વિકરાળ સાપના ડંખથી ચહેરો કાળો કે ફિક્કો પડયો નથી ને!

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
વિકરાળ સાપના ડંખથી ચહેરો કાળો કે ફિક્કો પડયો નથી ને! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- એક વખત એ ઊંઘમાંથી ઊઠી, ત્યારે એણે જોયું કે એક વિચિત્ર પ્રકારનું ચામાચીડિયું એના જમણાં હાથ પર બેઠું હતું અને એનું લોહી ચૂસી રહ્યું હતું...

આ ધુનિક વિશ્વની ગોચર દુનિયામાં રહેતા માનવીને અગોચરનું આકર્ષણ હોય છે. જગતનાં નામાંકિત દેશોમાં વસનારાના દિલમાં અજાણી ભોમકા ખેડવાનાં અનોખા અરમાન હોય છે. આવાં અરમાન ધરાવતી હતી બ્રિટિશ સંશોધક વાયોલેટ ક્રાસી માર્કસ. ખૂબસૂરત ચહેરો અને નાજુક બાંધો ધરાવતી આ વાયોલેટનું હૃદય વજ્રનું બનેલું હતું. બે વિશ્વયુદ્ધોની વચ્ચે એણે વિશ્વભરમાં આવી કેટલીય ખોફનાક સફર ખેડી. મોતને મુઠ્ઠીમાં રાખીને જીવવું એને પસંદ હતું. કેટલીય વાર મોત સામે આવીને ઊભું રહ્યું અને વાયોલેટે એનો સહેજે ડગ્યા વિના શાંતિ અને સ્વસ્થતાથી એનો મુકાબલો કર્યો.

મજાની વાત તો એ કે વાયોલેટ ક્રાસી માર્ક્સ એના માતા ઓલિવિયા રૂટલી અને પિતા અર્નેસ્ટની એક માત્ર સંતાન હતી, છતાં માતા-પિતાએ પુત્રીને નાનપણથી જ હિંમત અને સાહસના પાઠ શીખવાડયા હતા. વાયોલેટ ક્રાસી માર્ક્સના પ્રથમ લગ્ન ઈંગ્લેન્ડની નોર્થ લેંકેશાયર રેજિમેન્ટના કેપ્ટન મોરિસ ક્રાસી-માર્ક્સ સાથે થયા અને એને વિલિયમ નામનો પુત્ર થયો. એ પછી છૂટાછેડા બાદ ૧૯૩૧ની ૧૨મી ડિસેમ્બરે વાયોલેટે વેટફર્ડ પરગણાના ખેડૂત ફ્રાંસિસ એડવિન ફિશર સાથે થયા. એનાથી એને 'ઓશન' (જ. ૧૯૩૩) અને 'ફોરેસ્ટ' (જ. ૧૯૩૪) નામના બે પુત્રો થયા.

વિશ્વના દરેક દેશોનો પ્રવાસ કરનારી અને આઠ વખત રાઉન્ડ ધ વર્લ્ડ પ્રવાસ ખેડનારી વાયોલેટે પતિ હોવા છતાં એકલા પ્રવાસ ખેડયો. ઝૂઓલોજી, આર્કિયોલેજી, એન્થોલોજી અને જ્યોગ્રોફીમાં રસ ધરાવનાર આ નારીએ અલાસ્કાથી જાવા સુધી પ્રવાસ ખેડયો હતો. તિબેટ અને કાશ્મીરમાં એને ગુપ્ત રીતે જઈને સંશોધનકાર્ય કર્યું હતું. ઈટાલીનું આક્રમણ ચાલતું હોવા છતાં એણે અડિસ અબાબાથી નાઈરોબી સુધી મોટરપ્રવાસ કર્યો હતો. ચીનના માઓ ઝેડોંગ ગુફામાં સંતાયા હતા, ત્યારે એમનો પાંચ કલાક સુધી ઈન્ટરવ્યૂ કર્યો હતો. રાજકીય ઉથલપાથલભર્યા પ્રદેશોમાં જઈને એણે તસવીરો ઝડપી હતી અને ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. ઈજિપ્ત, સિરીયા, પર્શિયા, જાવા, ચીન, ઈથોપિયા, અફઘાનિસ્તાન જેવાં દેશોમાં અને મેસોપોટેમિયન પ્રજા વચ્ચે જઈને એણે પ્રાચીન સ્થાપત્યોનું સંશોધન કર્યું. કેટલાય અખબારોની એ યુદ્ધ-ખબરપત્રી હતી. રશિયાએ એને એના દેશમાં મુક્તપણે હરવા-ફરવાનો પરવાનો આપ્યો હતો.

એણે નાની હોડીમાં બ્રાઝિલના રિયો ટામ્બા સુધીની સફર કરી. સાવ નાની હોડી અને સામો પ્રવાહ ! હોડી ઊંધી વળી જાય એવાં કેટલાય તોફાનો અને ઝંઝાવાતો આવ્યાં, પરંતુ વાયોલેટ સહેજે ગભરાઈ નહીં. એની સાથે આ હોડીમાં પાંચ રેડ-ઈન્ડિયનો અને છઠ્ઠો ઝેક હતો. એ ઝેક માનવીનું નામ એન્ટોનિયો વિસેક હતું. આ માનવી પર એકાએક પાગલપણનો દોર શરૂ થયો. એણે અસ્ત્રો કાઢ્યો અને પછી 'શેવિંગ' કરતી વખતે કાન ફાડી નાખે એવી ચીસો પાડવા માંડયો. હોડીમાં રહેલા ઈન્ડિયનો તો એન્ટોનિયોના પાગલપનથી ગભરાઈ ગયા. એમને થયું કે આ માનવીનું પાગલપન એમને માટે મોતનો પયગામ બની રહેશે, આથી તેઓ નીચે પડેલા છરાઓ હાથમાં લેવાનો પ્રયત્ન કરતા હતા.

બેફામ બની ગયેલો એન્ટોનિયોએ વાયોલેટનું કાંડુ પકડયું. એની સામે એકીટસે જોવા લાગ્યો, મનોમન કંઈક ન સમજાય એમ બબડતો હતો. આ સમયે વાયોલેટે એને ધક્કો મારીને દૂર હડસેલી દીધો હોત. વાયોલેટ પાસે રિવોલ્વર હતી. કમરમાંથી એ રિવોલ્વર કાઢીને એની સામે ઊભી રહી હોત, પરંતુ એને થયું કે આ ક્ષણે એ એવું કંઈ પણ કરે, તો પેલા રેડ-ઈન્ડયનો એન્ટોનિયો સામે ધસી જાય, ખૂનામરકી થાય. આવા તોફાનથી હોડી ડૂબી જાય, આથી એ કશુંય કરવાને બદલે એન્ટોનિયોની નજરમાં નજર પરોવીને શાંત ઊભી રહી. ધીરે ધીરે પાગલ એન્ટોનિયોની પકડ ઢીલી પડી. એણે વાયોલેટનો હાથ છોડી દીધો અને એણે પોતાની રિવોલ્વર કાઢી, નાળ લમણાં પર મૂકીને ઘોડો દબાવી દીધો. એક લથડિયું ખાઈને આત્મહત્યા કરનારો ઝેક હોડીમાં પટકાઈ પડયો. પાંચ રેડ-ઈન્ડિયનો તો આ દ્રશ્ય જોઈને સાવ હેબતાઈ ગયા હતા. વાયોલેટે એન્ટોનિયોના શબને બરાબર ગોઠવ્યું અને સાદડીમાં વીંટાળ્યું. નજીકના પોલીસ સ્ટેશને જઈને સ્થાનિક સત્તાવાળાઓને કરૂણ ઘટનાની જાણ કરી.

મહાસાગર જેવી લાંબી એમેઝોન નદીના ઉગમ સ્થાને પહોંચવાનો વાયોલેટનો પ્રયાસ હતો. ૩૨૭૦ માઈલ લાંબી આ એમેઝોન નદીના મૂળને ખોજવા માટે અને એ સાથે એની આસપાસના પશુ-પક્ષી અને પ્રકૃતિ વિશે સંશોધન કરવા વાયોલેટ નીકળી હતી. ભોમિયા તરીકે એની સાથે માત્ર રેડ-ઈન્ડિયનો જ હતા. એકવાર ૬૦૦૦ ફૂટ ઊંચી એન્ડિઝની પહાડી વટાવતા વાયોલેટને એક નાના ઝૂંપડામાં નવ અજાણ્યા માણસો વચ્ચે રાતવાસો કરવો પડયો, પરંતુ બહાદુર નારી સહેજે ડરી નહોતી.

વાયોલેટ બ્રાઝિલના જંગલના ઊંડાણના વિસ્તારમાં આવેલા મેજિરીનીમાં હતી. એ સમયે આ સાહસિક મહિલા ઘાસની ઝૂંપડીના છાપરાની નીચે માથા નીચે રિવોલ્વર રાખીને સૂતી હતી. અચાનક એક લાંબો સર્પ એના પર આવીને ગૂંચળં વળીને બેઠો. વાયોલેટ સહેજ પણ હાલી-ચાલી શકે તેમ ન હતી. ઓશિકા નીચે રાખેલી રેવોલ્વર કાઢી શકાય તેમ ન હતી. વળી પેલા ઝેકના આપઘાત પછી રેડ-ઈન્ડિયન મજૂરો ખૂબ વહેમી બની ગયા હતા. એ એટલા બધા ભયભીત હતા કે વોયોલેટ એક બૂમ પાડે, તો પણ તેઓ જંગલમાં નાસી જાય. આવી સ્થિતિમાં વાયોલેટે હિંમત રાખીને સર્પને એની ડોકમાંથી પકડયો અને છાપરામાંથી બહાર નીકળી એને મોટા ખડકમાં મૂકી દીધો.

આ કશ્મકશ દરમિયાન એ સર્પે વળ ખાઈને વાયોલેટના પગ પર ડંખ માર્યો હતો. વાયોલેટે છરી કાઢીને એ ડંખવાળો ભાગ કાપી નાખ્યો અને એમાં પોટાશ પરમેંગેનેટની બે ગોળીઓ દાબી દીધી. વાયોલેટ વિચારતી હતી કે આ સર્પનું ઝેર જીવલેણ તો નહીં બને ને ! વાયોલેટે મૃત્યુની તૈયારી શરૂ કરી. એણે કોફી પીધી. બહાર એક લટાર લગાવી. પછી પથારીમાં ઉંઘી ગઈ. જાણે મૃત્યુ પામવાની ન હોય ! એ સમયે એના મનમાં કોઈ વસવસો નહોતો અને કશાની સહેજે ચિંતા નહોતી. એ જીવી ગઈ. એ પછી આ ઘટનાને કારણે એ બે દિવસ સુધી દર્પણમાં પોતાનો ચહેરો જોતી રહી. એ જોતી કે એનો ચહેરો કાળો તો પડયો નથી ને ? એના હોઠ ફિક્કા પડી ગયા નથી ને ? સદ્ભાગ્યે સર્પનું કોઈ ઝેર એના શરીરમાં પ્રવેશ્યું નહોતું.

પોતાના આ સાહસભર્યા પ્રવાસમાં એકવાર વાયોલેટને મરડો થઈ ગયો. કોઈ ઉપચાર તો ક્યાંથી થાય ? એટલી નબળાઈ આવી ગઈ કે વાયોલેટ બેભાન બની ગઈ. 

એક વખત એ ઊંઘમાંથી ઊઠી, ત્યારે એણે જોયું કે એક વિચિત્ર પ્રકારનું ચામાચીડિયું એના જમણાં હાથ પર બેઠું હતું અને એનું લોહી ચૂસી રહ્યું હતું. એ સમયે નગ્ન-જંગલી જાતિઓમાં ઘૂમતા વાયોલેટને સહેજે ભય લાગતો ન હતો. નર-બલિ ચડાવતી જંગલી જાતિઓ વચ્ચે ફરતાં એનું રૂવાડું પણ ફરકતું નહીં. આદિવાસીઓ આ એકલી ઘૂમતી યુવતીને ચમત્કારિક માનતા હતા.

એક વાર અફાટ હિમ પ્રદેશમાં બરફના તોફાન વચ્ચે બરફગાડી લઈને જતી હતી. બે રેન્ડિયરો આ બરફગાડી ખેંચતા હતા. એવામાં એની પાછળ બે હજાર વરુઓનું લોહી તરસ્યું ટોળું છિંકારા મારતું આવતું હતું. આગળના વરુએ એની પાસે આવી એના તીક્ષ્ણ દાંત વાયોલેટના ડાબા ખભા પર ભોંક્યા અને કોણી સુધીનું માંસ ઉતરડી નાખ્યું. વાયોલેટે વેદનાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. એણે જરા ઝૂકીને રેન્ડિયરોને ચલાવવા માટે રાખેલો હાથમાંનો ચાબૂક વરુ પર વીંઝ્યો અને પળવારમાં એ વરુ ગુલાંટ ખાઈને બેવડ વળી ગયું. ફરી પાછું એ ઊભું થયું અને એવામાં બીજા વરુઓ પણ એની ગાડીની ચોપાસ ફરી વળ્યા. એની પાસે બચવા માટે ચારે બાજુ ચાબૂક વિંઝવા સિવાય બીજો કોઈ ઉપાય નહતો. એની બરફગાડી સતત સરકતી હતી.

છ માઈલ સુધી જિંદગી અને મોત વચ્ચેનો જંગ જારી રહ્યો. એવામાં એની ગાડી સાથે જોડેલું એક રેન્ડિયર બરફ પર ફસડાઈ પડયું. વાયોલેટના ડાબા હાથમાંથી હજી લોહી વહેતું હતું. ચાબૂક વીંઝતા વીંઝતા જ એણે નીચે ઊતરીને બેભાન બનેલા રેન્ડિયરને છોડી દીધું અને બાકી રહેલા એક રેન્ડિયરથી ગાડી આગળ ચલાવી. વરુઓનું ટોળું પીછો કરવાને બદલે પેલા બેભાન રેન્ડિયરની આજુબાજુ વિંટવાઈ વળ્યું. આ દરમિયાન વાયોલેટની ગાડી પૂરવેગે આગળ નીકળી ગઈ. માઈલોના માઈલોનું અંતર વટાવ્યા બાદ એ એક ઝૂંપડા પાસે આવી.

બ્રિટનની 'રૉયલ જ્યોગ્રોફિકલ સોસાયટી' વાયોલેટની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હતી, કારણ કે વાયોલેટના સાહસમાંથી એમને સંશોધન માટેની ભરપૂર સામગ્રી પ્રાપ્ત થતી હતી. આ વાયોલેટે જંગલી પશુઓ, પુષ્પો અને વનસ્પતિ વિશેની પુષ્કળ માહિતી એકત્ર કરી. એણે જુદી જુદી સંસ્થાઓનાં સંશોધન-કાર્યોને વેગ આપ્યો. જીવસટોસટના એનાં સાહસો એ માત્ર સાહસો ન રહ્યા, પરંતુ મનુષ્યજાતિના જ્ઞાાનમાં વૃદ્ધિ કરવાના હેતુથી કરેલા મહાન સંશોધનો બની ગયા ! ૧૯૭૦ની દસમી સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડમાં વાયોલેટનું અવસાન થયું, પણ પોતાના વસિયતનામામાં સંશોધનકાર્ય કરનારી ભાવી પેઢીને નામે મોટી રકમ લખતી ગઈ.

મનઝરૂખો

જીવનમાં સર્વથા નિષ્ફળ ગયેલો નાસીપાસ યુવાન બગીચામાં બેઠો હતો. એને વેપારમાં એટલી જંગી ખોટ આવી હતી કે જમીન-જાયદાદ ગીરવે રાખવી પડી હતી. મિત્રોએ પણ એનાથી મોં ફેરવી લીધું હતું. આવી પરિસ્થિતિમાં ડૂબેલા યુવાનની પાસે ધનવાન લાગતો એક વૃદ્ધ માણસ આવ્યો અને એણે યુવાનને એની નિરાશાનું કારણ પૂછયું. યુવાને જિંદગીમાં આવેલી આસમાની-સુલતાનીની વાત કરી ત્યારે વૃદ્ધે કહ્યું, 'સહેજે ચિંતા ન કરીશ. મારું નામ જ્હોન ડી રોકફેલર છે. હું તને ઓળખતો નથી, પણ તું ઈમાનદાર લાગે છે આથી તને ઉછીના દસ હજાર ડૉલર આપવા હું તૈયાર છું.' આટલું બોલીને એ વૃદ્ધે ચેકબુકમાં રકમ લખી આપી અને કહ્યું, 'બરાબર એક વર્ષ પછી આપણે આ બગીચામાં મળીશું અને તું એ સમય સુધીમાં મહેનત કરીને મારું દેવું ચૂકવી આપજે.'

વીસમી સદીમાં દસ હજાર ડૉલરનો ચેક એ ઘણી મોટી રકમ ગણાતી અને યુવકનું મન હજી માનતું નહોતું કે એ અપરિચિત વ્યક્તિએ કઈ રીતે મારા પર આટલો મોટો ભરોસો કર્યો, જ્યારે મને ખુદને મારા પર ભરોસો નથી. એણે ચેકને જાળવીને રાખ્યો અને રાતદિવસ મહેનત કરવા લાગ્યો. વિચાર કર્યો કે કોઈ મોટી મુશ્કેલી આવશે ત્યારે ચેકની રકમનો ઉપયોગ કરીશ. એના મનમાં એક જ ધૂન હતી કે દેવું ચૂકવીને હું મારી પ્રતિષ્ઠા પુન: પ્રાપ્ત કરું. એના પ્રયત્નો સફળ થવા લાગ્યા અને માથેથી દેવું ઊતરી ગયું.

નિર્ધારિત દિવસે એ ચેક લઈને રોકફેલરની રાહ જોઈને ઊભો રહ્યો. એ વૃદ્ધ આવ્યા, યુવકે ભાવથી પ્રણામ કર્યાં. ત્યાં એક નર્સ દોડતી આવી અને વૃદ્ધને પકડી લીધા. યુવક પરેશાન થઈ ગયો. નર્સે કહ્યું, 'આ પાગલ વારંવાર પાગલખાનામાંથી ભાગી જાય છે અને લોકોને જ્હોન ડી. રોકફેલર બનીને ચેક આપે છે.'

યુવક મૂંઝવણમાં પડી ગયો. જે ચેકની તાકાતથી એણે પણ કામ કર્યું હતું, તે ખરે જ બનાવટી હતો. આ તે કેવું કહેવાય.

ક્ષણનો સાક્ષાત્કાર

મધુર જીવનસંગીત ત્યારે સંભળાય કે જ્યારે જીવનમાં કામ અને આરામની જુગલબંદી હોય. પરિશ્રમ પછીનો વિશ્રામ એ ઉત્કૃષ્ટ આનંદદાયી બને છે અને એમાં પણ આપણા જીવન સામે કોઈ વિકરાળ સમસ્યા મોઢું ફાડીને ઊભી હોય છે, ત્યારે કામ અને આરામનું આ સંતુલન બહુ જરૂરી છે. સામે આવેલી સમસ્યાનાં ઉકેલ માટે આપણું મન ત્વરિત કાર્યરત બનશે અને સતત મથામણ કર્યા કરશે. જો સમસ્યા ઘણી મોટી હોય, તો તેનો ઉકેલ શોધતા ઘણી વાર મન થાકીને લોથપોથ થઈ જાય છે.

વળી બીજી બાજુ એ દ્વિધા કે દુવિધા વિશે સતત વિચાર કરીને મન અકળાઈ ઊઠે છે, મૂંઝાઈ જાય છે અને દિશાશૂન્ય પણ થઈ જાય છે. ઊંઘનું સ્થાન ઉજાગરો પચાવી પાડે છે. એનું કારણ એ છે કે તમે સમસ્યાનો ઉકેલ શોધવા જતાં મનની આરામની જરૂરિયાત ભૂલી ગયા છો. મન પાસેથી ચોવીસે કલાક એટલી બધી મજૂરી કરાવી છે કે એને આરામનો એક શ્વાસ પણ લેવા દીધો નથી. આવે સમયે સમસ્યાને બાજુએ મુકીને વ્યક્તિએ થોડો સમય ગાઢ નિંદ્રાને આપવો જોઈએ. થોડી મિનિટની ગાઢ નિંદ્રા એ દિવસનો એ પછીનો તમારો સમય રીચાર્જ કરી દેશે.

આ સમયે સમસ્યાને બાજુએ મૂકી દો. કારણ કે એ સમસ્યા ઉકેલવાનું કામ શારીરિક નહીં, પણ માનસિક છે. શરીર તો પીડા, ઘા કે ઉદાસી ખમી લેશે, પણ મન આવું કશું સહન નહીં કરે અને મન સ્ફૂર્તિવાળું નહીં હોય તો વ્યક્તિ સમસ્યા પર એકાગ્ર નહીં થાય. આ રીતે જીવનની સમસ્યા ઉકેલતી વખતે વ્યક્તિએ પોતાના મનને 'રેસ્ટ' આપવાનું ભૂલવું જોઈએ નહીં.


Google NewsGoogle News