Get The App

રબરની જેમ શરીરને વાળી શકતી દીપા કરમાકરની જીમ્નાસ્ટિકમાં કમાલ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
રબરની જેમ શરીરને વાળી શકતી દીપા કરમાકરની જીમ્નાસ્ટિકમાં કમાલ 1 - image


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- બાળપણમાં ફ્લેટફૂટને કારણે રિજેક્ટ થયેલી દીપા ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય જીમ્નાસ્ટ બની

દરેક સફરની પાછળ મૌન સંઘર્ષ અને અનિશ્ચિતતાનો આખો ઈતિહાસ છુપાયેલો હોય છે. પરિસ્થિતિ ક્યારેય કોઈના માટે અનુકૂળ હોતી નથી, પણ જેઓ સતત પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે, તેમને વહેલા કે મોડા પોતાની મંઝિલ મળી જ જાય છે. સફર જેટલી મુશ્કેલ હોય તેટલી જ મધુરતા સફળતાના આસ્વાદમાં અનુભવાય તે બાબત સ્વાભાવિક છે. ઘણી વખત તો અદ્વિતિય સિદ્ધિના શિખર સુધી પહોંચવાની સાથે અનેક અનુગામીઓ માટે નવી જ રાહ શોધી કાઢવામાં સફળ રહેતી વિરલ પ્રતિભાઓ પોતે જ પોતાના ક્ષેત્રની ઓળખ બની રહેતી હોય છે. એક સમયે સમગ્ર સમાજ જે સિદ્ધિને સ્વપ્નવત્ માનતો હોય, તેને વાસ્તવિકતાનું સ્વરુપ આપવાની કાબેલિયત મહાન ખેલાડીઓમાં આપમેળે જ વિકસિત થઈ જતી હોય છે. 

રબરની જેમ પોતાના શરીરને વાળવાથી લઈને હવામાં ઉછાળવાની કુશળતા ધરાવતી જીમ્નાસ્ટ દીપા કરમાકરે એક દશકની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ચંદ્રકો જીતીને ભારતનું નામ ગુંજતું કર દીધું છે. ૩૧ વર્ષની વયે પહોંચેલી દીપાની જીમ્નાસ્ટ તરીકેની સુદીર્ઘ કારકિર્દીમાં તેણે સિદ્ધિના અવનવા શિખરો સર કર્યા અને ભારતીય રમત જગતને જીમ્નાસ્ટીકની મેટ પર આગવી ઓળખ અપાવી. દીપાની કારકિર્દીનો સૌથી યાદગાર પળ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં આવી હતી, જ્યારે તેણે વોલ્ટ ઈવેન્ટમાં સૌથી મુશ્કેલ અને જીવ માટે જોખમી ગણાતી પ્રોડુનોવા વોલ્ટ ઈવેન્ટમાં પર્ફોર્મન્સ આપવાનું નક્કી કર્યું. તેણે આ ઈવેન્ટમાં અસાધારણ દેખાવ કરતાં ફાઈનલ સુધીની સફર ખેડી અને અમેરિકાની લેજન્ડ એથ્લીટ સિમોન બાઈલ્સ પર દબાણ સર્જતા ચંદ્રક જીતવાની યાદગાર તક સર્જી ત્યારે આખો દેશ શ્વાસ અટકાવીને દીપાની ગજબનાક સ્ફૂર્તિ અને સટિક દેખાવથી અવાક્ બની ગયો હતો. જોકે, ભારતીય એથ્લીટને માત્ર ૦.૧૫ પોઈન્ટના કારણે જ ઓલિમ્પિકના ચંદ્રકથી હાથ ધોવા પડયા હતા.

જોકે રિયો ઓલિમ્પિકમાં દીપાના પર્ફોર્મન્સના ભારોભાર વખાણ થયાં, એટલું જ નહીં તે પ્રોડુનોવા વોલ્ટ ઈવેન્ટને સફળતાપૂર્વક પાર પાડનારી ઈતિહાસની માત્ર પાંચમી જીમ્નાસ્ટ બનવામાં સફળ રહી હતી. જિમ્નાસ્ટીકમાં દરેક ખેલાડીએ જુદી-જુદી સ્પર્ધામાં ઉતરવાનું હોય છે અને તેમાં એક ઈવેન્ટ વોલ્ટની હોય છે, જેમાં ખેલાડીએ વોલ્ટની મદદથી કૂદકો લગાવીને હવામાં પોતાના શરીરને વર્તુળાકારે ફેરવતા-ફેરવતા નીચે આવવું હોય અને સંતુલન જાળવતા સ્પર્ધા પૂર્ણ કરવાની હોય છે. હવે આ વોલ્ટ ઈવેન્ટમાં ખેલાડીઓ જુદી-જુદી ટેક્નિકનો ઉપયોગ કરતાં હોય છે અને દીપાએ રિયો ઓલિમ્પિકમાં જે ટેક્નિકનો ઉપયોગ કર્યો, તે પ્રોડુનોવા વોલ્ટ હતો, જેનો પહેલવહેલો પ્રયોગ રશિયાની જીમ્નાસ્ટ ઈલેના પ્રોડુનોવાએ કર્યો. આ ટેક્નિકમાં ખેલાડીને ત્રણ સેકન્ડમાં જ ત્રણ વખત હવામાં આખું વર્તુળ પુરું કરવાનું હોય છે. આ ટેક્નિકમાં જો સ્હેજ ભૂલ થાય તો ખેલાડીના પગને બદલે માથું જમીન પર અફળાય છે અને આવી સ્થિતિમાં તેનુ મોત પણ થઈ શકે છેે, એટલે જ પ્રોડુનોવા વોલ્ટને 'ડેથ વોલ્ટ' પણ કહેવામાં આવે છે.

ભારતીય એથ્લીટ દીપાએ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં પ્રોડુનોવા વોલ્ટના કરેલા દર્શનીય પ્રદર્શનને કારણે તેને વિશ્વભરમાં કીર્તિ મળી. દીપા ભલે રિયો ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી ન શકી અને ચોથા ક્રમે રહી. જોકે તેણે ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારી સૌપ્રથમ ભારતીય જિમ્નાસ્ટ તરીકેનો અને ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી તરીકેનો રેકોર્ડ તો સર્જી જ દીધો હતો. દીપાની સિદ્ધિ માત્ર ઓલિમ્પિક સુધી જ મર્યાદિત નથી. તેણે વોલ્ટની ઈવેન્ટમાં જીમ્નાસ્ટીકના વિશ્વકપમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક અને એશિયન ચેમ્પિયનશિપમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત તેણે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૪માં પણ ભારતને ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય જીમ્નાસ્ટીકમાં સૌપ્રથમ ભારતીય તરીકેનું આગવું ગૌરવ મેળવનારી દીપા કરમાકરનો જન્મ પૂર્વિય વિસ્તારમાં બાંગ્લાદેશને અડીને આવેલા ત્રિપુરાની રાજધાની અગરતલામાં થયો હતો. તેના પિતા દુલાલ વેઈટલિફ્ટિંગના અચ્છા ખેલાડી હતા અનેે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરમાં તે જ રમતના કોચ પણ હતા. જ્યારે તેમની પત્ની ગૌરી ઘરની જવાબદારી સંભાળતા. દુલાલ ક્યારેય તેમની કારકિર્દીમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહતા અને તેમણે તેમનો આ વસવસો દૂર કરવા માટે પુત્રીને આતરરાષ્ટ્રીય ખેલાડી બનાવવાનું નક્કી કર્યું. તેમણે નજીકમાં ચાલતા સોમા નાન્દીના સેન્ટરમાં દીપાને તાલીમ માટે મૂકી. પાંચ વર્ષની ઉંમરથી ફિટનેસ માટે કમર કસનારી દીપાએ બે વર્ષની મહેનત બાદ રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવવા માંડી. દીપાની પ્રતિભાને જોઈને દુલાલે તેને સોમાના પતિ બિશ્વેસ્વર દાસ નાન્દીની પાસે તાલીમમાં મુકી, જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં જીમ્નાસ્ટીકના કોચ હતા. 

થોડા સમયની તાલીમ બાદ તેમણે શોધી કાઢયું કે, દીપાના પગમાં તો ફ્લેટ-ફૂટ છે.  મોટાભાગના લોકોના પગના તળિયામાં વળાંક હોય છે, પણ કેટલાક બાળકોના પગના તળિયા સીધા જ હોય છે. આ કારણે તેમની ચાલ પર અસર થાય છે. ફ્લેટફૂટને કારણે ખેલાડીને કુદકો માર્યા બાદ સંતુલન મળી શકે નહીં આવી સ્થિતિમાં દીપા જીમ્નાસ્ટિકમાં રાજ્ય સ્તરથી આગળ વધશે કે કેમ તેવો સવાલ હતો આ કારણોસર દીપાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં જીમ્નાસ્ટીકની રમતમાં પસંદ પણ કરવામાં આવી નહતી. જોકે, દીપાની સાથે તેના પિતા દુલાલ પણ મક્કમ હતા. બિશ્વેસ્વર સરના માર્ગદર્શનમાં દીપાએ ખાસ પ્રકારની કસરતો શરુ કરી અને તેણે ફ્લેટફૂટની સમસ્યાને ઉકેલી નાંખી. 

ખુબ જ કુમળી વયે જિમ્નાસ્ટીક શરુ કરનારી દીપાને તેનો ફાયદો પણ મળવા લાગ્યો. જ્યારે ચીનના બેઈજિંગ શહેરમાં ૨૦૦૮માં ઓલિમ્પિકનું આયોજન થયું હતુ, તે જ વર્ષે દીપાએ  માત્ર ૧૫ વર્ષની ઉંમરે પહેલીવાર જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ જીતી અને આંતરરાષ્ટ્રીય જીમ્નાસ્ટીકમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો. રાષ્ટ્રીય સ્તરની સફળતાને પગલે દીપાને ૨૦૧૦માં ઘરઆગણે નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. તે આ ગેમ્સમાં ખાસ પ્રભાવ પાડી શકી નહતી.

ભારતીય જિમ્નાસ્ટીકમાં દીપાનો ઉદય ૨૦૧૧માં થયો અને તેણે નેશનલ ગેમ્સમાં ફ્લોર, વોલ્ટ, બેલેન્સ બીમ અને અનઈવન બાર તેમજ ઓલ-અરાઉન્ડ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રકો જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો. દીપા અને કોચ બિશ્વેસ્વર નાંદીની જોડી ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી હતી, પણ તે સમયે ભારતમાં જીમ્નાસ્ટીક માટેની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ નહતી. આ સમયે ૨૦૧૪ની કોમનવેલ્થ ગેમ્સ પહેલા દીપા અને તેના કોચને જાપાનના હિરોશીમામાં કેમ્પના આયોજનની 

છૂટ આપવામાં આવી. આ કેમ્પ જ દીપાની કારકિર્દી માટે નિર્ણાયક પૂરવાર થયો અને તેણે કોમનવેલ્થ ગેમ્સમાં (કાંસ્ય) ચંદ્રક જીતનારી સૌપ્રથમ મહિલા જીમ્નાસ્ટ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન હાંસલ કરી લીધું. 

દીપાએ આ પછી તો પાછું વળીને જોયું જ નથી. આંતરરાષ્ટ્રીય જીમ્નાસ્ટીકની સ્પર્ધામાં ચંદ્રક જીતનારી કે પછી પ્રવેશ મેળવનારી પ્રથમ ભારતીય તરીકેના કેટલાય રેકોર્ડ દીપાના નામે અંકિત થઈ ચૂક્યા છે. જીમ્નાસ્ટીકની મેટ પર રબરની જેમ ઉછળતી દીપાએ ૩૧ વર્ષની વયે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે ભારતીય રમત જગતમાં એક યાદગાર પ્રકરણનો અંત આવી ગયો છે. દીપાની સફળતાએ ભારતીય જીમ્નાસ્ટીકને નવી ઊંચાઈએ પહોંચાડતા આવનારા જીમ્નાસ્ટ્સ માટે મુશ્કેલ પડકાર ખડો કર્યો છે.



Google NewsGoogle News