Get The App

પાણીથી ડરે, તેને સમુદ્રમાં ડૂબાડો!

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
પાણીથી ડરે, તેને સમુદ્રમાં ડૂબાડો! 1 - image


- આજકાલ - પ્રીતિ શાહ

- ડૉક્ટર બનવાથી લઈને સમુદ્રના ચમત્કારોની શોધ સુધીનું ઝેબા મૂપેનનું જીવન સાહસ અને દ્રઢ સંકલ્પની યાત્રા છે

ચાર દાયકા પહેલાં કેરળનો મૂપેન પરિવાર સંયુક્ત આરબ અમીરાત વસવા માટે ગયો. આ મૂપેન પરિવારમાં ઝેબાનો જન્મ થયો અને ત્યાં જ ઉછેર થયો, જોકે તેઓ રજાઓમાં ભારત આવીને કેરળમાં રહેતા હતા. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રિ-મેડિકલનો અભ્યાસ કરવા માટે ઝેબા અમેરિકા ગઈ. એ પછી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા ભારત આવી અને મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનમાંથી ડૉક્ટર થઈ. તેને લાગ્યું કે આ એક સંતોષજનક વ્યવસાય છે, પરંતુ તેના માટે યોગ્ય નથી. આમ છતાં તે એક વર્ષ પ્રેક્ટિસ કરતી રહી. તેના પિતા આઝાદ મૂપેન એસ્તર ડીએમ હેલ્થકેરના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ભારત અને મિડલ ઈસ્ટમાં આરોગ્ય સેવાઓ વિકસિત કરનારા હેલ્થકેર આંત્રપ્રિન્યોર છે. એક વર્ષ સુધી ડૉક્ટરની પ્રેક્ટિસ કર્યા બાદ ઝેબા પિતાના વ્યવસાયમાં મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતી રહી. તેણે એસ્તર વોલેન્ટીયર્સ પ્રોગ્રામ શરુ કર્યો, જેમાં મેડિકલ કેમ્પ, નિઃશુલ્ક સર્જરી, ક્લિનિકલ સંશોધન અને દિવ્યાંગોની ભરતીનું કામ કર્યું.

એ જ્યારે સત્તર વર્ષની હતી, ત્યારે યુ.એ.ઈ.માં સ્કૂબા ડાઈવિંગ શીખીને તેનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. હવે આઠ વર્ષ પછી પરિવાર સાથે માલદીવમાં રજા માણતા તેને સ્કૂબા ડાઈવિંગ યાદ આવ્યું. તે વિચારવા લાગી કે, 'હું કોણ છું ? મેં મારા જીવનનો શ્રે સમય એક નક્કી કરેલા ઢાંચામાં જાતને ફિટ કરવામાં વીતાવ્યો. મારી પાસે જે ડાઈવિંગનું સર્ટિફિકેટ છે, તેનો ઉપયોગ કેમ ન કરવો ?' તે આ માટે સમુદ્રમાં પડી અને તેને લાગ્યું કે તે તેમાં એકાકાર થઈ ગઈ છે. વર્ષમાં ઓછામાં ઓછા બે વખત એ માલદીવ જવા લાગી. 

૨૦૧૭માં તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નહોતું. ઑટોઇમ્યૂનની સ્થિતિ હોવા છતાં એણે શરીર પર ધ્યાન ન આપ્યું, પરંતુ સોરિયાટિક આર્થઇટિસને કારણે એનું દર્દ અસહ્ય બન્યું. પાણીની બોટલ જાતે ખોલી શકતી નહોતી. ચામડી નીકળી જતી અને નખ પણ તૂટવા લાગ્યા. કેરળ જઈને આયુર્વેદિક ઉપચાર કરાવ્યો. ત્યારે વૈદ્યે કહ્યું કે તેમની દવા વીસ ટકા કામ કરશે, પણ એંસી ટકા આધાર તમારા ખોરાક અને તમારા મન પર રહેશે. તેણે ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી સારવાર પર ધ્યાન આપ્યું અને આ અનુભવના પરિણામે એસ્તર ડીએમ હેલ્થકેર દ્વારા વેલ્થની સ્થાપના કરી, જે સંયુક્ત આરબ અમીરાતમાં એકીકૃત ચિકિત્સા કેન્દ્ર છે, જેમાં કાર્યાત્મક ચિકિત્સા, પોષણ ચિકિત્સા, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સહાય, આયુર્વેદ, યોગ, રેકી, ચીની ચિકિત્સા જેવી પંદર ચિકિત્સા કરવામાં આવે છે. તેણે વેદાંતનો અભ્યાસ કર્યો તેનાથી વિશ્વમાં કેવી રીતે રહેવું, આપણે અહીં કેમ છીએ અને શું કરી રહ્યા છીએ તેની સમજ મળી.

સ્વાસ્થ્ય સુધર્યા પછી તેણે બચાવ ડાઈવિંગનું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું. તે હંમેશાં સમુદ્રની આસપાસના લોકો પર નજર રાખતી અને જોતી કે બધા સુરક્ષિત છે ને ? તેણે ડાઈવ માસ્ટર બનવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. તેના દ્વારા તે લોકોને સમુદ્રથી પરિચિત કરાવતી અને પાણીમાં સહજ રીતે રહેતા શીખવતી. શાર્ક સાથે ફ્રી-ડાઈવિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર જેનું નામ છે, તેવી મોડલ ઓશન રામસે સાથે ડાઈવિંગ કર્યું. ટાઈગર શાર્કની વસ્તી વધુ છે તેવા માલદીવથી દૂર આવેલા કુવામુલાની યાત્રા રામસે સાથે કરી. ઝેબા ટાઈગર શાર્ક સાથે પ્રથમ વખત પાણીમાં ગઈ, ત્યારે ભયભીત અને આશંકિત હતી, પરંતુ તેને લાગ્યું કે તેની ડાઈવિંગની યાત્રામાં આનો સમાવેશ થવો જોઈએ. ટાઈગર શાર્ક સૌથી અવિશ્વસનીય જીવ છે, પરંતુ તેને જોતાં જ તેની સાથે એને પ્રેમ થઈ ગયો. તેના અંગે સંશોધન કર્યું અને તેને લાગે છે કે આજે તે આપણા કારણે વિલુપ્ત થવાને આરે છે. ઝેબાએ વિચાર્યું કે જો તે લોકોને સમુદ્રને પ્રેમ કરવા પ્રેરિત કરી શકે, તો સમુદ્રના જીવોના સંરક્ષણ માટે સારી શરૂઆત થશે.

ઝેબા લોકોને માલદીવ લઈ જવા માટે તેના મિત્ર અનુપ કેટની વન ઓશન વન લવ નામની કંપનીમાં જોડાઈ ગઈ. તેણે ડાઈવ માસ્ટરનું શિક્ષણ પૂરું કર્યુંં તો અનુપ સાથે મળીને લોકોને સમુદ્રની યાત્રા કરાવવાનું શરું કર્યું, ખાસ કરીને માલદીવની, તે એવા લોકોને લઈ જતા કે જેમને સમુદ્ર પ્રત્યે આકર્ષણ હોય, પરંતુ પાણીથી ભય અનુભવતા હોય. ઝેબા ફ્રી-ડાઈવિંગને કારણે સમુદ્રજીવનની નજીક પહોંચી શકી. સ્કૂબા ડાઈવિંગમાં ટેંક સાથે પાણીમાં જવાનું હોય છે અને શ્વાસ રોકવાનો નથી હોતો. જ્યારે ફ્રી-ડાઈવિંગમાં શ્વાસ રોકીને આગળ વધી શકાય છે. તેમાં પાણીના પરપોટા ન થવાથી તમે જીવસૃષ્ટિની ઘણી નજીક જઈ શકો છો. તેણે ફ્રી-ડાઈવિંગનો કોર્સ પણ કર્યો. ઝેબા કહે છે કે ફ્રી ડાઈવિંગને હિપ્પી ખેલ માનવામાં આવે છે, તે હજી મુખ્યધારામાં આવ્યું નથી. જ્યારે એપનિયા પાયરેટ્સ એઆઈડીએ કપ ૨૦૨૩ની જાહેરાત કરવામાં આવી, ત્યારે ઝેબા દોઢ વર્ષથી ફ્રી-ડાઈવિંગની તાલીમ લઈ રહી હતી. તેણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દુબઈમાં યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ઝેબા મૂપેને રાષ્ટ્રીય રેકોર્ડ તોડયો. તેણે ત્રીસ મીટરની કેટેગરી જેમાં ઉપર અને નીચે જવાનું હોય છે, તે લક્ષ્યાંક એક મિનિટ દસ સેકન્ડમાં પૂરું કર્યું. ડૉક્ટર બનવાથી લઈને સમુદ્રના ચમત્કારોની શોધ સુધીનું ઝેબા મૂપેનનું જીવન સાહસ અને દ્રઢ સંકલ્પની યાત્રા છે.

પાણીથી ડરે, તેને સમુદ્રમાં ડૂબાડો! 2 - image

- ઉપરવાળાને જસ કાલરાનો જવાબ

- જસ કાલરા કહે છે કે રાત્રે અંધારામાં યુવાનો ઘરના વૃદ્ધો કે માતા-પિતાને અહીં મૂકી જાય છે. ઘણા રેલવે લાઈન પર છોડી દે છે, તો ઘણા સડકના કિનારે છોડીને જતા રહે છે

મો ટાભાગના માતા-પિતાની એવી ઇચ્છા હોય છે કે તેમનાં સંતાનો પોતાનો વારસો જાળવે અને એને આગળ વધારે. પરંતુ એવું ભાગ્યે જ જોવા મળશે કે ઉચ્ચ ડિગ્રીધારી પુત્ર યુવાન વયે પિતાનું સેવાનું ક્ષેત્ર સંભાળે, પરંતુ શ્રીમંત કુટુંબમાં ઉછરેલો અને વિદેશથી અભ્યાસ કરીને વતન પાછો આવેલો જસ કાલરા ત્રેવીસ-ચોવીસ વર્ષની ઉંમરે પિતાના પગલે ચાલીને આજે અનેક લોકોની સેવા કરી રહ્યો છે. જસ કાલરા મૅલબૉર્ન યુનિવર્સિટીમાં ક્રિમિનોલાજી એન્ડ સાયકોલોજી વિષયમાં સ્નાતકની ડિગ્રી લઈને પોતાના વતન હરિયાણાના ગુરુગ્રામ આવ્યો. તે સમયે ૨૧ વર્ષનો જસ કાલરા મૅલબૉર્નમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લીગમાં સેન્ટર પ્લેયર પણ રહી ચૂક્યો હતો. મૅલબૉર્નથી આવેલા પુત્રએ પિતા રવિ કાલરાને કહ્યું કે હવે કોઈ ચિંતાનું કારણ નથી, તે વર્ષે સાઠ-સિત્તેર લાખ કમાઈ લેશે.

પંદર વર્ષથી સેવાનું કામ કરતાં રવિ કાલરાએ પુત્રને પૂછયું, 'ઈશ્વરને બેંકનું સ્ટેટમેન્ટ બતાવીશ કે કર્મોનો હિસાબ આપીશ ?' પિતાની વાત તેના મનમાં ઉતરી ગઈ અને ૨૦૨૧ના ઑગસ્ટ મહિનાથી પિતાની સાથે 'ધ અર્થ સેવિયર્સ ફાઉન્ડેશન'માં સેવાનું કામ કરવા લાગ્યો. પિતા રવિ કાલરા આમ તો સાધારણ પરિવારમાં જન્મેલા. તેમણે ટાઈકવાંડોની તાલીમ લીધી અને અન્યને શીખવતા. પોલીસ બટાલિયન અને સૈનિકોને માર્શલ આર્ટ શીખવવા લાગ્યા. એમ કરતાં અનેક દેશોમાં ફરવાનું બન્યું. અફઘાનિસ્તાનના વૉરબેઝમાં પણ કામ કર્યું અને નાની વયથી કામ માટે મુસાફરી કરતાં તેથી આશરે અડતાળીસ દેશોમાં ફર્યા. ખૂબ પૈસા મેળવ્યા. ગોલ્ફ રમતાં, મર્સીડીસમાં ફરતા અને ખરીદી કરવા પરદેશ જતા. આવું જીવન વીતાવતા રવિ કાલરા ૨૦૦૭માં એક દિવસ દિલ્હીમાં કામ માટે જઈ રહ્યા હતા. એમની નજર એક દ્રશ્ય પર પડી. તેમણે જોયું કે કચરાના ઢગલા વચ્ચે એક બાળક અને કૂતરો કંઈક ખાઈ રહ્યા હતા. ગરીબી અને અમીરી બંનેનો અનુભવ કરી ચૂકેલા રવિ કાલરાને થયું કે હું ઉપરવાળાને શું જવાબ આપીશ? બાળકને પૈસા આપી મદદ કરી અને ત્યાંથી સીધા સ્મશાન ઘાટ જઈ કપાળ પર તિલક કર્યું અને થોડા મહિનામાં ૨૦૦૮માં 'ધ અર્થ સેવિયર્સ  ફાઉન્ડેશન'ની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન દ્વારા તેમણે બેસહારા લોકોની, પશુ-પક્ષીની અને પર્યાવરણની અવિરત નિઃસ્વાર્થ સેવા કરી.

પુત્ર જસ કાલરા પિતાની સાથે સેવા કાર્યમાં જોડાયા, પરંતુ ચાર મહિનામાં જ માત્ર બાવન વર્ષની ઉંમરે પિતાનું ૨૦૨૧ના ડિસેમ્બર માસમાં અવસાન થયું. પિતાના અવસાન સમયે છસો વ્યક્તિ તેમના રેસક્યૂ હોમમાં રહેતા હતા. આ ફાઉન્ડેશન દ્વારા ગુરુગ્રામના બંધવારી ગામમાં અને હરિયાણાના મંડાવર ગામમાં - એમ બે રેસક્યૂ હોમ છે અને અઢારથી એંશી-નેવું વર્ષની કુલ બારસો વ્યક્તિઓ ત્યાં રહે છે. તેમાં વૃદ્ધો, મનોદિવ્યાંગ, ઘરેલુ હિંસા કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ, ત્યજાયેલી સ્ત્રીઓ, સડક પર નિઃસહાય સ્થિતિમાં રહેલી વ્યક્તિઓ, શારીરિક ઈજા પહોંચી હોય કે દાઝી ગયા હોય તેવી વ્યક્તિઓની અહીં સંભાળ લેવામાં આવે છે. આ ઉપરાંત જસ કાલરા કહે છે કે રાત્રે અંધારામાં યુવાનો ઘરના વૃદ્ધો કે માતા-પિતાને અહીં મૂકી જાય છે. કેટલાક એવા હોય છે કે એમણે એક મહિનાથી ડાયપર ન બદલ્યું હોય અને કીડા પડી ગયા હોય, કોઈને માર માર્યો હોય ને બેડસૉર થઈ ગયા હોય. કેમેરામાં જોઈએ, ત્યારે તેમાં જોવા મળે કે જે મૂકવા આવ્યા હતા તે મર્સીડીઝ કે બીએમડબલ્યુ કારમાં આવ્યા હતા. એક રીટાયર જજ જે લંડન સ્કૂલ આફ ઈકોનોમિક્સમાં ભણેલા, આર્મીમેન, એનઆરઆઈ, સ્વાતંત્ર્ય સેનાની આવા લોકોની સંભાળ અહીં લેવામાં આવે છે. અહીં ત્રણ સમય ભોજન, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ સંસ્થા સરકારમાન્ય છે, પરંતુ સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. પરદેશથી ફંડ મેળવવા માટેનું સર્ટિફિકેટ નથી તેથી દાન પર જ આ સંસ્થા ચાલે છે. આશરે દોઢસો સ્વયંસેવકો કામ કરે છે.

જસ કાલરા માતા-પિતાનો આભાર માને છે  અને કહે છે કે જેટલા કલાકો સેવા કરું છું તેટલો સમય તેમની નજીક હોઉં એવું લાગે છે. પિતાની જેમ જસ કાલરા રાત્રે સ્મશાન જાય છે અને બિનવારસી મૃતદેહોનો ધાર્મિક વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરે છે. તેમના અસ્થિ હરિદ્વાર જઈને ગંગામાં પધરાવે છે. તેઓ માને છે કે મૃતકોને પણ ઉચિત ગૌરવ મળવું જોઈએ. ધર્મ, જાતિ, રાજ્ય કે દેશથી ઉપર ઉઠીને વિશુદ્ધ રૂપથી જીવિત કે મૃતકોની સેવા એ જ માનવતાની સેવા છે. જસ કાલરાએ અત્યાર સુધીમાં ત્રણ હજાર મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે. વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેવી તે જ શ્રેષ્ઠ સેવા છે. મંદિર કે સંસ્થામાં જવાની જરૂર નથી, જો દરેક વ્યક્તિ આ વાત સમજે તો આવા આશ્રમ સ્થાપવાની જરૂર નથી. સૌથી મોટું રેસક્યૂ હોમ બનાવવાના પિતાના સ્વપ્નને સાકાર કરવાનું કામ અત્યારે જસ કાલરા કરી રહ્યા છે. રેસક્યૂ હોમનું કામ પૂર્ણ થતા તેમાં પાંચ હજાર વ્યક્તિનો સમાવેશ થશે. 


Google NewsGoogle News