હાઈ બ્લડપ્રેશર .

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
હાઈ બ્લડપ્રેશર                                               . 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

ઉ ચ્ચ રક્તચાપ એટલે કે હાઇપરટેન્શન એક એવી બીમારી છે કે જેમાં બ્લડપ્રેશર સામાન્ય કરતાં વધારે હોય છે. આ એક એવી અવસ્થા છે જેમાં બ્લડ પ્રેશરને કાબુમાં ન કરવામાં આવે તો હૃદય, મગજ કે બીજી ધમનીઓ પર વધારાનો ભાર પેદા થાય છે અને તેનાથી હૃદયરોગ, સ્ટ્રોક અને બીજી ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૈંભસ્ઇના ૨૦૨૩ના સર્વે મુજબ આપણા દેશમાં ૩૧ કરોડ લોકોને હાઇપરટેન્શનની બીમારી છે એટલે કે દર ૪માંથી ૧ વ્યક્તિને હાઈ બ્લડપ્રેશર છે. હજી વધારે નવાઈની વાત એ છે કે આમાંથી ૫૦% વ્યક્તિને એ જાણકારી જ નથી કે એમનું બ્લડપ્રેશર હાઇ છે કારણ કે એમણે ક્યારેય પણ બ્લડપ્રેશરની તપાસ કરાવી નથી બીજી અગત્યની વાત એ છે કે જે લોકોને હાઈપરટેન્શન છે એવી ખબર છે તેમાંના ફક્ત ૫૦% વ્યક્તિનું જ બ્લડપ્રેશર કાબુમાં છે. આ બધા કારણોસર હાઇપરટેન્શનના લીધે ભવિષ્યમાં હૃદય રોગ અને પેરાલીસીસ જેવી તકલીફ થવાની શક્યતા અને જોખમો ઘણા વધારે રહેલા છે, તેથી જ સમાજમાં હાઇપરટેન્શન વિશે સજાગતા હોવી ખૂબ જ જરૂરી છે.

હાઇપરટેન્શન કોને કહેવાય?

જો કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર ૧૪૦/૯૦ કરતાં વધારે રહેતું હોય તો તે વ્યક્તિને હાઇપરટેન્શન છે એમ કહેવાય. સામાન્ય રીતે હાઇપરટેન્શનના નિદાન માટે બેથી ત્રણ વખત બ્લડપ્રેશર આનાથી વધારે આવે તો તેનું નિદાન સચોટપણે કરી શકાય બ્લડપ્રેશરના બે ઘટકો હોય છે. સિસ્ટોલિક એટલે કે ઉપરનું બ્લડપ્રેશર જે ૧૪૦ કરતા ઓછું જોઈએ અને ડાયસ્ટોલિક એટલે કે નીચેનું બ્લડપ્રેશર ૯૦ કરતા ઓછું હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર બે અથવા વધારે વખત આ લેવલ કરતાં વધારે આવે તો તેને હાઇપરટેન્શન કહેવાય.

હાઇપરટેન્શન થવાનું જોખમ કઈ વ્યક્તિને વધારે છે ?

વારસાગત કારણો ઉપરાંત વધતી જતી ઉંમર સાથે હાઇપરટેન્શન થવાનું જોખમ પણ વધતું જાય છે. આજકાલ યુવા પેઢીમાં બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે પણ હાઇપરટેન્શનનું જોખમ ખૂબ જ વધી રહ્યું છે. તદુપરાંત જે વ્યક્તિને સાથે ડાયાબિટીસ કે કિડનીનો કોઈ રોગ હોય, તમાકુ અથવા તો ધુમ્રપાનનું વ્યસન હોય એવી વ્યક્તિને પણ હાઈપરટેન્શનું જોખમ વધારે રહે છે. યુવાન વ્યક્તિમાં વધુ પડતા પ્રોસેસ્ડ અને મીઠાવાળા ખોરાક, શારીરિક શ્રમના અભાવે અને વધુ પડતા માનસિક તણાવના લીધે પણ હાઇપરટેન્શનનું જોખમ વધી રહ્યું છે.

હાઇપરટેન્શનના લક્ષણો કયા છે?

હાઇપરટેન્શનના મોટાભાગના વ્યક્તિને કોઈપણ જાતના ચિન્હો હોતા નથી. હાઈબ્લડપ્રેશર છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો જ ખબર પડે છે. 

તેમ છતાં કેટલીક વ્યક્તિઓને માથાનો પાછળનો ભાગ દુખે, ચક્કર આવે, આંખે અંધારા આવે, ધબકારા વધી જાય, શ્વાસમાં તકલીફ પડે અથવા છાતીમાં દુખાવો થાય તેવા લક્ષણો દેખાતા હોય છે. માથાનો દુખાવો અને ચક્કર આવવા એ હાઈ બ્લડપ્રેશરના અગત્યના લક્ષણો છે. પરંતુ ઘણી જ ઓછી વ્યક્તિઓને ખરેખર હાઇબ્લડપ્રેશર હોવા છતાં આ લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર બ્લડપ્રેશર ખૂબ જ વધારે રહે તો મગજની નસ ફાટી જવી, બ્રેન હેમરેજ અથવા એકાએક શ્વાસ ચડી જવો અથવા હૃદયની મુખ્ય નસ ફાટી જવી (Aortic Dissection) જેવી ગંભીર અવસ્થા પણ ઉદભવી શકે છે અને તેથી જ બ્લડપ્રેશરને સમયસર કાબુ કરી લેવું ખૂબ જ મહત્વનું છે.

બ્લડપ્રેશરની સારવાર વિશેની વાત આપણે હવે પછી કરીશું. 


Google NewsGoogle News