Get The App

જેઓને હીરો ગણો કે ન ગણો કોઈ પરવા જ નથી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
જેઓને હીરો ગણો કે ન ગણો કોઈ પરવા જ નથી 1 - image


- રાહુલ દ્રવિડે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના હેડ કોચ તરીકેના બોર્ડ દ્વારા અપાયેલા રૂ પાંચ કરોડના ઇનામમાંથી રૂ અઢી કરોડ જ લીધા! : ક્રિકેટ હવે જેન્ટલમેન ગેમ ભલે રહી ન હોય પણ રાહુલ દ્રવિડ જેવા જેન્ટલમેન હજુ પણ છે 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- શાંતિથી કોઈ જ અપેક્ષા વગર પ્રદાન આપનારને સમાજ બિરદાવતો થશે ત્યારે જ આબોહવા ગુણવત્તાસભર બનશે 

ક્રિ કેટ જ નહીં  પણ તમામ ક્ષેત્રોમાં એવા પ્રદાનકર્તા હોય છે જેઓનું યોગદાન આંકડાની રીતે અને ક્લાસ બંને રીતે ઐતિહાસિક હોય છે પણ આંગણીના વેઢે ગણી શકાય તેવા હીરો તરીકે જેમને સ્થાન મળવું જોઈએ તેવા આ હીરોને  તે રીતે ગણતરી કરતી વખતે કદાચ ભૂલી જવાતું હોય તેવું બનતું હોય છે, ઈતિહાસ આવી જશ ન મળતો હોય તેવી હસ્તીને 'અનસંગ હીરો' નું લેબલ લગાવે છે. આવા હીરોને લોકપ્રિયતા અને સસ્તી પ્રસિદ્ધિની દોડમાં સામેલ જ થવાની ઇચ્છા નથી હોતી.એટલે 'દિખતા હૈ વો બિકતા હૈ' જેવી રૂઢિની ખબર હોવા છતાં આ માર્ગ અપનાવવો પસંદ નથી હોતો. તેઓ પોતાને કોઈ બાજારુ ચીજ નથી માનતા કે જે વેચવા મૂકી હોય. તેઓ કોઈ લોબી, જૂથ કે કોઈના તરાપાનો  ઉપયોગ કરીને તરી જવા નથી માંગતા. આવા અનસંગ હીરો બનવા ગજબનો આત્મવિશ્વાસ જોઈએ. જેમને કોઈની પાસેથી  કંઈ સીધી કે આડકતરી રીતે જોઈતું જ નથી તેઓને જ આવા બિરુદ મળી શકે. આવા સસ્તી પ્રસિદ્ધિથી દુર રહેનાર દુર ખુણામાં ઉભા હોય છે અને તેના કરતા સ્તરમાં સાવ કરતા સાવ સામાન્ય દરજ્જાના કાગના વાઘ બની બેઠેલાઓની ઓટોગ્રાફ લેવા ચાહકો પડાપડી કરતા હોય છે, તેઓ પાસે અઢળક નાણાં નથી કેમ કે તેમનું નામ વેચવા જ નથી કાઢયું હોતું. તેમની સમકાલીન સારી અને સમાન પ્રતિભા જે તે નિર્ણાયક પળે તેમના સારા દેખાવને ઢાંકી દેતી પ્રતિભા બહાર લાવતા હોય છે તેથી આવા અંતર્મુખ ખેલાડી વધુ પાશ્ચાદમાં ધકેલાઈ જતો હોય છે. 

રાહુલ દ્રવિડ આવો જ એક મહાન ક્રિકેટર છે જે સચિન કરતા કમ નથી અને કોહલી કરતા ચઢિયાતો ટેસ્ટ મેચ બેટ્સમેન તરીકે ગણના પામી શકે તેમ છે. છતાં કદાચ નવી પેઢીના ક્રિકેટરોને પણ ખબર નહીં હોય કે દ્રવિડ કેવી હસ્તી છે. લો પ્રોફાઈલ અને સંસ્કારી એવા દ્રવિડને  ટી-૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતની ટીમના હેડ કોચ તરીકે ભારતીય ક્રિકેટ બોર્ડે રૂ.પાંચ કરોડ ઇનામ તરીકે આપ્યા ત્યારે તેણે એમ કહીને રૂ.અઢી કરોડ જ લેવાની બોર્ડને જાણ કરતા એવું કારણ આપ્યું કે મારી સાથેના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ કોચને બોર્ડે રૂ.અઢી કરોડનું ઇનામ આપ્યું છે ત્યારે મારાથી રૂ. પાંચ કરોડ કેમ લેવાય. આજે જ્યારે ગાવસ્કર, સેહવાગ, કપિલ દેવ જેવા ખેલાડીઓ રૂપિયા માટે પાન  મસાલાની જાહેરાતમાં દેખા દે છે ત્યારે નવી પેઢીને જો ઉદાહરણ આપવું હોય તો દ્રવિડનું આપવું જોઈએ. જમાનાની અસરનો ચેપ ન લાગ્યો હોય તેને પોખવાની સમાજની જવાબદારી છે. બાકી તો ખોટે સિક્કેનો જ ફાલ ઉગશે.

ચાલો નવી પેઢી અને દ્રવિડની સમકાલીન પેઢીને યાદ કરાવીએ કે દ્રવિડની નોંધ ક્યાં ક્યાં લેવાનું આપણે ભૂલી ગયા છીએ.

* ભારતીય ક્રિકેટ ઇતિહાસની એપિક ઇનિંગ અને ઓસ્ટ્રેલીયા સામેના ટેસ્ટ વિજયમાં   લક્ષ્મણે ઓસ્ટ્રેલિયા સામે રમેલી  ૨૮૧ રનની ઇનિંગ પણ સ્થાન પામે છે પણ આપણને એ યાદ નથી  કે તે સ્કોર દ્રવિડે સામે છેડે સાથ આપ્યો ત્યારે શક્ય બન્યો હતો. લક્ષ્મણ અને દ્રવિડ વચ્ચે ૩૭૬ રનની ભાગીદારી નોંધાઈ હતી.  દ્રવિડના ૧૮૦  રનના યોગદાનને યાદ નથી કરાતું. વર્ષ ૨૦૦૧માં  કોલકાતામાં રમાયેલી તે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં ૪૪૫ રન  બનાવીને ભારતને ૧૭૧ રનમાં ખખડાવી ફોલો ઓન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની સરસાઈ ૨૭૪ રનની હતી. બીજી ઇનિંગમાં ભારતે ૨૩૨ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.

દ્રવિડ છઠ્ઠા  ક્રમે બેટિંગમાં ઉતરીને  લક્ષમણ  સાથે જોડાયો હતો. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો  સ્કોર  ૪ વિકેટે ૨૫૪ રન હતો. ચોથા દિવસે ભારતની વધુ એકપણ વિકેટ ઓસ્ટ્રેેલિયા પાડી ન શક્યું. ભારતનો સ્કોર ચોથા દિવસની રમતના અંતે ૪ વિકેટે ૫૮૯ રન હતો. પાંચમાં અને આખરી દિવસે લક્ષ્મણ ૨૮૧ રને આઉટ થયો. દ્રવિડે ૧૮૦ રનનું યોગદાન આપ્યું હતું. ભારતે ૭ વિકેટે ૬૫૭ રન  ખડકીને ઓસ્ટ્રેેલિયાને ૩૮૪ રનનો પડકાર આપ્યો હતો. અને તે આખરી દિવસે જ હરભજન સિંઘે ૭૩ રનમાં છ વિકેટ ખેરવી  આસ્ટ્રેેલિયાને ૨૧૨ રનમાં ખખડાવીને  ભારતે ૧૭૧ રનથી વિજય મેળવ્યો હતો. ભારતના ક્રિકેટ ઇતિહાસની આ યાદગાર ટેસ્ટની યાદ લક્ષ્મણ જોડે જ જોડાઈ ગઈ છે .

૨૦૦૮માં સાઉથ આફ્રિકાના પ્રથમ ઇનિંગના ૫૪૦ રનના સ્કોરનો જોરદાર જવાબ  આપતા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં ૬૨૭ રન  ખડક્યા  હતા. સેહવાગ ૪૮૧ રનના સ્કોરે ૩૧૯ રન  ફટકારીને આઉટ થયો તે પછી મેચને નિશ્ચિત ડ્રો તરફ લઇ જતા દ્રવિડે ૨૯૧ બોલ રમીને ૧૧૧ રનની અડીખમ ઇનિંગ રમી હતી. સેહવાગ અને દ્રવિડે બીજી વિકેટની ૨૬૮ રનની ભાગીદારી નોંધાવી ન હોત તો ભારત કદાચ હારી ગયું હોત. ડ્ર્રો ગયેલી  ટેસ્ટ સેહવાગના નામથી યાદ રખાય છે.આ ટેસ્ટમાં ડેલ સ્ટેન, એન્ટીની. મોર્કલ, હેરીસ, કાલીસ જેવા બોલરો હતા.

 વર્ષ ૨૦૦૯માં મુંબઈમાં રમાયેલી શ્રીલંકા સામેની ટેસ્ટમાં શ્રીલંકાના પ્રથમ ઇનિંગમાં ૩૯૩ રનનો જવાબ આપતા ભારતે ૯ વિકેટે ૭૨૬ રનના સ્કોરે દાવ ડીકલેર કર્યો હતો. આ મેચના વિજયનો શ્રેય સેહવાગના નામે છે.સેહવાગે ૨૯૩ રન ફટકાર્યા પણ સામે છેડે દ્રવિડે તેને સાથ આપતા ૭૪ રન બનાવ્યા અને બંનેએ બીજી વિકેટની ૨૩૭ રનની ભાગીદારી કરી હતી. શ્રીલંકા આ ટેસ્ટ એક ઇનિંગ અને ૨૪ રનથી હાર્યું હતું.

 દ્રવિડ ઉત્કૃષ્ટ દેખાવ છતાં ઢંકાઈ ગયો હોય તેના વધુ કેટલાક પ્રસંગો જોઈએ તો ગાંગુલી અને દ્રવિડે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ ૧૯૯૬માં લોર્ડ્ઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે રમીને કરી હતી. તે ટેસ્ટમાં ગાંગુલીએ ૧૩૧ રન ફટકારીને હેડલાઈન મેળવી હતી જ્યારે તે જ ટેસ્ટમાં દ્રવિડ ૯૬ રનમાં આઉટ થઈને સદી ચુકી ગયો હતો અને તે ઇનિંગ કોઈ યાદ નથી કરતુ.

૧૯૯૯ના વર્લ્ડ કપમાં કે જે ઈંગ્લેન્ડમાં રમ્યો હતો તેમાં શ્રીલંકા સામે  દ્રવિડે ૧૪૫ રન  ફટકાર્યા હતા પણ ગાંગુલીએ ૧૮૩ રનની ઇનિંગ રમી જે ભારતનો તે વખતનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત રેકોર્ડ બન્યો હતો. ગાંગુલીની રેકોર્ડ ઇનિંગ જ યાદ રખાઈ છે.

 ન્યુઝીલેન્ડ સામે  સચિન અને દ્રવિડે ૩૮૧ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી તેમાં દ્રવિડના ૧૫૩ રન હતા પણ સચિનની ૧૮૬ રનની અણનમ ઇનિંગ જ દાદ મેળવી ગઈ. 

તમે માનશો દ્રવિડ જેવા રક્ષણાત્મક શૈલીના બેટ્સમેને ભારતની  બીજા નંબરની સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ૨૨ બોલમાં ન્યુઝીલેન્ડ સામેની વન ડેમાં (૨૦૦૩) ફટકારી હતી પણ તે મેચમાં સચિન અને સેહવાગે સદી ફટકારી અને તે રેકોર્ડની ચર્ચા જ નહોતી થઈ.

પાકિસ્તાન સામેની રાવલપીંડીમાં રમાયેલ ટેસ્ટ મેચમાં (૨૦૦૪) દ્રવિડે ૨૭૦ રન ફટકાર્યા હતા તે વિદેશની ભૂમિ પરનો ભારતના બેટ્સમેનનો સર્વોચ્ચ બીજા નંબરનો સ્કોર હતો પણ તે સીરીઝમાં સેહવાગે ત્રેવડી સદી મુલતાનમાં ફટકારી અને દ્રવિડનો રેકોર્ડ વિસરાઈ ગયો કેમ સેહવાગ વિદેશની ભૂમિ પર સર્વોચ્ચ ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યો.

તમે જાણો છો દ્રવિડ છેક ૧૨૦ વન ડે ઇનિંગ રમ્યા પછી સૌ પ્રથમ વખત શૂન્ય રને આઉટ થયો હતો.

૨૦૨૩માં હેડ કોચ તરીકે ભારત ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં અને તે પછી વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં હાર્યું હતું, નસીબ અને જશની દેવીએ તેની આકરી પરીક્ષા લઈને તેની હેડ કોચ તરીકેની  ટર્મ પૂરી થાય તે પહેલાની આખરી  જવાબદારીમાં ભારત ટી -૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું.

 વન ડે ટીમના વિકેટ કીપરને આપણે ધોનીથી માંડી પંત સુધી કેટલું મહત્વ આપીએ છીએ.પણ દ્રવિડ ૧૯૬ વન ડેમાં વિકેટકીપિંગ કરી ચુક્યો છે અને  ૧૪ કેચ ઝડપ્યા છે. તેના આ પ્રદાનની તો જાણે કોઈ મુલ્ય જ ન હોય તેમ નોંધ નથી લેવાઈ. મિસ્ટર  વોલ તરીકે તેને ઓળખ આપીને એ ભૂલી જઈએ છીએ કે દ્રવિડ ૩૪૪ વન ડે ઇન્ટરનેશનલ રમ્યો છે જેમાં ૧૦,૮૮૯ રન ૩૯.૨ની એવરેજથી તેણે ૭૧ના સ્ટ્રાઈક રેટથી કર્યા છે. ૧૫ વર્ષ તે ભારતની વન ડે ટીમમાં રહ્યો હતો. વન ડે ક્રિકેટમાં તેણે ૧૫૩ રનની ઇનિંગ સહીત ૧૨ સદી અને ૮૩ અડધી સદી જ્યારે ટેસ્ટ  મેચમાં ૩૬ સદી અને ૬૩ અડધી સદી  ફટકારી છે. ૧૬૪ ટેસ્ટમાં ૧૩,૨૮૮ રન ૫૨.૩૧ રનની સરેરાશથી તેણે બનાવ્યા છે.૨૭૦ તેનો હાઈએસ્ટ સ્કોર છે.

 ચાલો તે પણ યાદ કરી લઈએ કે સચિન તેંદુલકર(૫૧) પછી ભારત તરફથી સૌથી વધુ સદી બીજા ક્રમે દ્રવિડે ૩૬ સદી ફટકારી છે.તે પછી ગાવસ્કર (૩૪), કોહલી(૨૯),સેહવાગ (૨૩), આવે છે. 

વિધીની વિચિત્રતા જુઓ રાહુલનો ભારતીય ટીમના હેડ કોચનો વારસો હવે તુંડ મિજાજી ગૌતમ ગંભીર આગળ ધપાવશે. 


Google NewsGoogle News