કામાખ્યાને કામરૂપ દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જાણો રસપ્રદ વાતો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કામાખ્યાને કામરૂપ દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જાણો રસપ્રદ વાતો 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- જૂજ લોકોને એ વાતની જાણ છે કે નીલાચલ ક્ષેત્રમાં એક 'ગુપ્ત કામાખ્યા' પણ છે. આ પ્રદેશ સાથે અનેક કિવદંતીઓ જોડાયેલી છે

કામરૂપ કામાખ્યામાં શ્રીકૃષ્ણે જ્યારે નરકાસુરનો વધ કર્યો, એ ક્ષણે મા કામાખ્યા મહર્ષિ વશિષ્ઠના શાપમાંથી મુક્ત થયાં. એમની બ્રહ્માંડયોનિની પુન:સ્થાપના કામાખ્યામાં થાય, એ માટે સૌએ મહર્ષિ વશિષ્ઠને વિનંતી કરી કે તેઓ કોઈક ઉપાય સૂચવે. મહર્ષિએ જણાવ્યું કે હવેથી કામરૂપ કામાખ્યા માત્ર વામાચાર સાધના થકી પ્રસન્ન થશે!

આ ઘટના બાદ મહર્ષિ વશિષ્ઠેે પણ એ ક્ષેત્રમાં સુદીર્ધ કાળ સુધી તપસ્યા કરી. આજની તારીખે પણ 'વશિષ્ઠ આશ્રમ' નામે એ સ્થાન પ્રચલિત છે, જ્યાં બેસીને એમણે દાયકાઓ સુધી તપ કર્યું હતું. જ્યારે એમણે જોયું કે કામાખ્યા ક્ષેત્રમાં દુકાળ ચાલી રહ્યો છે, ત્યારે ત્યાંના રહેવાસીઓની સમસ્યા દૂર કરવા માટે એમણે ભગવાન શિવની સાધના કરી; જેના વરદાનરૂપે ગંગા નદી નીલાચલ ક્ષેત્રમાં આવીને વહેવા માંડી. વશિષ્ઠ આશ્રમની અડોઅડ આ નદી વહે છે, જેને 'ભાગીરથી ગંગા' નહીં, પરંતુ 'વશિષ્ઠ ગંગા' તરીકે ઓળખવામાં આવે છે; કારણ કે તેના અવતરણ પાછળ મહર્ષિ વશિષ્ઠનું તપ જવાબદાર હતું. મહર્ષિ વશિની સાધનાસ્થળી અર્થાત્ એ પાષાણશિલા, જ્યાં બેસીને એમણે સુદીર્ઘ તપ કર્યું છે, એના દર્શન આજે પણ કરી શકાય છે. એમના ચરણકમળની છાપ પણ વશિષ્ઠ આશ્રમમાં મૌજૂદ છે. અદ્ભુત શાંતિદાયક સ્થળ છે એ! 

આ લેખમાળાની શરૂઆત કરી, ત્યારથી વાચકમિત્રો દ્વારા એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો, 'કામાખ્યાને કામરૂપ દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે?'

ભગવાન વિષ્ણુ દ્વારા દેવી સતીના દેહના ૫૧ ભાગ કરવામાં આવ્યા અને યોનિભાગ જ્યાં પ્રસ્થાપિત થયો એ વિસ્તાર એટલે નીલાચલ ક્ષેત્ર! દેવી સતીના આત્મવિલોપન પશ્ચાત્ ભગવાન શિવ ગહન સમાધિમાં ઊતરી ગયા હતા. આદિશક્તિએ પુન: પાર્વતી તરીકે દેહ ધારણ કર્યો અને ભગવાન દેવાધિદેવને પામવા માટે તપ શરૂ કર્યું. વિરૂપાક્ષને સમાધિમાં બહા લાવવા માટેના પ્રયત્નો શરૂ થયાં. દેવતાઓને ચિંતા થઈ ગઈ કે જો મહાદેવ પુન: ધ્યાનમાંથી બહાર નહીં આવે, તો સૃષ્ટિચક્ર આગળ નહીં ધપી શકે. અંતે, કામદેવને આમંત્રણ આપવામાં આવ્યું. એમના બાણ વડે મહાદેવનું ધ્યાનભંગ કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી. કામદેવ દ્વારા ચલાવવામાં આવેલું તીર મહાદેવ સુધી પહોંચે એ પહેલાં જ શિવનું ત્રીજું નેત્ર ખૂલ્યું અને કામદેવ ભસ્મીભૂત થઈ ગયાં. એમના અર્ધાંગિની દેવી રતિ દ્વારા કરવામાં આવેલી વિનવણી અને કાલાવાલા બાદ મહાદેવે કામદેવને પુનર્જીવિત તો કર્યાં, પરંતુ એમનું મૂળ સ્વરૂપ પાછું ન આપી શક્યા. 

કામદેવનું નવું સ્વરૂપ હવે પહેલાં જેટલું આકર્ષક નહોતું રહ્યું. દેવી રતિ અને કામદેવ બંને આ વાતથી નાખુશ હતાં. પોતાના મનની વાત એમણે ભગવાન શિવને જણાવી. શિવ તો રહ્યા સ્મશાનવૈરાગી! શરૂઆતમાં તો એમણે કામદેવને કહી દીધું કે રૂપનું શું કામ! જેવા છીએ એવા જ રહીએ એ પ્રકૃતિએ આપેલાં વરદાનની કદર કરવા બરાબર છે; પરંતુ કામદેવને મહાદેવની આ સમજૂતીથી સંતોષ ન થયો. એમને તો પોતાનું જૂનું સ્વરૂપ જ પાછું જોઈતું હતું. 

આથી, છેવટે બહુ પ્રાર્થના કર્યાં પછી મહાદેવે કામદેવને એમનું સુંદર રૂપ ફરી પ્રાપ્ત કરવા માટે એક સાધના આપી. સાથોસાથ, સૂચના પણ આપવામાં આવી કે નીલાચલ ક્ષેત્રમાં જઈને મા કામાખ્યા સમક્ષ જ્યારે કામદેવ પોતાની આ સાધના સંપન્ન કરશે, ત્યારે તેઓ પોતાનું મૂળ સ્વરૂપ પાછું પ્રાપ્ત કરી શકશે. 

મહાદેવની આજ્ઞાા શિરોધાર્ય ગણીને કામદેવ આવ્યા નીલાચલ ક્ષેત્રમાં! ત્યાં ઘણાં લાંબા સમય સુધી એમણે મા કામાખ્યાની ઉપાસના કરી. અંતે, મા પ્રસન્ન થયાં અને કામદેવની સાધનાના ફળરૂપે એમને પોતાનું સૌંદર્ય પાછું આપ્યું. જે ક્ષેત્રમાં સ્વયં કામદેવે પોતાનું રૂપ મેળવ્યું, એ દેશને ઓળખવામાં આવ્યો 'કામરૂપ દેશ' તરીકે! 

આ પ્રદેશમાં અનેક મહાન તાંત્રિકો, માંત્રિકો અને અઘોરીઓએ પોતાની સાધના સંપન્ન કરી હોવાનું વર્ણન ગ્રંથોમાં મળી આવે છે. મયોંગથી માંડીને અનેક પ્રદેશો સાથે રહસ્યો જોડાયેલાં છે, જે આસામ અને ગુવાહાટી તરફ વધુ લોકોને ખેંચી લાવવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે મયોંગ ગામમાં દર બીજા ઘરે મહાન તાંત્રિકોનો જન્મ થતો! આદિકાળથી શરૂ કરીને આજ દિન સુધી એ સિલસિલો ચાલતો આવ્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં હજુ પણ મયોંગને ઉપરછલ્લી રીતે જ વીડિયોમાં દર્શાવવામાં આવે છે, પરંતુ તેના મૂળ રહસ્યોની જાણ કદાચ સ્થાનિકો સિવાય કોઈને નથી. 

જૂજ લોકોને એ વાતની જાણ છે કે નીલાચલ ક્ષેત્રમાં એક 'ગુપ્ત કામાખ્યા' પણ છે. આ પ્રદેશ સાથે અનેક કિવદંતીઓ જોડાયેલી છે. કેટલાક લોકોનું માનવું છે કે મૂળ કામાખ્યા તો કાળની ગર્તામાં ક્યાંય ધરબાઈ ગઈ છે. ગુપ્ત કામાખ્યા એ પૌરાણિક કાળની અસલી કામાખ્યા નગરીનો એક નાનકડો ભાગ છે, એવું પણ માનવામાં આવે છે. સત્ય જે પણ હોય, ધ્યાનાકર્ષક વાત એ છે કે આજની તારીખે પણ આ ક્ષેત્રમાં કરવામાં આવતી પ્રત્યેક મંત્ર અને તંત્રસાધના પ્રચંડ પરિણામો આપી શકવા સક્ષમ છે!


Google NewsGoogle News