મંત્રના સ્વરોનું ગાન અને સંગીતના રાગોનું ગાયન શરીરના રોગોનું નિવારણ કરવાની ક્ષમતા ધરાવે છે!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ધ્વનિ તરંગોથી અંત:સ્રાવી ગ્રંથિઓ સક્રિય થઈ જાય છે અને ેતમાંથી નીકળતા રસાયણો માનસિક-શારીરિક સ્થિતિમાં ભારે પરિવર્તનો લાવે છે...
'અભ્યસ્યમાનો નાદોડયં બાહ્યમાતૃણુતે ધ્વનિમ્ ।
પક્ષાદ્વિપક્ષેપમખિલ જિત્વા યોગી સુખી ભવેત્ ।।
અભ્યાસ કરાયેલો આ નાદ બાહ્ય ધ્વનિને
પણ ઢાંકી દે છે, આ રીતે એક પક્ષમાં જ
યોગી ચિત્તની બધી ચંચળતાને જીતીને સુખી થઈ જાય છે.'
'ચિત્તાનંદ તદા જિત્વા સહજાનંદ સંભવ : ।
દોષ દુ:ખ જરા વ્યાધિ ક્ષુધા નિદ્રા વિવર્જિત : ।।
ત્યારે નાદના વિષયીભૂત અંત:કરણની વૃત્તિથી
પ્રાપ્ત સુખને જીતીને સ્વાભાવિક આત્માના
સુ ખનો આવિર્ભાવ થાય છે. વાત, પિત્ત, કફ રૂપ દોષ, દુ:ખ, વૃધ્ધાવસ્થા, રોગ, ભૂખ-તરસ, નિદ્રા આ બધાથી રહિત બની તે યોગી આત્મ-સુખી થઈ જાય છે.'
શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમાં 'વિભૂતિ યોગ' નામના અધ્યાયના બાવીસમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે - 'વેદાનાં સમાવેદોડસ્મિ - વેદોમાં હું સામવેદ છું.' વેદ છે જ્ઞાાન અને સામ છે ગાન. એટલે સામવેદ ગાનના જ્ઞાાનનો ઈશ્વરીય ભંડાર છે. ગાનનો ગહન સંબંધ ભાવ-સંવેદના સાથે છે. અનુભૂતિની અભિવ્યક્તિ ત્રણ પ્રકારે થાય છે - ગદ્ય, પદ્ય અને ગાન. જ્ઞાાનની કોઈપણ ધારા આ માધ્યમોથી જ વ્યક્ત થાય. વેદ જ્ઞાાનનો મૂળ સ્ત્રોત ઈશ્વર જ છે. જ્ઞાાનની સાર્થકતા અને પૂર્ણતા ત્યારે જ આવે જ્યારે તે તેના મૂળ સ્ત્રોત - ઉદ્દગમ સ્થાન સુધી અતિક્રમણ કરીને પહોંચે. ઈશ્વર સુધી પહોંચવા ભાવનાનો યોગ જરૂરી છે.
શાસ્ત્રોમાં કહ્યું છે - 'ન કાષ્ઠે વિદ્યતે દેવ :, ન પાષાણે ન મૃણ્મયે । ભાવે હિ વિદ્યતે દેવ :, તસ્માત્ ભાવો હિ કારણમ્ ।। લાકડાની મૂર્તિમાં દેવ વસતા નથી, તે રીતે પથ્થરની કે માટીની મૂર્તિમાં પણ દેવ વસતા નથી. ચિત્ત કે હ્ય્દયના ભાવમાં જ દેવ કે ભગવાન વસે છે તેથી ભાવ ઉત્પન્ન કરવો. ભાષાને ભાવપૂર્ણ બનાવવાના પ્રયત્નમાં જ મંત્ર બન્યા. ગદ્ય કરતાં પદ્યમાં ભાવ-સંયોગ અને ભાવો ટ્રેકની ક્ષમતા વધારે છે એવું જોવામાં આવ્યું. અંગ્રેજ કવિ વિલિયમ વર્ડસવર્થે પણ કવિતાની વ્યાખ્યા આપતાં કહ્યું છે - - ‘A Poem is the Spontaneous overflow of Powerful feelings and emotion recollected in tranauility : કવિતા એ શક્તિશાળી, બળવત્તર લાગણીઓની અનુભૂતિનો આકસ્મિક ઉદ્રેક, ઊભરો છે અને ભાવ-લાગણીનું પરમ શાંતિની ઉપલબ્ધિ રૂપે ઉપશમન છે.
ઋષિ મુનિઓએ જ્યારે પદ્યને ગાન-વિદ્યા સાથે જોડયું તો ભાવનાનો પ્રવાહ વધારે અસરકારક રીતે પૂર્ણતાપૂર્વક ઉદ્દઘાટિત થયો જ્યારે વેદના પદ્ય મંત્રોને ગાન વિદ્યા સાથે જોડીને પ્રાણવાન બનાવવામાં આવ્યા ત્યારે 'સામવેદ' બન્યો. વેદોના પદ્યમંત્રો, ગદ્ય મંત્રો અને ગાનમંત્રોએ ત્રણેયમાં ગાન મંત્રોનો મહિમા વિશેષ છે. શાસ્ત્રકારોએ કહ્યું છે - સ્વરેણ સંલ્લીયતે યોગી - સ્વર સાધનાથી યોગી પોતાને તલ્લીન કરે છે. સ્વર યોગ, નાદ યોગથી સાધક પર બ્રહ્મ, પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. એટલે જ ઋગ્વેદમાં કહેવાયું છે - અભિસ્વરન્તિ બહવો મનીષિણો રાજાનમસ્ય ભુવનસ્ય નિંસતે । (૯-૫૮-૧૩) અનેક મનીષી વિશ્વના મહારાજાધિરાજ ભગવાન એટલે કે પરમતત્વ પરત્વે સંગતમય સ્વર લગાવે છે અને એના થકી એમને એટલે કે ભગવાનને પ્રાપ્ત કરી લે છે.
ઋગ્વેદના એક અન્ય મંત્રમાં કહેવાયું છે કે ઈશ્વર પ્રાપ્તિ માટે જે ભક્તિ ભાવ પ્રાપ્ત કરવો જરૂરી છે એમાં એ ભાવને જાગૃત કરવા ગાયનનું યોગદાન સર્વાધિક વિશે, છે. 'સ્વરન્તિ ત્વા સુતે નરો વસો નિરેક ઉક્થિન : ... । હે શિષ્ય ! તું તારા આત્મિક ઉત્થાન માટે મારી પાસે આવ્યો છે. હું તને ઈશ્વરનો ઉપદેશ આપું છું. તું એને પ્રાપ્ત કરવા માટે સંગીત સાથે એમને પોકારીશ તો તે તારી હ્ય્દય ગુફામાં પ્રકટ થઈ તેમનો પ્રેમ તને પ્રદાન કરશે ?' (૮-૩૩-૨)
સંગીતના દ્રશ્ય - અદ્રશ્ય પ્રભાવોના અનુસંધાનમાં મગ્ન ઋષિ-મુનિઓને સ્વર-શક્તિથી એવી ચમત્કારિક શક્તિઓ અને યોગ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જે અકલ્પ્ય છે. સામવેદમાં ઈશ્વરીય સંગીત શક્તિના એવા ગૂઢ રહસ્યો સમાહિત થયેલા છે જેને જાણીને તેનો ઉપયોગ કરાય તો માનવી અમોધ, વિરાટ આત્મબળ પ્રાપ્ત કરી શકે છે.
પશ્ચિમના વિદ્વાનો પણ હવે સ્વર શક્તિના અકલ્પ્ય ચમત્કારિક પ્રભાવને સ્વીકારે છે. વિશેષજ્ઞાો જણાવે છે કે વિભિન્ન રાગ-રાગિણીઓ ઈન્ફ્રા સોનિક અને અલ્ટ્રા સોનિક સ્તરના ધ્વનિ તરંગો પેદા કરે છે જે એમનામાં રહેલી તીવ્રતા, મધુરતા અને કર્કશતાને કારણે અલગ અલગ પરિણામ ઉત્પન્ન કરે છે. ચાર્લ્સ કીલ અને ઓગોલિકી નામના વિજ્ઞાાનીઓએ જુદા જુદા સ્વર માધુર્યવાળા સંગીતના પ્રભાવને માનસિક રોગીઓ પર પરીક્ષણ કર્યું છે. રોગીઓને બે વિભાગોમાં વહેંચીને એક સમૂહને ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણીઓ ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, પ્રસન્નતા વધારી પ્રફુલિલતતા પ્રદાન કરે એવા પ્રકારના હતા. જ્યારે બીજા સમૂહને વિદેશી પોપ મ્યુઝિક-સંભળાવવામાં આવ્યું. એનું પરિણામ એવું આવ્યું કે જેમને ભારતીય શાસ્ત્રીય સંગીત સંભળાવવામાં આવ્યું હતું તે મનોરોગીઓમાંથી લગભગ ૮૦ % જેટલા સ્વસ્થ થઈ ગયા. જ્યારે એ સમૂહ જેમને પાશ્ચાત્ય પોપ મ્યુઝિક સંભળાવવામાં આવ્યું હતું તેમાંથી મોટાભાગના મનોરોગીઓની પરિસ્થિતિ પહેલા કરતા વધારે બગડી ગઈ. તેમણે તેમના પુસ્તક 'ધ મ્યુઝિકલ મીનિંગ' આવા અનેક પ્રયોગો અને પરીક્ષણોની ચર્ચા કરી છે.
વિખ્યાત શરીર વિજ્ઞાાની જૂલિયટ એલ્વિને આ વિષય પર પ્રયોગો કર્યા હતા. એમના સંશોધનોનો સાર રજૂ કરતા તેમણે લખ્યું હતું - 'સંગીત આપણા મન, મસ્તિષ્ક, સંવેગો, લાગણીઓ અને શરીર પર ખૂબ પ્રભાવ ઉત્પન્ન કરે છે.' રશિયન વિજ્ઞાાની કુદ્રયાવત્સેવ દર્શાવે છે કે ધ્વનિ તરંગોથી અંત:સ્રાવી ગ્રંથિઓ સક્રિય થઈ જાય છે અને ેતમાંથી નીકળતા રસાયણો માનસિક-શારીરિક સ્થિતિમાં ભારે પરિવર્તનો લાવે છે. બ્રિટનના શરીર વિજ્ઞાાની ડૉ. એડવીના મીડ અને અમેરિકાના ચિકિત્સાશાસ્ત્રી એડવર્ડ પોડોલ્સ્કીએ પણ એમના સંશોધનો બાદ કહ્યું છે કે સંગીતના સ્વરોમાં રોગનિવારક શક્તિ છે.