નપુંસકતા: પુરુષોમાં સૌથી વ્યાપક બનતી જતી વ્યાધિ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
નપુંસકતા: પુરુષોમાં સૌથી વ્યાપક બનતી જતી વ્યાધિ 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- નપુંસકતાની સારવાર માટે 'સાઈકો એનાલિસિસ' જેવી પદ્ધતિ પ્રચલિત હતી, જેમાં દર્દીના મનમાં ધરબાયેલા બાળપણના આઘાતને શોધવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો...

એ ક હિન્દી ફિલ્મનું દ્રશ્ય યાદ આવે છે. સુહાગરાતનું દ્રશ્ય છે.  ફુલોથી સજાવેલો મહેકતો શયનખંડ છે. નાજુક નિર્દોષ હીરોઈન ઘૂમટો તાણીને પતિ-પરમેશ્વરની પ્રતીક્ષામાં લજ્જાની મારી નીચું જોઈને બેઠી છે અને પતિદેવ રૂઆબભેર દાખલ થાય છે. ત્યારબાદ દસેક મિનિટ પીટ ફલાસના ઑડિયન્સને રીઝવવા તેઓનાં કામોત્તેજક દ્રશ્યો બતાવવામાં આવે છે. પણ છેવટે અણીને સમયે પતિ પરસેવે રેબઝેબ થઈ હાંફી જાય છે. અર્થાત તે સુહાગરાત ઉજવી શકતો નથી. અને પ્રેક્ષકો સમજી લે છે કે તે 'પુરુષ'માં નથી. પતિ પણ પોતાની નબળાઈ વિષે પહેલી જ વાર જાણે છે અને સ્તબ્ધ થઈ જાય છે.

આવા જ 'થીમ' નાટકો અને નવલકથાઓમાં પણ બહેલાવી-બહેલાવીને રજૂ થાય છે. હીરોઈન પોતાના 'નામર્દ' પતિ ઉપર રોષ, આરોપ, આક્ષેપોનો ખડકલો કરે છે અને પોતાના નસીબને ભાંડે છે. આપણે ત્યાંના સામાન્ય માણસનું નપુંસકતા વિષેનું અધકચરું જ્ઞાન આવા કથા સાહિત્યમાંથી આકાર લે છે. આપણે નપુંસકતાને હોરીબલ, ભયાનક, અકળ, અકલ્પ્ય એવી ધારી લઈએ છીએ.

તેમાં વળી પાછી રોજબરોજ આવતી ભ્રામક જાહેરખબરોથી આપણા અજ્ઞાનને, આપણા ભ્રમવિભ્રમને પુષ્ટિ મળે છે. જાહેરખબરોમાં લખાય છે કે 'નપુંસકતાનો અક્સીર ઈલાજ', વાંચીને આપણે નપુંસકતા વિષે વધારે ચિંતિત બની જતા હોઈએ છીએ. આ એ વસ્તુ-વિષય છે જેમાં આપણે મોટા ભાગનો સમય કેવળ ધારણાઓથી જ ચલાવી લેતા હોઈએ છીએ.

હકીકતમાં નપુંસકતા સમજવા જેવી અને સમજી શકાય એવી બીમારી છે. આપણે ઉપર વાત કરી તેવા ફિલ્મી કથા સાહિત્ય અને છેતરામણી જાહેર ખબરોની અસર એ થઈ છે કે ઘણા લોકો અકારણ પોતાના પુંસત્વ, પોતાના પૌરુષ, પોતાની મર્દાનગી વિષે સભાન, ચિંતિત અને ઉગ્ર બની જતા હોય છે. હકીકતમાં સેક્સ દર્દીઓને નપુંસકતા હોતી જ નથી. 'નપુંસકતા' કરતાં 'નપુંસક હોવાની બીક' જ લોકોમાં વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હોય છે.

પુરુષના જાતીય કર્મને ચાર તબક્કાઓમાં વહેંચી શકાય. પહેલાં ઈચ્છા થાય પછી શિશ્નનું ઉત્થાન થાય. પછી યોનિપ્રવેશ અને અંતે પરાકાષ્ઠાના અનુભવ સહિત વીર્યનું સ્ખલન થાય. વિનોદ મિશ્રા નામનો ઉત્તર પ્રદેશનો વતની જ્યારે એવી તકલીફ લઈને આવે કે 'સા' બ મેં પત્ની કો સુખ નહીં દે સકતા! મેં મર્દ મેં નહીં હૂં!' ત્યારે આ સાંભળીને એવું હરગિજ ન ધારી લેવાય કે વિનોદ નપુંસક હશે. કેમકે વીર્યનું સ્ખલન જલદી થઈ જવાથી પણ સ્ત્રીને સંતોષ ન આપી શકાતો હોય એવું બની શકે અને એ સિવાય પણ અન્ય ઘણા રોગોમાં સ્ત્રીને સંતોષ આપવાનું અઘરું થઈ પડતું હોય છે.

મૂળ વાત એ છે કે 'નપુંસકતા' શબ્દ તબીબી ભાષામાં શિશ્નના અપૂરતા ઉત્થાન માટે જ મહદ્ અંશે વપરાતો આવ્યો છે. અંગ્રેજીમાં જેને 'ઈમ્પોટન્સ' કહેવાય છે. તેને વૈજ્ઞાનિક પરિભાષામાં 'ઈરેક્ટાઈલ ઈસ્ફંક્શન' કહેવાય છે. અર્થાત્ શિશ્નના ઉત્થાનમાં (ઈરેક્શનમાં) ખામી હોવી. 'નપુંસકતા' અથવા 'ઈમ્પોટન્સ' શબ્દ એવું સૂચવે છે કે પુરુષની ઈન્દ્રિયમાં સહેજ પણ ઉત્થાન થતું નથી. હકીકતમાં આવું ઓછા પ્રમાણમાં બનતું હોય છે. શિશ્નોત્થાનની તકલીફ ધરાવતા ઘણા ખરા દર્દીઓમાં અમુક સમયે, મળસ્કે, પેશાબની કોથળી ભરેલી હોય ત્યારે, અન્ય સાથીની હાજરીમાં, એકલા હોય ત્યારે કે હસ્તમૈથુન કરતા હોય ત્યારે અવારનવાર શિશ્નોત્થાન થતું રહેતું હોય છે. એનો અર્થ એવો થતો હોય છે કે તેમની 'નપુંસકતા'નાં મૂળ કોઈ પ્રકારની શારીરિક ખોડખાંપણમાં નહીં બલકે મનવૈજ્ઞાનિક પ્રશ્નમાં પડેલાં છે.

જેમ કે સુધીર નામના યુવકને તેની પત્નીની હાજરીમાં શિશ્નમાં ઉત્થાન નહોતું આવતું જ્યારે અન્ય આકર્ષક સ્ત્રીને જોતાં તરત જ એ ઉત્થાન સરળતાથી આવી શકાતું. તેની આ સમસ્યાનાં મૂળ તેના તેની પત્ની સાથેના વણશેલા. સુકાયેલા સંબંધમાં હતા. આ તો હજુ સમજી શકાય એવી વાત છે. પણ આ શિશ્નોત્થાનનું તો એવું છે ને કે ક્યારેક સેક્સપાર્ટનર અત્યંત ગમતો હોય અને છતાં સ્ફૂર્તિ, મૂડ, વાતાવરણ, અપેક્ષાઓ વગેરે બધામાંથી એકાદ ચીજ પણ જો બરાબર ન હોય તો શિશ્નના ઉત્થાન (ઈરેક્શન) ઉપર તેની અસર પડતી જોવા મળે છે. અને એટલે જ મોટાભાગના સેક્સ થેરાપિસ્ટો એ વાતમાં સંમત થતા હોય છે કે એકાદ વારના નિષ્ફળ શિશ્નોત્થાન (ઈરેક્ટાઈલ ફેઈલ્યોર)ને કાયમી નપુંસકતા જેવી ગંભીર બીમારી ગણી લેવી જોઈએ નહીં.

અગાઉ જોયેલા સુધીરના ઉદાહરણો કારણે એક નવી જ મુશ્કેલી સર્જાય છે. સુધીરને તેની પત્ની સાથે ઉષ્માભર્યા સંબંધો ન હોવાને લીધે ઈરેક્શનની તકલીફ હતી. પણ ઘણા પુરુષોને પત્ની સાથે સંપૂર્ણ રીતે હૂંફાળા, સારા સંબંધો હોય છે, છતાં ય શિશ્નોત્થાનની તકલીફ રહે છે. આવા પુરુષની પત્ની ક્યારેક એવી ભૂલભરેલી માન્યતા બાંધી બેસે છે કે 'મારા પતિને મારામાં રસ નથી' એટલે જ તેમને આવી તકલીફ પડે છે. તો એ માન્યતા પોતે જ એક નવી મુશ્કેલી સર્જે છે. કેમકે જો પત્ની આવું વિચારણા માંડે તો એ ત્યારબાદના તમામ જાતીય નિકટતાના પ્રસંગોએ જાણી-બૂઝીને પોતાની જાતને શરીર સુખથી અળગી રાખવા પ્રયત્ન કરે, જે ટેવ પોતે જ પુરુષમાં શિશ્નોત્થાનની મુશ્કેલી નોતરતી હોય છે.

જેમકે કેટલાંક નવપરિણીત તો કેટલાક વૃધ્ધાવસ્થાને આરે આવીને ઉભેલાં યુગલોમાં જરૂરી સ્પર્શના અભાવને કારણે શિશ્નના ઉત્થાનની તકલીફ ઊભી થઈ શકે છે. નવપરિણીત યુગલોમાં મુક્ત વાતચીતનો અભાવ, શરમાળપણું, અતિશય સંકોચ વગેરેને કારણે તેઓ 

સંપૂર્ણ પણે વસ્ત્રરહિત થવાનું તો ક્યારેક સીધો ઈન્દ્રિય સ્પર્શ કરવાનું ટાળે છે, જે ટેવ જો લાંબાગાળાની બને તો ઉત્થાનમાં મુશ્કેલી જન્માવી શકે છે. એજ રીતે વૃધ્ધાવસ્થાની શરૂઆતમાં કેટલાંક યુગલો નિરાશા, એકધારાપણું, થાક, કંટાળો, નીરસતા કે નિરુત્સાહને પરિણામે ઈન્દ્રિયસ્પર્શની માત્રા ઘટાડી દે છે. તેઓ બાકીના શરીરને પણ ખૂબ જ ઓછું સ્પર્શે છે, જેને પરિણામે તેઓ 'ઈન્દ્રિયની નબળાઈ'નો અનુભવ કરે છે.

આજ નિરીક્ષણને આધારે 'ઈરેકટાઈલ ડિસ્ફેક્શન'ના દર્દીઓની સારવાર માટે જે પધ્ધતિ અજમાવવામાં આવે છે તેમાં સધન સ્પર્શ, શારીરિક નિકટતા, શબ્દોની-હૂંફની આપ-લે, પરસ્પર આનંદનો અનુભવ વગેરે ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે.

મુંબઈ શહેરના એક જાણીતા યુરોલોજિસ્ટ કહે છે કે ૩૫ થી ૪૫ વર્ષની વચ્ચેની વયના પુરુષોમાં ઈરેક્ટાઈલ ડાય્સફંક્શનની ફરિયાદ વધતી જતી જોવા મળે છે. આ ઉંમરે યુવાન લગ્નજીવનમાં તેમ જ નોકરી કે બિઝનેસમાં સેટલ થવા મથતો હોય છે. આવાં સમયે જો તેને કોઈ એક યા બેઉ મોરચે અસલામતીનો ભય વર્તાય તો તેની સીધી માનસિક અસર કામેચ્છા પર થાય છે.

આધુનિક યુગમાં પુરુષોમાં જાતીય સમસ્યા વધી રહી હોવાના પ્રમાણ રુપે મુંબઈની હોસ્પિટલોમાં એન્ડ્રોલોજી ઓપીડીમાં પુરુષ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઈરેક્ટાઈલ ડિસ્ફંકશન જેવી સમસ્યા ધરાવતા ૫૦૦ પુરુષો દર વર્ષે સારવાર માટે આવી રહ્યા છે. ડોક્ટરોના મતે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, માનસિક તાણ, ફાસ્ટફૂડના વધુ પડતાં સેવનની અસર પુરુષોના જાતીય જીવન પર પડી રહી છે. 

મોટાભાગના પુરુષોની અકાળ સ્ખલન, ઓછા શુક્રાણુ અથવા બિલકુલ શુક્રાણુ ન હોય, પેરોનીસ ડીસીઝન (શિષ્ન વાંકુ થવું) અને અન્ય સેક્સ સંબંધિત ફરિયાદો હતી.જાતીય સમસ્યા વિશે કોઈની સાથે વાત કરવા અથવા સમજાવવા ખચકાટ અનુભવતા  પુરુષો ના મનોબળમાં પણ ઓપીડી સારવાર લીધા પછી વધારો નોંધાયો છે. એક ડોક્ટરે જણાવ્યું કે ઓ.પી.ડી.માં સલાહ સૂચન લેવા આવેલા મોટાભાગના પુુરુષોમાં આ બાબતો આનુવંશિક હતી જેને તેઓ જાતીય સમસ્યા માની લેતા હતા. આવા પુરુષોની સારવાર દવા, સર્જરી અથવા કાઉન્સેલીંગ થઈ શકે છે.

નિષ્ણાંતોના મતે જાતીય સમસ્યા ધરાવતા પુરુષો રોમાન્ટીક સંબંધ રાખવામાં શરમ અનુભવતા હોય છે. ઉપરાંત તેઓ સદંતર જાતીય પ્રવૃત્તિ ટાળવાની વૃત્તિ ધરાવતા થઈ જાય છે જેના પરિણામે તેમણે સંબંધોના અભાવે એકલતાનો અનુભવ કરવો પડે છે.

આપણા સમાજમાં ઘણા લોકો 'બાળકો ન હોવા' અને સંભોગ ન થઈ શકવો' એ બે ક્ષતિઓને સમજવામાં સેળભેળ કરી નાખે છે. 'વાંઝિયાપણું' અને 'નપુંસકતા'માં ફેર છે. નપુંસકતાને કારણે સંભોગ ન થઈ શકવાને લીધે બાળકો ન થતાં હોય એવું બહુ ઓછું બને છે. મોટાભાગનાં બાળકો વગરના પુરુષોનું પુસત્વ અકબંધ હોય છે. તેઓ સારી રીતે જાતીય સંતોષ પણ લઈ શકતા હોય છે. પરંતુ બાળક ઉત્પન્ન કરવા માટે જરૂરી એવા શુક્રાણુઓ બનવાની પ્રક્રિયામાં તથા વીર્યના બહાર નીકળવાની પ્રક્રિયામાં બાધા હોવાથી અથવા તો સ્ત્રીને ગર્ભાશયનલિકા કે અંડકોષોના રોગો હોવાથી તેઓ બાળક ઉત્પન્ન નથી કરી શકતા હોતા. આપણે ત્યાં વાંઝિયાપણું અને નપુંસકતા બન્ને ખૂબ જ શાપરૂપ, કલંકરૂપ ગણાય છે.

ટૂંકા ગાળા શિશ્નના ઉત્થાનના પ્રશ્નો વધારે પડતો દારૂ પી લેવાથી કે ભય, ચિંતા વગેરે સંજોગોને લીધે ઉપસ્થિત થઈ શકે છે. મોટાભાગના પુરુષો તેમના નિર્વિધ્ન જાતીય જીવન દરમિયાન ક્યારેક ને ક્યારેક તો શિશ્નના ઉત્થાનની સમસ્યાનો સામનો કરતા જ હોય છે. પણ એ પ્રશ્નો અલ્પજીવી હોય છે. એકાદ દિવસ માટે જે રીતે પેટ સાફ ન રહે કે હાથપગ બરાબર કામ ન આપે તે રીતે ક્યારેક એકાદ દિવસ માટે ઈન્દ્રિય પણ કામ ન આપે એવું બની શકતું હોય છે. જેઓ આવા ક્ષણિક પ્રશ્નને સાહજિકતાથી સ્વીકારી લે છે. તેઓને બહુ ગંભીર તકલીફો થતી નથી. પણ જેઓ 'આવનારી નપુંસકતા'ના ભયથી પોતાના ચિત્તને વિક્ષુબ્ધ કરી નાખે છે. તેઓને તેમના ભયને કારણે જ એ તકલીફ લાંબી ચાલે છે.

હવે જમાનો બદલાતો જાય છે. નવી ને નવી શોધો થતી જાય છે. હવે લૅબોરેટરીમાં  ઈન્દ્રિયની લંબાઈ, પહોળાઈ, સખતાઈ, તેમાં વહેતા લોહીનું પ્રમાણ, લોહીનું દબાણ, તેમાં આવેલાં લોહી ભરેલાં નાનાં નાનાં ખાબોચિયાંઓનાં કદ તથા આકારનાં માપ, શિશ્નને લોહી પૂરું પાડતી નસોની કાર્યશીલતા વગેરે ઘણી બધી વસ્તુઓની ઝીણવટપૂર્વકની ચકાસણી થઈ શકે છે અને એટલે જ હવે વધુ ને વધુ કિસ્સાઓ એવા જાણવા મળે છે જેમાં નપુંસકતા માટે કોઈને કોઈ શારીરિક ખામીઓ જવાબદાર હોય. કેટલાંક સંશોધકોના મતે વીસેક ટકા જેટલા કિસ્સાઓમાં શારીરિક ખામીઓને લીધે દર્દી નપુંસક થઈ જતા હોય છે.

લાંબા ગાળાના કાબૂમાં ન રાખી શકાયેલા ડાયાબિટીસને લીધે અથવા લાંબા ગાળાના દારૂના વધુ પડતા સેવનને લીધે ઈન્દ્રિયના ઉત્થાન માટે જરૂરી જ્ઞાનતંતુઓ (નર્વસ) ને નુકસાન થતું હોય છે. આજ જ્ઞાનતંતુઓ કમરના મણકાની અંદર આવેલ કરોડરજ્જુ (સ્પાઈનલ કૉર્ડ)માં ગંભીર ઈજા થવાને કારણે પણ બિનકાર્યક્ષમ થઈ શકતાં હોય છે. એ ઉપરાંત જે રીતે મોટી ઉંમરે તથા બ્લડપ્રેશરના દર્દીઓમાં શરીરની અન્ય લોહીની નળીઓ કડક, સખત બની જતી હોય છે. તે જ રીતે ઈન્દ્રિયને લોહી પૂરું પાડતી નળીઓ પણ સખત અને નાની થઈ જતી હોય છે.

ઉપર વર્ણવેલી બધી સ્થિતિઓમાં લોહીની નળીઓ (વાસ્ક્યુલર) તથા જ્ઞાનતંતુઓ (નર્વસ)ની નબળાઈને કારણે દર્દી નપુંસકતાનો અનુભવ કરે છે.

આ જ કારણે નપુંસકતાની સારવાર માટે જે નવી નવી પધ્ધતિઓ શોધાતી જાય છે. તેમાં ઘણાં શારીરિક મુદ્દાઓને ગણતરીમાં લેવામાં આવે છે. વર્ષો પહેલાં નપુંસકતાની સારવાર માટે 'સાઈકો એનાલિસિસ' જેવી પધ્ધતિઓ પ્રચલિત હતી, જેમાં દર્દીના અસંપ્રજ્ઞાત મનમાં ઢબુરાયેલા બાળપણના આઘાતના અવશેષોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવતો. ત્યારબાદ છેલ્લા ત્રણેક દાયકાથી પ્રચલિત બનેલ 'કન્જોઈન્ટ' થેરાપીમાં યુગલને પરસ્પર પ્રેમ, સમજ, કૉમ્યુનિકેશન, શારીરિક સાંનિધ્ય, ભય નિવારવા માટેની સૂચનાઓ વગેરે દ્વારા જે 'સેકસ્યુઅલ રિસ્પોન્સીસ' અને 'રિફ્લેક્સીસ' સુષુપ્ત થઈ ગયા છે તેને પુન: કાર્યશીલ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો. આ થેરાપીમાં નપુંસક વ્યક્તિની સારવાર માટે તેના શયનસાથીની આવશ્યક્તા ઉપર એટલો બધો ભાર મૂકવામાં આવતો કે જો દર્દી અપરીણિત હોય અથવા પત્નીથી અલગ થઈ ગયો હોય તો તેને સારવાર માટે ખાસ વ્યાવસાયિક ધોરણે તૈયાર કરાયેલા શૈયાસંગિની (સરોગેટ પાર્ટનર) પૂરી પાડવામાં આવતી. અલબત્ત, આ થેરાપી વિવાદાસ્પદ અચૂક પુરવાર થઈ હતી.

પણ હવે નપુંસકતા માટે જવાબદાર એવા રક્તવાહિનીઓ અને જ્ઞાનતંતુઓની નબળાઈ અંગેનાં જે પરિબળો પ્રકાશમાં આવ્યા છે તેને આધારે નપુંસકતાની સારવારમાં પણ ફરક આવવા માંડયો છે.

'પાપાવરીન', 'ફિનોક્સીબેન્ઝેમાઈન' તથા 'પ્રોસ્ટાગ્લેન્ડીન' જેવાં રાસાયણિક પદાર્થ નાનકડી સોય દ્વારા જો શિશ્નમાં નાખવામાં આવે તો શિશ્નને ત્રણથી ચાર કલાક અને ક્યારેક એથીય વધારે સમય ઉત્તેજનાસભર બનાવી શકાતું હોય છે.


Google NewsGoogle News