શબ્દ અને મૌનમાં સમાન રીતે વ્યક્ત થાય તે જીવન
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- શબ્દ નહીં અશબ્દ પણ સાંભળીએ, બુધ્ધિ નહીં હૃદય પણ સાંભળીએ, અવાજ નહીં મૌન પણ સાંભળીએ, ઉપસ્થિતિ નહીં અનુપસ્થિતિ પણ સાંભળીએ...
પ શ્ચિમના એક નગરમાં વિશ્વખ્યાત વિચારક-વક્તા એક જીવન જીજ્ઞાાસાથી ભરેલી ટોળી વચ્ચે બેઠા હતા- પ્રશ્નોતર ચાલતા હતા. જેની આંખો જીવન વિસ્મયથી છલકાતી હતી તેવી એક યુવતીએ પૂછયું, 'તમારી પાસે વીસ વરસની વ્યક્તિ જીવી શકે, તેવી શૈલી કે સૂચન, વાત કે વિચાર છે?' તો વિચારક જવાબ આપે છે, 'જગતની દરેક વસ્તુ અને વ્યક્તિને હૃદયથી સાંભળો. તે સાંભળ્યા પછી તે વાત-વિચાર સાથે સ્થિરતા અને સમગ્રતાથી બેસો. તેને અનુભવો અને આત્મસાત કરો.' ત્યાં એક વૃધ્ધ સ્ત્રીએ ઉભા થઈને પૂછયું, 'તમારી પાસે સાંઇઠ વરસની વ્યક્તિએ શી રીતે જીવવું જોઈએ તે અંગે કોઈ સૂચન છે?' અને એક પળના પણ વિલંબ વિના પેલા વિચારકે જવાબ આપ્યો, 'જગતની દરેક વસ્તુ અને વ્યક્તિને હૃદયથી સાંભળો. તે સાંભળ્યા પછી તે વાત-વિચાર સાથે સ્થિરતા અને સમગ્રતાથી બેસો. તેને અનુભવો અને આત્મસાત કરો.' ખરેખર તો આવા બધા સવાલોનો આ એક જ જવાબ છે.
કારણ, સાંભળવું એ ક્રિયા છે, કૃત્ય છે. પસંદગીના સ્વાતંત્ર્ય પછી લેવાયેલ નિર્ણય છે. ઓથેન્ટીક મુલાકાત કે આત્મવાન સંવાદ માટે અન્યને સમગ્રતાથી-સ્થિરતાથી-સંવેદનશીલતાથી સાંભળવો અનિવાર્ય છે. કોઈ પૂર્વધારણા અને પૂર્વગ્રહો વિના અન્યને સાંભળવો એ માનવીય લક્ષણ છે. ફ્રેન્ચ સાધિકા સિમોન વેલ(ઈ.સ. ૧૯૦૯ થી ૧૯૪૩) તો કહેતા, 'અન્યને સાંભળવો, અન્ય ઉપર ધ્યાન આપવું, અન્ય પ્રત્યે નિસબત રાખવી એ ઉચ્ચતમ કરુણા છે.' અન્યને સાંભળવાની અને સમજવાની સંવેદનશીલતામાંથી કરુણાનો પ્રારંભ થાય છે.
કમનસીબે, આપણે ઉતાવળમાં છીએ તેથી આપણા જીવન મારગમાં આવતી કોઈ પણ વસ્તુ, વિચાર, વ્યક્તિ સાથે આત્મીય સંવાદ રચાતો નથી. આપણો જીવન સાથેનો પરિચય માત્ર નામો-વિશેષણોનો બનેલો છે. આપણે 'વડલો' બોલીએ-જાણીએ છીએ પછી તેના 'વડ-ત્વ' ને નથી મળતા. આપણે 'ગંગા' નામને ઓળખીએ છીએ પણ તેના 'નદી-ત્વ' કે વહેણને પામતા નથી. આપણે જજમેન્ટલ છીએ, 'અ' લોભી છે, 'બ' લુચ્ચો છે. બસ! દરેકની વિશેષણ ફાઈલ આપણી પાસે તૈયાર છે. એક અર્થમાં આપણો દરેક અનુભવ બુધ્ધિ-મન-શબ્દથી ગળાયેલ અને ચળાયેલ હોય છે. આપણા થેલામાં સૌને માપી અને મૂલવી શકાય તેવા કાટલાં અને ફૂટપટ્ટી છે. તેથી ક્યારેય પ્રેમ-મૈત્રી પૂર્ણ સંવાદ રચાતો નથી. શાયર ઈરશાદ કામિલ ફરિયાદ કરે છે :
એક કરવટ આપકા
એક કરવટ મેરા ભી
એક છત મેં જાગના
રિશ્તે કો અપને ક્યા હુઆ?
સાઈકાટ્રીસ્ટની અર્ધી સારવાર અને ઉપચાર તો દર્દીને સાંભળવામાં આવી જાય છે. અન્યને સાંભળીને જ આપણે પૂરવાર કરીએ છીએ કે આઈ એમ કન્સર્ન... પ્રેમ-મૈત્રીની ખરી કસોટી એ તો છે, સવાલ પૂછયા વિના, સંદેહ કર્યા વિના, ચૂકાદા આપ્યા વિના સાંભળવું. ટોમસ લ્યોડ ક્વાલ્સ તો સૂત્ર આપે છે, 'થોભો, સ્થિર થાઓ, સાંભળો.. કથાઓ તો સર્વત્ર છે.'
જીવન એટલે;
શબ્દ નહીં અશબ્દ પણ સાંભળીએ,
બુધ્ધિ નહીં હૃદય પણ સાંભળીએ,
અવાજ નહીં મૌન પણ સાંભળીએ,
ઉપસ્થિતિ નહીં અનુપસ્થિતિ પણ સાંભળીએ,
બોલાયેલું નહીં વણબોલાયેલ પણ સાંભળીએ,
જીવન શબ્દ અને અશબ્દમાં સમાન રીતે વ્યક્ત થાય છે, ચાલો સાંભળીએ..