Get The App

પાઘડીભેર મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
પાઘડીભેર મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- સંગ્રહસ્થાન : કલાનો અને માનવીયુંનો મેળો

જ્યાં જ્યાં રાજા-મહારાજાઓ અને તેમના શોખ, તેમની આદતો, પસંદગી, કાર્યપદ્ધતિ, એમના સંગ્રહ, એમની રાજ કરવાની રીત, રૈયત સાથેના વ્યવહાર, અન્ય રાજા, રાજયો અને પરદેશ સાથેની લેવડ-દેવડની વાત આવે છે ત્યારે કેટલાક નોંધપાત્ર રાજાઓનાં નામ નજર સમક્ષ આવે છે એમાં વડોદરાના રાજા સયાજીરાવ પહેલા, બીજા અને ત્રીજાના ઉલ્લેખ જરૂર મળે, પણ કલા, શિક્ષણ, સાહિત્ય આદિ સંબંધે જો દેશમાં જીભે ચડેલું નામ હોય તો તે છે મહારાજા સ્વયમ્ સયાજીરાવ ત્રીજા મહિલાઓ અને બાળકીઓનાં હિતરક્ષક એવા આ 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા રાજાએ અસંખ્ય કાર્યો એવાં કર્યાં કે એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એટલે જ પરદેશથી કલાકૃતિઓને તેઓ વિદેશી ધરા સાથેના સંબંધ અને સંપર્કને કારણે જ આપણને અવગત કરાવી શક્યા. તેથી જ રજવાડાં વિલીન થઈ ગયા છતાં ગાયકવાડ પરિવારે કળા, શિક્ષણ, વાંચન, સાહિત્ય ક્ષેત્રે પોતાનું પ્રદાન  બરકરાર રાખ્યું છે, વળી, અંગત વપરાશની વસ્તુઓ તેમણે જનતાને દર્શનનો લાભ અપાવવા સારુ જાહેર જણસ તરીકે ખુલ્લી મૂકી છે. એમના પગલે મહારાજા ફતેસિંહ રાવના નામે મ્યુઝિયમ હામી પૂરાવે છે. મહારાજા પ્રતાપસિંહ અને મહારાણી શાંતાદેવીના નામે શિક્ષણ સંસ્થાઓએ ગુજરાત અને દેશની શાન વધારી છે. જે સંગ્રહસ્થાનમાં હજી આપણે રોકાયેલા છીએ એમાં હજુ ઘણાં વિભાગો એવા છે જેમાં આખેઆખા ઓરડા જાણે એવી રીતે ગોઠવ્યા-સાચવ્યા છે કે જાણે હજી તેમાં જીવ હોય.

સંગ્રહની કૃતિઓ અને કૃતિઓનો સંગ્રહ- અજોડ

અરે ! અરે ! આ દાદરા નજીક ક્યાં આવ્યાં ? રાજા રવિ વર્માનાં વડોદરા ખાતે જ બનેલાં ચિત્રો નથી નિરખવા ? જરૂર જોવાં હોય પરંતુ એ પૂર્વે હજુય અત્યંત જરૂરી છે એની નોંધ લઈએ પછી અંતે મિષ્ટાન્નનો વારો. આ ડાબી કોરે કાંક જાજને જેવું લાગે છે અને એનું સ્ટેન્ડ પોતે એક કાષ્ટકલાકૃતિ સમ ! મોટી ફ્રેઈમમાં મઢેલ સોનેરી સિલ્કના પોત પર જાપાનીઝ કારીગરોએ કરેલાં ઝીણવટભર્યાં અને છતાં વિગતવાર ભરતકામના બુટ્ટા ઉપર નજર નાખીએ. જાપાનીઝ પેગોડા શૈલી પ્રકારના ઘરો, અઢળક કુદરત- એમાં વૃક્ષો, પક્ષી, પશુ, ફૂલ, ફળ, પાન, કળી, વેલ, માનવપાત્રો, કેટલીક ઘટનાઓ, ખેતી, આકાશી તત્વો, પ્રસંગો, ઉત્સવો આદિનાં નિરૂપણ કેવાં ભવ્ય ભાસે છે ! વળી, આ તો છે ચેન્જિંગ રૂમમાં વપરાતો, મોબાઈલ પદડો- જેને સ્ટેન્ડ પર ફિક્સ કરેલો છે. સ્ટેન્ડ લાંબું-પહોળું ઝીણી કોતરણી-નકશીયુક્ત. એમાં પણ કુદરતનાં તત્વો. એના બે પાયામાં આગળ-પાછળ કુલ ચાર હાથીઓએ એનો ભાર પોતાના ખભે ઝીલ્યો છે. દાદરો ચડતાં જમણી ભીંતે રાજા રવિ વર્માએ અન્ય સ્થળે બનાવેલાં અને કેટલાંક અહીં બનાવેલાં ચિત્રોની તસવીરોમાં ઝાંખી કરતાં કરતાં પહેલે મજલે પહોંચીએ ત્યાં મળે અસંખ્ય માથાબંધણાં! મહારાજા રણજિતસિંહ ગાયકવાડના અંગત અને આગવા સંગ્રહમાંથી લવાયેલો પાઘડીઓનો, અફાટ ઘૂઘવતો સાગર, ભાઈ, આવું તો રાજવીઓને જ શોભે હોં ! ગુજરાત લલિત કલા અકાદમી પુરસ્કૃત આ રાજાને શ્રેષ્ઠ કલા આચાર્યનો પુસ્કાર મળેલ. પી.એચ.ડી. જુદા જુદા વિભાગોમાં અગણિત પાઘડીઓનો વ્યવસ્થિત સંગ્રહ. બાળકોના વિભાગમાં પાઘડીના નામ : કેપ, બેબીકેપ, લંગા, ફસ્તી, નટિયા, બોશિલા, બિશ્નોઈ, સિંધી, પારસી વગેરે. ભરતકામવાળી, ઝૂલવાળી, લેસવાળી પણ ખરી.

હાલાજી તારા હાથ વખાણું રે પટી તારા પગલાં વખાણું?

અનેક વિભાગો પૈકી આપણા ગમતા વિભાગો અને દીર્ઘાઓમાં ફરીએ. પ્રકૃતિદીર્ઘામાં 'લેન્ડસ્કેપ'ની વિશાળ શ્રેણીમાં કુદરતી સૌંદર્ય, આકાશ, ધરા, વૃક્ષ, પથ્થરો, નદી, ઝરણાં, પર્વત, પાણીમાં પ્રતિબિંબિત થતા વૃક્ષો અને પર્વત શિખરો રસિકોને સાદ દેતા લાગે. હજી સુધી રંગ અને કેનવાસ જેના જીવંત અને આકર્ષક લાગે છે એવાં ચિત્રો જળરંગ અને તૈલરંગમાં તૈયાર થયાં છે. ક્યાંક ઘાટા-ઘેરા રંગો તો વળી ક્યાંક પેસ્ટલ રંગોની પણ આભા મુલાકાતીઓને ઘડીક ત્યાં થોભવા મજબૂર કરે. કુદરતના લીલા, પીળા, વાદળી, ભૂરા, લાલ, શ્યામ, કેસરી રંગો નજર સમક્ષ સૌંદર્યની પરિભાષા બની જાય. ન માત્ર ચિત્ર; પણ તેમની ફેઈમ્સ પણ ભારે સૌંદર્યવતી લાગે અને ભારે તો વજનમાં એ છે જ. એની ઉપરની કોતરણી, નકશી, નકશીમાં ફૂલપત્તી, વલ્લરી ચિત્રમાં હવલા પાત્રોની સાથે સંગત કરતા હોય એવું લાગે. કોને કોને વખાણીએ ? દેશ-વિદેશના કલાકારોની કૃતિઓના આ સહિયારા પ્રદર્શનમાં તેમજ તેમના કલાતત્વમાં કોણ કોની ઉપરની પ્રેરણા લે છે એ સમજાય નહિ એવાં મૌલિક લાગે છે. ચિત્રોને નિહાળતાં કવિતા ન સ્ફૂરે કે સ્ફૂટ ન થાય તો જ નવાઈ. જો કુદરતના ચિત્રોના કલાકારની ઝાંખી કરીએ તો કુદરતને સર્જનારા મહા કલાકારની મહાશક્તિની- મહાપ્રેરણાની- મહાદ્રષ્ટિની ઝાંખી ન કરીએ ? જો એ શક્ય હોય તો આંતરમનમાં ડોકિયું કરવાથી એની ભાળ મળી જાય. પરમ શક્તિ પરમાત્મા અને કુદરત એક સિસ્કાની બે બાજુ બની જાય. સંગ્રહસ્થાનમાં દેખાતી, નિર્જીવ લાગતી કૃતિઓની કલામાં અને કલાની કૃતિઓમાં ચાલો, ખૂંપી જઈએ. એ કૃતિઓ અચૂક આપણી સાથે દોસ્તી કરે !

સિર સલામત તો પઘડિયોં અનેક

હેડગિયર કહેવાતી ગાયકવાડી પઘડી, મહારાષ્ટ્રિયન પઘડી, હોલકર પઘડી, પુણેશાહી, બ્રાહ્મિન, શિંદે. ગુજરાતી પાઘડીઓમાં ગુલખેર, કસબી, કચ્છી, સાફા, ધૂતલી, ફેન્ટા, પ્લેઈન ટર્બન, અબડાસાશાહી, કેસરી, ધોતાલી, ચંદેરી, રાજપૂત, કારનંદા બોહરા. ડેકોરેટિવ પાઘડીઓ- ધોક, મોરચલ, દરબાર, કલકત્તી, જરીકસબ, મીના, બ્રાઈડગુ્રમ, ચૌહાણ વરરાજા (વાંસની). વધૂ માટે સિંધી, મુસ્લિમ, કિર્કિયા (આદિવાસી), જોધપુર, અમરશાહી, મહારાજાની પોતાની લાલ કેપ પ્રકારની પાઘડી. રાજપૂતોની ભ્રમાશૈલીમાં કાવડ, વેપારી, સૌનીશૈલી, જોધપુરની વરરાજાની સેહરા ટાઈપ, નાગૌરી, માલની, ગુલેચા, મીના, મહેશ્વરી, માંગલ્ય, સુથાર, ભરવાડ, ભાટ, સેથિયા ઓસવાલ, ગાવરિયા, સંચેતી, બુટ્ટાદાર ઈત્યાદિ. આ સઘળીય પાઘડીઓ મોટાભાગે કાપડ ઉપર હોય, સિલાઈ, રંગ, ઘાટ અલગ-અલગ. વજન, કદમાં પણ વૈવિધ્ય, બે બાજુ શીંગડા કાઢે તેવી, ફૂમતાદાર, લહેરિકા કે બાંધણીની પાઘડી, જરીકસબવાળી શુભ પ્રસંગો માટે વપરાતી. આટલી વિશાળ શ્રેણી ઉપરાંત સમોદ શૈલી, બ્રાહ્મણ શૈલી, ઓસવાલ, ધૌલપુર, દરબારી, કલગી-છોગાંવાળાં ઝાલોર ઈત્યાદિ. અહીં પાઘધારી રાજાઓનાં તૈલચિત્રો પણ છે. મહારાજા સવાઈ માઘોસિંહ, મિર્ઝારાજા રામસિંહ, મથુરિયા પંડિત, મહારાજા સવાઈ ઈશ્વરસિંહ વગેરેએ શિર પર કવચ જેવી પાઘડીઓ ધારણ કરેલી છે. અધધ... વૈવિધ્ય જોઈ આંખલડી ઠરે પછી ભારતના પ્રથમ શાસ્ત્રીય ચિત્રકાર રાજા રવિ વર્માની કૃતિઓ નરી આંખે જોવાની તાલાવેલી લાગે.

લસરકો : અમદાવાદની એક અંગત સંગીત બેઠકમાં મહારાજા રણજિતસિંહે જૈફ વયે પ્રસ્તુતિ ટાણે કરેલું વિનયસભર વિધાન : ''હું હજી ગાયન શીખું છું,''


Google NewsGoogle News