દુનિયાભરમાં યૂથ સ્કિલનો અભાવ : પાકા ઘડે કાંઠા ચડતા નથી!

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
દુનિયાભરમાં યૂથ સ્કિલનો અભાવ : પાકા ઘડે કાંઠા ચડતા નથી! 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- યુવાનોમાં કોઈને કોઈ કૌશલ્ય વિકસે તે માટે આખી દુનિયામાં સેંકડો ઈન્સ્ટિટયૂટ ચાલે છે, છતાં આજેય કરોડો યુવાનોને 30 વર્ષેય ઢંગનું એક કામ કેમ આવડતું નથી?

પાકા ઘડે કાંઠા ન ચડે.

આ ગુજરાતી કહેવતનો અર્થ બહુ સમજવા જેવો છે અને બહુ જ પ્રચલિત પણ છે. ઘડો જ્યારે નીંભાડામાં પાકતો હોય ત્યારે જ એના કાંઠા બનાવી દેવા પડે છે. એક વખત ઘડો ભઠ્ઠીમાં પાકી જાય પછી છેલ્લી ઘડીએ યાદ આવે કે ઘડાનું મોઢું ચોક્કસ આકારનું બનાવવાનું રહી ગયું, તો પછી એ ન બને. માટલું બની ગયા પછી એના પર કાંઠો અલગથી ચડાવી શકાય નહીં. એ કામ ઘડો કાચો હોય ત્યારે થાય તો થાય, ન થાય તો પછી કાંઠા વગર ચલાવી લેવું પડે!

આપણી ભાષામાં આ કહેવત ઘડા માટે નથી વપરાતી. સ્કિલ, આવડત, કૌશલ્ય માટે વપરાય છે. આપણે કાન સરવા ને નજર તેજ રાખીએ તો આ કહેવત ક્યાંક સાંભળવા-વાંચવા મળી જાય. અમુક વડીલો ટેકનોલોજીનું કંઈક નવું શીખવાડીએ ત્યારે બહુ હળવાશથી કહે છે: અમે તો ખર્યું પાન કહેવાઈએ, અમને નવું ન આવડે. પાકા ઘડે થોડાં કાંઠા ચડે? ઘણાં પેરેન્ટ્સ ૨૦-૨૫ વર્ષના દીકરા-દીકરીને આ ટોન્ટ મારતા હોય છે. ઘણી વખત આ કહેવતનો ઉપયોગ ન થયો હોય ને વાત બીજી રીતે કહેવાઈ હોય તો પણ એનો અર્થ તો આ જ નીકળતો હોય છે : પાકા ઘડે કાંઠા ન ચડે.

આ જ કહેવત દુનિયાના કરોડો યુવાઓને લાગુ પડે છે. કિશોરવયમાં શીખવાની ઉંમરે જરૂરી સ્કિલ/કુશળતા શીખી નહીં એટલે મોટી ઉંમરે એવું કોઈ કામ આવડે નહીં કે જેમાંથી રોજગારી મળે. ઘણાં તક હોવા છતાં શીખ્યા નહીં, તો ઘણાંને શીખવું હતું, પણ તક મળી નહીં. સમય રહેતાં જેણે સ્કિલ વિકસાવી લીધી હોય એના માટે બેરોજગારીનો પ્રશ્ન એટલો મોટો રહેતો નથી. માન્યું, પૂરતી આવડત, ડિગ્રી હોવા છતાં ઘણાંને ક્ષમતા પ્રમાણેની નોકરી મળતી નથી, પરંતુ સ્કિલ પર ભાર મૂક્યો હોય એ લોકો તક તો ગમે તે રીતે સર્જી લેશે.

પણ આજે દુનિયામાં કરોડો યુવાનો એવા છે જેની પાસે ડિગ્રી છે, એનર્જી છે, સમય છે, શરીર સાથ આપે છે - પણ સ્કિલ નથી. સ્કિલ નથી એટલે નોકરી નથી. નોકરી નથી એટલે ક્વોલિટી લાઈફ નથી.

વિશ્વની વસતિ ૮૦૦ કરોડ છે. એમાંથી ૩૪૦ કરોડ લોકો નોકરી કરે છે ને હજુ દુનિયામાં ૭૩ કરોડ યુવાનો નિહાયત બેરોજગાર છે. આ કરોડો બેરોજગાર યુવાનોમાંથી ઘણાં બેરોજગારી ભથ્થાં પર નભે છે, ઘણાંનું પરિવાર પૂરું કરે છે. ઘણાં સંસ્થાઓની સહાયથી દિવસો કાઢી રહ્યા છે. આ યુવાનોને નોકરી ન મળવાનું સૌથી મોટું કારણ છે - આવડતનો અભાવ. આજની તારીખે દુનિયામાં ૨૮ કરોડ યુવાનો એવા છે જેમની પાસે કોઈ જ સ્કિલ નથી. અણઆવડત એ જ તેમની સૌથી મોટી ઓળખ છે. એમાંથી ઘણાં પાસે ડિગ્રીઓ છે, પણ ડિગ્રીઓ મેળવવા છતાં આટલા યુવક-યુવતીઓ પાસે આવડત નથી.

સરકારો તક સર્જતી નથી, ખાનગી કંપનીઓ નોકરીઓ આપવામાં ભેદભાવ કરે છે - એ બધા કારણો ને તર્કો થોડીવાર બાજુમાં મૂકીને વિચારીએ તો ખ્યાલ આવે કે જેનામાં કંઈ કરતાં કંઈ કરી શકવાની આવડત છે જ નહીં એને કોઈ શું કામ નોકરી આપે? નોકરી આપીને કામ શું કરાવે? કામ કરી દેશે તો એમાં કેટલી ભલીવાર હશે?

આ યુવાનો પાસે જો યોગ્ય આવડત હોત તો એ જગતના અર્થતંત્રમાં અસરકારક પ્રદાન કરી શકતા હોત. તેમની, તેમના પરિવારની અને તેમના દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે સ્કિલે મોટો ફાળો આપ્યો હોત. જો તેમની એનર્જીનો ઉપયોગ થાય તો મોટું પરિવર્તન આવી શકે એ વિચાર સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૧૪માં પહેલી વખત ૧૫મી જુલાઈએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે ઉજવ્યો હતો. ત્યારથી યુવાનોમાં કૌશલ્ય વિકસાવવાની અવેરનેસ આવે તે હેતુથી દુનિયાભરમાં દર વર્ષે ૧૫મી જુલાઈએ આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે - શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય.

૧૦-૧૦ વર્ષથી યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટની અવેરનેસનું કામ થઈ રહ્યું છે છતાં હજુય કરોડો યુવાનો એકાદ આવડત વિકસાવવાની મહેનત કરતા નથી. એશિયા-આફ્રિકાના યુવાનો આળસમાં કશું શીખતા નથી એવી વ્યાપક માન્યતા છે. એ કેટલાંક અંશે સાચું હોવા છતાં એ જ સાચું નથી. અમેરિકા-યુરોપમાં પણ કરોડો યુવાનો સ્કિલ ડેવલપ કરવામાં બેદરકાર છે. સરકારી બેરોજગારી ભથ્થું મેળવીને ખુશ રહે છે.

છેલ્લાં એક દશકામાં ભારત સહિત કેટલાય દેશોએ સ્કિલ ડેવલપમેન્ટ માટેની યોજનાઓ શરૂ કરી છે. સેંકડો પ્રોફેશ્નલ કોર્સ ચાલી રહ્યા છે. અસંખ્ય ઈન્સ્ટિટયૂટ્સ સ્કિલ ડેવલપમેન્ટ શીખવે છે. પણ એના પરિણામો હજુ જોઈએ એવા મળ્યા નથી. ઘણી વખત કોર્સ માત્ર ડિગ્રી સેન્ટ્રિક રહી જાય છે. ઘણી વખત જે સ્કિલનો કોર્સ ચાલતો હોય એમાં એક્સપર્ટ્સનો અભાવ હોય છે. ઘણી વખત પ્રેક્ટિકલ તાલીમ મળતી નથી અથવા અપૂરતી મળે છે એટલે અધકચરી સ્કિલ રોજગારી અપાવી શકતી નથી.

સ્કિલ ડેવલપમેન્ટના યોગ્ય પરિણામો ન મળવા પાછળ તાલીમાર્થીઓની માનસિકતા સૌથી વધુ જવાબદાર ઠરે છે. સ્કિલ શીખવાના પ્રયાસો શરૂ થાય એ સાથે તેમણે માની લીધું હોય કે નોકરી મળી જશે. જેટલું શીખવામાં ધ્યાન આપવાનું હોય એટલું આપ્યું ન હોય એટલે કોર્સ માત્ર સમયનો બગાડ બનીને રહી જાય છે.

પરિણામ શું આવે છે?

ઓડ જોબ્સ.

સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં બે બાબતો સૌથી મહત્ત્વની છે. એક, સમયની જરૂરિયાત પ્રમાણેની તાલીમ. બે, તાલીમાર્થીની રૂચિ. એવા કોઈ દેશમાં રહેતા હોય જ્યાં અત્યારે એઆઈની ટેકનોલોજી વિકસી નથી. સમય લાગે તેમ છે. એ દેશમાં જો એઆઈની સ્કિલ વિકસાવી તો નોકરીની તક સર્જાતા વાર લાગશે. ભારતના કરોડો આઈટી પ્રોફેશ્નલ્સને એટલે દેશ-વિદેશમાં તક મળી કે તેમની સ્કિલની જરૂર હતી. ટૂંકમાં, જેની ડિમાન્ડ હોય એવી સ્કિલ વિકસાવવી પડે.

રસ હોય એ ક્ષેત્રમાં જ સ્કિલ વિકસાવવી હોય તો એમાં ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડનું ફેક્ટર ધ્યાનમાં રાખવું પડે. મોટા વર્ગને રસ હોય એમાં સ્કિલ વિકસાવવી હોય તો બહુ જ કુશળતા જોઈશે.

આ બંને ફેક્ટર પ્રમાણે સ્કિલ ન વિકસે તો પછી જે મળે એ કામ કરવું પડે. અત્યારે દુનિયાના ૨૦થી ૨૯ વર્ષના ૧૭ કરોડ યુવાનો આવડતના અભાવે જે મળે એ નોકરી કરવા મજબૂર છે. કરોડો યુવક-યુવતીઓ સેલ્સ પર્સનનું કામ કરે છે. કોઈ જ ફોર્મલ તાલીમ વગર તેમણે ઓછા પગારમાં એ કામ કરવું પડે છે. કરોડોને મજૂરી, ખેતમજૂરી, ડ્રાઈવિંગ, માછીમારી કરવી પડે છે. ઘણાં ફૂડ પ્રોસેસિંગ, કાપડ ઉદ્યોગ, ફર્નિચર મેકિંગ જેવું કામ કરીને જેમ તેમ ગાડું ગબડાવે છે. જેને અગાઉ સ્કિલ વિકસાવવાની તક મળી ન હોય એવા યુવાનો કામ શીખતા જાય ને ધીમે ધીમે સ્કિલ વિકસાવી લે તો એને લાંબાંગાળે સારું વળતર મળતું થાય છે, પણ એની સંખ્યા માંડ ૧૦-૨૦ ટકા જેટલી હોય છે. જે થોડી ઘણી સ્કિલ પણ નથી વિકસાવી શકતા તેમને લાઈફટાઈમ આછી-પાતળી નોકરી અને ઓછા વળતરમાં કામ કરવું પડે છે.

શરૂઆતમાં સ્કિલ ન વિકસાવી તો પછી એ કામ બેહદ મુશ્કેલ બની જાય છે. આજે કરોડો યુવાનો પાસે સમય છે, એનર્જી છે, પરંતુ ચારેબાજુથી તક હોવા છતાં સ્કિલ ડેવલપ કરવામાં નિરસ છે ને કદાચ એટલે જ કરોડો યુવાનો ૩૦ના પડાવે પહોંચી ગયા હોવા છતાં એક ઢંગનું કામ કરી શકતા નથી. અગાઉની સરખામણીએ સમય બદલાયો છે. જેને કંઈ શીખવું છે એને ગમે ત્યાંથી તક મળી રહે છે. પરંતુ જેમનો સમય બીજી બધી બિનજરૂરી એક્ટિવિટીમાં વેડફાય જાય છે એ સમયસર એકેય સ્કિલ વિકસાવી શકતા નથી.

વેલ, સફળ લોકોના પ્રોફાઈલમાં નજર કરીએ તો ખ્યાલ આવે કે એમાંના ૮૦-૯૦ ટકા લોકોએ સમયસર સ્કિલ વિકસાવી લીધી હતી. ૨૦ ટકા સફળ લોકોએ કદાચ મોટી વયે નવી સ્કિલ વિકસાવીને સફળતા મેળવી હોય તો એ સેંકડો યુવાનો માટે ઉદાહરણ ન બની શકે. ઉદાહરણ તો સમય રહેતાં સ્કિલ શીખી ચૂકેલા ૮૦ ટકા સફળ લોકો જ બની શકે. ૨૦ ટકા અપવાદો હશે. સેંકડો યુવાનોમાંથી એવા અપવાદો નીકળે તો પણ એ ભવિષ્યમાં ય ૨૦ ટકા જ રહેવાના છે! સમયસર સ્કિલ શીખીને સફળ થનારા કાયમ ૮૦ ટકા સાથે બહુમતીમાં જ રહેશે.

સમજે?

અરે સમજે કી નંઈ?

હા યા ના કુછ બોલો ભાઈ! 

સ્કિલ ડેવલપ કરવાની યોગ્ય ઉંમર

સ્કિલ વિકસાવવાનો સમયગાળો ૧૨થી ૧૯ વર્ષ છે. એ પછી ઘડો પાકો થઈ જાય એટલે કાંઠા ચડે નહીં! ૧૨થી ૧૯ વર્ષ સુધીમાં કોઈ વિશેષ તાલીમ લેવામાં આવે તો એની અસર આજીવન રહે છે. એ સમયગાળામાં કુશળતા વિકસવાની શક્યતા સર્વાધિક હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ સ્કિલ ડેવલપમેન્ટ માટે ૧૫થી ૨૪ વર્ષ સુધી ભલામણ કરે છે. ૨૫ વર્ષના થયા પહેલાં કોઈ સ્કિલ ડેવલપ કરી લીધી હોય તો પાંચ-છ વર્ષ સ્ટ્રગલના ઉમેરીએ તોય ૩૦ વર્ષે વ્યક્તિને યોગ્ય વળતર મળતું થઈ જાય. ૩૦ વર્ષે સેટ થવું તેને યુએન યોગ્ય સમયગાળો ગણાવે છે.

યૂથ સ્કિલ ડે પરથી સ્કિલ ઈન્ડિયાની પ્રેરણા

નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી તેમણે ૨૦૧૫માં સ્કિલ ઈન્ડિયા મિશન શરૂ કર્યું એ દિવસ હતો ૧૫મી જુલાઈનો. દુનિયામાં બીજો વર્લ્ડ યૂથ સ્કિલ ડે ઉજવાતો હતો એ જ દિવસે 'કૌશલ ભારત, કુશલ ભારત'ની ટેગલાઈન સાથે ભારતનો આ સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. ૩૦ કરોડ યુવાનોને વિવિધ સ્કિલની તાલીમ અપાઈ છે. એમાંય અગેઈન એ જ મુદ્દો આવીને ઉભો રહે છે, તાલીમાર્થીનું પોતાનું ઈન્વોલ્વમેન્ટ ઓછું હોય કે શીખવાની ધગશ ન હોય તો પરિણામ મેળવવાનું કપરું છે. નહીંતર ભારતમાં પણ હવે સ્કિલ આવડતી હોય તો ભલે સરકારી નોકરી ન મળે તોય રોજગારી મેળવવાનું એટલું અઘરું રહ્યું નથી.


Google NewsGoogle News