Get The App

રોબોટ માનવીની જેમ આત્મહત્યા કરે ખરો? .

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
રોબોટ માનવીની જેમ આત્મહત્યા કરે ખરો?                        . 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

દ ક્ષિણ કોરિયા એક એવો દેશ છે જ્યાં, ઉદ્યોગોમાં દર ૧૦ વ્યક્તિએ એક રોબોટ કામ કરી રહ્યો છે. સરળ ભાષામાં કહેવું હોય તો, વિશ્વમાં સૌથી વધુ રોબોટ ડેન્સિટી ધરાવતો દેશ દક્ષિણ કોરિયા છે. હવે અહીં માનો યા ના માનો પ્રકારના એક સમાચાર વહેતા થયા છે. જેને સમાચાર કહેવા કરતા અફવા કહેવી વધારે યોગ્ય ગણાશે. દક્ષિણ કોરિયામાં ગુમી સિટી કાઉન્સિલ માટે કામ કરતા રોબોટની બીજા માળેથી પડી જવાની ઘટનાને,  વિશ્વની પ્રથમ 'રોબોટ આત્મહત્યા' તરીકે ઓળખાવી,  ચર્ચા જગાવી છે.' 

સામાન્ય પ્રજાને ખબર નથી કે મનુષ્યની માફક રોબોટ સુસાઇડ એટલે કે આત્મહત્યા કરી શકે કે કેમ? કદાચ જાણકારને પણ પૂરી માહિતી હશે નહીં? જેના કારણે આવા ઉત્તેજના ફેલાવતા સમાચાર વહેતા થયા છે. આપણે લોકો અંધશ્રદ્ધાની વાતો કરીએ છીએ. આપણી અંધશ્રદ્ધાને ધર્મ સાથે જોડીએ છીએ. આ ઘટના પણ એક ટેકનોલોજીકલ અને સાયન્ટિફિક અંધશ્રદ્ધા છે. લોકો આ પ્રકારના સમાચાર સાચા માની રહ્યા છે.  અહીં સવાલ એ  છે કે 'રોબોટ માનવી જેવી લાગણી અનુભવી શકે છે ખરો? શું રોબોટ માનવીની જેમ આત્મહત્યા કરીને મૃત્યુ પામે ખરો?' પ્રશ્નનો સાચો ઉત્તર મેળવીએ તે પહેલા, ઘટનાની સાચી માહિતી મેળવીએ!

રોબોટ તૂટી ગયો

આ ઘટના ૨૭ જૂને સાંજે ૪ વાગ્યાની આસપાસ બની હતી. દક્ષિણ કોરિયામાં ગુમી સિટી કાઉન્સિલ દ્વારા કાર્યરત એક રોબોટ સીડીથી નીચે પડવાથી તૂટી ગયો હતો. અને બિનકાર્યક્ષમ બની ગયો હતો. કેટલાક લોકોએ આ ઘટનાને 'રોબોટ આત્મહત્યા' તરીકે સનસનાટીભરી બનાવી છે. રોબોટ એક નિર્જીવ વસ્તુ છે. એટલે તેની પાસે જીવન હોઈ શકે નહીં. જેની પાસે જીવન હોતું નથી. તેનો જન્મ પણ થતો નથી. મૃત્યુ પણ થતું નથી. આટલી સીધી સાદી વાત સામાન્ય માણસ પણ સમજતો હોય છે. 

ઘટનામાં સંડોવાયેલો રોબોટ સિટી હોલ સ્ટાફનો ભાગ હતો. ઓગસ્ટ ૨૦૨૩થી તે કામ કરી રહ્યો હતો.  એક વ્યક્તિએ જણાવ્યું હતું.  'રોબોટ દૈનિક કામગીરી જેમ કે દસ્તાવેજ વિતરણ, રહેવાસીઓને માહિતી પ્રદાન કરવા અને શહેરનું  પ્રમોશનમાં મદદ કરે છે. સીડી ઉપરથી પડી જતા પહેલાં, સાક્ષીઓએ રોબોટના અસામાન્ય વર્તન જોયું હોવાની વાત કરી હતી. રોબોટ એક જગ્યાએ ગોળ ચક્કર લગાવતો હતો. જેનો સ્પષ્ટ અર્થ એ થાય કે રોબોટને મળતી દિશા-શોધનની માહિતી ડેટા ઉપલબ્ધ ન હતો.  રોબોટ પુરા પાડનાર કંપનીના નિષ્ણાતો માને છે કે 'આ એક તકનીકી ખામી અથવા યાંત્રિક ખામી છે.' અધિકારીઓનું માનવું છે કે જે નેવિગેશનલ એરર, સેન્સરની ખામી અથવા પ્રોગ્રામિંગ બગને કારણે થયું હોઈ શકે છે. સિટી કાઉન્સિલના અધિકારીએ નોંધ્યું હતું કે 'રોબોટના ટુકડાઓ એકત્ર કરવામાં આવ્યા છે. કંપની દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવશે.' 

રોબોટની જન્મદાતા: સ્ટાર્ટઅપ બેયર રોબોટિક્સ

ઘટનામાં અકસ્માતનો ભોગ બનનાર રોબોટ, કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ બેયર રોબોટિક્સ દ્વારા વિકસાવ્યા હતા. આ રોબોટ સવારે ૯થી સાંજના ૬ વાગ્યા સુધી કામ કરતો હતો અને તેને માનવ કર્મચારીની જેમ તેનું પોતાનું સિવિલ સર્વિસ ઓફિસર કાર્ડ પણ આપવામાં આવ્યું હતું. રોબોટ એલિવેટર્સનો ઉપયોગ કરીને ફ્લોર વચ્ચે નેવિગેટ કરીને, સ્વતંત્ર રીતે કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે અન્ય રોબોટ્સ માત્ર એક માળ સુધી પોતાનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખતા હોય છે. જ્યારે આ રોબોટ એલિવેટરનો ઉપયોગ કરી, બિલ્ડીંગના દરેક માળ ઉપર જઈ શકતો હતો. આ પ્રારંભિક માહિતી દર્શાવે છેકે રોબોટની ડિઝાઇન અને રચના માત્ર, લિફ્ટ વાપરવા માટે કરવામાં આવી હતી. રોબોટ અકસ્માતે બે સીડી વચ્ચે પડેલો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે રોબોટની રચના અને ડિઝાઇન સીડી ચડી ઉતરી શકે તે માટે કરવામાં આવી ન હતી, એટલે શક્ય છે કે સીડી ઉતારવાની કોશિશમાં, સંતુલન ગુમાવી ચૂકેલ રોબોટ, સીડી ઉપર પડી ગયો હોય. જો કે, ગુમી સિટી કાઉન્સિલમાં તાજેતરની રોબોટની ઘટનાને ધ્યાનમાં રાખીને, આ ઘટનાનું નિરાકરણ ન મળે ત્યાં સુધી, નગરપાલિકાએ બીજા રોબોટ અધિકારીને કાર્યરત કરવાની તેની યોજનાને અસ્થાયી રૂપે અટકાવવાનો નિર્ણય કર્યો છે. હવે મુખ્ય સવાલ ઉપર આવીએ કે શું ખરેખર રોબોટ પાસે માનવ જેવી લાગણીઓ હોય છે? રોબોટ આત્મહત્યા કરી શકે ખરો? આત્મહત્યા કરીને રોબોટ મૃત્યુ પામ્યો! એમ કહેવું ખરેખર વિચિત્ર વિધાન છે. હાલની પ્રવર્તમાન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સનો વિચાર કરીએ તો પણ, દુનિયાનો કોઈ પણ રોબોટ આજની તારીખે માનવીય ચેતના અને લાગણી અનુભવી શકતો નથી.

શું રોબોટ આત્મહત્યા કરે?

આત્મહત્યા સાથે જોડાયેલા માનવીય સ્વભાવના ગુણ એટલે કે ઉદાસી, નિરાશા અથવા અસ્તિત્વના ભય જેવી લાગણીઓનો અનુભવ, રોબોટ કરી શકતા નથી. યાંત્રિક અથવા સોફ્ટવેરમાં રહેલી ખામીના કારણે, રોબોટ કામ કરતા બંધ થઈ શકે છે. અથવા વિચિત્ર વર્તન કરતા જોઈ શકાય છે. જો રોબોટને આત્મહત્યા કરાવવી હોય તો, પહેલેથી જ રોબોટમાં તે પ્રકારનો પ્રોગ્રામ  મૂકવો પડે! બીજી પરિસ્થિતિની વાત કરીએ તો, જો રોબોટ ટીવી માફક, રિમોટ કંટ્રોલથી ચાલી શકતો હોય તો, તેને ઓપરેટ કરાવનાર વ્યક્તિ, નેવિગેશનલ રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરીને, રોબોટને આત્મહત્યા લાગતી ઘટનામાં  તરફ લઈ જઈ શકે છે. જેમાં અંતમાં રોબોટ પોતે જ પોતાનો વિનાશ કરતો હોય. પરંતુ આ બધી વાત સાયન્સ ફિક્શન જેવી છે. રોબોટ સજીવ પ્રકૃતિ ધરાવતો નથી તેથી તેના જન્મ અને મૃત્યુની ચર્ચા હોઈ જ ન શકે. 

આજની તારીખે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં લાગણી અને સંવેદના, સ્વચ્છ ચેતના કે સ્વ જાગૃતિ, વ્યક્તિગત ઓળખ કે વ્યક્તિગત અનુભવની ભાવના વિકસાવવાનું કામ નૈતિકતાની દ્રષ્ટિએ ખોટું છે! નિષ્ણાતો પણ આ બાબતમાં એક મત નથી! જ્યાં સુધી કોઈ વૈશ્વિક લેવલે નિર્ધારિત રૂપરેખા તૈયાર થશે નહીં ત્યાં સુધી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મનુષ્યને લગતી લાગણી, સંવેદના, ચેતના જાગૃતિ કે વ્યક્તિગત ઓળખ, રોબોટને આપવામાં આવશે નહીં. કેટલીક વિજ્ઞાાન કથાઓમાં, રોબોટના કુત્રિમ જીવનની થીમ્સ, ચેતનાની પ્રકૃતિ અને બુદ્ધિશાળી મશીનોને નૈતિકતાની કલ્પના કરવામાં આવતી હોય છે. જ્યાં વાર્તામાં રોબોટને હત્યા કરતા કે આત્મહત્યા કરતા બતાવવામાં આવે છે. આ માત્ર વિજ્ઞાાન સાહિત્ય છે. હકીકત નથી એ વાત સ્વીકારવી જોઈએ.

મૃત્યુ અને રોબોટિક સાયન્સ ફિક્શન

આઇઝેક એસિમોવની રોબોટ વાર્તાઓ, ફિલિપ કે. ડિકની 'ડુ એન્ડ્રોઇડ્સ ડ્રીમ ઓફ ઇલેક્ટ્રિક શીપ?' (જેના ઉપરથી ફિલ્મ 'બ્લેડ રનર' બનાવવાની પ્રેરણા મળી હતી)માં રોબોટ મૃત્યુ કે આત્મહત્યા વિશે વિચારી શકે છે. રોબર્ટ એ. હેનલેઈનની કથા, The Moon is a Harsh Mistressમાં માઈક અથવા  HOLMES IV  તરીકે ઓળખાતું કેન્દ્રીય કોમ્પ્યુટર, જ્યારે તે સંચાર કરવાનું બંધ કરે છે ત્યારે તે 'મૃત્યુ'ના સ્વરૂપનો અનુભવ કરે છે. એક્સ મશીન મુવીમાં, આત્મહત્યાનો પ્રશ્ન ન હોવા છતાં, એઆઈ ધરાવતી 'આવા' નામનું મહિલા પાત્ર. તેના સર્જકનો અંત કરી, પોતાના મળતી સુવિધાઓમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આર્થર સી. ક્લાર્કની '૨૦૦૧ : અ સ્પેસ ઓડિસી'માં HAL 9000, જહાજનું AI, એક પ્રકારનું મનોવૈજ્ઞાાનિક ભંગાણ અનુભવે છે. જે આખરે યંત્રને અંત તરફ જતી ક્રિયાઓમાં ફેરવાઈ જાય છે. તેનું પોતાનું જોડાણ તૂટી જાય છે. અને કામ કરતું બંધ થઈ જાય છે. 

આ પ્રકારની સાયન્સ ફિક્શન કૃતિઓમાં, માનવ જેવા ગુણો અને દુવિધાઓ સાથે રોબોટ્સ અને એઆઈનું ચિત્રણ કરવામાં આવે છે. મનોરંજન અને ભવિષ્યની કલ્પના માટે આ સુંદર વિઝયુલાઈઝેશન કે ફેન્ટસી છે. વાસ્તવિકતા નથી. આટલું પૃથ્થકરણ કર્યા બાદ, છેવટના નિષ્કર્ષ આવી શકાય કે 'આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા રોબોટની વિભાવના, હાલની ટેક્નોલોજી સાથે સુસંગત અને શક્ય નથી. સાયન્સ ફિક્શનમાં આ પ્રકારની ઘટનાઓ, એઆઈના ભાવિ વિશેની ચર્ચાઓમાં એક શક્તિશાળી વર્ણનાત્મક ઉપકરણ તરીકે કામ કરે છે.  જેનો આધાર લઈને  આપણે  પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ. આપણે કેવા પ્રકારના મશીનો બનાવવા જોઈએ? રોબોટને કેટલો શક્તિશાળી બનાવવો? કેવા પ્રકારનું પ્રોગ્રામિંગ કરવું? એ મનુષ્યના હાથની વાત છે. મનુષ્ય જ્યારે કામ કરીને થાકી જાય છે અથવા તો, એક જ પ્રકારના ઘરેડમય કાર્યથી કંટાળી જાય છે ત્યારે, કામ ખૂબ જ સારી રીતે થાય તે માટે તો, રોબોટનો ઉપયોગ અને રચના કરવામાં આવે છે. હવે જો રોબોટ જ પોતાના કામથી કંટાળી જ જાય? એવું બને ખરું? જવાબ છે 'ના' . 


Google NewsGoogle News