રિક્તોદરી : જેમનું ઉદર સંપૂર્ણપણે રિક્ત છે એવી તાંત્રિક દેવી!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- 'મારું કાર્ય જો પૂર્ણ થયું હોય તો હવે મને જીવિત રાખવાનો શો અર્થ?' અરુણ કુમારની જીભ ઉપર કડવાશ તરી આવી, 'મારી બલિ આપી દો!'
અં તિમ ભાગ) મોડાના ચાર માસના ગર્ભનો નિષ્ઠુર બલિ અપાયા બાદ અરુણ કુમાર શર્માને આંદામાન-નિકોબાર ટાપુના તાંત્રિક કબીલાની કુળદેવીના મંદિરમાં લઈ જવામાં આવ્યા. આજ સુધી એમણે કંકાલકાલીનું મૂર્તિમંત સ્વરૂપ જોયું નહોતું. પહેલી વખત એમણે જ્યારે મહાદેવીનું વિકરાળ સ્વરૂપ જોયું, ત્યારે ભયથી થથરવા લાગ્યા. વિશાળકાય કાળીમેશ મૂર્તિ. વર્ષ ૧૯૫૨માં ખોદકામ દરમિયાન મળી હતી, અદ્દલોદ્દલ એના જેવી જ! કંકાલકાલીનાં ખોળામાં દેવી નીલ સરસ્વતી બિરાજમાન હતાં અને એમના હાથમાં ભગવાન શ્રી ઉચ્છિષ્ટ ગણપતિ.
મોડાએ મૂર્તિનું રહસ્ય ઉજાગર કરતાં કહ્યું કે, 'કંકાલકાલીને 'દેવી રિક્તોદરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. કંકાલ અર્થાત્ હાડપિંજરથી અલંકૃત દેવી એટલે કંકાલકાલી! તેમનું ઉદર સંપૂર્ણપણે રિક્ત હોવાને કારણે એમનું એક નામ રિક્તોદરી છે. તું અહીં આવ્યો, ત્યારે મારું પદ આ કબીલામાં નીલ સરસ્વતી દેવીનું હતું, પરંતુ મહાભૈરવી અર્થાત્ સ્વયં રિક્તોદરી બનવા માટે મારા ઉદરનું રિક્ત થવું આવશ્યક હતું. તેં આપેલાં ગર્ભને કારણે હું મહાભૈરવીનું પદ પામવાને યોગ્ય બની, પરંતુ એ સત્તા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રી ઉચ્છિષ્ટ ગણપતિરૂપી ગર્ભનું બલિદાન આપવું જરૂરી હતું.' (ઉચ્છિષ્ટનો અર્થ જ થાય 'એંઠું'/'તરછોડાયેલું'/ 'બાકી વધેલું'!)
અરુણ કુમાર સ્તબ્ધ બનીને આખી વાત સાંભળી રહ્યો હતો.
'જ્યારે મારા ઉચ્છિષ્ટ ગર્ભનું સૌએ સેવન કર્યુ, ત્યારે હું દેવી રિક્તોદરીની સમકક્ષ બની શકી!' મોડા ખડખડાટ હસી પડી.
આવા અંધશ્રદ્ધાથી ભરેલાં રીતિ-રિવાજો અને નિર્દય કૌલાચારી તંત્રપ્રયોગને કારણે અરુણ કુમાર ક્રોધિત થઈ ગયા. ગર્ભમાં ઉછરી રહેલાં બાળકનું આવું ક્રુર મૃત્યુ જોઈને તેઓ હચમચી ગયા હતા.
તેમના હાવભાવ પારખી ગયેલી મોડાએ કહ્યું કે, 'પાછલાં ૫૦૦ વર્ષથી આ વિધિ-વિધાનો સાથે જ મહાભૈરવીનું ચયન થાય છે. ભારતવર્ષથી એક તાંત્રિક પાંચ સદી પહેલાં અહીંના જંગલોમાં આવીને વસ્યો હતો અને તેના નિર્દેશન હેઠળ જ આ કબીલાના રીતિ-રિવાજો નક્કી થયાં છે.'
'મારું કાર્ય જો પૂર્ણ થયું હોય તો હવે મને જીવિત રાખવાનો શો અર્થ?' અરુણ કુમારની જીભ ઉપર કડવાશ તરી આવી, 'મારી બલિ આપી દો!'
'જો તારી બલિ આપી દઈશું, તો અન્ય મહિલાઓને નીલ સરસ્વતીના પદ સુધી કોણ પહોંચાડશે? તને ત્યાં સુધી જીવિત રાખવામાં આવશે, જ્યાં સુધી તારા શરીરમાંથી પ્રાણ સંપૂર્ણતઃ શોષી ન લઈએ!' મોડાની આંખોમાં પથરાયેલી ચમક જોઈને અરુણ કુમારનું કાળજું કંપી ગયું.
ગણતરીના દિવસોની અંદર જ તેની પાસે અલગ અલગ મહિલાઓને સહવાસ હેતુ મોકલવાની શરૂઆત થઈ ગઈ. એક પછી એક સ્ત્રીઓ ગર્ભવતી બનતી ગઈ અને એમની નજર સમક્ષ આ ખૂની ખેલ રમાતો રહ્યો. ઘણી વખત એમણે ભાગવાની કોશિશ કરી, પરંતુ સઘળું વ્યર્થ! કબીલાની સ્ત્રીઓ એટલી સતર્ક રહેતી કે એમને બચી નીકળવાનો કોઈ અવકાશ જ ન મળતો. અંતે, ઘણાં મહિના પછી એમને ફરી એક સ્ત્રી સાથે પ્રેમ થયો. સદ્નસીબે, આજ વખતે એ મહિલા પણ અરુણ કુમારના ગળાડૂબ પ્રેમમાં હતી. બંનેએ ટાપુ પરથી ભાગી છૂટીને શાંતિથી જીવન જીવવાનો નિર્ણય કર્યો.
જે સ્ટીમર અરુણ કુમારને ટાપુ પર મૂકવા આવી હતી, એના આવાગમનનો સમય નિશ્ચિત રહેતો. અઠવાડિયામાં કોઈ એક નિશ્ચિત દિવસે એ સ્ટીમર ટાપુ નજીકથી પસાર થતી. અરુણ કુમારને જાણ હતી કે ભાગવાનો અવસર એક જ વખત મળશે. જો એ ચૂકી ગયા, તો બલિ નિશ્ચિત છે!
પોતાની પ્રેમિકાને લઈ તેઓ નિર્ધારિત દિવસે ટાપુના કિનારે જવા નીકળ્યાં. થોડી વારમાં એમને દૂરથી એક સ્ટીમર આવતી દેખાઈ. ગેલમાં આવીને તેમણે પ્રેમિકાને રાહતભર્યુ આલિંગન આપ્યું. સ્ટીમર જેમ જેમ નજીક આવતી ગઈ, એમ એમ અરુણ કુમારે મશાલના અજવાળે એના ચાલકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો. નસીબજોગે, સ્ટીમરનો ચાલક અરુણ કુમારને ઓળખી ગયો અને એમણે તાત્કાલિક સ્ટીમરને કિનારા નજીક લીધી.
... પરંતુ બંનેના ભાગ્યમાં લગ્નજીવનનું સુખ નહોતું લખાયું!
સ્ટીમર કિનારે લાંગરે એ પહેલાં જંગલના ઘેઘુર વૃક્ષો પાછળથી એક પછી એક તીરનો વરસાદ શરૂ થઈ ગયો. પ્રત્યેક તીરનો અગ્રભાગ હળાહળમાં ડુબાવવામાં આવ્યો હોવાને કારણે તે અત્યંત ઘાતક હતાં. અરુણ કુમારના પ્રાણ બચાવવા માટે તેની પ્રેમિકાએ એમની છાતી આડે ઊભા રહીને તીર ઝીલી લીધાં.
એટલામાં અરુણ કુમાર સમુદ્રના છીછરા પાણીમાં દોડીને સ્ટીમર સુધી પહોંચી ગયા અને છલાંગ મારીને તેમાં સવાર થઈ ગયા. સ્ટીમરના ચાલકે આગળ-પાછળ કશું જોયા વિના શક્ય એટલી વધુ ઝડપ સાથે સ્ટીમરને દૂર લઈ ગયા.
આ સમગ્ર ઘટનાનું સંકલન અરુણ કુમાર શર્માના દીકરા મનોજ કુમાર શર્માએ વર્ષો વીતી ગયા પછી કર્યુ અને પિતાના અનુભવોને વર્ણવતું હિન્દી પુસ્તક 'વક્રેશ્વર કી ભૈરવી'માં પ્રકાશિત કરાવ્યું.