પાણીપથઃ આ છે આ‌ર્થિક પ્રગ‌તિના સુપર હાઈવે

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
પાણીપથઃ આ છે આ‌ર્થિક પ્રગ‌તિના સુપર હાઈવે 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- ભારતના કૃ‌ષિ, વ્‍યાપારી અને ઔદ્યો‌ગિક માલસામાનનું વહન અત્‍યારે રેલવે અને સડકમાર્ગે મારફત ચાલે છે. અત્‍યંત પ્રદૂષક અને ખર્ચાળ એવા તે બંને માધ્‍યમોનો બેસ્‍ટ ‌વિકલ્‍પ છેઃ જળમાર્ગ.

- જર્મની, ફ્રાન્‍સ, સ્‍પેન જેવા યુરોપી દેશોએ કુલ મળીને 52,000 ‌કિલોમીટરના વોટરવે બનાવ્યા છે, જેમના પર એ દેશોના કૃ‌ષિ, વ્‍યાપારી તથા ઔદ્યો‌ગિક સામાનનો 44 ટકા ‌હિસ્‍સો એકથી બીજા સ્‍થળે મોકલવામાં આવે છે.

આજથી પંદરેક વર્ષ પહેલાં યુરોપી દેશ જર્મનીના જ્ઞાનપ્રવાસે જવાનું થયેલું. બીજા ‌વિશ્વયુદ્ધની યાદ અપાવતાં સ્‍થાપત્‍યો, સ્‍મારકો અને સંગ્રહાલયો, બ્‍લેક ફોરેસ્‍ટ તેમજ બાવ‌રિયા જંગલોરૂપી કુદરતી અજાયબીઓ, ફોક્સવાગન તથા BMW મોટરનાં કારખાનાં, કલાકના ૩પ૦ ‌કિલોમીટરના વેગે ધસી જતી ઇન્‍ટર ‌સિટી એક્સ્પ્રેસ/ ICE ટ્રેનની સફર વગેરે જાણવા-માણવા એ જર્મનીના જ્ઞાનપ્રવાસનો ઉદ્દેશ હતો. આ હેતુને બર લાવવા માટે મેગ્ડેબુર્ગ નામના પ્રાચીન નગરની મુલાકાત લીધી કે જ્યાં water bridge/ જળસેતુ આવેલો હતો. પુલની ગણના ત્‍યારે ઇજનેરી અજાયબી તરીકે થતી હતી. આજની તારીખે પણ થાય છે. 

કોઈ નદી-ઝરણાના વહેણ માથે બાંધેલા સેતુ પરથી વાહનો પસાર થતાં હોય એવું દૃશ્‍ય તો જગતમાં અગ‌ણિત શહેરો-નગરોમાં જોવા મળે. પરંતુ મેગ્‍ડેબુર્ગ જળસેતુની વાત ‌નિરાળી છે. આશરે હજાર ફીટ લાંબા અને ૧૧૨ ફીટ પહોળા એ પુલની નીચે એલ્‍બ નામની નદી વહે, ઊંચા પુલના ૧૪ ફીટ ઊંડા પોલાણની અંદર પણ એલ્‍બનું પાણી વહે અને તે પાણીમાં બાર્જ પ્રકારની માલવાહક નૌકા હંકારે! પુસ્‍તકોમાં એવી તસવીરો જોઈને ભારે કૌતુક થતું. નસીબજોગે મેગ્‍ડેબુર્ગ જળસેતુની રૂબરૂ મુલાકાત લીધી ત્‍યારે જ એક બાર્જ નૌકા પુલ પરથી હંકારતી જોવા મળી. આશ્ચર્યનો આંચકો આપનારું દૃશ્‍ય હતું, જેને માણ્યા પછી મનમાં ‌વિચાર આવ્યો કે,

જર્મની જેવો નાનકડો દેશ પોતાને ત્‍યાં નદીઓના વહેણને પરસ્‍પર સાંકળીને ૭,પ૦૦ ‌કિલોમીટર લાંબા જળમાર્ગો રચી શકે, ઘણાખરા ઔદ્યો‌ગિક માલસામાનનું વહન highways/ ધોરીમાર્ગને બદલે waterways/ જળમાર્ગો મારફત કરી શકે, બાર્જ નૌકાને હંકારવા માટે જળસેતુ રચી શકે, તો આપણે શા માટે એવું કરતા નથી? ભારતમાં નદીઓની ખોટ ન હોવા છતાં જળમાર્ગોનું ‌વિશાળ નેટવર્ક કેમ રચાયું નથી?

પંદરેક વર્ષ પહેલાં થયેલો ઉપરોક્ત સવાલ હજી શાશ્વત છે. આજની તારીખેય એટલો જ તા‌ર્કિક છે જેટલો વર્ષો અગાઉ હતો. માન્‍યું કે દોઢ દાયકામાં આપણે ત્‍યાં જળમાર્ગોનો સાથરો સારો એવો ‌વિસ્‍તર્યો છે, પણ દેશના લગભગ ૩૨ લાખ ચોરસ ‌કિલોમીટર ભૌગો‌લિક ક્ષેત્રફળની તુલનાએ ૧૪,પ૦૦ ‌કિલોમીટરના waterways/ જળમાર્ગો નગણ્ય કહેવાય. બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, નર્મદા, કૃષ્‍ણા, ગોદાવરી, ‌સતલુજ, જેલમ, ગોમતી, મહાનદી, ચંબલ વગેરે જેવી નદીઓની કૃ‌ત્રિમ શાખા-‌વિશાખા રચીને પરસ્‍પર સાંકળી દેવામાં આવે તો સમગ્ર ભારતમાં જળમાર્ગોનું ઓર લાંબું-પહોળું નેટવર્ક રચી શકાય. માત્ર પ‌રિવહન જ ન‌હિ, પર્યાવરણ તથા કૃ‌ષિ ક્ષેત્રે પણ એવું નેટવર્ક કેવુંક ક્રાં‌તિકારી સા‌બિત થઈ શકે એ સમજવા જેવું છે. પરંતુ એ પહેલાં થોડુંક બેકગ્રાઉન્‍ડ તપાસીએ.

■■■

ભારતની મુખ્‍ય નદીઓને નહેરોરૂપી ‘જાળા’ વડે પરસ્‍પર સાંકળી લેવાનો ‌પ્‍લાન આજકાલનો નથી. ઓગણીસમી સદીના અંગ્રેજ એન્જિનિયર આર્થર કોટને પહેલી વાર તેને ઈસ્ટ ઇ‌ન્‍ડિયા કંપનીની ગોરી સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. ઉત્તર ભારતની ગંગા નદીને દ‌ક્ષિણની કાવેરી નદી સાથે સાંકળી લેવી, એ માટે ૨,૬૪૦ ‌કિલોમીટર લાંબી નહેર બનાવવી અને મુખ્‍ય નહેરમાંથી સેંકડો ‌ઉપનહેર કાઢી તેના જળનો ઉપયોગ ‌સિંચાઈ માટે કરવો એ પ્રકારનો પ્‍લાન આર્થર કોટને કંપની સરકારને આપ્યો. પ્‍લાન ખરેખર કમાલનો હતો. કારગત પણ હતો. છતાં ઈસ્ટ ઇ‌ન્‍ડિયા કંપનીને તે વધુ પડતો ખર્ચાળ જણાતા વાત આગળ વધવા ન પામી. જો કે, વાતને પૂર્ણ‌વિરામ મુકાયું ન‌હિ.

વર્ષો પછી ૧૯૭૨માં ભારતના ‌સિંચાઈમંત્રી ડો. કે. એલ. રાવે ગંગા-કાવેરી જોડાણનો આર્થર કોટને આપેલો પ્‍લાન ફરી યાદ કર્યો. ડો. રાવ પોતે હાઇડ્રો‌લિક એન્જિનિયર હતા. જલ અને જલશ‌‌ક્તિ તેમનો ‌વિષય હતો, એટલે ઉત્તર ભારતની અને દ‌ક્ષિણ ભારતની નદીઓ વચ્‍ચે પાણીના જથ્‍થાને લગતી અસમાનતા પ્રત્‍યે તેમનું ધ્‍યાન સ્‍વાભા‌વિક રીતે ગયું. ‌હિમાલયનો બરફ પીગળવાને કારણે ઉત્તરની નદીઓ બારેમાસ બે કાંઠે વહે, જ્યારે દ‌ક્ષિણની નદીઓમાં જળની માત્રા વરસાદને આધીન રહેતી. પાણી માટે સ્‍થા‌નિકોએ પાણીપત ખેલવું પડતું. વળી ગંગાનું અને બ્રહ્મપુત્રનું વા‌ર્ષિક અનુક્રમે ૩૭૦,૦૦,૦૦૦ કરોડ લિટર અને ૪૯૪,૦૦,૦૦૦ કરોડ ‌લિટર પાણી સમુદ્રમાં વહીને વ્‍યર્થ જતું હતું. બીજી તરફ, દ‌ક્ષિણ ભારતમાં નદીઓ ઉનાળા દરમ્‍યાન તરસી રહી જતી.

આ પ્રકારની અસમાનતા દૂર કરવા માટે ડો. કે. એલ. રાવે પ્રસ્‍તાવ મૂક્યો કે ચોમાસા દરમ્‍યાન ‌બિહારના પટણામાં પૂર લાવતી ગંગા નદીનો પ્રવાહ નહેર વડે દ‌ક્ષિણમાં કાવેરી નદી તરફ વાળી દેવો જોઈએ. પ્ર‌તિસેકન્‍ડે ૧૬,૮૦,૦૦૦ ‌લિટર પાણી નહેર મારફત વહી નીકળે તો કાવેરી જળસમૃદ્ધ બને એટલું જ ન‌હિ, કુલ ૨,૬૪૦ ‌કિલોમીટર લાંબા નહેરમાર્ગમાં હજારો ગામોને ‌ગંગાજળનો લાભ મળે.

ડો. રાવનો પ્‍લાન ટકોરાબંધ હતો, પણ તેની આડે અડચણ હતી. ઉત્તરથી દ‌ક્ષિણ તરફની ૨,૬૪૦ ‌કિલોમીટર લાંબી સૂ‌ચિત નહેરના માર્ગમાં લગભગ સાડા ત્રણસો ‌કિલોમીટરનો પ્રદેશ એવો હતો કે જ્યાં ભૂપૃષ્‍ઠ ખાસ્‍સું ઊંચાઈવાળું હતું. આથી પાણીનો પ્રવાહ ઉપરવાસમાં ઠાલવવા માટે સંખ્‍યાબંધ ‌વિદ્યુત પમ્‍પને 24x7 ‌કામે લગાડવા પડે તેમ હતા. વીજળીનો બહુ મોટો પુરવઠો એમ કરવામાં ચાંઉ થઈ જાય. બલકે, દેશમાં ત્‍યારે પેદા થતી કુલ વીજળીનો અડધોઅડધ પુરવઠો પમ્‍પને ધમધમતા રાખવામાં ખર્ચાવાનો હતો. આથી ડો. કે. એલ. રાવનો પ્‍લાન પડતો મુકાયો.

■■■

વાતનો છેડો અહીં પણ ન આવ્યો. ચારેક વર્ષ પછી ભારતીય વાયુ સેનાના ‌નિવૃત્ત કેપ્‍ટન દીન્‍શો દસ્‍તૂરે ગંગા-કાવેરી ‌જોડાણના ભુલાયેલા પ્રોજેક્ટને યાદ કર્યો. ઉત્તર અને દ‌ક્ષિણ ભારતમાં અનુક્રમે સાડા ચાર હજાર ‌કિલોમીટર અને સાડા નવ હજાર ‌કિલોમીટર લાંબી નહેરોના સૂ‌ચિત પ્રોજેક્ટને તેમણે ‘ગાર્લેન્‍ડ કેનાલ’ શીર્ષક હેઠળ કેંદ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો. પરંતુ પ્રોજેક્ટનું લગભગ ૨૪,૦૦૦ કરોડ જેટલું બજેટ જોતાં સરકારે તેને માંડી વાળવો પડ્યો.

ભારતની નદીઓેને પરસ્‍પર સાંકળી લેવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઓગણીસમી સદીથી લઈને વીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ધૂળ ખાતી પડી રહી. આખરે ઓક્ટોબર, ૧૯૮૬માં સરકારે યોજનાનું આં‌શિક અમલીકરણ હાથ ધર્યું. પ‌શ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ તથા ‌બિહારમાં વહેતી ગંગા નદીના પ્રવાહનો ૧,૬૧૦ ‌કિલોમીટર જેટલો ‌હિસ્‍સો National Waterway-1 (NW-1) તરીકે પ‌રિવહન માટે ખુલ્‍લો મૂક્યો. બે વર્ષ પછી આસામની બ્રહ્મપુત્ર નદીમાં NW-2 નામનો ૮૯૧ ‌કિલોમીટર લાંબો જળમાર્ગ તૈયાર કરાયો. કેરળમાં લગભગ પોણા ચારસો ‌કિલોમીટર લાંબા NW-3નો વારો ૧૯૯૩માં આવ્યો.

■■■

આજે સમગ્ર ભારતમાં નાના મોટા મળીને કુલ ૧૧૧ નેશનલ વોટરવેઝ છે, જેમાંના ઘણાખરામાં માલવાહક નૌકાઓ હંકારે છે. (અમુક જળમાર્ગોનું કામ હજી અધૂરું હોવાથી વપરાશમાં લેવાતા નથી.) વર્ષેદહાડે ૧૨.૬ કરોડ મે‌ટ્રિક ટન માલસામાન જળમાર્ગો મારફત એકથી બીજા સ્‍થળે વહન પામે છે. અહીં સાડા બાર કરોડ મે‌ટ્રિક ટનનો આંકડો કદાચ પ્રભાવશાળી લાગે, પણ વાસ્‍તવમાં છે ન‌હિ. કારણ કે સમગ્ર દેશમાં વર્ષેદહાડે જે માલસામાનનું વહન થાય છે તેમાં જળમાર્ગોનો ફાળો પૂરો ૧ ટકા પણ નથી. બાકીના ૯૯ ટકા રેલવે અને ખટારાને આભારી છે. 

આની સામે અમે‌રિકાનો દાખલો જુઓ કે જ્યાં કુલ ઘરેલુ ઉત્‍પાદનનો ૨૧ ટકા સામાન ૪૧,૦૦૦ ‌કિલોમીટર લાંબા જળમાર્ગો મારફત વહન પામે છે. જર્મની, ફ્રાન્‍સ, સ્‍પેન જેવા યુરોપી દેશોએ કુલ મળીને પ૨,૦૦૦ ‌કિલોમીટરના વોટરવેઝ બનાવ્યા છે, જેમના પર એ દેશોના કૃ‌ષિ, વ્‍યાપારી તથા ઔદ્યો‌ગિક સામાનનો ૪૪ ટકા ‌હિસ્‍સો એકથી બીજા સ્‍થળે મોકલવામાં આવે છે.

ધોરીમાર્ગ કરતાં જળમાર્ગને ટ્રાન્‍સપોર્ટના મુખ્‍ય માધ્‍યમ તરીકે અપનાવવાના કેટલાક નોંધપાત્ર ફાયદા છે. જેમ કે,

(૧) આજે ભારતમાં ૧ ટન સામાનના વહનનો રેલવેમાં ‌કિલોમીટર દીઠ ખર્ચ ૧ રૂ‌પિયા જેટલો આવે છે. માલવાહક ખટારાના કેસમાં ખર્ચનો આંકડો પ્ર‌તિ‌ કિલોમીટર ૧.પ રૂ‌પિયો છે. પરંતુ એટલો જ સામાન જળમાર્ગે રવાના કરાય તો દરેક ‌કિલોમીટરે પ૦ પૈસા કરતાં વધુ ખર્ચ આવતો નથી. આની સીધી અને સકારાત્‍મક અસર જે તે વસ્‍તુની વેચાણ ‌કિંમત પર પડે. આથી સરવાળે તો ઉપભોગતાને તેનો ફાયદો મળે.

(૨) એક ગણતરી મુજબ માલસામાનના વહન માટે જળમાર્ગોને વધુ પ્રોત્‍સાહન દઈ માલવાહક ખટારાની વર્ષે ૨,પ૦,૦૦૦ જેટલી ખેપ ઘટાડી દેવામાં આવે તો ડીઝલની બચત પેટે પેટ્રોલિયમનું વાર્ષિક આયાત બિલ રૂ‌પિયા ૧.પ લાખ કરોડ જેટલું ઘટે તેમ છે.

(૩) ડીઝલની ઓછી ખપત માત્ર આ‌ર્થિક જ ન‌હિ, પર્યાવરણ માટે પણ લાભદાયી છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષક વાયુઓનું એટલું ઓછું ઉત્‍સર્જન થાય. ધારો કે, ૧૦ લાખ ટન સામાનને હજારો ટ્રકોમાં લાદીને લઈ જવામાં આવે તો દર ૧.પ ‌કિલોમીટરે તેમનો સંયુક્ત રીતે ૧૪૦ ટન કાર્બન ડાયોક્સાઇડ/ CO2 વાતાવરણમાં ભળે. આટલો જ માલ રેલવેથી મોકલો તો CO2નો આંકડો ૨૨ ટન કરતાં ઓછો ન હોય, જ્યારે જળમાર્ગો પર હંકારતી બાર્જ નૌકા તો ફક્ત ૧પ ટન CO2નું ઉત્‍સર્જન કરે.

(૪) જળમાર્ગોનો લાભ માત્ર પ‌રિવહન તથા પર્યાવરણ પૂરતો સી‌મિત નથી. કૃ‌ષિ ક્ષેત્રને પણ તેનો જબરજસ્‍ત લાભ મળી શકે તેમ છે. એક અંદાજ મુજબ જળમાર્ગોની નહેરોનું પાણી કુલ ૮.૭ કરોડ એકર ખેતરાઉ જમીનને બારેમાસ સિંચાઈ આપી શકે છે. દેશની તમામ મોટી નદીઓમાં પાણીનું લેવલ જળવાતાં વાર્ષિક આશરે ૩૪,૦૦૦ મેગાવોટનો  હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પેદા થઈ શકે એ વળી પાંચમો ફાયદો!

આ બધા લાભ સામે ‌યાદ રાખવું રહ્યું કે જળમાર્ગોનું ‌વિશાળ નેટવર્ક રચવા માટે નદીઓના પ્રવાહોને પલોટવા પડે. નહેરો માટે જમીન સંપાદન કરવાનું થાય, લાખો વૃક્ષોનું ‌વિચ્‍છેદન કરવું પડે અને વન્‍ય જીવોનો નૈસ‌ર્ગિક આવાસ ‌છિનવાય એવું પણ બને. પર્યાવરણને લગતી એ સમસ્‍યાઓનો કારગત ઉકેલ લાવી શકાતો હોય તો જળમાર્ગો વડે અભૂતપૂર્વ આ‌ર્થિક ‌વિકાસ સાધી શકાય તેમ છે. આ બાબતે પ‌શ્ચિમી દેશો કરતાં આપણે ઘણા મોડા પડ્યા. હવે મોળા ન પડીએ તો સારું.■


Google NewsGoogle News