તારણહાર- પ્રકરણ -06 .

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
તારણહાર- પ્રકરણ -06                                          . 1 - image


-  પ્રફુલ્લ કાનાબાર

- દિલાવરખાને વિનાયકના ગાલ પર જોરદાર તમાચો લગાવી દીધો. વિનાયકને બે ઘડી માટે તમ્મર ચડી ગયા. છગનકાકા બોલી ઉઠયા 'અરે ભાઈ, હમ સબ હપ્તા દેને કે લિયે તૈયાર હૈ'

દિ લાવરખાનનો ગુસ્સો સાતમા આસમાને હતો. જેની તાકાત પર સૌથી વધારે ભરોસો હતો એવા તેના બે સાગરીતો ભાગીને પરત આવ્યા હતા. વળી તેમાંનો એક ફિરોઝ તો માર ખાઈને આવ્યો હતો. આ ઘટનાના પડઘા જો અન્ય વિસ્તારોમાં પણ પડે તો સમગ્ર શહેરના ડોન બનવાનું તેનું સ્વપ્ન રોળાઈ જાય તેમ હતું. દિલાવરખાનની મોટી આંખોમાં ખુન્નસ ઉતરી આવ્યું હતું. તેણે ત્રાડ પાડી  'કમીનો, તુમ દોનોને તો મેરી ઈજ્જત કા ફાલૂદા કર દિયા. ઇન સબ કા કોઈ તો લીડર હોગા?' 

ફિરોઝે માહિતી આપતા કહ્યું 'બોસ, યે સબ બબાલ એક બુઢે આદમી કે કારણ હી જ હુઈ. વોહ બોલતા થા કી સબ લોગ પૂરાના હપ્તા દેને કે લિયે તૈયાર હૈ, લેકિન નયા હપ્તા મહેંગા પડેગા ઇસ લિયે આપકો ફોન કરનેકા બોલ રહા થા'. 

'તો તેરે કુ મુઝે ફોન કરના ચાહિયે ના?'

ફિરોઝ અને ફરહાન મો વકાસીને એકબીજાની સામે જોઈ રહ્યા. બોસ આવું કહેશે એ વાત તેમની કલ્પના બહારની હતી. 'અગર ઉન લોગો કે સામને મુઝે ફોન કિયા હોતા તો સબકો તસલ્લી હો જાતી.. ધંધેમે શામ, દંડ, ભેદ સબ કા ઇસ્તેમાલ કરના જરૂરી હૈ'.  દિલાવરખાને લાઈટર વડે મોંઘી બ્રાન્ડની સિગાર સળગાવી. સિગારના ધુમ્રવલયોની જેમ તેનો અવાજ પણ ઉંચે જઈ રહ્યો હતો. 'ફિર ક્યા હુઆ?'  

ફિરોઝે કહ્યું  'મૈને ઉસ બુઢે આદમીકો  ધક્કા દિયા. વોહ ગીર પડા'. 

'ફિર?' 

'બોસ્સ, ઇતનેમેં ન જાને કહાંસે એક લંબા લડકા મેરે પર તૂટ પડા.. ઉસકી હિમત દેખ કે સબ લોગ હમ દોનો પર તૂટ પડે'. દિલાવરખાન સિગારનો ઉંડો કશ લઈને ફરીથી તાડૂક્યો  'અબે ગધ્ધો,  ઇસકા સાફ મતલબ યે હૈ કી સબ બબાલ વોહ લંબે લડકે કી વજહસે હી હુઈ હૈ'. 

દિલાવરખાને ખિસ્સામાંથી તેનો આઈફોન કાઢીને ફોન લગાવ્યો. 'સલીમ, જીતની  જલ્દી હો શકે ઇતની જલ્દી મેરે ઘર પે આ જા' દિલાવરખાનનું ત્રણ માળનું જૂનવાણી મકાન જ તેનો બે નંબરના ધંધાનો અડ્ડો હતું. થોડી વાર બાદ એક અઢારેક વર્ષનો ફૂટડો દેખાવડો યુવાન હાજર થયો. હજુ તો મૂછનો દોરો પણ ન ફૂટયો હોય તેવા કેટલાંક કિશોરો ભણવાનું છોડીને દારૂ જુગાર જેવા આડા રસ્તે ચડી જતા હોય છે. સલીમ પણ આવા છોકરાઓમાંનો જ એક હતો.  

થોડી વારમાં સલીમ આવી પહોંચ્યો. દિલાવરખાને સીધી મુદ્દાની વાત કરી. ' કલ શામ તક  ફિરોઝ પર  કિસને હાથ ઉઠાયા થા વોહ પક્કી બાતમી મુઝે ચાહિયે'.  દિલાવરખાને સિગારના ધુમાડા ફિરોઝ પર છોડીને ઊંચા અવાજે કહ્યું 'વોહ લંબા  લડકા દિખને મેં કૈસા થા? જલ્દીસે સલીમ કો બતાઓ.'

'ગોરા રંગ થા, લંબા કદ થા ઔર સર પે બાલ ભી લંબે થે'. ફિરોઝે તેને આવડયું તેવું વર્ણન કર્યું. 

બીજે દિવસે વહેલી સવારે સલીમે કોઈને ખબર ન પડે તે રીતે આખા વિસ્તારની રેકી કરી લીધી. સલીમ ગંગારામની કીટલીએ બાંકડા પર ચા પીવા બેઠો. હજુ સવારના નવ જ વાગ્યા હતા. નાના વેપારીઓ ફૂટપાથ પર તેમની હાટડી ખોલવામાં વ્યસ્ત હતા. સલીમની પાણીદાર આંખો ચારે બાજુ ફરી રહી હતી.  સલીમ બાળપણથી જ પાવરફુલ નિરીક્ષણશક્તિ ધરાવતો હતો. દેખાવડો સલીમ દેખાવમાં અતિશય સીધો સાદો દેખાતો હતો તેથી તેના પર કોઈને જલ્દીથી એવો શક પણ ન જાય કે આ છોકરો કોઈ ગેંગ સાથે ભળેલો હશે. અચાનક છગનકાકા અને બીજા બે ત્રણ માણસો પણ ગંગારામની કીટલીએ આવીને ચા પીવા બેઠા. છગનકાકાએ સાથે બેઠેલા એકને  કહ્યું 'કરસન, મને તો લાગે છે કે હવે જો આ ગુંડાઓ હપ્તો લેવા આવે તો સીધી પોલીસને જ જાણ કરી દેવી. નાહકની મારામારી ન કરવી પડે'. સ્માર્ટ સલીમના કાન ચમક્યા. ગંગારામ ચા બનાવતાં બનાવતાં મોટેથી બોલી ઉઠયો 'છગનકાકા, એ કામ કાલે જ કરવા જેવું હતું. વિનાયકને કાયદો હાથમાં લેવાની જરૂર જ ક્યાં હતી? નાહકનો પેલા ગુંડાને ખોખરો કરીને વિનાયકે તેની સાથે દુશ્મનાવટ વ્હોરી લીધી'. ગંગારામની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહેલા સલીમને  એટલો તો ખ્યાલ આવી જ ગયો કે ગઈકાલે ફિરોઝને ઈજા પહોંચાડનાર  માણસનું નામ વિનાયક છે. ત્યાં જ દૂરથી આવી રહેલા વિનાયકને જોઈને છગનકાકા બોલ્યા 'આ આવી ગયો વિનાયક' 

વિનાયકે બ્લુ જીન્સ અને બ્લેક શર્ટ પહેર્યું હતું. સલીમ હાથમાં ચાના કપ સાથે છ ફૂટ હાઈટ વાળા વિનાયકને એક નજરે તાકી રહ્યો. વિનાયક ગંગારામની કીટલીની બાજુમાં જ આવેલી તેની હાટડીમાં ગણપતિની મૂર્તિઓ પર ઢાંકેલા પ્લાસ્ટિકના મોટા કવર ખોલવામાં વ્યસ્ત થઇ ગયો. સલીમ ચૂપચાપ ચા પીતાં પીતાં તેનું નિરીક્ષણ કરી રહ્યો. 

આજે કાજલના સમજાવવાથી વિનાયક મનોમન નક્કી કરીને આવ્યો હતો કે હવે આવા અસામાજિક તત્વો સામે વધારે પંગો લેવો નથી. વધારે હપ્તો આપીને પણ આ ઝગડો અહીં જ પૂરો કરવો છે. 

અચાનક છગનકાકા સાથે વાત કરી રહેલો ગંગારામ મોટેથી બોલ્યો  'વિનાયક, હવે પૂરી તૈયારી રાખજે હોં ..મને નથી લાગતું કે ગઈકાલે તારા હાથનો માર ખાઈને ગયેલો પેલો  ગુંડો હાથ પર હાથ જોડીને બેસી રહે...ગમે ત્યારે દિલાવરખાનના બીજા માણસો અહીં આવશે ખરા'. વિનાયકે માત્ર પોતે હિંમત હાર્યો નથી તે દર્શાવવાના ઈરાદાથી જ મોટેથી કહ્યું 'ગંગારામ, તું નાહકનો ડર ફેલાવે છે. હું કોઇથી ડરતો નથી. દિલાવરખાન સાચો મર્દ હોય તો એકલો આવી જાય.. બાકી ચમચાઓને સાથે રાખીને તો કૂતરો પણ સિંહ થઇ જતો હોય છે.' કેટલીક વાર નિયતિ જ માણસના મોઢામાં અમુક શબ્દો મૂકતી હોય છે. વિનાયકને કલ્પના પણ નહોતી કે તેણે અત્યારે બોલેલું આખું વાક્ય શબ્દશ: દિલાવરખાન પાસે પહોંચી જવાનું છે! 

માત્ર બે કલાક બાદ દિલાવરખાન પાસે સલીમ બાતમી સાથે હાજર થઇ ગયો હતો.

'સલીમ, ક્યા બાતમી લાયે હો ?' 

'માલિક, ઉસકા નામ વિનાયક હૈ. ઉસકો અપની તાકાત પર બહોત ઘમંડ હૈ. વોહ ચાય વાલે કો બોલ રહા થા.. ચમચો કો સાથે રાખ કર તો કુત્તા ભી શેર બન જાતા હૈ. અગર દિલાવરખાન મેં હિંમત હૈ તો મેરે સામને અકેલા આ કે દિખા દે'  દિલાવરખાન સલીમની વાત સાંભળીને ખુરશી પરથી ઉભો થઇ ગયો. તેણે ક્રોધથી ખુરશીને લાત મારી. 'દિલાવરખાન કો ચુનૌતી દેને વાલા આજ તક કોઈ પૈદા નહી હુઆ'.                 ગુસ્સાથી ધુ્રજતા દિલાવરખાનની લાલ આંખોમાંથી જાણે કે અંગારા વરસી રહ્યા હતા. સલીમ પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નહોતું છતાં દિલાવરખાન તાડૂક્યો 'સલીમ, તુ સચ બોલ રહા હૈ ના?' સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે ચાલાક સલીમે તેનો મોંઘો સેલફોન  આગળ ધર્યો, જેમાં તેણે વિનાયકે ગુજરાતીમાં મોટેથી બોલેલા એ આખા વાક્યનું ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. દિલાવરખાન ધ્યાનથી  સાંભળી રહ્યો. એક પહેલવાન જેવો ગુંડો આગળ આવીને બોલ્યો 'બોસ્સ, અભી ઉસકો ઉઠા કે યહાં લાતા હું . આપ યહી જ ઉસકા રામ નામ સત્ય હૈ કરવા દો' 'નહી ..અબ તો મૈ ખુદ ચલ કર ઉસકે પાસ જાઉંગા વોહ ભી અકેલા.. ઔર સબ કે સામને ઉસકો મારુંગા. પૂરે ઇલાકેમેં મેરા ખૌફ  ફૈલાને કા ઇસસે અચ્છા મૌકા ઔર કબ મિલેગા?' 

બપોરે વિનાયક ઘરે જમવા માટે પહોંચ્યો.વિનાયક જમવા બેઠો કે તરત કાજલ બોલી 'આજે ત્યાં કોઈ આવ્યું તો નહોતું ને?'

 'કોઈ આવ્યું નથી. કોઈ આવશે પણ નહી. તું નાહકની ચિંતા કરે છે. મને કાંઈ થવાનું નથી'.

 'વિનાયક, મારો તો જીવ ગભરાય છે આવા છેલ્લી કવોલીટીના માણસોનો ભરોસો નહી.એ લોકો સાથે દુશ્મની સરવાળે આપણા જેવા ગરીબ માણસોને મોંઘી જ પડતી હોય છે'.

'કાજલ, તારી ચિંતા સમજી શકું છું. જે થવાનું હતું તે થઇ ગયું અને જે થવાનું લખ્યું હશે તેને ભગવાન પણ નહી રોકી શકે'. 

વિનાયક ઝટપટ જમીને ઘરની બહાર નીકળ્યો ત્યારે કાજલ દરવાજે ઉભી રહીને સજળ નેત્રે તેને જતો જોઈ રહી. કાજલની ચિંતા સાચી હતી.  નિયતિને તો ભગવાન રામ પણ ખાળી શક્યા નહોતા...તો પછી વિનાયક જેવા સામાન્ય માણસનું શું ગજું? 

સાંજે પાંચેક વાગ્યાના સુમારે વિનાયકની હાટડી વાળા રોડ પર  સામેની સાઈડે એક ખુલ્લી જીપ  જોરથી બ્રેક લગાવીને ઉભી રહી. રસ્તા પર ટ્રાફિક નહિવત હતો. હવે દિલાવરખાનને જીપમાંથી ઉતરીને માત્ર રસ્તો જ ક્રોસ કરવાનો રહેતો હતો. દિલાવરખાન જીપમાંથી નીચે ઉતર્યો. સલીમે જીપમાં બેઠા બેઠા જ દિલાવરખાનને અંગૂલી નિર્દેશ કરીને બ્લ્યુ જીન્સ અને બ્લેક શર્ટ પહેરેલાં વિનાયકને દૂરથી જ બતાવ્યો. જીપમાં અન્ય પાંચેક ગુંડાઓ પણ હતા. દિલાવરખાને દરેકને જીપમાં જ બેસી રહેવાની સૂચના આપી. બધા પાસે હોકી અને લોખંડની સાંકળો હતી. જેમ જેમ ફૂટપાથ પર બેઠેલા વેપારીઓનું  ખુલ્લી જીપ પર ધ્યાન પડતું ગયું તેમ તેમ ભયનો માહોલ છવાતો ગયો. તમામે માત્ર દિલાવરખાનનું નામ જ સાંભળ્યું હતું. આજે સૌ કોઈ પહેલી વાર તેને સામેથી ચાલીને આવતો જોઈ રહ્યા હતા. પિસ્તાલીસ આસપાસના કદાવર દિલાવરખાને પઠાણી શૂટ પહેર્યો હતો. અડધો ચહેરો ઢંકાય  તેવા ગોગલ્સ પહેર્યા હતા. બંને હાથની આંગળીઓમાં સોનાની ચાર ચાર વીંટીઓ તથા જમણા હાથના કાંડે સોનાની લકી પહેરેલી હતી. મોઢામાં પાન હતું. તેની સિંહ જેવી ચાલમાં આત્મવિશ્વાસ છલકાતો હતો. 

દિલાવરખાન સીધો વિનાયક પર હુમલો કરવાના મૂડમાં જ હતો પણ અચાનક એણે વ્યૂહરચના બદલી. તે ગંગારામની કીટલીએ આવીને ઉભો રહ્યો. દિલાવરખાને ડાબા હાથ વડે તેણે પહેરેલાં મોંઘા ગોગલ્સ ઉતાર્યા. વિનાયકે દિલાવરખાનને રસ્તો ક્રોસ કરીને તેની બાજુ આવતો જોયો જ હતો. રસ્તાની સામેની સાઈડે ઉભી રહેલી ખુલ્લી જીપ અને તેમાં બેઠેલા પડછંદ ગુંડાઓ વિનાયકના ધ્યાન બહાર નહોતા. હવે જીવ બચાવીને ભાગવાનો કોઈ જ મતલબ નહોતો. જો શત્રુને ખબર પડી જાય કે સામેનો માણસ તેનાથી ગભરાયેલો છે, તો અડધી બાજી તો શત્રુ એમ જ જીતી જાય એ વાત વિનાયક સારી રીતે સમજતો હતો. થોડી વાર બાદ વિનાયકની અને દિલાવરખાનની નજર એક થઇ. દિલાવરખાને ડાબા હાથની બે આંગળીઓ વચ્ચે રાખેલા ગોગલ્સ ગોળ ગોળ ફેરવતાં  ફેરવતાં જમણા હાથની પહેલી આંગળી વાંકી કરીને ઈશારા વડે જ વિનાયકને નજીક આવવા કહ્યું. ગંગારામ તથા આજુબાજુના વેપારીઓ પણ ધંધો છોડીને ધીમે ધીમે ભેગા થવા લાગ્યા. જોકે આજે એક પણ માણસ લડી લેવાના મૂડમાં નહોતો કારણકે સામે ઉભેલી ખુલ્લી જીપમાં હથિયાર  સાથે  બેઠેલા દિલાવરખાનના માણસોનો તમામને ડર હતો. વિનાયક બંને હાથ ખંખેરતો હિંમતપૂર્વક દિલાવરખાનની સામે આવીને ઉભો રહ્યો. આજુબાજુમાં ભેગા થયેલા  માણસોના ધબકારા વધી ગયા હતા. દિલાવરખાને મોઢામાં રહેલું પાન જમીન પર થૂંકીને પહાડી અવાજે પૂછયું  'તેરા નામ વિનાયક હૈ?' 

'હાજી..' વિનાયકે દિલાવરખાનની આંખમાં જોઇને જવાબ આપ્યો. 

દિલાવરખાને ખિસ્સામાંથી મોંઘી બ્રાંડની સિગાર કાઢીને લાઈટર વડે સળગાવી. ઉંડો કશ લઈને તેણે સિગારની ધુમ્રસેર  વિનાયકના ગોરા ચહેરા પર છોડી. વિનાયકે પોતાના જમણા હાથ વડે એ ધુમાડાને હટાવ્યો.

'સાલ્લે , તુ યહાં કા દાદા હૈ?' દિલાવરખાને અચાનક ત્રાડ પાડી. 

'યહાં કા દાદા તો એક હી હૈ ..ગણપતિ દાદા' વિનાયકે હતી તેટલી હિંમત ભેગી કરીને ધીમા અવાજે કહ્યું. દિલાવરખાને વિનાયકના ગાલ પર જોરદાર તમાચો લગાવી દીધો. વિનાયકને બે ઘડી માટે તમ્મર ચડી ગયા. છગનકાકા બોલી ઉઠયા 'અરે ભાઈ, હમ સબ હપ્તા દેને કે લિયે તૈયાર હૈ ..ફોગટ કા ઝઘડા ક્યોં કરને કા?' છગનકાકાની સાથે ટોળામાંથી પણ વિવિધ અવાજો આવવા લાગ્યા .. હમ સબ તૈયાર હૈ  હમ સબ તૈયાર હૈ . વિનાયકને કાજલે ગઈ કાલે કહેલી વાત યાદ આવી ગઈ.. 'વિનાયક, આવા લોકોને કાંઈ ગુમાવવાનું હોતું નથી. મહેરબાની કરીને બીજી વાર તું એમની સાથે પંગો લેતો નહી'.

વિનાયકે ધીમેથી કહ્યું 'મૈં ભી હપ્તા દેને કે લિયે તૈયાર હું'. 

માત્ર એક જ લાફામાં વિનાયક તેના શરણે આવી જશે એ વાત દિલાવરખાનની કલ્પના બહારની હતી. સમગ્ર વિસ્તારમાં ખુદની ધાક બેસાડવાનો આ સોનેરી મોકો તે જવા દેવા માંગતો નહોતો. તેણે વિનાયકના શર્ટનો કોલર પકડીને ત્રાડ પાડી 'હરામખોર, તું હી જ બોલા થા ના  કી ચમચો કો સાથ લે કર તો કુત્તા ભી શેર બન જાતા હૈ. દેખ આજ અકેલા દિલાવરખાન તેરે સામને ખડા હૈ' 

વિનાયક ચમક્યો. આજે સવારે જ જાહેરમાં તે જે કાંઈ દિલાવરખાન વિશે બોલ્યો હતો તે વાત શબ્દશ: તેના કાન સુધી કઈ રીતે પહોંચી ગઈ? 

હવે પરિસ્થિતિ વિનાયકના કાબુમાં નહોતી.   

દિલાવરખાનના મજબૂત હાથની પક્કડ વિનાયકના કોલર પર એટલી જોરથી વધતી જતી હતી કે એનું શર્ટ ખેંચાઈને તેની છાતી સુધી આવી ગયું હતું. 'કમીને, ઉખાડ લે જો ભી  ઉખાડના હૈ.. તેરા હી ઇલાકા હૈ. ઔર દિલાવરખાન અકેલા હૈ'.  વિનાયકે રસ્તાની પેલી બાજુ ઉભી રહેલી જીપ સામે જોયું. 'ચિંતા મત કર, ઉન લોગોમેં સે એક ભી આદમી ઉતરેગા નહિ. મૈ ખુદ ઉન સબકો મના કરકે આયા હું... આજ મૈ સબ કે સામને તુમ્હે ચુનૌતી દેતા હું.'  

વિનાયકમાં હિંમતનો બિલકુલ અભાવ નહોતો. છૂટા હાથની મારામારી માટે એ દિલાવરખાનનો પડકાર ઉપાડી લેવા માટે સક્ષમ હતો પણ કાજલનો ચિંતાગ્રસ્ત ચહેરો તેની નજર સામે આવી જતો હતો. વિનાયકની ચૂપકીદી દિલાવરખાનથી સહન થતી નહોતી. એ વિનાયકના લાંબા વાળ પકડીને તેના પર રીતસર તૂટી પડયો. વિનાયક ડામરના પાકા રસ્તા પર નીચે પડી ગયો. તેના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. વિનાયકનું ધ્યાન ગણપતિની મૂર્તિ  પર પડયું. વિનાયક ખાસ ભણેલો નહોતો પણ તેને એટલો તો ખ્યાલ હતો જ કે આસૂરી શક્તિઓનો સંહાર ખુદ ભગવાને પણ અલગ અલગ અવતારમાં કર્યો  જ છે. આમ પણ હવે વિનાયકની સહનશક્તિ ખૂટી પડી હતી. તેણે ચિત્તાની ઝડપે ઉભા થઇને દિલાવરખાન પર સામો હુમલો કર્યો . દિલાવરખાન માટે આ હુમલો અણધાર્યો હતો. તે નીચે પડી ગયો. હવે બંને મરણિયા થયા હતા. બંને ઉભા થઇને એકબીજાને પછાડતા રહ્યા. ટોળું હવે ગોળાકાર થઈને આખો તમાશો જોઈ રહ્યું હતું. 

થોડે દૂર જીપમાં બેઠેલાં દિલાવરખાનના સાગરીતોને હવે રોડ પર શું થઇ રહ્યું છે તે દેખાતું નહોતું.  ફિરોઝ બોલ્યો 'મુઝે લગતા હૈ હમ સબ કો વહાં જાના ચાહિયે' 

'નહિ ફિરોઝ, જબ તક બોસ્સ હમકો બુલાયેંગે નહી હમમેં સે કોઈ વહાં નહી જાયેગા..યાદ હૈ ના.. બોસ્સને ક્યા હુકમ દિયા થા ? અબ, જબ તક બોસ્સ ખુદ બુલાયેંગે નહી,  તબ તક હમમેં સે કોઈ ભી જીપમેં સે નહી ઉતરેગા'.

વિનાયકે જેટલો માર ખાધો હતો તેટલો જ સામે દિલાવરખાનને પણ ખાવો પડયો કારણકે વિનાયકે હવે કેસરિયા કર્યા હતા. દિલાવરખાનને માર ખાતો જોઇને ટોળામાં લોકોની હિંમતમાં થોડો વધારો થયો હતો પરંતુ સામે થોડે દૂર જીપમાં બેઠેલા ગૂંડાઓના ડરને કારણે એક પણ માણસ વિનાયકને મદદ કરવા તૈયાર નહોતો. દિલાવરખાન માટે આજની લડાઈ જીતવી જીવન મરણનો પ્રશ્ન બની ગઈ હતી. જો તે માર ખાઈને મેદાન છોડી દે તો  સમગ્ર શહેરમાં ધાક બેસાડવાનો એનો પ્લાન નિષ્ફળ નીવડે તેમ હતો. એ જ સમયે એક છોકરાએ દોડીને વિનાયકના ઘરે જઈને  કાજલને આખી બબાલની જાણ કરી. 

કાજલ સીધી સ્થળ પર દોડી આવી. ટોળામાં ધક્કા મારીને તે આગળ આવી. વિનાયકનું શર્ટ ફાટી ગયું હતું. વિનાયકને લોહી લુહાણ જોઇને કાજલે ચીસ પાડી. વિનાયકનું ધ્યાન કાજલ પર પડયું. મરણિયા થયેલાં દિલાવરખાને અચાનક તેના પગના મોજામાંથી રામપુરી ચપ્પુ કાઢયું. વિનાયકે દિલાવરખાનનો ચપ્પુ વાળા હાથનું કાંડું પોતાના બંને મજબૂત હાથ વડે પકડી લીધું. કોઈ પણ સંજોગોમાં એ ચપ્પુ પોતાને વાગે નહી એ રીતે વિનાયક હવે ડીફેન્સીવ મોડમાં આવી ગયો હતો. સૌ કોઈ અધ્ધર જીવે આ તાલ જોઈ રહ્યા હતા ત્યાં  અચાનક જ દિલાવરખાન નીચે પડી ગયો અને તેના જ હાથનું ચપ્પુ તેના જ પેટમાં ઘુસી ગયું. ચપ્પુ એટલી હદે અંદર આંતરડા સુધી ઘુસી ગયું હતું કે પાણી વગર માછલી તરફડે તેમ તે તરફડી રહ્યો હતો. બે ચાર મિનિટમાં જ દિલાવરખાનનું તરફડિયા ખાતું  શરીર સ્થિર થઇ ગયું.. હા.. ધોળા દિવસે જાહેરમાર્ગ પર આશરે પચાસ માણસોની હાજરીમાં વિનાયકના હાથે અનાયાસે જ દિલાવરખાનનું ખૂન થઇ ગયું હતું!

(ક્રમશ:)


Google NewsGoogle News