સાચાં સગપણ .
- સુભાષિત-સાર-ડૉ. કુલીનચંદ્ર પો. યાજ્ઞિક
કો ઈ સવાલ કરે કે હિંદુ સમાજમાં સગાં વહાલાંઓની અને સગપણોની સંખ્યા કેટલી? તો જવાબ એક જ હોઈ શકે ઃ 'ગણ્યાં ગણાય નહિ!' કાકા-મામા-માસી-ફોઈ જેવાં નજીકનાં સગાં તો ખરાં જ; પણ તેમના દ્વારા કે મારફત નવાં સગપણો કાકાસસરા ને માશીસાસુ જેવાં પણ નીપજે. પશ્ચિમના સમાજમાં અંકલ અને આન્ટમાં બધાં વડીલો આવી જાય, અને પિતરાઈ ભાઈ ને મશિયાઈ બેન જેવાં બધાં ભાઈબહેન કઝિનમાં આવી જાય. બ્રધર અને કઝિન જેવી ચોખવટ કરવી ન પડે. આપણે ત્યાં તો એક બીજી વિશિષ્ટતા છે. દા.ત. કોઈ વડીલ હિતેચ્છુ જે પોતાની નાતના ન હોય, સંબંધ ન ધરાવતા હોય, કે ફરજ બજાવતા હોય તે જો પિતાની ફરજનાં કામ કરે તો તેમને 'બાપા' કહી શકાય. તેવી જ રીતે માતા, બેન વગેરે સગપણની બાબતમાં નજીકના નામે તેમને બોલાવી શકાય. બીજા શબ્દોમાં તે સગાંઓને આપવા જેવું માન કે બિરુદ તેમને આપી શકાય. આ માત્ર ટેવ કે સન્માન નથી, પણ વ્યવહારમાં પણ છે, અને છૂટથી વપરાય છે. અને તેથી જે તે સમાજ માટે એક રિવાજ જેવું થઈ જાય છે! કહો કે આવાં સગપણાની સંખ્યા ઘણી ઘણી વધી જાય છે. આ એક ઉપચાર રહેતો નથી પણ એક નૈતિક વિનાયક જેવો રિવાજ થઈ જાય છે. અને તેને પરિણામે તે પ્રકારના સગપણની સંખ્યા અગણિત થઈ જાય છે.
તેમાંથી માતા-પિતા અને બંધુના દાખલા અહીં પ્રસ્તુત છે. સંસ્કૃતમાં આવા અને બીજા ઘણા રિવાજો, શિખામણ વગેરે નૈતિક અનુમોદન સાથે સુંદર શ્લોકોમાં વર્ણવવાની બહોળી પ્રથા છે.
પિતાનો ધર્મ કોણ કોણ બજાવે છે? જન્મ આપનાર તો કુદરતી રીતે પિતા છે જ. બાળકોને કિશોર વય પ્રાપ્ત કરે ત્યારે વૈદિક વિધિથી ઉપનયન અથવા જનોઈ આપવામાં આવે છે. બાળકનો આ બીજો જન્મ ગણાતો હોવાથી તે દ્વિજ અથવા પૂરેપૂરો બ્રાહ્મણ કહેવાય છે. દરેક પિતાની એ ફરજ છે તેણે પુત્રને જનોઈ આપવી. તેથી તેને 'ઉપનેતા' કહેવાય છે. જનોઈ ઉપરાંત બાળકને ત્યાર પછી બીજી જરૂરી વિદ્યાઓનું જ્ઞાાન આપવાનું પણ ફરજિયાત કર્તવ્ય છે. આ ઉપરાંત ભોજન અથવા અર્થાત્ ભરણપોષણ આપીને ઉછેરવાનું તેમજ બાળકને હિંસાનો, બીમારીનો, અકસ્માતો વગેરેનો ભય રહેતો હોય, તો તેમાંથી પણ નિવારવાની પિતાની આવશ્યક ફરજ છે. આ પાંચ ફરજ બરાબર બજાવનારને પિતા કહી શકાય.
માતાનું ધન્ય નામ કોને આપી શકાય? જૈવિક પિતાની માફક જન્મદાત્રીને આ બિરુદ સ્વાભાવિક અપાય જ. પિતાની માફક વિદ્યા આપનાર ગુરુ પણ આવા માનને યોગ્ય છે, એટલે ગુરુપત્નીને પણ માતા કહી શકાય. પૂર્વનાં ગુરુકુળોમાં ગુરુપત્ની જ જમાડવાની વ્યવસ્થા કરતી, એટલે માતાની જેમ જમાડતી પણ તે જ એટલે પણ ગુરુપત્ની 'મા'ના સ્થાને છે. મિત્રને આપણે જેમ આદર આપીએ છીએ, વિનય અને સહકાર આપીએ છીએ, તે જ રીતે તેમની પત્નીને પણ આપીએ તે વાજબી જ છે. પત્નીની માતા - સાસુએ - તો તેમની વહાલી દીકરીને આપણને દાનમાં દીધી છે?. તેમણે એને ત્યાં સુધી સારા સંસ્કાર આપ્યા છે તેમને પણ માતા કહીએ. આમ પાંચ માતાઓ થઈ.
ત્રીજો દાખલો મોંઘા મિત્રોનો જોઈએ. ઉત્સવોમાં મિત્ર વગર ચાલે નહિ, મિત્ર જ ખરો આનંદ કરાવે.
વ્યસન એટલે આપત્તિ, દુઃખ, અવદશાઃ એવી સ્થિતિમાં ખરો મિત્ર જ મદદમાં આવે. રસ્તો દેખાડે. મિત્ર પોતાની ભોગે પણ દુશ્મન સામે લડવા આવે, અને સાધનો પણ આપે. 'મિત્ર ઐસા કીજીએ જો ઢાલ સરીખા હોય...' શત્રુ સાથે યુદ્ધ થાય ત્યારે મિત્ર પહેલી હરોળમાં હાજર થઈ જાય, અંગત જોખમ લઈને પણ જંગમાં ઝુકાવે, વિગ્રહમાં બીજેથી સહાય મેળવવા પ્રયત્ન કરે. દુર્ભિક્ષ એટલે દુકાળ. તે આપણા પ્રદેશને પજવતો હોય, પોતાની સંપત્તિ, અનાજ વગેરે ખલાસ થઈ ગયાં હોય ત્યારે સાધનો, માલ, બધી જરૂરિયાતો પૂરી પાડે, બધી રીતે સહાયમાં રહે. રાજ્યની કચેરીમાંથી બોલાવાય ત્યારે, ખુલાસા અને મદદ માંગવામાં આવે ત્યારે એ સંગ આવે. અને દરબારમાં સન્માન થવાનું હોય ત્યારે પણ તેને જોડે રાખવાનું મન થાય. મિત્ર તરીકે આફતમાં રાહત, અને આનંદ ઉત્સવોના પ્રસંગોમાં ઉમંગથી ભાગ લેતા શોકના પ્રસંગમાં સંબંધીઓને આશ્વાસન આપે, સ્મશાનમાં-શોકમાં, ખરખરામાં સહાનુભૂતિથી દરેક કામમાં સાથ દે. આ પ્રકારે મિત્રને મિત્રના સંબંધને દ્રઢ કરે ને દીપાવે.
પોતાની જવાબદારી વાળી ફરજો હોય તેમાં પોતાની ભાવનાથી આ વિશેષ કામગીરીઓ પણ ઉપાડી લે અને એમ તેને બાંધવ તરીકે ખરો સ્વજન ગણી શકાય. આમ અંગત સાથ આપે અને 'તમે તે અમે અને અમે તે તમે' તેવો આત્મીયતા જાળવે તે સાચો ભાઈબંધ કહેવાય. તેને સગા ભાઈ જેવો ગણી 'બાંધવ' તરીકે પુકારાય.