કેવી મનગમતી ઢીંગલી .

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કેવી મનગમતી ઢીંગલી              . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

કોર્પોરેટ જગતમાં ઘણાં વર્ષો સુધી કામ કર્યા પછી સુનિતા અને સુહાસ રામેગૌડાએ તમિલનાડુના શાંત અને પ્રકૃતિની સુંદરતા વચ્ચે નીલગિરી ક્ષેત્રમાં રહેવાનું પસંદ કર્યું. ૨૦૧૭માં તેમણે નીલગિરી પહાડોની વચ્ચે પોતાનું પર્યાવરણને અનુકૂળ એવું ઘર બનાવ્યું. પોતાના ભોજન માટે ખેતી કરવી અને સૌર ઊર્જાનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સંસાધનો સાથે રહેવાની જીવનશૈલી અપનાવી. તેમણે જોયું કે તેઓ જે રીતે રહે છે તેવી રીતે રહેવા માટે ગ્રામજનોને કપરો સંઘર્ષ કરવો પડે છે. તેઓ વિચારવા લાગ્યા કે સમાન વાતાવરણ અને જગ્યામાં રહેવા છતાં તેમની જિંદગી સાવ જુદી હતી. તેનું કારણ એ હતું કે તેમની પાસે આર્થિક સ્થિરતા હતી. જ્યારે અહીં વસતા લોકોને તો રોજેરોજ આજીવિકા માટે સંઘર્ષ કરવો પડતો હતો.

આ દંપતીએ પોતાના પાડોશી એવા ગ્રામજનો માટે કંઈક કરવાનું વિચાર્યું અને ૨૦૧૯માં ઇન્ડિયન યાર્ડ્સ ફાઉન્ડેશન નામના સામાજિક એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી, જેના દ્વારા નીલગિરીના આદિવાસીઓનું જીવનધોરણ સુધરે. સુનિતાને નાનપણથી જ ક્રાફ્ટમાં ઊંડો રસ હતો. તેઓ જ્યારે નોકરી કરતાં ત્યારે પણ એમ્બ્રોયડરી, અંકોડીનું ગૂંથણ તથા અન્ય ભરતગૂંથણ કરતા હતા. તેમને ક્રાફ્ટનો એટલો બધો શોખ અને રસ હતો કે યુટયૂબ પરથી પણ નવું નવું શીખતા. 

તેમણે આ વિસ્તારમાં સ્ત્રીઓને પેચવર્કવાળી રજાઈ, ઘરસજાવટની વસ્તુઓ, હેંગિંગ વોલપીસ જેવી વસ્તુઓ શીખવી. તેમણે જોયું કે માત્ર શીખવવું પૂરતું નથી. તેમને આવક થાય તે માટે માર્કેટિંગ પણ કરવું પડશે. તેમાંથી તેમને 'ધ ગુડ ગિફ્ટ' સ્ટાર્ટઅપનો વિચાર આવ્યો, જે ૨૦૨૩માં શરૂ કર્યું. 'ધ ગુડ ગિફ્ટ' એ ઇન્ડિયન યાર્ડ્સ ફાઉન્ડેશનનું માર્કેટિંગ કરે છે અને આ સ્ટાર્ટઅપ દ્વારા આદિવાસી સ્ત્રીઓને આવક થાય છે. તે માટે તેમણે વેબસાઇટ બનાવી અને તેમનાં ઉત્પાદનો વેચાવાં લાગ્યાં. પશ્ચિમ બંગાળમાં રહેલી સુનિતાને પોતાના દાદીના હાથની બનાવેલી ઢીંગલી યાદ આવી. તેના દાદી જૂનાં કપડાંમાંથી સુંદર ઢીંગલી બનાવતા હતા, પરંતુ પ્લાસ્ટિકની ઢીંગલીઓ આવતા ધીમે ધીમે કપડાંની ઢીંગલી બનાવવાનું બંધ થઈ ગયું. સુનિતાએ બાળપણની એ મધુર સ્મૃતિથી પ્રેરિત થઈને ઢીંગલી બનાવવાનું શરૂ કર્યું. 'ધ ગુડ ગિફ્ટ' સ્ટાર્ટઅપ ટેક્સટાઇલના કચરાનો ઉપયોગ કરીને તેને અપસાયકલ કરીને તેમાંથી ઢીંગલીઓ બનાવે છે.

આજે ઘણા માતા-પિતા પોતાનાં બાળકો પ્લાસ્ટિકથી ન રમે તેમ ઇચ્છતા હોય છે. આ કપડાંની ઢીંગલી તેમને પ્લાસ્ટિકથી દૂર રાખે છે. પર્યાવરણની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ તે સારું છે. નવું કાપડ ખરીદવાને બદલે તેમણે જ્યાં કપડાં તૈયાર થતા હોય છે તેવી ફેક્ટરીનો સંપર્ક સાધ્યો. તેમની પાસે પોશાક તૈયાર થયા પછી પુષ્કળ પ્રમાણમાં કાપડ વધ્યું હોય છે. જેનો તેમને હવે કોઈ ઉપયોગ નહોતો. તેથી એવા કાપડ અને પ્રિન્ટ કરવામાં ભૂલ થઈ હોય તેવા કાપડ મેળવીને તેમાંથી ઢીંગલી બનાવતાં શીખવ્યું. આ ઢીંગલીઓ એવી બનાવી કે તેનાં કપડાં બદલી શકાય. ચામડીનો રંગ અને મોંઢાના હાવભાવ પણ જુદા જુદા રાખ્યાં. બાળકો તેમને જુદી જુદી રીતે ડ્રેસ-અપ કરી શકે, જેમકે દાદા-દાદી. તેની પાછળનો એક વિચાર એ પણ છે કે પ્લાસ્ટિકની 'બાર્બી ડોલ' જોઈને બાળકોના મનમાં સુંદરતા અમુક ખ્યાલો બંધાઈ જાય છે. તેમના મનમાં સપ્રમાણ શરીર, તીણું નાક અને ચોક્કસ રંગ હોય તેને જ સુંદર કહેવાય એવું માનસિક બંધારણ થઈ જાય છે, તેથી તેને બદલવા માટે જુદાં જુદાં કપડાંના રંગો અને જુદી જુદી ચામડીનો રંગ હોય તેવી ઢીંગલીઓ બનાવવાનું નક્કી કર્યું. જેનાથી બાળકોના મનમાં સુંદરતાના હકારાત્મક ખ્યાલો બંધાય.

આજે ચેન્નાઈ, બંગાલુરુ, ગોવા, ઉટી અને કૂન્નૂરમાં સાઠ જેટલા સ્ટોરમાં તેમનાં ઉત્પાદનો મળે છે. દર મહિને આશરે ત્રણ હજાર ઢીંગલી વેચાય છે અને ગયા વર્ષે પંચોતેર લાખ આવક થઈ છે. બસોથી સવા બસો મહિલાઓ આ કામ કરે છે. અત્યાર સુધીમાં આઠ હજાર કિલો કપડાંના વેસ્ટનો ઉપયોગ કરી તેને કચરામાં જતું બચાવ્યું છે. મોટાભાગની મહિલાઓ મહિને બે હજારથી માંડીને આઠ-દસ હજાર રૂપિયાની કમાણી કરે છે. સુહાસ અને સુનિતા કહે છે કે જ્યારે બંગાલુરુ છોડીને અહીં આવ્યા ત્યારે એવું વિચાર્યું નહોતું કે જીવનમાં અત્યંત સંતોષ અને આનંદ આપનારું આવું કામ કરીશું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બાળકોને, આવકની દ્રષ્ટિએ કલાકારોને અને પર્યાવરણની દ્રષ્ટિએ પૃથ્વી ગ્રહને લાભકર્તા એવી 'ધ ગુડ ગિફ્ટ' સાચા અર્થમાં 'ગુડ ગિફ્ટ' બની રહી છે.

સમોસા પ્રેમની કમાલ

હ રિયાણાના શિખર વીર સિંઘ અને નિધિ સિંઘની મુલાકાત કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં બાયોટૅક્નૉલૉજીમાં બી.ટેક્.નો અભ્યાસ કરતી વખતે થઈ. બંને તદ્દન જુદી પ્રકૃતિના. નિધિ એકદમ બોલકી, પ્રથમ બેંચ પર બેસનારી અને શિખર શાંત અને છેલ્લી બેંચે બેસનારો. શિખર અભ્યાસમાં તેજસ્વી. એન્જિનિયરીંગના ડ્રોઇંગ ક્લાસમાં નિધિને મદદ કરતો જ્યારે નિધિ એટલી બોલકી કે બહારના કામમાં તે શિખરને મદદ કરતી. બંનેની મિત્રતા ગાઢ બનતાં ૨૦૦૭માં બી.ટેક.ની ડિગ્રી મળી અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

નિધિના પિતા વકીલ અને માતા સરકારી સ્કૂલમાં આચાર્યા તરીકે કામ કરતા હતા. જ્યારે શિખરના પિતાને અંબાલા અને ચંડીગઢમાં જ્વેલરીના શો રૂમ છે. લગ્નની વાત વિચારતાં નિધિએ શિખરને કહ્યું કે કોઈ સારી નોકરી શોધી લે તો એના પિતા લગ્ન માટે સંમતિ આપશે. શિખર ઇન્સ્ટિટયૂટ આફ લાઇફ સાયન્સીઝમાં એમ.ટેક. કરવા હૈદરાબાદ ગયો. ૨૦૦૯માં સુવર્ણચંદ્રક સાથે એમ.ટેક.ની ડિગ્રી મેળવી અને બંગાલુરુમાં બાયોકોનમાં રીસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં વિજ્ઞાાની તરીકે નોકરી શરૂ કરી. આ સમયગાળા દરમિયાન નિધિને અમેરિકાની ફાર્મા કંપનીમાં જેની ઑફિસ ગુરુગ્રામમાં હતી તેમાં નોકરી મળી. તેણે બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિયેટ તરીકે સત્તર હજારના પગારથી કામ શરૂ કર્યું. ટ્રેઇનિંગ પ્રોગ્રામ માટે તે બેલ્જિયમ ગઈ.ે બે વર્ષમાં નોકરીના ભાગરૂપે દુનિયામાં ઘણી બધી જગ્યાએ પ્રવાસ કરવો પડયો. તેણે ૨૦૧૭માં નોકરી છોડી ત્યારે તેનો વાર્ષિક ત્રીસ લાખ રૂપિયા પગાર હતો. 

આવી સારી નોકરી છોડવાનું કારણ શું ? ત્યારે નિધિ હસીને શિખરના 'સમોસા પ્રેમ'ની વાત કરે છે. ૨૦૦૯માં જ્યારે શિખર એમ.ટેક. કરતો હતો, ત્યારે સૌપ્રથમ વાર તેણે નિધિને સમોસાના વ્યવસાય અંગે વાત કરેલી. એક વખત સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ગયા અને શિખરે કહ્યું કે આ બૅંકની સામે સમોસાની દુકાન શરૂ કરીએ. ત્યારે નિધિએ તેને કહ્યું કે, 'અભ્યાસમાં ધ્યાન આપ. મારા પિતા ક્યારેય સમોસાવાળા સાથે મારા લગ્ન નહીં કરાવી આપે.'

ફરી એકવાર શિખર ગુરુગ્રામ આવ્યો અને તેણે સમોસાના વ્યવસાયની વાત કરી. અરપોર્ટ પર એક બાળક ફૂડકોર્ટ પાસે ઊભું રહીને સમોસા માટે રડતું હતું તે તેણે બતાવ્યું. ત્યારે નિધિએ કહ્યું કે સમોસાના વ્યવસાય વિશે વિચારીશું, પણ હમણાં નહીં. ૨૦૧૦માં બંનેના લગ્ન થયા અને બંગાલુરુમાં સ્થિર થયા. ઍરપૉર્ટની પાસે યેલાહંકામાં ચાર બેડરૂમનો ફ્લેટ લીધો. તેમાં બિલ્ડર પાસે પોતાની પસંદગીના ફેરફાર કરાવ્યા. ફ્લેટ તૈયાર થઈ ગયો, પરંતુ તેમાં તેઓ એક દિવસ જ રહ્યા. તેની પાછળનું કારણ સમોસા સિંઘ સ્ટાર્ટઅપ શરૂ કર્યું તે છે. 

૨૦૧૫માં શિખરે બાયોકોનની નોકરી છોડી અને સમોસા સિંઘ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેના માટે બંનેએ ઘણું સંશોધન કર્યું. સમોસાની અંદરનો જુદા જુદા સ્વાદવાળો માવો અને તેનું બહારનું પડ કેમ વધુ સારું અને ક્રિસ્પી બને તેના માટે ખૂબ મહેનત કરી. અંદરનો માવો વધુ સ્વાદવાળો બને તે માટે ઘણા પ્રયોગો કર્યા. બહારનું પડ સારું બન્યું અને સમોસાનો આકાર પણ થોડો જુદો રાખ્યો. સમોસા બનાવવા માટે બે રસોઈયાને ભાડે રાખ્યા. આજે તેઓ પ્રોડક્શન હેડ છે. તેમને બહુ ઝડપથી મોટા ઑર્ડર મળવા લાગ્યા, તેથી વિશાળ જગ્યાની અને પૈસાની જરૂર પડી અને તેમનો તૈયાર થયેલો ફ્લેટ એંશી લાખ રૂપિયામાં વેચી નાખ્યો. ફ્લેટ વેચતી વખતે સહેજ પણ ગ્લાનિ નહોતી થઈ, કારણ કે તેમને એવો આત્મવિશ્વાસ હતો કે તેઓ સાચા રસ્તે છે. તે પછી ઇલેક્ટ્રોનિક સિટીમાં તેમણે દોઢ હજાર સ્કવર ફીટની ફેક્ટરી ભાડે રાખી અને ત્યાં સમોસા બનાવવાનું શરૂ કર્યું. મલ્ટીનેશનલ કંપની, મલ્ટીપ્લેક્સ અને ઍરલાઇન્સમાં તેમના સમોસાની માગ વધવા લાગી. મુંબઈ, પુણે અને ચેન્નાઈ જેવાં આઠ શહેરોમાં સમોસા સિંઘ વેચાય છે અને પચાસ ક્લાઉડ કીચન્સ છે. દર મહિને આશરે ત્રીસ હજાર સમોસા વેચાય છે અને તેમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અડગ આત્મવિશ્વાસ સાથે શરૂ કરેલ શિખર અને નિધિનું સમોસા સિંઘ આજે પિસ્તાળીસ કરોડનું ટર્નઑવર ધરાવે છે.


Google NewsGoogle News