સંબોધન અંગેની ફરિયાદ .
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- સંબોધનો કરવાથી બોલનાર કરતાં બોલાવનારની પણ વધુ કિંમત થતી હોય છે. આમેય આપણે ત્યાં બોલાવનારા થોડો અહમ ધરાવતા હોય છે અને બોલનાર મજબૂરીને વશ થતાં હોય છે...
આ પણે ગમે તેટલા ભણેલા હોઈએ તો પણ છાપાં નાખતા ફેરિયાને 'છાપાંવાળો' જ કહેવાના! કામવાળો અને કામવાળી શબ્દો દ્વારા જ આપણે ઓળખાણ રાખીએ છીએ. એવા તો કેટકેટલા લોકોનું આપણે અજાણે અપમાન કરતા હોઈશું? ઈસ્ત્રીવાળો, શાકવાળો, દૂધવાળો, વાળવાવાળો, કચરાવાળો, ઘંટીવાળો, દુકાનવાળો જેવા અનેક અપમાનજનક વિશેષણમાંથી વ્યક્તિઓને ઓળખીએ છીએ. આમ કહેવા પાછળનું પ્રયોજન શું હશે? એમાં આપણો ઈરાદો ભલે અપમાન કે ઉપેક્ષાનો ના હોય પણ એ શબ્દોથી થતો વ્યવહાર સારો લાગતો નથી. બંને વચ્ચે અંતર રાખી પોતાની પ્રતિષ્ઠાની ઊંચાઈ આંકવાની વૃત્તિ હશે કે શું? ઉપેક્ષા હશે કે અપમાન હશે? કારણ વગર જ આદતવશ હોઈ શકે કદાચ! પરંપરા જવાબદાર હશે એમ પણ કહી શકીએ. આવાં સંબોધનો કરવાથી બોલનાર કરતાં બોલાવનારની પણ વધુ કિંમત થતી હોય છે. આમેય આપણે ત્યાં બોલાવનારા થોડો અહમ ધરાવતા હોય છે અને બોલનાર મજબૂરીને વશ થતાં
હોય છે.
એકવાર એવું બન્યું કે એક ઈસ્ત્રીવાળો રડતો રડતો શેઠને ત્યાંથી પોતાને ઘરે જતો હતો અને સામે છાપાવાળો મળ્યો બંને થોભ્યા. પરસ્પર વાત કરી, ઈસ્ત્રીવાળો કહે - 'આ શેઠે કાલે સાંજે ફોન કર્યો સવારે કપડાં આપી જજે, મારે બહાર જવાનું છે! હું સવારે વહેલો ઊઠયો કપડાં લઈને જેવો બંગલામાં ગયો ત્યાં આપણો ઈસ્ત્રીવાળો બુદ્ધિ વગરનો છે, હજુ સાલો આવ્યો નથી' આવાં વાક્યો મેં મારા સગા કાને સાંભળ્યાં, બોલ ભાઈ, આપણે આટલી આટલી સેવા કરીએ તોય પેટ વાસ્તે કેવું કેવું સાંભળવું પડે છે? છાપાવાળો કહે - એમાં રડો નહિ, મોટા લોકો છે, મને તો રોજ આવું ઘણું સાંભળવા મળે છે. શું કરીએ પેટ છે ને?
એટલામાં ત્યાંથી શેઠના ઘરે જતો કામવાળો નીકળ્યો તે પણ થોભ્યો તેણે પૂછ્યું - 'શી વાત છે ભાઈ?' 'આ તો બંગલાવાળા આપણને માણસ જ સમજતા નથી! આટઆટલી સેવા કરીએ પણ કોઈ હિસાબ જ નહીં? શું થાય!'
'અરે તમારું તો ઠીક અમારે તો આખો દિ' ઘરમાં રહેવાનું અને સાંભળવાનું. ક્યાં મરી ગ્યો? આટલી ખબર પડતી નથી? શેઠાણી આમ કહે ને રોજ આમ કહે બોલો બે બાજુનું મોત! આ મહારાજને જ પૂછો એમની શી દશા છે?
'જય મહારાજ' બધાએ સાથે કહ્યું.
'જય મહારાજ' મહારાજે કહ્યું.
'શાની ભાંજગડ છે?' મહારાજે પૂછ્યું.
કામવાળો બોલ્યો - 'આ તો આપણા શેઠ આપણી સેવાની કદર જ ક્યાં કરે છે! ઉપરથી આપણને અપમાનિત જ કર્યા કરે છે ને! તેની વાત હતી તમારી મહારાજ અમારા જેવી જ દશા છે ને!'
મહારાજ - ''ભૈ છોકરાને સેન્ડવીચ ખાવી હોય ને ભાને રોટલો શેઠાણી પરોઠા કરે ને શેઠ ભાખરી. બોલો શું કરું? બધાંની વચ્ચે મારો તો મરો જ થઈ જાય! કોનું સાંભળીએ? શેઠનું સાંભળીએ તો શેઠાણી કોપાયમાન...છોકરાં અલીતલી કરે અને છોકરાંનું સાંભળીએ તો શેઠ તુચ્છકારે...'' આવું તો રોજનું!!
એટલામાં ત્યાંથી ભીખ માગવાવાળો, વાળુ માગવાવાળો વગેરે નીકળ્યા...બધા ટોળે જ વળ્યા આ તો ના ચલાવી લેવાય યુનિયન કરીએ અપમાન કેમ ચલાવી લઈએ? હવે તો સમૂહમાં ઠરાવ કરીએ કે તમારે કામ લેવું હોય તો અમને માનથી બોલાવવા પડશે, અમારી સેવાની કદરરૂપે અમે માનની તો અપેક્ષા રાખીએ ને? સૌ એમ બોલવા લાગ્યા બધા ભેગા થયેલા, ઊભા હતા. એટલે વાળવાવાળાએ કહ્યું - 'હાલો અહીં મહાદેવમાં, ત્યાં જઈ બેસીએ બેસીને માંડીને વાતો કરીએ.'
બધા મહાદેવના મંદિરના ચોકમાં બેઠા. પોતપોતાની ફરિયાદો સંભળાવતા ગયા, એક પછી એક રજૂઆતો થઈ, આખરે મંદિરના પૂજારી આવ્યા - તેમને પણ આ વાત કરી. મંદિરના પૂજારી પણ કહેવા લાગ્યા 'મને પણ કોઈ કોઈ વાર બાવો, બાવલું દાઢીવાળો એવું જ ઘણા લોકો કહે છે. શું કરીએ? આપણે પેટ ખાતર સાંભળી લેવાનું બીજું શું?'
'ના, જરીકે ના ચાલે.'
તો શું કરશો?
ચાલો, આપણે ભગવાનને ફરિયાદ કરીએ - તેમણે મોટી અરજી લખી તેમાં સ્પષ્ટ જણાવ્યું કે માણસ જાત કેવી કૃતઘ્ન છે કે અમે બધા તેમની સેવા કરીએ છીએ તો પણ અમને અપમાનજનક સંબોધનો જ કર્યા કરે છે, અમે પેટને ખાતર સહી લઈએ છીએ પણ માણસ જાત સુધરી જાય એવું કંઈક કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પછી નીચે એક પછી એક બધા સહીઓ કરવા લાગ્યા. કાગળ ભરાઈ ગયો. લિસ્ટ લાંબુલચાક થતું ગયું. બીજો કાગળ ઉમેરી સહીઓ લીધી. ભગવાનની આગળ જઈને એ કાગળ હાથ જોડીને મુક્યો..ત્યાં આકાશવાણી થઈ ભગવાન ખુદ કહેવા લાગ્યા - 'ભાઈ તમે માણસ વિશે મને ફરિયાદ શીદ કરો છો, તેઓ જાતે પણ 'ઉપરવાળો'' કહીને જ બોલાવે છે 'દ્વારકાવાળો' 'ડાકોરવાળો' કહે છે. શું કરી શકાય આનું? એટલે પ્રથા હજુ હંમેશને માટે નાબુદ થઈ શકી નથી.