Get The App

લેઓન માર્શોન : ફ્રાન્સનો યુવા સ્વિમર ઓલિમ્પિકમાં ખળભળાટ મચાવવા સજ્જ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
લેઓન માર્શોન : ફ્રાન્સનો યુવા સ્વિમર ઓલિમ્પિકમાં ખળભળાટ મચાવવા સજ્જ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- મહાન સ્વિમર માઈકલ ફેલ્પ્સના જ કોચ બોબ બોવમનના માર્ગદર્શનમાં તૈયાર થયેલો લેઓન તેના આદર્શ સમાન ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી ચૂક્યો છે : પેરિસમાં ચાર સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી શકે છે

દરેક પળ નવી શરુઆતની સંભાવના સાથે આવે છે. તેવી જ રીતે રમતની દુનિયામાં દરેક મુકાબલો - દરેક સ્પર્ધા નવા પડકારો સર્જે છે અને કટોકટીની પળોની વચ્ચે પણ પોતાની ધીરજ અને કુશળતા સાથે તેને પાર કરનાર વિજેતા બનીને બહાર આવે છે. કોઈ મહાન ખેલાડી હોય કે પછી સાવ નવોદિત, દરેકને રમતનું મેદાન એકસરખી તક પૂરી પાડે છે. અનુભવ અને જોશ વચ્ચેના મુકાબલાનું પરિણામ ઘણી વખત અત્યંત અસાધારણ અને ચોંકાવનારુંં બની રહે, ત્યારે નવો ઈતિહાસ આલેખાય છે. 

ફ્રાન્સની રાજધાની પેરીસમાં ઓલિમ્પિકના આયોજનની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે અને આયોજનની તૈયારીઓની સાથે સાથે દુનિયાભરના ખેલાડીઓ પોતપોતાના કૌશલ્ય થકી વિશ્વસ્તરે છવાઈ જવાના ઈરાદા સાથે ખરાખરીના મુકાબલાનો ઈંતજાર કરી રહ્યા છે. ત્યારે ફ્રાન્સનો ૨૨ વર્ષનો સ્વિમર લેઓન માર્શોન કારકિર્દીના બીજા ઓલિમ્પિકમાં સ્વર્ણિમ સફળતા મેળવવાની સાથે નવો ઈતિહાસ રચવાની તૈયારીઓ કરી રહ્યો છે. લેઓન સ્વિમિંગની છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ મળીને પાંચ સુવર્ણચંદ્રક અને એક રજતચંદ્રક જીતી ચૂક્યો છે. તેની કુશળતા સ્વિમિંગની સૌથી મુશ્કેેલ અને પડકારજનક મનાતી મેડલી સ્પર્ધામાં છે. એક જ વ્યક્તિ જ્યારે મેડલી સ્પર્ધામાં ભાગ લે તેને ઈન્ડિવિડયુઅલ એટલે વ્યક્તિગત મેડલી સ્પર્ધા કહે છે, જેમાં સ્વિમરે બટરફ્લાય, બેકસ્ટ્રોક, બ્રોસ્ટસ્ટ્રોક અને ફ્રિસ્ટાઈલ એમ કુલ મળીને ચાર જુદી-જુદી શૈલીમાં સ્વિમિંગ કરવાનું હોય છે.

લેઓન માર્શોન વ્યક્તિગત મેડલીની ૨૦૦ અને ૪૦૦ એમ બે સ્પર્ધામાં છેલ્લી બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને પોતાનું આગવું પ્રભુત્વ સાબિત કર્યું છે. છેલ્લે ૨૦૨૩માં જાપાનના ફુકુશીમામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તો તેણે ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં તેણે તેની ગત ચેમ્પિયનશિપના રજતચંદ્રકમાં સુધારો કરતાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. તેની વિશિષ્ટ પ્રતિભાને ઓલિમ્પિક સ્વિમિંગના વિશ્વવિક્રમોમાં પણ સ્થાન મળ્યું છે. ફ્રેન્ચ સ્વિમરે ગત વર્ષે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર વ્યક્તિગત મેડલી રેસમાં સુવર્ણ સિદ્ધિ મેળવવા દરમિયાન જ મહાન સ્વિમર માઈકલ ફેલ્પ્સનો ૧૫ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાંખ્યો હતો. ફેલ્પ્સે કારકિર્દી દરમિયાન નોંધાવેલા ૩૯માંથી ૨૯ વિશ્વવિક્રમો વ્યક્તિગત સ્પર્ધાના હતા અને તેમાં તેના નામે બાકી રહેલો એકમાત્ર વિશ્વવિક્રમ તોડવાની સિદ્ધિ લેઓને હાંસલ કરી હતી. 

ફેલ્પ્સે ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં ચાર મિનિટ અને ૩.૮૪ સેકન્ડનો સમય આપતાં ૪૦૦ મીટર વ્યક્તિગત મેડલીમાં પોતાનો જ વિશ્વવિક્રમ સાતમી વખત અને ઓવરઓલ આઠમી વખત રેકોર્ડબુકમાં સ્થાન મેળવ્યું હતુ. ઓલિમ્પિકમાં નોંધાયો હોય અને લાંબા સમય સુધી અકબંધ રહ્યો હોય તેવો તે અનોખો રેકોર્ડ હતો. જોકે, લેઓને ચાર મિનિટ અને ૨.૫૦ સેકન્ડના સમય સાથે ફેલ્પ્સના રેકોર્ડને ધ્વંસ્ત કરી દીધો હતો.

છેલ્લા છ વર્ષમાં વૈશ્વિક સ્વિમિંગમાં છવાઈ ગયેલા લેઓન માર્શોનની સફળતાની પાછળ સૌથી મોટો હાથ તેના કોચ બોબ બોવમનનો છે. માત્ર સ્વિમિંગ જ નહીં રમતની દુનિયાની વિરલ પ્રતિભાઓની હરોળમાં સ્થાન ધરાવતા અમેરિકાના માઈકલ ફેલ્પ્સના કોચ રહી ચૂકેલા બોબ બોવમન છેલ્લા ચાર વર્ષથી લેઓનને તૈયાર કરી રહ્યા છે અને તેમના જેવા સ્વિમિંગના દ્રોણાચાર્યનું માર્ગદર્શન મળતા જ ફ્રેન્ચ સ્વિમરની પ્રતિભા હવે સોળે કળાએ ખીલી ઉઠી છે. આ જ કારણે પેરીસ ઓલિમ્પિકમાં જે સુપરસ્ટાર્સ પર રમતની દુનિયાની નજર રહેવાની છે, તેમાં માર્શોન પણ સામેલ છે. જોકે બોવમન કહે છે કે, મેં તો તેની પ્રતિભાને થોડી નીખારી છે. તે મારી પાસે આવ્યો ત્યારે ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ ચૂક્યો હતો. 

છ ફૂટ અને બે ઈંચ ઉંચાઈ અને ૭૭ કિલો વજન ધરાવતા લેઓનના કોચ તરીકે બોબ બોવમનને કારણે સ્વિમિંગ જગતમાં સ્વાભાવિક રીતે તેની અને ફેલ્પ્સની સરખામણી થવા લાગી છે. જોકે, લેઓનને તેની પરવા નથી. તેની નજર તો ઘરઆંગણે યોજાઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણસિદ્ધિ મેળવવા તરફ છે. બોવમનને પણ વાંરવાર ફેલ્પ્સ અને લેઓનની તુલના અંગેના સવાલ પૂછવામાં આવતા રહે છે. તેમણે તેમના યુવા તાલીમાર્થીની દરરોજની પ્રેક્ટિસ અંગેની કટિબદ્ધતાને બીરદાવી છે. બોવમન કહે છે કે, ફ્લેપ્સ અને લેઓનનું વ્યક્તિત્વ તદ્દન ભિન્ન છે, પણ બંને વચ્ચે એક સમાનતા છે કે પ્રત્યેક દિવસની પ્રેક્ટિસને તેઓ અત્યંત ગંભીરતાથી લે છે. દરરોજ ચાર કલાક સ્વિમિંગપૂલમાં કાઢવા આસાન નથી. એક જ શૈલીમાં કંટાળ્યા વિના સ્વિમિંગ કર્યા કરવું એ નાનીસૂની વાત નથી. આ જ બાબતમાં ફેલ્પ્સ અને લેઓન સરખા છે અને તે જ તેમની પ્રતિભાને અન્ય સ્વિમરો કરતાં અલગ ચમક અપાવે છે.

લેેઓનને સ્વિમિંગની સાથે સાથે શિસ્તબદ્ધતાના પાઠ લોહીમાં જ મળ્યા છે. ફ્રાન્સના ઐતિહાસિક શહેર ટુલુસમાં જન્મેલા લેઓનના પિતા ઝેવિયર માર્શોન અને તેની માતા સેલિના બોનેટ બંને ઓલિમ્પિક સ્વિમર રહી ચૂક્યા છે. ઝેવિયરે ૧૯૯૬ના એટલાન્ટા અને ૨૦૦૦ના સીડની ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જ્યારે સેલિના ૧૯૯૨ના બાર્સેલોના ઓલિમ્પિક માટેની ફ્રાન્સની સ્વિમિંગ ટીમમાં સામેલ હતી. જોકે તેમણે ક્યારેય તેમના પુત્રને સ્વિમિંગમાં જોડાવાનો આગ્રહ કર્યો નહતો. લેઓન પહેલા ફ્રાન્સની સૌથી લોકપ્રિય રમત જુડોમાં જોડાયો અને ત્યાર બાદ ૭ વર્ષની વયે તેણે સ્વિમિંગ શરુ કર્યું. જોકે, યુરોપની કડકડતી ઠંડીમાં સ્વિમિંગ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતુ અને આ જ કારણે લેઓને થોડા માટે સમય માટે તે છોડી દેવાનું નક્કી કર્યું. 

સ્વિમિંગમાંથી બ્રેક લીધા બાદ તેણે રગ્બી પર હાથ અજમાવ્યો. જોકે થોડા જ સમય બાદ તેને સમજાઈ ગયું કે, તે પાણીની ભીતર રહીને જેટલી ઝડપથી આગળ વધી શકે છે, તેટલી ઝડપ તેને જમીન પર મળી શકતી નથી. આ જ કારણે તેને ફરી સ્વિમિંગમાં જોડાવાનું નક્કી કર્યું. સ્વિમિંગમાં પાછા ફર્યા બાદ તેણે ક્યારેય ઓલિમ્પિકમાં કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા વિશે વિચાર્યું નહતુ. તે માત્ર ૧૫ વર્ષનો હતો, ત્યારે ૨૦૧૭માં પેરીસને ૨૦૨૪ના ઓલિમ્પિકની યજમાની સોંપવામાં આવી હતી. લેઓન કહે છે કે, ત્યારે હું સારો સ્વિમર નહતો એટલે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવું તો મારા માટે સ્વપ્ન સમાન હતુ. 

માતા-પિતાના માર્ગદર્શનની સાથેે સાથે અથાગ મહેનત કરવાની લગનને કારણે લેઓનની કારકિર્દી થોડા જ સમયમાં ચમકારો દેખાડવા માંડી. તેેણે ૧૭ વર્ષની વયે ફ્રાન્સની રાષ્ટ્રીય જુનિયર ટીમમાં સ્થાન મેળવી લીધું અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક અને યુરોપીયન ચેમ્પિયનશિપમાં બે કાંસ્ય ચંદ્રકો જીતી લીધા. હવે તેની આંખોમાં આંતરરાષ્ટ્રીય સ્વિમિંગમાં આગળ વધવાનું સ્વપ્ન ઉછરવા માંડયું હતુ. જ્યારે તેણેે વધુ તાલીમ માટે અમેરિકા જવાનો વિચાર તેના માતા-પિતા સામે રજૂ કર્યો, ત્યારે તેઓએ સહમતી તો આપી સાથે સાથે તેેને ચેતવ્યો પણ ખરો કે, સ્વિમિંગમાં વૈશ્વિક સફળતા આસાનીથી મળતી નથી. 

સખત મહેનત કરવાની સાથે સાથે તમામ પડકારોને પહોંચી વળવાની તૈયારી હોય તો તું આ રસ્તે આગળ વધ. કોરોનાના કારણે એક વર્ષ વિલંબથી યોજાયેલા ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાાં તેેણે ભાગ લીધો પણ તેનો શ્રેષ્ઠ દેખાવ ૪૦૦ મીટર વ્યક્તિગત મેડલીમાં રહ્યું,જેમાં તે છઠ્ઠા ક્રમે રહ્યો.

લેઓનની ઈચ્છા કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જોડાવાની હતી, પણ તેણે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વધુ સારી ઓફર મળી. યોગાનુંયોગ, ફેલ્પ્સે ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લીધી તે પછી તેના કોચ બોવમન પણ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની ટીમના કોચ તરીકે જવાબદારી સંભાળતા હતા. લેઓનના પિતા આંતરરાષ્ટ્રીય સ્વિમર હોવાથી બોવમન તેમને ઓળખતા હતા. ઝેવિયરે બોવમનને અપીલ કરી કે, તેઓ પુત્ર લેઓને તેમની કોચિંગ ટીમમાં સામેલ કરી લેે. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગમાં એક સ્વણમ અધ્યાય શરુ થયો. 

માતા-પિતાની શીતળ છત્રછાયા છોડીને અમેરિકામાં આવેલા લેઓન માટે રોજબરોજની જિંદગીમાં ગોઠવાઈ જવું આસાન નહતું, પણ તેણે સ્વિમર બનવાના સ્વપ્નને સાકાર કરવા માટેે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો. બોવમનના દિશા-નિર્દેશો અને લેઓનની મહેનત રંગ લાવવા માંડી. તેણે અમેરિકાના કોલેજ સ્વિમિંગની એનસીએએમાં ખળભળાટ મચાવતા ૧૦ ટાઈટલ જીતી લીધા. વિશ્વ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ તેણે પાંચ સુવર્ણ અને છ રજત ચંદ્રક જીતી લીધા અને હવે તે ઘરઆંગણે યોજાનારા ઓલિમ્પિકમાં નવો ઈતિહાસ રચવા માટે આતુર છે. ફ્રાન્સનું સ્વિમિંગ જગત છેલ્લા ૧૨ વર્ષથી ઓલિમ્પિકના સ્વિમિંગ પૂલમાં સુવર્ણ ચંદ્રક શોધી રહ્યું છે, જે પેરીસમાં લેઓનને મળી જાય તેવી પ્રબળ શક્યતા છે.


Google NewsGoogle News