશ અને મારી સંપૂર્ણ શક્તિથી અમેરિકન બંધારણને જાળવીશ, જતન કરીશ અને રક્ષણ કરીશ.' એવા સોગંદ હું લઉં છું, પ્રભુ મને મદદ કરો.' વોશિંગ્ટને આ રીતે સોગંદ લીધા પછી બાઈબલને ચુંબન કર્યું હતું. ૧૯૦૫માં થિયોડોર રુઝવેલ્ટે શપથવિધિ વખતે લિંકનના વાળની એક લટવાળી વીંટી પહેરી હતી. લિંકનની હત્યા પછી તેમના માથે હાથ ફેરવીને વાળની એક લટ રુઝવેલ્ટે પોતાની પાસે સાચવી રાખી હતી અને એ બહુ શુકનવંતી છે. એવું એ માનતા હતા.
બધા જ પ્રમુખોની શપથવિધિ દબદબાથી થાય તેવું પણ નથી. અવસાન પામેલા પ્રમુખના સ્થાને નિમણૂક થઈ હોય તેવા પ્રમુખને કોઈપણ જાતના જલસા વગર સત્તા સુપરત થઈ હોવાના બનાવ પણ બન્યા છે. પ્રમુખ વુડ્રો વિલ્સનના બીજા સત્રમાં અમેરિકાએ ૧૭ મહિના પ્રમુખ વગર ગાળ્યા હતા. પક્ષઘાતને લીધે વિલ્સન મોટાભાગનો સમય વ્હાઈટ હાઉસમાં જ ગાળતા. આમ છતાં તેમને સત્તા સ્થાનેથી દૂર કરી નવા પ્રમુખની વરણી કરવાનો કોઈ પ્રયાસ થયો નહોતો. આ ૧૭ મહિનાના ગાળામાં રાષ્ટ્રનો વહીવટ વુડ્રો વિલ્સનનાં પત્ની એડીયે સફળતાપૂર્વક ચલાવ્યો હતો.
નવેમ્બર ૨૨, ૧૯૬૩ના રોજ જ્હોન એફ. કેનેડીની હત્યા થઈ ત્યારબાદ ચિંતાગ્રસ્ત માહોલમાં નવા ચૂંટાયેલા પ્રમુખ લિન્ડન જ્હોનસને જેક્લીન કેનેડી તથા લેડી બર્ડ જ્હોન્સનની હાજરીમાં 'એરફોર્સ વન' પ્લેનમાં સોગંદવિધી પાર પાડી હતી. પ્લેન ડલ્લાસ એરપોર્ટ પર જ સ્થિત હતું. અગાઉ પ્રમુખ એન્ડ્રુ જ્હોનસને ૧૫ એપ્રિલ ૧૮૬૫ના રોજ વોશિંગ્ટન ખાતેના કર્કવુડ હાઉસના પાર્લરમાં શપથવિધી પાર પાડી હતી.
અનેક ભૂતપૂર્વ પ્રમુખોએ તેમના પ્રથમ પ્રવચનમાં ઉચ્ચારેલા કેટલાંક મંતવ્યો આજેય મહત્ત્વનાં ગણાય છે. ૧૮૦૧માં થોમસ જેફરસને વાણી સ્વાતંત્ર્ય અને 'ફ્રિડમ ઓફ પ્રેસ' વિશે જે મંતવ્યો રજૂ કર્યા હતાં તે આજેય ચોથી જાગીરવાળા (પત્રકારો) મમળાવે છે. અને જરૂર પડે ત્યાં ટાંકે છે. અબ્રાહમ લિંકને ૧૮૬૧માં ગવર્નમેન્ટ ઈસ ફોર ધી પીપલ, બાય ધ પીપલ, ઓફ ધી પીપલ' એવું કહીને લોકશાહી સરકાર કોને કહેવાય તેની આદર્શ વ્યાખ્યા આપી હતી. ૧૯૩૩માં ફ્રેન્કલીન રુઝવેલ્ટે પ્રમુખપદના સોગંદ લીધા ત્યારે મંદીમાં સપડાયેલી દેશની જનતામાં નવી ચેતનાનો સંચાર કરવાના આશયથી પ્રવચનમાં કહેલું કે ઃ ' આપણે માત્ર એક જ વસ્તુથી ડરવાનું છે અને તે છે આપણા મનમાં રહેલો ભય... ડરને ખંખેરી નાખો. હિંમત એકઠી કરો તો ઉજ્જવળ દિવસો દૂર નથી...'
૧૯૬૧માં સત્તાસ્થાને આવેલા પ્રમુખ જ્હોન એફ.કેનેડીએ જે કહ્યું એ તો લાખ્ખો-કરોડો અમેરિકોનોના દિલને સીધું સ્પર્શી ગયું. 'મારા સાથી અમેરિકનો, એ ન પૂછો કે તમારો દેશ તમારે માટે શું કરશે... એ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરશો.'
નવા પ્રમુખે ખુલ્લી જગ્યામાં ઊભા રહીને જાહેરમાં પ્રથમ પ્રવચન આપવાની પ્રથા ૧૮૧૭માં પ્રમુખ જેમ્સ મનરોએ શરૂ કરી હતી. ત્યાર પછી દરેક પ્રમુખે જાહેરમાં જ ઉદ્ઘાટન પ્રવચન કર્યું છે. એક માત્ર પ્રમુખ વિલિયમ હાવર્ડના સમયમાં (૧૯૦૯)માં સખત વાવાઝોડા સાથે હિમવર્ષા થઈ એટલે આખો સમારંભ મોટા હોલની અંદર યોજાયો હતો.
આ રાત્રી ભોેજનની પ્રથા ૧૮૦૯માં પ્રમુખ જેમ્સ મેડિસનનાં પત્નીએ શરૂ કરી હતી. પ્રમુખના સત્તાગ્રહણના માનમાં યોજાતો ભોજન સમારંભ 'ઈન ઓગરલ બોલ' તરીકે ઓળખાય છે. ૧૯૬૯માં ઉલીસી ગ્રાન્ટે પ્રમુખપદના શપથ લીધા એ રાત્રે ભોજન સમારંભ માટે ટિકિટ ખરીદનાર ૬૦૦૦ લોકો એકઠાં તો થયા પરંતુ સમયસર જમવાની વ્યવસ્થા થઈ નહીં. એટલે લોકો સામટા રસોડામાં ધસી જઈને જે હાથમાં આવ્યું તે ઝાપટી ગયા હતા! પ્રમુખ જેમ્સ બુચાનના 'ઈન ઓગરલ બોલ'માં પણ આવી જ રીતે રંગમાં ભંગ પડયો હતો. કોઈ અટકચાળાએ રસોડાનાં પાણીમાં ઝેરી દવાથી મરેલાં ઉંદરો પધરાવ્યા હતા. પરિણામે સંખ્યાબંધ આમંત્રિત મહેમાનોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા. આવી એક ગરબડ ૧૮૬૫માં પણ થયેલી. અબ્રાહમ લિંકન સાથે ઉપપ્રમુખ તરીકે એન્ડ્રુ જેક્સનનો સોગંદવિધિ થવાનો હતો. જેક્સન થોડા દિવસ પહેલાં જ બીમારીમાંથી ઉઠયા હતા. શપથ લેતી વખતે થોડું જોમ રહે તેથી તેમણે સવારે દારૂનો પહેલો પેગ લીધો. પછી તો એટલો બધોે નશો કર્યો કે સોગંદવિધિ વખતે તેમના મદદનીશોએ તેમને ઊંચકીને સ્થળ પર લઈ જવા પડયા. શપથ લેતી વખતે પણ બે માણસોએ તેમને પાછળથી ટેકો આપી ઊભા રાખ્યા. સોગંદનામાના ૩૫ શબ્દો બોલવામાં પણ તેમણે લોચા માર્યા અને સ્વાગત પ્રવચનમાં પણ બે-ચાર ગાળ ફટકારી હતી! કરોડોના ખર્ચે બદબાભેર ઉજવાતા આ પ્રસંગે કેપિટોલ હીલ ખાતે જંગી માનવમેદની ઊભરાય છે. ટેલિવિઝનના લાઈવ કવરેજ છતાં આશરે દસ લાખ અમેરિકનો વોશિંગ્ટનમાં ઈનઑગ્યુરલ સેરેમની જોવા પડાપડી કરે છે. ચાર ક્લાક ચાલતી મનમોહક પરેડમાં નાગરિકોને સૌથી વધુ રસ પડે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસન સમક્ષ પ્રમુખપદના શપથ લઈ લીધા બાદ તરત જ નવા શાસનની નવી જાહેરાત કરવાના છે. કરોડો અમેરિકનો અને દૂર દૂર વિદેશોમાં રહેનારાઓમાં પણ આ ફરી વરાયેલા પ્રમુખના પ્રથમ પ્રવચનના દિવસો સુધી પડઘા પડશે.