સાધારણ પણ અસાધારણ બની શકે !
- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
- સામાન્ય પરિસ્થિતિ ધરાવનારો છોકરો વિશ્વ ક્રિકેટમાં પછી તે ટેસ્ટ ક્રિકેટ હોય, વન-ડે ક્રિકેટ હોય કે ટી-ટ્વેન્ટી એમાં કેટલાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિક્રમો હાંસલ કરી ચૂક્યો છે
ર વિચંદ્રન અશ્વિન એટલે કે રવિચંદ્રન અને ચિત્રાનો પુત્ર અશ્વિન ૨૦૧૧ની છઠ્ઠી ડિસેમ્બરે એણે કરેલા ટેસ્ટક્રિકેટના પદાર્પણ સમયથી સતત આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, કારણ એટલું જ કે આ જમોડી બેટ્સમેન અને જમણે હાથે ઓફ-સ્પિન ગોલંદાજી કરતો ઓલરાઉન્ડર મારી દ્રષ્ટિએ ક્રિકેટનો મહારથી છે. મહારથી એ માટે કે એક મધ્યમવર્ગનો વીજળીના થાંભલાને સ્ટમ્પ તરીકે રાખીને શેરીમાં ટેનિસ દડાથી ખેલતો છોકરો વર્ષોથી દેશનો ઉત્કૃષ્ટ સ્પીનર બની રહ્યો છે. ઓફ-સ્પીન ગોલંદાજીમાં બેટ્સમેનથી સહેજ દૂર દડો નાખવો અથવા તો એને આબાદ વળાંક આપવો, બેટ્સમેનના બેટ અને પેડ વચ્ચે એક 'ગેપ' ઊભો કરવો અને એ 'ગેપ'માંથી દડો પસાર થાય તે રીતે દડો નાખવો જેથી ક્યાં તો પાછળના સ્ટમ્પ પડે અથવા તો એ આગળથી એલ.બી.ડબલ્યુ આઉટ થાય.
અશ્વિનની ઓફ-સ્પિન કલા વિશે તો ઘણું કહી શકાય. મધ્યમવર્ગની મૂંઝવણો વચ્ચે રહીને શેરીમાં ખેલતા આ ખેલાડીએ આજે વિક્રમોની વણઝાર સર્જી છે. એ શાનદાર વિક્રમોની વાત નથી કરવી, પરંતુ અતિસામાન્યમાંથી અસામાન્ય અને અસાધારણ બનેલા અશ્વિનની ઓળખ આપવી છે. એનું કારણ એ કે જીવનના પ્રારંભે જ બાળપણમાં જ અશ્વિનનું સ્વાસ્થ્ય એના માતા-પિતા માટે ભારે ચિંતાનો વિષય બન્યું હતું.
અશ્વિન માત્ર પાંચ વર્ષનો હતો, ત્યારે ચેન્નાઈથી ત્રણસો કિ.મી. દૂર ત્રિચીમાં એના કાકાના લગ્નપ્રસંગે ગયેલો. અશ્વિનને કંઈક એવું થયું કે એ બેઠો હતો, ત્યાંથી જાતે ઊભો થઈ શકતો નહોતો. એની માતા ચિત્રા અને એના પિતા રવિચંદ્રન ભારે વિમાસણમાં પડી ગયા. થોડી વાર તો લગ્નનો માહોલ થંભી ગયો. લગ્નમાં આમતેમ દોડતા છોકરાંઓને જોઈને જાતે ઊભા થઈ શકવાની અશક્તિ ધરાવનારા અશ્વિનને પારાવાર અકળામણ થઈ અને મદ્રાસમાંથી પાછા ફર્યા પછી ડોક્ટરે નિદાન કર્યું કે, 'બાળકોને થતા ટી.બી.નો એ શિકાર બન્યો છે.' આમ માત્ર પાંચ વર્ષની વયથી અશ્વિન ફેફસાંનાં રોગોથી પરેશાન થવા લાગ્યો અને પછી તો ક્યારેક થોડું વધારે દોડે તો ગળામાંથી કફ નીકળતો અને ક્યારેક વોમિટ પણ થતી. ખાંસી આવે, ત્યારે કફમાં લોહી આવે, શ્વાસ ચડે, પણ બાળપણથી જ ક્રિકેટમાં દિલચસ્પી એટલી કે આ બધું થવા છતાં એણે એનું શેરી ક્રિકેટ ચાલુ રાખ્યું. ક્યારેક તો મહિનામાં બે વાર ફેફસાંની બીમારી ઘેરી વળતી અને એમાંથી મુક્ત થવા એને પાંચ-સાત દિવસ લાગતા.
મધ્યમવર્ગના બાળકને આવી બીમારીમાંથી બહાર નીકળતા ભારે મુશ્કેલી પડે એ સ્વાભાવિક છે. એ ક્યાંય પણ જાય તો ક્યારે એને આવી ફેફસાની બીમારી જકડી લેશે એનો ખ્યાલ આવતો નહીં અને ઘણી વાર તો કુટુંબ વેકેશન માટે સરસામાન બાંધીને નીકળ્યું હોય, ત્યારે એકાએક આવો ઉથલો આવતો અને વાત બધી વિપરીત બની જતી. ભરાવદાર મૂછો રાખતા અને બૂલેટ પર ઘુમતા એના પિતા રવિચંદ્રન શહેરના લીગ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે ખેલતા હતા અને પિતા મેચ ખેલતા હોય, ત્યારે અશ્વિન એનો આનંદ માણતો હતો. જોકે એના પિતા પાસે ક્રિકેટનો સામાન રાખવાની કીટબેગ નહોતી. બેટ અને ગ્લોવ્ઝ પણા સ્ટ્રેપવાળા હતા અને આમ પિતા પાસે નવું બેટ ખરીદવાનાં કે નવી ક્રિકેટ કીટબેગ લેવાના પણ પૈસા નહોતા.
આવે સમયે શેરી ક્રિકેટ એ જ અશ્વિનનો એકમાત્ર આધાર રહેતો. લોકો પણ કહેતા કે, 'આ છોકરાને શા માટે ચેન્નાઈની ગરમીમાં ખેલવા દો છો અને વારંવાર એને દમનો ઉથલો આવે છે.'
જ્યારે એની માતા તો કહેતી કે, 'એની ક્રિકેટની સાધનસામગ્રીની જરૂરિયાત પૂરી કરે એવી એમની આર્થિક હાલત નથી. અશ્વિનના પિતા ક્રિકેટર હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો અને એ પાકે પાયે માનતી કે ક્રિકેટ તમારી થાળીમાં ભોજન મૂકી શકે તેમ નથી, એ અન્નપૂર્ણા બની શકે નહીં.'
આવી સ્થિતિમાં અશ્વિને શેરી ક્રિકેટમાં ખેલવાનું ચાલુ રાખ્યું. શરૂઆત બેટ્સમેન તરીકે કરી અને રામકૃષ્ણપુરમની પહેલી શેરીમાં ક્રિકેટ ખેલતા અશ્વિનને માટે સમસ્યા એ હતી કે એ સીધેસીધો દડો ફટકારી શકતો નહીં, કારણ કે સામે પડોશીઓનાં ઘરની કાચની બારીઓ તૂટી જવાનું જોખમ હતું. આથી એણે ઊંચો 'પૂલ શોટ' લગાવવાનું નક્કી કર્યું. પણ પૂલ શોટમાં પણ એવું બનતું કે ઊંચે ફટકારેલો દડો જો વધારે ઊંચે જાય તો બાજુના મંદિરમાં પડતો અને તોફાન મચી જતું! આ રીતે એણે પોતાની બેટિંગનું એક શાસ્ત્ર ઊભું કર્યું કે જો દડો શોર્ટ હોય તો પૂલ કરવો અને જો પૂલ કરી શકે નહીં તો અર્થાત ઊંચો ફટકારી શકે નહીં તો એલ.બી.ડબલ્યુ. ન થાય તે રીતે તેને અટકાવવો. ગલી ક્રિકેટમાં આ બે સિદ્ધાંતથી એ ખેલતો હતો. એ સમયે બીજે ખેલવા જતો, ત્યારે પોતાની સાથે નાસ્તો અને પેપ્સીની મોટી બોટલ લઈને જતો. પેપ્સી લઈ જવાનું કારણ એ કે જાહેરખબરમાં સચિન તેંડૂલકરને એ પેપ્સી પીતો જોતો અને તેથી એને આ તરફ લગાવ થયો.
એ સમયે સ્લીપ અને શોટલેગના કામયાબ ફિલ્ડર તરીકે અશ્વિનની વધુ વરણી થતી. એ પછી બેટ્સમેન તરીકે આ વખતે ગોલંદાજીનો તો કોઈ પ્રારંભ થયો જ નહોતો. શરૂઆતમાં તો દમના હુમલાનાં ભયને કારણે એ ટેનિસ બોલથી ખેલતો હતો. પરંતુ બારમા વર્ષે એણે હાર્ડ ક્રિકેટબોલથી ખેલવાનું શરૂ કર્યું. હોમિયોપેથીની ટ્રીટમેન્ટથી કે પછી શરીરમાં શક્તિ વધતા પેલી દમની બીમારી તો દૂર થવા લાગી અને ધીરે ધીરે આ ગલી ક્રિકેટનો ખેલાડી આગળ વધવા લાગ્યો.
બીજી બાજુ ઘરની આર્થિક સ્થિતિને કારણે એને માટે કમાણી કરવી પણ જરૂરી હતી. મનમાં વિચારતો કે અવકાશયાત્રી બનું કે પછી ડોક્ટર બનું કે એન્જિનિયર થાઉં? વળી અભ્યાસમાં એ બહુ સામાન્ય હતો. આથી પોતાના ભવિષ્ય વિશેની ચિંતા કરતા એક વાર એ ભાંગી પડયો અને માતાના ખોળામાં માથું મૂકીને એ ધૂ્રસકેને ધૂ્રસકે રડવા લાગ્યો. માતાએ એને હિંમત આપતા કહ્યું કે, 'હું થોડા વધારે કલાક કામ કરીશ, પણ તું ફિકર કરીશ નહીં. તારી રમતમાં આગળ વધવાની ઇચ્છા છે તેને પૂરી કર.'
એવામાં એક વાર સવારે ઊઠતા જ ખ્યાલ આવ્યો કે એની થાપાના આ સાંધાના ખસી ગયેલા જોઈન્ટને બે ઓપરેશન દ્વારા સ્ક્ લગાવીને બરાબર કરવા પડશે.
હાડકું વધતું હોય એવો અશ્વિનને અનુભવ થતો હતો. ફરી અશ્વિનના ઘરમાં અને એના જીવન પર આફત ઊતરી આવી. એક તો સર્જરીનો ઘણો મોટો ખર્ચ હતો અને વળી સત્તર-અઢાર વર્ષની વયે આવા બે-બે ઓપરેશન કરાવવા પડે એ વધુ ગંભીર બાબત હતી અને આ બધાથી વધુ તો એને અતિ પ્રિય ક્રિકેટની તિલાંજલિ આપવી પડે. છેલ્લાં પાંચ વર્ષથી અશ્વિનની ક્રિકેટ કારકિર્દીની આસપાસ ગૂંથાયેલો એનો પરિવાર શૂન્યાવકાશમાં ડૂબી ગયો. પોતાની આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં એને સઘળી મદદ કરી. માતાએ પણ પુત્રને માટે સઘળું સમર્પણ કરવાની તૈયારી બતાવી. કેટલીયવાર પિતાએ બૂલેટ પર બેસાડીને એને કોચિંગ આપતી એકેડેમીમાં લઈ ગયા. ત્યારે અશ્વિનના ઓપરેશનની તૈયારી થઈ, પરંતુ એવામાં એક બીજા ડોક્ટરનો અભિપ્રાય લીધો. એમણે ઓપરેશનને બદલે છ અઠવાડિયાનાં આરામની ભલામણ કરી. એમણે કહ્યું કે, 'એના હિપમાં 'કન્ટયુઝન' થયું છે. એને માટે બે ઓપરેશનની જરૂર નથી. માત્ર છ અઠવાડિયાનો આરામ આવશ્યક છે.'
પરિવારની આસપાસ ઘેરાયેલાં વાદળો દૂર થયા અને પછી તો ધીરે ધીરે કુશળ ફિલ્ડર અને પુલ શોટ લગાવતો અશ્વિન ઓફ-સ્પિનર તરીકે આગળ વધ્યો. મધ્યમવર્ગના સામાન્ય પરિવારમાં રહેતા ખેલાડીને જ્યારે સચિન તેંડૂલકર કે યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ જોવા મળે, ત્યારે કેવા અનુભવ થાય ? એવા કેટલાંય સુખદ અને દુઃખદ અનુભવો પસાર કરીને આ ગલીક્રિકેટનો ખેલાડી આજે ક્રિકેટના ઇતિહાસનો સૌથી લાંબો સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલનારો ઓફ-સ્પિનર બન્યો છે અને ૨૦૧૧નો વિશ્વકપ અને ૨૦૧૩ની ચેમ્પિયનટ્રોફીમાં કામયાબી મેળવનાર અશ્વિન આજે ભારતીય ટીમનો ધુરંધર આધાર બન્યો છે. એક દુર્બળ, બીમાર, સામાન્ય પરિસ્થિતિ ધરાવનારો છોકરો વિશ્વ ક્રિકેટમાં પછી તે ટેસ્ટ ક્રિકેટ હોય, વન-ડે ક્રિકેટ હોય કે ટી-ટ્વેન્ટી એમાં કેટલાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિક્રમો હાંસલ કરી ચૂક્યો છે. આથી વાત તો એટલી જ કે 'મન હોય તો માળવે જવાય, પછી માર્ગમાં ભલે ગમે તેટલી મૂંઝવણો અને મુશ્કેલીઓ આવે !'
- મનઝરૂખો
ઇરાકના બસરાની ગરીબ વસ્તીમાં ઇસ્માઇલને ત્યાં જન્મેલી એની ચોથી પુત્રી રાબિયાને કારમી ગરીબી અને દ્રઢ પ્રભુભક્તિ વારસામાં મળ્યા હતા. બાળપણથી જ રાબિયા નમાજ અને ઇબાદતમાં પિતાની સાથે રહેતી હતી અને મોડી રાત સુધી સતત નામસ્મરણ(જિકર)માં પિતાની સાથે એ પણ લીન રહેતી હતી. રાબિયાએ કઠોર તપશ્ચર્યા કરી. એનું જીવન આધ્યાત્મિક ચમત્કારોથી પરિપૂર્ણ હતું.
સંત રાબિયાનો અધ્યાત્મ સૂફી મતમાં આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સૂફી સંતો નરકના ભય અને સ્વર્ગની લાલસાથી અલ્લાહની પ્રાર્થના કરતા હતા, પણ એમનામાં અખંડ પ્રભુભક્તિ ધરાવતું જીવન સમર્પણ નહોતું. રાબિયાએ સૂફી પરંપરામાં નર્કના ભય અને સ્વર્ગની લાલસાને હટાવીને માત્ર નિઃસ્વાર્થ પ્રભુભક્તિનો મહિમા કર્યો. પોતે ગરીબ હોવા છતાં કોઈની સહાય કે મદદ સ્વીકારતા નહીં, કારણ કે તેઓ માનતા કે લોકો પાસે જે ભેટસોગાદો છે, તે પણ અલ્લાહે જ આપેલી છે. એમનું પોતાનું તો આમાં કશું નથી !
ઈશ્વર પરત્વેના પ્રેમની આવી સમર્પણશીલતાની ભાવના એ 'ઇશ્કેહકીકી' એ સૂફી મતના પાયાનો સિદ્ધાંત બની ગયો. એ કહેતી કે 'અલ્લાહ મારી પરિસ્થિતિથી વાકેફ છે, પછી મારે કંઈ એમને યાદ કરાવવાનું રહેતું નથી.'
એક વાર રાબિયાની ઝૂંપડીમાં ચોર આવ્યો. એની ઝૂંપડી સાવ ખાલી હતી. માત્ર રાબિયાએ ઓઢેલી એક ચાદર હતી. રાબિયાની ચાદર ઉઠાવીને ચોર ભાગવા ગયો, તો એને દરવાજો દેખાતો બંધ થઈ ગયો. એ સમયે ચોરને એક ગેબી અવાજ સંભળાયો, 'તું એમ માનીશ નહીં કે બધા ઊંઘે છે અને તું ચોરી કરી રહ્યો છે.' આ અવાજ સાંભળીને ચોર હેરાન-પરેશાન થઈ ગયો. એ ગેબી અવાજે કહ્યું, 'સાંભળ, રાબિયાએ પોતાની જાત મને સમર્પિત કરી છે અને આથી એ સૂતી હોય છે, ત્યારે હું જાગતો હોઉં છું.'
આ અવાજ સાંભળીને ચોર ચાદર છોડીને ભાગ્યો.
- ક્ષણનો સાક્ષાત્કાર
આગામી ગુરુવારે વાલ્મિકીજયંતી આવે છે, ત્યારે ભોગ અને ત્યાગની સંસ્કૃતિના ભેદ જોવાનું ગમે. હકીકતમાં રાવણ અને હનુમાન બંને શક્તિસંપન્ન અને બુદ્ધિશાળી છે, પરંતુ રાવણની શક્તિ ભોગને અર્પિત છે, જ્યારે હનુમાનની શક્તિ યોગને અર્પિત છે. એકે શક્તિનો ઉપયોગ સીતાજીના હરણ માટે કર્યો, તો બીજાએ પોતાની પાસેની શક્તિનો ઉપયોગ સીતાજીની શોધ માટે કર્યો. શક્તિ હોય, પણ જો એ ભક્તિમાં પરિવર્તીત થાય અને એમાં જીવન સમપત થાય, તો માનવી દેવત્વ પામે છે, પણ એ જ શક્તિ અહંકારનું કારણ બને તો એ રાવણ જેવો રાક્ષસ જન્માવે છે. રાવણને યુદ્ધમાં પરાજિત થવું પડયું છે. ધૂળમાં રગદોળાવું પડયું છે, જ્યારે નિષ્કામ કર્મયોગી હનુમાનને યુદ્ધમાં વિજય સાંપડયો છે.
રાવણ એ અહંકારનું પ્રતીક છે, જ્યારે હનુમાન એ નિરહંકારનું પ્રતીક છે. હનુમાનમાં શક્તિ છે પણ અહંકાર નથી અને એથી જ રામાયણમાં બે પ્રકારનાં હનુમાનના દર્શન થાય છે. એક છે પહાડ ઊંચકીને ઊડતા વીર હનુમાન અને બીજા છે પ્રભુના દાસ હનુમાન, આમ અહીં બળની સાથે પવિત્રતાનો સુમેળ છે. જ્યારે માત્ર બળ પશુતા આપે છે અને એનું ઉદાહરણ રાવણ છે અને આથી જ રાવણને ભસ્મીભૂત કરાય છે અને હનુમાનની પૂજા કરવામાં આવે છે.
હનુમાનની પૂજા એ તેજસ્વિતાની પૂજા છે, એ પરાક્રમની પૂજા છે, એ નમ્રતાની પૂજા છે અને એથી તો જ્યારે અશોકવાટિકામાં રહેલા સીતાજીએ હનુમાનને પૂછયું, 'તમે કઈ રીતે સાગર પાર કરીને લંકામાં આવ્યા' ત્યારે હનુમાને કહ્યું, 'એમાં મારું કોઈ બળ નથી. પ્રભુ રામે આપેલી મુદ્રિકા મુખમાં રાખી હતી, અને તેના પ્રભાવે હું સાગર પાર કરીને લંકામાં આવ્યો.' જુઓ, શ્રીરામને માટે વાલ્મિકી 'વીર' શબ્દ પ્રયોજે છે, તો હનુમાનને માટે મહાવીર શબ્દ પ્રયોજે છે.