નારી નરકની ખાણ નહિ, આનંદની ઓળખાણ... મળમૂત્રનું શરીર નહિ, આપણે તો અમૃતના સંતાન!

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
નારી નરકની ખાણ નહિ, આનંદની ઓળખાણ... મળમૂત્રનું શરીર નહિ, આપણે તો અમૃતના સંતાન! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- વારંવાર ખાસ તો સ્ત્રીઓને ઉતંરી પાડવા માટે 'આ માંસના લોચા છે' જેવી વાહિયાત વાતો કરતા અરસિક 'સિક' (બીમાર) લોકોનો આજે થોડો ક્લાસ લગાવીએ! 

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર,

જીનપે દુનિયા હૈ બીમાર- યાર.

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર.

રહે સુખ કો ઈનમે ખોજ-ખોજ,

યે કરના ચાહે મૌજ-મૌજ.

સ્થાયી સુખ કે ખ્વાબ-ખ્વાબ,

પરિણામ શૂન્ય હર બાર-બાર.

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર,

જીનપે દુનિયા હૈ બીમાર-યાર.

કામ છોડ કે, હૈ કામ (વાસના)કો પકડા,

ભોગો મેં હૈ ખુદ કો જકડા,

હમને કહા જબ, ભાઈ તું ગલત હૈ,

હમસે ફિર, ઉલ્ટે મુંહ અકડા.

ચઢા કામ કા ઇનપે ગુબાર-બાર,

બના કામ હિ જીવન કા આધાર.

જીનકા ના ભરે કિસી એક સે,

વો કહેલાતે ફિર જાર-જાર.

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર,

જીનપે દુનિયા હૈ બીમાર-યાર.

સાવન મેં યે આંખો કો ભૂલે,

ઇનકો કેવલ ચાહિયેં ઝૂલે,

ઇનકા સાવન, દુનિયા સે ન્યારા,

રોઝ હૈ બહેતી, ઇનકે જલધારા.

હરિયાલી ના, ઇનકી નિગાહેં,

ઇન્કો ભાયે કુછ નર્મ સી બાહેં.

યે કામ મેં બંદા ભરા-ભરા,

અંધા હૈ સાવન હરા-હરા.

હર ઔર દિખે અપ્સરા-સરા,

ચાહે ઈજ્જત હો જાયે તાર-તાર,

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર,

જીનપે દુનિયા હૈ બીમાર-યાર.

કુછ મર્દાની નહીં કમ મર્દો સે,

માદક દ્રષ્ટિ આતી અંગો સે.

બદન દિખાવે મેં હૈં યે ડૂબી,

મર્દો કો સમજે, પાંવ કી જૂતી.

ખુદ કો સમજે રતિ-કામિની,

ખુદ કે પાંવ મેં ચપ્પલ હૈં ટુટી,

ઇનકો લાગતા હૈ હુસ્ન કે દમ પર,

મર્દ હૈ લૂંટતા, હુસ્ન પે જમકર.

ઇનકા યે ભરમ હૈ યાર-યાર,

હર મર્દ નહીં હૈ જાર-જાર.

જિસ્મો પે ફિદા કુછ ફિકરેં હૈ,

ચાહે રિયલ મર્દ તો પ્યાર-પ્યાર.

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર,

જીનપે દુનિયા હૈ બીમાર-યાર.

ઉફ્ફ યે કૈસા મર્દપના હૈ?

ઔરત કી ચૌખટ પે તના હૈ.

બેટી-બહેન કી ઈજ્જત ખતરે મેં,

વહાં પે ગુંગી ગુડિયા બના હૈ.

આંખો મેં શર્મ રખ યાર-યાર,

કાબૂ મેં રખ ઓઝાર-ઝાર,

દે કામુકતા કો છોડ-છોડ.

કહે સુધીરા કર લે સુધાર-યાર.

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર

જીનપે દુનિયા હૈ બીમાર-યાર

યે મલ-મૂત્ર કે દ્વાર-દ્વાર.

સુધીરા નામના એક ગાયક પોપ્યુલર હિન્દી ફિલ્મ ગીતોની તર્જ પર અવનવી ફિલોસોફી ગીતો વાઇરલ થવા માટે વિડિયો શૂટ કરીને મૂકે છે. એનું આ ગીત થોડું ચગ્યું છે. આમ એમાં નવું કશું નથી. આવું તો સદીઓથી કંચન કામિનીનો ત્યાગ કરતા મહાત્માઓ કહેતા આવ્યા છે. નારી નરકની ખાણ જેવા આધુનિક યુગના વેસ્ટર્ન વર્લ્ડમાં ઓફેન્સીવ ગણાય એવા શબ્દો બેધડક આપણે ત્યાં 'સત્સંગ'માં વપરાતા હોય છે. હમણાં આમ મીઠડી વાતો કરનારા વૃંદાવનના લોકપ્રિય પ્રેમાનંદજી મહારાજે પણ આ જ શબ્દોથી સ્ત્રી તો વિષયભોગની મોહિની છે, આ શરીર તો મલ મૂત્રનો પિંડ છે, એનો મોહ શું રાખવો જેવો ઉપદેશ આપ્યો હતો. ધર્મગુરુઓ પ્રાચીન ચર્ચ હોય કે રેડિકલ ઇસ્લામ હોય કે અન્ય બધે જ પુરુષપ્રધાન ધર્મોમાં સ્ત્રીને કોઈ તપોભંગ કરનાર માયાવી છલના માનીને સેકન્ડરી સિટીઝન માનવાના આદેશો આપ્યા જ કરતા હોય છે. બધાને દેહમાં રહીને દેહની જ નિંદા કરવાની નિદ્રા આવે એને ધર્મ ગણાય છે! 

પણ 'તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત'ની ધૂન તફડાવી ( જે પણ મૂળ નુસરતની બંદિશ હતી ) એમાં આ મલમૂત્રના દ્વાર જેવા શરીર પાછળ પાગલ થતી યુવાનીની ઘોર ટીકા કરનાર સુધીરા જેવા લોકો ને એમના સેંકડો સમર્થકો જાણ્યે અજાણ્યે બુરખાવાદી તાલિબાની સોચનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું લાગે છે. જે બધા ભારતીય સંસ્કૃતિની વાતો કરે પણ એને જ સરખી જાણતા નથી. એટલે જીવન માણતા નથી ને સોચના નામે શૌચ કરતા હોય એવા વિચારો ખુદ કરતા ફરે છે ! અપ્સરાના મોહમાં તપ છોડી દેનાર ઋષિઓ કે એના જોબનનો ઉપયોગ કરી સિંહાસન બનાવનાર ઇન્દ્ર પૂજનીય, પણ અપ્સરા નિંદનીય એવું તો કેમ ચાલે. વિષ્ણુ સ્વયં અમૃત મેળવવા માટે મોહિનીરૂપ ધારણ કરી બેઠેલા. અને શિવ પણ એ રૂપથી મોહિત થયેલા એવી તો કથાઓ છે. નારીના રૂપને લીધે વિશ્વમાં યુદ્ધો છેડાયા એ વાત સાચી. પણ એ રૂપ માટેનું આકર્ષણ કુદરત કહો કે પરમાત્મા એણે જ તો નિર્માણ કર્યું છે ! અને એને વખોડવામાં પણ નથી આવ્યું ભારતના મૂળ વારસામાં. પણ સનાતન સનાતન કરી ઈરાની મુલ્લાશાહી વિચારધારાની નકલ કરનારા પ્રચારપોદળા વાંચે તો ને. 

લો, જુઓ જરા આપણા જ સંસ્કૃતમાંથી વીણેલા થોડા રત્નો ( એ ઘણા છે, આ જસ્ટ સેમ્પલ. લેખમાં બીજું પણ લખવાનું હોય ને એ સિવાય.) કે 'મળમૂત્રના દ્વાર' બાબતે શું કહે છે દેવભાષામાં આપણા મનિષીઓ... મહાભારતનો આ શ્લોક છે : श्रिय एताः स्त्रियो नाम सत्कार्या भूतिमिच्छता । लालिता निगृहिता च स्त्री श्रीर्भवति भारत ।। અર્થાત્, સ્ત્રીઓ લક્ષ્મીરૂપ છે. ઐશ્વર્ય, કલ્યાણ ઇચ્છનારાઓએ આ સ્ત્રીરૂપે રહેલી લક્ષ્મીનો સત્કાર કરવો જોઈએ. સુખપૂર્વક અને આનંદિત રીતે રાખવામાં આવેલી અને રક્ષિત કરવામાં આવેલી લક્ષ્મી સ્ત્રી સ્વરૂપે રહે છે. બોલો, વેદવ્યાસ તો મળમૂત્રના દ્વારને લક્ષ્મી કહે છે ! તો પંડિત વિષ્ણુશર્માનું નીતિશાસ્ત્ર પંચતંત્ર કહે છે : सोमस्तासां ददौ शौचं गन्धर्वाः शिक्षितां गिरम् । पावकः सर्वमेध्यत्वं तस्मान्निष्कल्मषाः स्त्रियः।। મતલબ, સોમ યાને ચંદ્ર સ્ત્રીઓને પવિત્રતા આપે છે, ગંધર્વ મધુર વાણી આપે છે, અગ્નિ એને સર્વાંગી પાવક બનાવે છે એટલા માટે સ્ત્રીઓ સર્વથા શુદ્ધ હોય છે !

ક્યાં મળમૂત્રની અશુદ્ધિની ગંદકી અને ક્યાં આ પ્રશસ્તિ ! હજુ વધુ જાણવું છે ? असारे खलु संसारे सारं सारङगलोचना । इति सग्चिन्त्य वै शम्भुरर्घाङगे पार्वती दधौ ।। આ અસાર સંસારમાં હરણનાં જેવા નેત્રવાળી સ્ત્રી જ સારભૂત છે એમ વિચારીને મહાદેવે પોતાના અડધા અંગમાં પાર્વતીને ધારણ કર્યા છે. असाराः सर्वे ते विरतिविरसाः पापविषयाः जुगुप्स्यां यद्वा ननु सकलदोषस्पदमिति । तथाप्येत भूमौ नहि परहितात्पुण्यमधिकं न चास्मिन्संसारे कुवलयदशो रम्यमपरम् । પાપથી ભરેલા અને અંતે નિરર્થક બની જનારા આ સર્વે વિષયો અસાર છે, અથવા તો તે બધા દોષોનું ધામ છે એમ ગણી તેની જુગુપ્સા ભલે કરો, પરંતુ આ ભૂમિમાં પરોપકાર જેવું બીજું અધિક પુણ્ય નથી અને આ સંસારમાં નીલકમલ જેવાં નયનોવાળી સુંદરીઓ કરતાં બીજું કંઈ સુંદર નથી !

લો લો, હજુ લેતા જાવ વારસો આપણો. भावेन गर्वेण गतेन लक्ष्म़् या स्मितेन कोपेन मदेन वाग्भि :। जहुः स्त्रियो देवनृपऋषिसंधान् कस्माद्धि नास्मद्धिधमाक्षिपेयुः હાવભાવ, ગર્વ, ગતિ, શોભા, સ્મિત, રોષ, મદ અને વાણી દ્વારા સ્ત્રીઓ દેવર્ષિ અને રાજર્ષિઓને પણ વશીભૂત કરે છે તો સામાન્ય માણસનું તો પૂછવું જ શું ? स्त्रीति नामापि मधुरं कं न कुर्यात् स्मरातुरम् किमुतौदार्यचातुर्यप्रसादमधुरं वचः 'સ્ત્રી' એવો શબ્દ જ એટલો મધુર છે કે સર્વસાધારણને પણ કામાતુર કરી શકે છે, તો પછી, એની ઉદારતા, ચાતુર્ય અને પ્રસાદના ગુણોથી ભરેલી વાણીનું તો કહેવું જ શું ?

બોલો, બધે કંઈ શાસ્ત્રના નામે સિલેક્ટેડ પૌરાણિક વાતો ઠઠાડી દો તો અભ્યાસુ રસિકજન એની ઠાઠડી બાંધી શકે તથ્ય રજૂ કરીને. કેવળ મનુસ્મૃતિ ને સ્કંદપુરાણ એ ભારત નથી. આદિ શંકરાચાર્ય પણ ચિદાનંદ રૂપમ્ શિવોહમ શિવોહમ કહેતા નારીના એક એક અંગનું ઉત્તમ કાવ્યવર્ણન કરતી શક્તિસ્તુતિ સૌંદર્યલહરી લખે છે. એમને શાસ્ત્રાર્થમા સ્ત્રી પુરુષના સહશયનના વિષય બાબતે મંડનમિશ્રના અર્ધાંગિની પરાજિત કરે એવી પણ કથા છે. કાલિદાસ  અને જયદેવની કૃતિઓમાંથી પસાર થાવ તો મળમૂત્રના દ્વારને બદલે સુંદર સુંદર આ રસભોગ થાળ એવું મગજમાં આવશે ! ઋગ્વેદની વાતો જ સાંભળી છે કે કદી વાંચ્યો પણ છે ? એમાં સંસારમાં કેવો રસ છે એ બાબતે પતિ અગત્સ્યને પત્ની લોપામુદ્રા કહે છે એ વચનો તો વાંચજો. અરે ભારતમાં પૃથ્વી પર મૂળ યુગલ ગણાતા મનુ અને શતરૂપા કંઈ આદમ ઇવની જેમ અચાનક જ્ઞાાન મેળવી શેતાનચીંધ્યું પાપ કરનારા નાદાન નથી બતાવાયા. મનુ અને શતરૂપા ભરપૂર સંસાર ભોગવીને ગૃહસ્થમાંથી વયને લીધે સંન્યાસ લઈને પણ સજોડે વનમાં જાય છે !

આ તો શ્રાપ છતાં પત્નીના યૌવનના સ્પર્શ ખાતર મોત મીઠું માનનારા પાંડુના વસંતવિજયનો દેશ છે. રસઝરતી રાસલીલા ને શિવ પાર્વતી યુગમથી કુમાર કાર્તિકેયનો સંભવ માટે પ્રયાસ કરતા કામને દેવ માનતો દેશ છે. ગ્રીક માયથોલોજીમાં પણ સૌંદર્યની રસદેવી વિનસ (એફ્રોડાઈટ) સાથે ઊર્જા, જુવાનીનો આનંદ અને સમન્વયની થ્રી ગ્રેસીઝ યાને ત્રણ દેવીઓ યુફ્રોસીન, એલ્જીયા અને થાલિયા જીવનને હર્યુંભર્યું રાખે છે એવી કલ્પના છે. 

ચાલો, જૂની વાતો તો ખૂટે એમ નથી. પોઇન્ટ બાય પોઇન્ટ નવા તર્કથી આ 'નારી નારી મત કર મૂરખ નારી નરક કા દ્વાર.. પ્રસન્ન હો કર ભી ક્યા દેગી મલમૂત્ર કા દ્વાર- કે જૂના  દોહા 'સુંદર દેહ મલિન અતિ, નખશીખ ભરે વિકાર રક્ત પીપ મલ  મૂત્ર પુનિ સદા બહે નવ દ્વાર' જેવી ફિલોસોફી ઝાડીને સ્ત્રીથી દૂર રહેવાની  ખોખલી શિખામણો ઠોકતા દંભી ગંધારાઓને પણ માન્યતાતોડ જવાબ આપીએ. 

ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આ મળમૂત્રના દ્વાર કહીને હાંસી ઉડાવવામાં આવે છે એ ગુપ્તાંગો કે જેનિટલ્સ તો જીવનના દ્વાર છે. પ્રકૃતિ ત્યાંથી જીવનનું સર્જન કરે છે. આપણે બધા ત્યાંથી જ આવ્યા છીએ. એને છી છી કહેતા ગાંડાઓ પણ ઉપરથી સીધા ટપક્યા નથી. માતા પિતાના મધુર મિલનના ફળ સ્વરૂપે સંતાનનો ગર્ભ  રહે છે ને એનું પૃથ્વી પર પ્રાગટય આ લખનાર કે તમામ વાંચનાર બધાનું આ જ જીવનદ્વારમાંથી થયું છે. વાસના કે કામના શબ્દ આપણે ત્યાં મૂળ ચિંતકોએ શારીરિક કરતા માનસિક અર્થમાં વધુ વાપર્યો છે. મનમાં ભયંકર તૃષ્ણા કે આકાંક્ષાઓ હોય એ તમને ભટકાવે છે, દુ:ખી કરે છે. કોઈને દુ:ખી કર્યા વિના, છેતર્યા વિના કે જોરજબરજસ્તી વિનાનો કામ તો રસોત્સવ છે. એક ઉંમર પછી સતત વર્જિન હોવું કોઈ પરાક્રમ નથી. એબ્નોર્મલ હોવાની નિશાની છે. સ્વસ્થ સેક્સ ના માણતા હોય એ બીમાર વહેલા પડે છે. ચીડિયા કે અસ્વસ્થ રહે છે ને નિસ્તેજ રહે છે, એ વૈજ્ઞાાનિક તારણ છે. ટ્રમ્પ ને બાઇડન બેઉ વૃદ્ધપુરુષોમાં હજુ કોની શક્તિ વધારે છે એ તો હમણાં આખી દુનિયાએ જોઈ લીધું. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની જેમ રહેવું. સહજ માસૂમ રહેવું એ. પેટની નીચે લોખંડી તાળા મારવા એ નહી. નેચરલ ઈઝ નોર્મલ. 

બીજું, જો કણ કણમાં ભગવાન હોય કે અસ્તિત્વ કે ચૈતન્ય કે બ્રહ્મ હોય તો એ જડ ચેતન બધામાં પરમાણુરૂપ છે. ગીતામાં કહેવાયું કે જીવન જ નહી, કાળ યાને મૃત્યુ પણ ઈશ્વરનું સર્જન છે. સુખ એની કૃપા છે, તો દુ:ખ પણ એણે જ રચેલી નીયતિ છે. મળમૂત્ર કે અન્ય સેન્દ્રિય પદાર્થો ગોબરા કચરા લાગે તો એ પણ પરમની લીલા ને સર્જન છે. એમાં પણ જીવનનો અંશ છે. એ શ્રેષ્ઠ ઓર્ગેનિક ખાતર છે. એનાથી નવી હરિયાળી ખીલે છે. એટલે કાં ઈશ્વર નથી, તો પછી આખી કસરત જ નકામી છે સાધનાની. ને છે તો બધે છે. સ્ત્રી પણ એની જ કૃતિ છે. નિત્ય જાતીય આકર્ષણ પણ એનું જ ઘડેલું છે. લિંગવિહીન વિષાણુ જેવી પ્રજોત્પતિ માણસમાં કેવળ એને બ્રહ્મચારી  જ બનાવવો હોત તો રાખી હોત. સસ્તન સજીવોમાં મેટિંગ સીઝન હોય છે. મનુષ્યમાં સદાકાળ આકર્ષણ રાખ્યું છે. રિપ્રોડક્શન માટે જ ફૂલો આટલા રંગીન છે. વસંતની મોસમ ખીલે છે. પવન પરાગનયન કરે છે. બધા કામવિહીન થઈ જાય તો ધરતી પર કલાઇમેટ ચેન્જ વિના પણ મનુષ્ય સો વર્ષમાં ખતમ થઈ જાય ! ઇલોન મસ્કની બુદ્ધિ સેક્સી હોર્મોન વધુ હોવાથી ઘટી નથી ગઈ ને કોઈ જન્મજાત કિન્નરની ક્ષમતા કે પવિત્રતા ફરજિયાત બ્રહ્મચર્યથી વધી નથી ગઈ ! 

સ્ત્રીના નિતંબ કે વક્ષ જેવા અંગો ઘાટીલા હોય એમ એનું અદમ્ય આકર્ષણ પ્રકૃતિએ રાખ્યું છે એ બ્રેઇન વાયરિંગ મૂળ તો ઉત્ક્રાંતિમાં મદદરૂપ છે. ગુલાબી ઝાંય એટલે સારું હિમોગ્લોબીન, કોસ્મેટિક સર્જરી વિનાના બક્ઝમ બમ ને બ્લોસમ્ડ બોસમ એટલે વધુ સારી હેલ્થ ને ફિટનેસ. ઓમેગા થ્રી ને પ્રોટીન વિટામિનનું બેલેન્સ જે સારું માતૃત્વ આપી સ્વસ્થ સંતાન પેદા કરવાની તક આપે. એ યૌવનના હિલોળા એટલે તો આટલા ગમે છે. નૃત્ય પણ એ અંગભંગિમાનો આનંદ છે. એટલે તો નાચતા હોય કોઈ એ જોવું પણ ગમે છે. મૂવ્ઝ એન્ડ કર્વ્ઝ ! 

બીજી બધી બંદગી પ્રેયર પૂજાની વિધિ તો માણસે કલ્પના કરીને બનાવી. આપના ઉદગમસ્થાન જેવા અંગોમાં સહજ રોમાંચથી સહમતીથી થતો સ્પર્શ એ એનું સન્માન છે ને આપણું અપમાન હરગિઝ નથી. એ માટે સ્ત્રી કે આધુનિકતાને વખોડવી એ વાયડાઈ જ નહિ, અજ્ઞાાનનો અંધકાર છે, જડતાનો અહંકાર છે. જાહેરમાં એનો તિરસ્કાર કરનારા પોતે તો જાતભાતના શણગાર ને ચિહ્નોે ધારણ કરે છે એમના ખુદના દેહના સુશોભન માટે. ને ખાનગીમાં ઘણા લાળ ટપકાવી મચી પડે છે. એના કરતાં તો ઇન્સ્ટાગ્રામ પર અંગપ્રદર્શન કરતી સુંદરીઓ વધુ પારદર્શક અને પ્રમાણિક છે. મોજમસ્તી એના મનમાં છે તો હોય એવી નવી પેઢી દેખાય છે. છુપાવતી નથી. પવિત્રતાની જૂઠી વાતો કરતા આપણે સ્વચ્છ રસ્તામાં નહિ પણ વસતિમાં ચીનને હરાવી નંબર વન થઈ ગયા ! 

તો પરમાત્મા પ્રશ્નચિત્તનું નહિ, પ્રસન્નચિત્તનું સ્વાગત કરે છે. જે સ્વર્ગની મોત પછી રાહ નથી જોતા. જીવનમાં સ્વર્ગ ભોગવી લે છે !

ફાસ્ટ ફોરવર્ડ

તથાકથિત જે ધર્મના ઠેકેદારો વારંવાર તમને સહજ સમજનો અસ્વીકાર કરીને પાપથી બીવડાવી અંધારાનો ડર પેદા કરે છે, એમને તો મૂળ એમની ટોર્ચ વેંચવાનો ધંધો કરવો હોય છે !' (પ્રિય મોરારિબાપુ, ૯૩૯મી રામકથા, નોર્વે) 


Google NewsGoogle News