દિલમાં રહેલા દશાનનનું દહન કરવું પડે
- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- સામાન્ય પરિસ્થિતિ ધરાવનારો છોકરો વિશ્વ ક્રિકેટમાં પછી તે ટેસ્ટ ક્રિકેટ હોય, વન-ડે ક્રિકેટ હોય કે ટી-ટ્વેન્ટી એમાં કેટલાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિક્રમો હાંસલ કરી ચૂક્યો છે
'મ મ્મી, એક અઠવાડિયું થયું આપણને દેહરાદૂન આવ્યાને. હજી સુધી મને એ નથી સમજાયું કે, આપણે અચાનક બધું જ છોડીને અહીંયા કેમ આવ્યા છીએ. તું, પપ્પા અને દાદીનું તો સમજ્યા. ચિંકી પણ હજી નાની છે તો તેની ચિંતા નથી પણ મારી નવરાત્રીની ઉજવણી અધુરી મુકાવીને અહીંયા કેમ આવ્યા છીએ. હજી તો ચાર દિવસ બાકીને નવરાત્રી પૂરી થવાને.' - કેવલે કંટાળા સાથે સવાલ કર્યો.
'બેટા તારા પપ્પાને નવા બાબાનો ચસ્કો લાગ્યો છે. તેમણે કહ્યું કે, મારા ગુરુ દેહરાદૂન પાસે એક ગુફામાં રહે છે અને તેમને શોધવા તથા આપણને વેકેશન કરાવવા માટે તારા પપ્પા અહીંયા લઈ આવ્યા છે.' - મહાશ્વેતા મહેતાએ પણ એવા જ ટોનમાં જવાબ આપ્યો.
'મમ્મી, પણ એમના ગુરુઓ શોધવામાં આપણી લાઈફસ્ટાઈલ કેમ ખરાબ કરતા હશે. અત્યાર સુધી તેમના બિઝનેસના કારણે આપણને ડિસ્ટર્બ કર્યા અને હવે ગુરુજીની પાછળ લાગ્યા છે તેમાં આપણને ધંધે લગાડયા છે. પ્લીઝ સ્ટોપ હીમ યાર...' - કેવલનો ગુસ્સો હવે સાતમા આસમાને જઈ રહ્યો હતો.
મા અને દીકરા વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાં જ તેમના વિશાળ બંગલાના કમ્પાઉન્ડમાં બે ગાડીઓ આવીને ઊભી રહી. એક ગાડીમાંથી બંગલાના માલિક અને કેવલના પિતા ઓમકાર મહેતા તથા કોઈ સાધુ ઉતર્યા અને બીજી ગાડીમાંથી તેમની સાથે આવેલા અન્ય બે સાધુઓ ઉતર્યા. ચારેય આવીને બગીચામાં ઊભા રહ્યા. માલિકને આવેલા જોઈને નગીને તરત જ સોફો સરખો કરી દીધો, ટેબલ સોફા પાસે ગોઠવી દીધું અને બીજી ખુરશીઓ લેવા દોડયો. આ તરફ એક તેજસ્વી સાધુની સાથે આવેલા બે લોકોએ એક સોફા ઉપર સફેદ ચાદર પાથરી અને ગુરુજી તેની ઉપર બેસી ગયા. આસપાસમાં બંને શિષ્યો ઊભા રહી ગયા. ઓમકાર મહેતા અને તેમનો પરિવાર હાથ જોડીને સામે ઊભો રહ્યો. સાધુને જોઈને ઓમકાર મહેતાની માતાજીની આંખો સહેજ ચકળવકળ થઈ. છતાં તેમણે એકાદી નજર સાધુ ઉપર ફેરવી અને પછી ગોઠવાયેલી ખુરશીમાં સૌથી આગળ જઈને ખૂણામાં બેસી ગયા. ઓમકાર અને મહાશ્વેતા સાધુના ચરણ પાસે નીચે બેઠા અને પાછળ પોતાના દીકરા અને દીકરીને બોલાવવા ફર્યા તો બંને ત્યાં હતા જ નહીં. બંને ઘરમાં જતા રહ્યા હતા.
'ગુરુજી મેં વિમુક્તાનંદજી પાસે તમારી ઘણી વાતો સાંભળી છે. આપના દિવ્ય પ્રવચનો, આપના અનુભવો અને જંગલમાં વિતાવેલા આટલા વર્ષોનો સાર તેઓ જણાવતા રહે છે. આજે તમે અમારા બંગલામાં આવ્યા અને તમારી વાણીથી અમને પાવન કરશો તે બદલ હું અને મારો પરિવાર આપના આજીવન ઋણી રહીશું.'
'ગુરુજી મારો આ બંગલો ૧૧ મહિના બંધ હોય છે. અમે માત્ર એકાદ મહિનો કે પંદર દિવસ વેકેશન કરવા આવીએ છીએ. બાકી આખું વર્ષ આ ઘર ખાલી જ પડયું હોય છે. આપને જ્યારે પણ વિચરણ કરવાની ઈચ્છા થાય, આરામ કરવાની ઈચ્છા થાય તો આપ અહીં પધારજો. અમારો નગીન તમારી મનથી સેવા કરશે. તમારે જરૂર હશે તો તમામ કામ પડતા મુકીને હું પણ સેવામાં હાજર થઈ જઈશ.' - ઓમકાર મહેતાએ વાત શરૂ કરી.
'દીકરા મારે આ બધાની જરૂર નથી. તું જે આપે છે અને બતાવવા માગે છે તેનાથી અનેકગણું હું છોડીને આવ્યો છું. તું જે કરે છે અને જે ધારે છે તે મેં બે દાયકા પહેલાં મેળવી લીધું હતું. ત્યારબાદ બે દાયકામાં હું જે મેળવીને આવ્યો છું તેના માટે જ તું મારા શરણે છે.' - ગુરુજી બોલ્યા.
'માફ કરજો ગુરુજી પણ હું મારી સમૃદ્ધિ બતાવવા નહોતો માગતો. મારાથી આપની જે સેવા કરી શકાય તેના વિશે વાત કરતો હતો.' - ઓમકાર મહેતાનો અવાજ અને સંદર્ભ એકાએક બદલાઈ ગયા અને ગુરુજીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.
'દીકરા એક વાત કરવી છે. આજથી લગભગ સાત દાયકા પહેલાં મધ્ય ગુજરાતના આણંદ પાસેના એક નાનકડા ગામમાં કાશીરામ પટેલનો જન્મ થયો હતો. ગર્ભશ્રીમંત પરિવારનું સંતાન હતો કાશી. તેના જન્મ સમયે તેના પિતા પાસે બે હજાર વિઘા જમીન હતી. તેમાં વર્ષોેથી તમાકુની ખેતી થતી હતી. આજે પણ થાય છે.'
'કાશી જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને પોતાના પિતાના વ્યવસાય અને અન્ય બાબતોની સમજ આવતી ગઈ. તેને સમજાઈ ગયું કે, હું પાણી માગીશ તો દૂધ મળશે તેટલી જાહોજલાલી છે મારા ઘરમાં. આ વાતની રાઈ તેના મગજમાં ભરાવા લાગી હતી. તે યુવાન થયો. પિતાના ખેતી અને તમાકુના વ્યવસાયમાં જોડાયો. પિતા કરતા સવાયા પૈસા કમાવા લાગ્યો. પિતાના અવસાન બાદ તો કાશી બેફામ થઈ ગયો. ચારે તરફથી પૈસા કમાવા અને એમ કહોને કે લૂંટવા માટે જાતભાતના ધંધા શરૂ કરી દીધા. પિતાના અવસાન બાદ થોડા વખતમાં માતા પણ ધામમાં જતા રહ્યા. હવે તો કાશી સાવ સ્વચ્છંદ થઈ ગયો હતો. પત્નીની વાત માનવાનો તો સવાલ જ નહોતો.'
'આ કાશીએ કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચ, અહંકાર, ઈર્ષા, ક્રૂરતા, સ્વાર્થ અને અન્યાય જેવા તમામ તામસીક ગુણો અપનાવી લીધા હતા. તે અભિમાનથી એટલો છકી ગયો હતો કે કોઈની હોવા ન હોવાથી તેને ફરક પડતો નહોતો. તેના પાપનો ઘડો ફૂટયો અને વિધાતાએ સૌથી પહેલાં તેની પત્ની અને પુત્રને છિનવી લીધા. કાર અકસ્માતમાં બંનેનું અવસાન થયું. કાશી ભાંગી પડયો. દીકરી પરણાવી દીધી હતી. પરિવારમાં બીજું કોઈ વધ્યું નહીં. જુવાનજોધ દીકરો જતો રહ્યો. હવે કોના માટે જીવવું. તે બધું જ છોડીને જંગલમાં જતો રહ્યો.'
'જંગલમાં પહોંચ્યા પછી પણ તેને આત્મહત્યાના વિચારો આવતા હતા. જંગલમાં ઉંડે ઉંડે ક્યાંય પહોંચ્યો ત્યાં પહેલી વખત તેણે એક બોર્ડ વાંચ્યું જ્યાં લખ્યું હતું અહીંયા જોખમ છે. તેને નવાઈ લાગી કે આટલા ગાઢ જંગલમાં કોણે આ બોર્ડ માર્યું હશે. કાશીએ આમતેમ ફરીને જોયું તો ક્યાંય કોઈ દેખાયું નહીં. તે જંગલમાં થોડો વધારે અંદર ગયો તો ત્યાં ફરીથી ભય લખેલું બોર્ડ વાંચ્યું. તે બોર્ડની દિશામાં ગયો તો ત્યાં ઝાડીઓની વચ્ચે એક ગુફા દેખાઈ.'
'કાશી ગુફામાં ગયો તો ત્યાં એક વ્યક્તિ ધ્યાનમાં બેઠી હતી. આ વ્યક્તિ ધ્યાનમાંથી જાગે ત્યાં સુધી કાશી તેની પાસે બેસી રહ્યો. તે વ્યક્તિએ આંખો ખોલી પછી કાશી સાથે વાતો કરી. કાશીએ પોતાની જિંદગી વિશે જણાવ્યું. પેલી વ્યક્તિએ કાશીને કહ્યું કે, ઈશ્વર જ આપે છે અને ઈશ્વર જ પાછું લઈ લે છે. તમે જેવા કર્મોથી મેળવ્યું છે તેવા જ કર્મોથી ચુકવવાનું પણ આવશે.'
'તે વ્યક્તિની વાત કાશીના ગળે ઉતરી ગઈ અને તેણે પેલી વ્યક્તિને ગુરુ બનાવી લીધા. તે આજીવન તેમની સેવા કરવા ત્યાં રોકાઈ ગયો. પોતાની તમામ સંપત્તિ પોતાની કાકાની એકની એક દીકરીના નામે કરી દીધી. તેને કાગળ મોકલાવી દીધા અને કાશી ત્યાં જંગલમાં જ રોકાઈ ગયો.' 'ઘણા વર્ષો રહ્યા બાદ તેણે ધર્મ અને કર્મનો પ્રચાર શરૂ કર્યો. હવે તે દેહરાદૂનમાં આવીને, શિમલા જઈને કે પછી બીજા ઘણા શહેરોમાં જઈને સત્સંગ અને સભા કરે છે. લોકોને પોતાના સાચા ધર્મ અને સાચા કર્મનું જ્ઞાાન આપે છે. તેને એક વાત સમજાઈ ગઈ કે રામ અને રાવણ બંને આપણી અંદર જ છે. જો રામ જેવું જીવન જોઈતું હશે તો આપણી અંદર રહેલા રાવણને મારવો પડશે. સત્ય જ્ઞાાન દ્વારા દિલમાં રહેલા દશાનનનું દહન કરીશું પછી જ મુક્તિ મળશે અને મુશ્કેલીઓમાંથી વિમુક્ત થઈને ઉત્તમ જીવન જીવી શકીશું. આ સાધુ બીજું કોઈ નહીં તમારા ગુરુ વિમુક્તાનંદના ગુરુ હરિચરણ દાસ છે.'
'માફ કરજો ગુરુજી પણ હરિચરણ દાસ તો મનના રાવણ દહન પછી જન્મેલો માણસ છે. તેની પહેલાં તો તે કાશી હતો. મારા મોટાબાપુજીનો દીકરો.' - ઓમકારની માતાએ કહ્યું અને ગુરુજીએ સ્મિત સાથે મસ્તક હલાવ્યું.
'દીકરા તને જોઈને મને કાયમ થતું કે તું તારા મામા જેવા રસ્તે જઈ રહ્યો છે પણ હવે તારા મામા જ તને સાચો રસ્તો બતાવવા આવ્યા છે તો તું નક્કી કરી લે કે તેમનો કયો રસ્તો હવે તારે અપનાવીને જીવન પસાર કરવું છે.' - માતાજીએ વાત પૂરી કરી ત્યાં ઘરથી થોડે દૂર દેવી મંદિરમાં ઘંટારવ થયો અને માતાજીની આરતી થવા લાગી.