Get The App

મધમાખી અને મધપૂડો .

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
મધમાખી અને મધપૂડો                                 . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- 'મધ પર મંકોડા થાય' - લાભ હોય ત્યાં બધાં એકઠાં થાય. 'મધ હોય ત્યાં માખી ભમે' લાલચુ માણસો લાભની આસપાસ ફર્યા કરે. લાલચ આપવા માટે 'મધ અડાડવું' પ્રયોગ થાય છે

મ ધ પાડનાર કેવી રીતે મધ પાડે? એ નિહાળ્યું છે ? ગામડામાં ઝાડ-ઝાંખરાંમાં મધના મધપૂડા હોય તેના ઉપર હકડેઠઠ મધમાખી બેઠી હોય, ગુણગણાટ થતો હોય, કોઈ છોકરું અટકચાળો કરે, પથરો ફેંકે ને મધમાખી ઉડે પછી એ છોકરાની પાંપણ નીચે, ગાલે ડંખ મારે... આંખો સુઝી જાય. આંખ દેખાય નહિ એટલો બધો સોજો - કોઈવાર છાણ લગાવાય, ક્યારેક કાટ ખાઈ ગયેલું લોખંડ ઘસાય આવા ઘરગથ્થુ પ્રયોગો થાય. ડંખ વાગે ત્યારે ચીસ નીકળી જાય. એવા ડંખ કૂતરાં, વાંદરાં જેવાં જનાવરને જ્યારે વાગે ત્યારે સર્જાતુ નૃત્ય જોવા જેવું હોય છે.

ગામમાં મધ પાડનારા આવે, માથે કપડું વીંટે... બીડી ચલમ, પીતાં પીતાં, ઝાડ ઉપર ચઢે, હાથમાં ધારિયું રાખે. જ્યાં મધપૂડો હોય એ ડાળની નજીક ચુપચાપ જઈને બેસે પછી ચલમ કે બીડીનો મોંઢેથી એવો કસ લે કે ધુમાડો પછી ફુવારાની જેમ પેલા મધપૂડા ઉપર છોડે... એમ કરતાં જ જાય માખીઓ ઊડવા માંડે. મધ માખીઓ, એક પછી એક મધ પૂડાની આસપાસ ગુંજારવ કરતી હોય, થોડીક તો મધ પાડનારાની આસપાસ વીંટળાઈ ગઈ હોય, પેલો હિંમતવાળો મધ પાડવાવાળો હિંમતપૂર્વક મધ માખીઓ ઊડાડીં જ મુકે પછી એ ડાળને ધારિયાથી કાપે. અને આખો એ મધપૂડો લઈને નીચે આવી પોતાના વાસણમાં મુકે, નિતારે... એ મધપૂડો લેતી વેળાએ નિચોવતાં થોડીક મધ માખીઓ તરફડીને મૃત્યુ પણ પામી જાય. મધપૂડો લેવા માટે ધુમાડો, આગના પ્રયોગો પ્રચલિત છે. મધમાખી ઘર ખાલી કરે ત્યારે મધપૂડો ખોખલો બનાવે છે.

આવી મધમાખીઓ  હવાડે, પાણી ભરવાના નળ ઉપર બેઠેલી હોય ક્યારેક પનિહારીઓને તો ક્યારેક ઢોરને વળગી પડે ત્યારે એનો ડંખ સોજો લાવે છે. મધમાખીનો જન્મ ડંખ દેવા માટે નથી થયો, મધ સંગ્રહ કરવાનું એ કામ કરે છે. એ મધ આવ્યું ક્યાંથી ? પુષ્પો પાસેથી પોતાના ડંખ મારફતે મેળવીને એણે એકત્ર કર્યું હોય છે. મધપૂડાની ગૂંથણી વિશે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? કેવી અદ્ભુત કારીગરી!

મધમાખી મધપૂડા બનાવે એવી રીતે ભમરા માટીનાં ઘર બનાવે. ભમરા પણ પુષ્પોની પાસેથી જ મધુ મેળવે છે છતાં એ મધપૂડો બનાવતા પણ જોયા છે. એવા મધપૂડાને 'ભમ્મરિયું મધ' કહે છે. 

આપણે એમ સમજીએ કે ફૂલો પાસે રંગ અને ગંધ જ હોય છે એ ફૂલો પાસે રસ પણ હોય છે તેનાં પરિચય મધમાખી દ્વારા થાય છે. મધમાખી, ભમરાને ફૂલો સાથે ગજબનો નાતો હોય છે. મધમાખી અને ભમરા ફૂલોને શોધી કાઢતા હશે કે ફૂલો તેમને નિમંત્રણ પાઠવતાં હશે? અકળ છે ઉત્તર પણ એમના સંયોગથી જ મધ પ્રાપ્ત થાય છે. 

વરસતા વરસાદમાં પણ મધપૂડો ટકી રહે છે, મધમાં પાણી પેસી જતું નથી. મધમાખી દ્વારા સંચિત થયેલા મધને ઔષધ ગણવામાં આવે છે તેમાં ઔષધીય ગુણો રહેલા છે. મધપૂડો કળાત્મક રીતે તૈયાર કરી, તેમાં રહેવાની મધમાખી હોશિયારી ક્યાંથી લાવે છે? ચપળતા ક્યાંથી લાવે છે? ઓછા મીણમાં વધારે મધ સંઘરવાનું કામ તે કેવી રીતે કરતી હશે? એ ઘર બાંધે છે ત્યારે જે ષટ્કોણીય ઘર-ખાનાં તૈયાર કરે છે એમાં મીણ ક્યાંથી આવતું હશે? એ મીણ ફૂલોના રસનું નહિ, તેની લાળમાંથી આવે છે કે શું? કેવાં મજબૂત ષટ્કોણીય ખાનાં!! એની ભાત-ડિઝાઈનને જોયા જ કરો !! કેવી કોતરણી ! આ મધમાખી મ્હેલ રચે છે કે જેલ? કેટલા ખંતથી એ જીવનભર મધપૂડા બનાવે છે - દુર્જનને અથવા ક્ષમતા વગરનાને ફાયદો થઈ જાય ત્યારે 'આકડે મધ બેઠું' પ્રયોગ થાય છે. એમાં મધ માખીએ ખોટી જગ્યા પસંદ કરી એવો સંકતે છે. પૈસાદારની પાછળ કેટલાક લોકો મધની લાળની જેમ લટકે છે! ત્યાં પણ મધમાખીઓ જ્યાં મધ હોય ત્યાં જાય એવો કટાક્ષયુક્ત બોધ છે. 'મધ લેવા ગયો', 'મધ ચાટવા ગયો' એ બધા રૂઢિપ્રયોગો પણ ફાયદો હોય ત્યાં સ્વાર્થી માણસ જતો હોય છે તેવો સૂચિત અર્થ થાય છે. મધમાખીઓની તાકાત સિંહને પણ હંફાવે છે એમાં સમૂહભાવનાનો મહિમા છે. આપણી ભાષામાં 'મધ પર મંકોડા થાય' - લાભ હોય ત્યાં બધાં એકઠાં થાય. 'મધ હોય ત્યાં માખી ભમે' લાલચુ માણસો લાભની આસપાસ ફર્યા કરે. લાલચ આપવા માટે 'મધ અડાડવું' પ્રયોગ થાય છે. આમ મધપૂડા અને મધમાખી ઉભયની વૃત્તિ-પ્રવૃત્તિ માનવજાતને પ્રેરક બની રહે છે. 


Google NewsGoogle News