જગત અને જીવન વિરોધાભાસથી રચાય છે
- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ
- કદાચ, ચૈતન્યની બદલાહટ માટે અધૂરપ, અંધકાર અને એકાંત અનિવાર્ય શરત છે. અહીં આ પૃથ્વી પર કશું સંપન્ન, સંપૂર્ણ અને કાયમી નથી...
પતંગિયું પોતાનું જીવન વર્ષોમાં નહીં પળોમાં જીવી લે છે - તેથી જ તેની પાસે અઢળક સમય છે.
કવિ રવીન્દ્રનાથ
આ પળ અને શાશ્વતી એક જ ચૈતન્યની બે અવસ્થાઓ છે. જીવન અને જગત વિપરિતોના આધારે રચાય છે. તાઓવાદી દર્શનના પ્રણેતા લાઓત્ઝે તો કહે છે, આસ્તિક અને નાસ્તિક, નૈતિક અને અનૈતિક, શુભ અને અશુભ વગેરે વિરોધી નથી, એકમેકનો હિસ્સો છે. શ્રમ અને વિશ્રામ એકમેકના આધારે ઊભા છે. એક અને બે બંને સંયોગી છે, ગ્રીષ્મ અને વર્ષાઋતુ સંવાદી છે.
પોલો કોએલો એક રૂપક દ્વારા સમજાવે છે. એક દિવસ ઈયળ વિષાદથી ઘેરાઈ ગઈ. તેને થયું મારું તો જીવન નિષ્ફળ ગયું. હું તો પૃથ્વી પરનો સૌથી વધુ ઘૃણાસ્પદ જીવ છું. દેખાવમાં કુરૂપ અને બિનઆકર્ષક, નસીબમાં માટીમાં રગદોળાવા સિવાય કાંઈજ નહીં. જાણે કે પ્રકૃતિ તેની આ ફરિયાદ સાંભળી ગઈ હોય તેમ તેણે ઈયળને કહ્યું, 'સારું ચાલ, તારી આસપાસ કોશેટો (કવચ) બનાવ !' ઈયળને તેમાં પણ સંદેહ થયો. તેને થયું કે મેં ક્યારેય કોશેટો બનાવ્યો નથી. આ તો હું મારી જ કબર બાંધીશ. તેથી જ તે પ્રકૃતિને કહે, 'રહેવા દો ને હવે. હું જેવી છું તેવી જ ભલે રહી. મારો સ્વીકાર માંડમાંડ કરતા થઈ છું. ત્યાં હવે ક્યાં બદલાઉં ?'
તેમ છતાં, આખરે તેણે સ્વયંની આસપાસ કોશેટો રચ્યો. પણ હા, કવચના અંધકારમાં હતાશ અને એકલવાયી ઈયળ મૃત્યુની રાહ જોવા લાગી. થોડા દિવસ પછી કોશેટો-કવચ તૂટયું અને તેમાંથી પાંખાળું અનેકરંગી પતંગિયું ઉડી નીકળ્યું.
કદાચ, ચૈતન્યની બદલાહટ માટે અધૂરપ, અંધકાર અને એકાંત અનિવાર્ય શરત છે. અહીં આ પૃથ્વી પર કશું સંપન્ન, સંપૂર્ણ અને કાયમી નથી. અહીં બધું પ્રક્રિયામાં છે-ચાલે છે, વહે છે, બદલાય છે. પણ જુઓને પતંગિયું.
માટીમાંથી આકાશમાં પહોંચ્યું,
અંધારમાંથી આદિત્યને આંબ્યું,
કુરૂપમાંથી સુંદર થયું,
એકલવાયું હતું ત્યાં દોસ્તો થયા.
પવન વાતો કરવા આવ્યો. સૂર્યો કિરણો રમવા આવ્યા. ફૂલો ગીતો ગાવા આવ્યાં. નિરર્થક દેખાતી ઈયળ મૂલ્યવાન પતંગિયું બની ગઈ. વનસ્પતીશાસ્ત્રીઓ તો કહે છે કે તમારો બગીચો ખરો બગીચો ત્યારે જ ગણાય જ્યારે તેમાં પતંગીયા આવવા લાગે.
અસ્તિત્વમાં બધા વિપરિતોનો સમાવેશ છે. તેમાં કોઈ આરંભ અને અંત નથી, કશું પ્રથમ કે અંતિમ નથી. અહીં બધું સિમ્બાયોસીસ કે સહજીવન છે. તેથી જ ઃ
નિરાશા આશાની તૈયારી છે,
વિષાદ આનંદની તૈયારી છે,
અંધકારમાંથી ઊજાસ પ્રગટે છે,
ખાલીપામાંથી સભરતા પ્રગટે છે,
એકલતામાંથી ઊત્સવ પ્રગટે છે.
ફરી વખત જીવન મરમી રવીન્દ્રનાથ મદદે આવે છે.
''જન્મ અને મૃત્યુ બન્ને જીવનના અભિન્ન અંગો છે. જેમ પગલું ઉપાડવું અને પગલું નીચે મૂકવું તે બંને ગતિનો જ હિસ્સો છે.''