પ્રેતાત્માની મદદથી વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે!

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
પ્રેતાત્માની મદદથી વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે! 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- આધ્યાત્મિક સમાધિ, ટ્રાન્સ દ્વારા માધ્યમ પ્રેતાત્મા જગત સાથે જોડાય છે અને પ્રેતાત્માઓને એના મન કે શરીરને નિયંત્રિત કરવાની અનુમતિ આપે છે...

પ્રે તાત્મા જગત સાથે સંબંધ પ્રસ્થાપિત કરી રાખનાર ચૈતસિકોને માધ્યમ (Medium) કહેવામાં આવે છે. અધ્યાત્મવાદમાં માધ્યમની ભૂમિકા ઇહલોક અને પરલોક વચ્ચે મધ્યસ્થ બનવાની છે. કુશળ માધ્યમ પ્રેતાત્માઓ સાથે સંપર્ક સાધી શકે છે. તે તેમના સંદેશા સાંભળી શકે છે અને તેમને પ્રસારિત કરી શકે છે. અથવા કોઇ આત્માને પોતાના શરીર થકી પ્રકટ થવા દઈ એના માધ્યમથી એના અવાજ કે લખાણ દ્વારા એમની વાત રજૂ કરી શકે છે. આધ્યાત્મિક સમાધિ, ટ્રાન્સ દ્વારા માધ્યમ પ્રેતાત્મા જગત સાથે જોડાય છે અને પ્રેતાત્માઓને એના મન કે શરીરને નિયંત્રિત કરવાની અનુમતિ આપે છે. ભૌતિક માધ્યમ અભૌતિક રીતે વસ્તુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ આવાગમન કરાવી શકે છે. 

અમેરિકાના ફિલાડેલ્ફિયાનો માધ્યમ લિયોનાર્ડ સ્ટોટ પ્રેતાત્મા વિદ્યાનો જાણકાર અને અનેક વિધ ચૈતસિક શક્તિ ધરાવતો હતો. એકવાર ફિલાડેલ્ફિયામાં પ્રેતાત્મા આહવાન બેઠક (Seance) યોજાઈ હતી. તેમાં સ્કેનેકટેડીમાં જનરલ ઇલેકિટ્રક માટે રીસર્ચ કેમિસ્ટ તરીકે કામ કરતા ગિલ્બર્ટ રાઇટ પણ હાજર હતા. લિયોનાર્ડના માધ્યમથી અલગ અલગ પ્રેતાત્માઓ પ્રગટ થતા હતા. આ વખતે તેના મુખેથી એક છોકરીનો અવાજ પ્રકટ થયો. તેણે જણાવ્યું કે તેનું નામ બાર્બરા હયિન્સન છે. પ્રેતાત્મા જગતમાં આવવા પૂર્વે તે અમેરિકન ઇન્ડિયન હતી. તેણે તેના ભૂતપૂર્વ જીવનની કેટલીક અંગત બાબતો પણ કહી. પછી તેણે જાહેર કર્યું કે તે એપોર્ટ વિદ્યાથી તેમને અવનવી વસ્તુઓ બતાવશે. બધા આતુરતાથી તે બતાવશે તેની રાહ જોવા લાગ્યા.

થોડી મિનિટો પછી ટેબલ પર કોઇ હળવી વસ્તુ પડવાનો અવાજ સંભળાયો - તે જ વખતે હવામાં મીઠી, માદક સુગંધ પ્રસરી ઉઠી - પૂરા પ્રકાશ સાથે જોવામાં આવ્યું તો ટેબલ પર ડાળી પરથી હમણાં જ તોડયું હોય તેવું ઝાકળવાળું ગુલાબનું ફૂલ પડયું હતું. લિયોનાર્ડની ખ્યાતિ સાંભળી ડો. હાર્લોએ તેની ત્રણચાર મુલાકાત લીધી હતી. તે ત્રણેય વખત પ્રેતાત્માના સંપર્કથી વસ્તુઓ એપોર્ટ દ્વારા તેમની આગળ પ્રકટ કરવામાં આવી હતી.

ગિલ્બર્ટ રાઇટની હાજરીમાં થયેલી એક પ્રેતાત્મા આહવાન સભામાં અમેરિકન ઇન્ડિયન થન્ડર ક્લાઉડ તરીકે ઓળખાતા મૃતાત્માનું પ્રેત પ્રગટ થયું હતું. ગિલ્બર્ટ રાઇટે પ્રયોગ વખતે પૂરતો પ્રકાશ ચાલુ રખાયો હતો અને ગિલબર્ટ રાઇટે પ્રેતાત્માને કહ્યું હતું કે તે ટેબલ પર નહીં, પણ તેમની ખુલ્લી હથેળી પર એપાર્ટથી લાવેલી વસ્તુ પ્રગટ કરે. કદાચ, લિયોનાર્ડ કે અન્ય કોઈ વ્યક્તિ હાથચાલાકી કરતી હોય તો આનાથી પકડાઈ જાય એમ વિચારીને ગિલ્બર્ટે આ ફેરફાર કરાવ્યો હતો. લિયોનાર્ડે તે ફેરફાર માન્ય રાખ્યો હતો. લિયોનાર્ડે 'સિએન્સ' દરમિયાન ટ્રાન્સની સ્થિતિમાં થન્ડર કલાઉડના આત્મા સાથે સંપર્ક સાધ્યો હતો. થોડી ઘણી પૂછપરછ થયા બાદ તેણે એપોર્ટથી દૂરના સ્થળેથી વિલક્ષણ વસ્તુ પ્રગટ કરી આપવા તૈયારી દર્શાવી હતી. આ વખતે ટેબલ પર નહીં, પણ ગિલ્બર્ટની હથેળી પર કોઇ વિશિષ્ટ વસ્તુ પ્રગટ કરવાની હતી એટલે બધાની નજર ત્યાં જ હતી. ઓરડામાં પૂરેપૂરો પ્રકાશ પથરાયેલો હતો. બે-ચાર પળ વીતી હશે ત્યાં જ ગિલ્બર્ટની હથેળી પર એક મોટું અને કઠણ માટીનું ઢેફું આવીને ગોઠવાઈ ગયું. એ ઢેફાનો અડધો ભાગ માટીનો અને અડધો રેતીનો હતો. એ ઢેફાના એક ખૂણામાં તાજા શતાવરીના છોડની કૂંપળો (Spring of wild asparagus) ઊગેલી હતી અને બીજા ખૂણામાં પશુના ચારા તરીકે વપરાતા છોડની તાજી કૂંપળો (Fresh Spring of Crover) ઉગેલી હતી. ચાર પાઉન્ડ કરતાં વધારે વજનવાળા વિશિષ્ટ જમીનના ટૂકડા જેવા એ માટીના બે ઢેફા પર બે તાજા છોડના અંકુરો પણ ઊગેલા હતા. તેની સાથે તે ઢેફુ અદ્રશ્ય માર્ગે ગિલ્બર્ટની હથેળી પર કેવી રીતે આવ્યું ? તે જમીનનો ટૂકડો બે-ચાર પળ પહેલાં જ લેવાયેલો હશે એ નિશ્ચિત હતું. વધારે વખત પહેલાં તે લેવાયેલો હોત તો છોડના અંકૂરો તૂટી ગયેલા હોત કે સૂકાઈ ગયેલા હોત. જાણે - બાજુમાંથી જ એ જમીનનો ભાગ ઉખાડીને એકદમ સાચવીને તે લઇ આવ્યા હોય એવી એની સ્થિતિ હતી.

ગિલ્બર્ટ ઇ. રાઇટ (Gilbert E-Wright) દ્વારા કડક વૈજ્ઞાનિક નિયંત્રણો હેઠળ કરાયેલા અન્ય પ્રયોગો પણ અદ્ભુત હતા. એક પ્રયોગ દરમિયાન લિયોનાર્ડ સ્ટોટે લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો ભારતનો પ્રાચીન સિક્કો પ્રકટ કર્યો હતો. એ જ રીતે પ્રાચીન અંગ્રેજી ચલણનો સિક્કો (English Farthings) પ્રકટ કર્યો હતો. એ પછી એક વિજ્ઞાનીના કહેવાથી ગિલ્બર્ટે પ્રેતાત્મા થકી થતા એપોર્ટથી એવા છોડ પ્રકટ કર્યા હતા જે એ સ્થાને ઊગતા જ નહોતા, તો કેટલાક એવા પ્રકટ કર્યા હતા જે એ ઋતુના સમયગાળામાં એમના દેશ-પ્રદેશમાં ઊગતા જ નહોતા.

એક વાર ગિલ્બર્ટ રાઇટે પોતાના જ ઘરની અંગત ઓળખવાળી વસ્તુઓ એપોર્ટથી પ્રગટ કરવા આહ્વાન આપ્યું. ગિલ્બર્ટે પોતાની સ્પેશિયલ બ્રાન્ડની દુર્લભ સિગારેટનું પેકેટ અને હસ્તલિખિત રોજનીશીની ડાયરી પર પોતાના સિગ્નેચર કરી પોતાના ટેબલના ખાનામાં મૂકી એને લોક કરી દીધું. અને તે ટેબલ જે રૂમમાં હતું તેને પણ મજબૂત તાળું વાસી તેની ચાવી પોતાના ખિસ્સામાં જ રાખી. પછી તેમણે જ્યાં પ્રેતાત્મા આહ્વાન સભા યોજાઇ હતી ત્યાં લિયોનાર્ડને એ બન્ને વસ્તુઓ એપોર્ટ કરીને પોતાને આપવા જણાવ્યું. લિયોનાર્ડો એએ પણ કરી બતાવ્યું. ગિલ્બર્ટ અને અન્ય લોકોની સમક્ષ ગિલ્બર્ટની સહીવાળુ તેમનું પોતાનું સિગારેટનું પેકેટ અને હસ્તલિખિત ડાયરી હવામાંથી પ્રગટ થયા હોય તેમ આવીને પડયા. તેમણે ખાતરી કરી કે તે ગિલ્બર્ટની સહીવાળુ જ સિગારેટનું પેકેટ અને એમની હસ્તલિખિત અંગત ડાયરી હતી. ગિલ્બર્ટે ઘેર જઇને તપાસ કરી તો તેમના રૂમના દરવાજા પર લગાવેલું તાળું એમને એમ જ હતું. ટેબલનું ખાતું પણ લોક વસાયેલું હતું. પોતાની ચાવીથી તે ખોલીને જોયું તો તેમાંથી સિગારેટનું પેકેટ અને ડાયરી ગૂમ થઇ ગયેલા હતા.  બીજા એક પ્રયોગ દરમિયાન લિયોનાર્ડે વિજ્ઞાનીના ઘરની બારીના પડદા સાથે સીવી દીધેલી નાની ઘંટડીને પડદાના ટાંકા તોડીને જ્યાં કહ્યું ત્યાં પ્રકટ કરી બતાવી હતી. એપોર્ટના આ પ્રયોગોએ વિજ્ઞાનીઓને વિસ્મયમાં મૂકી દીધા હતા.


Google NewsGoogle News