Get The App

વિજ્ઞાન જગત સામે 'ચંદ્ર' એક્સ-રે ઓબ્ઝર્વેટરીને બચાવવાનો પડકાર

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
વિજ્ઞાન જગત સામે 'ચંદ્ર' એક્સ-રે ઓબ્ઝર્વેટરીને બચાવવાનો પડકાર 1 - image


- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

- #SaveCandra

ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને બચાવવા માટે સોશિયલ મીડિયા ઉપર ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્વિટર ઉપર પોસ્ટ કરીને, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના લૌરા લોપેઝ અને પેરિમીટર ઇન્સ્ટિટયૂટના કેટી મેક જેવા અગ્રણી ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રના બજેટને પુનઃસ્થાપિત કરવાની તરફેણ કરી છે. આ અભિયાનમાં જોડવા માટે સામાન્ય જનતા અને વિજ્ઞાન સમુદાયને હાકલ કરી છે. #SaveCandra હેશટેગ સોશિયલ મીડિયા ઉપર અપલોડ થઈ રહ્યા છે. SaveChandra.org નામની વેબસાઈટ કાર્યરત થઈ ચૂકી છે. youtube અને tiktok ઉપર ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને બચાવવા માટે જે વિડિયો મૂકવામાં આવ્યો છે, તેને એક કરોડ અને ત્રીસ લાખ લોકો જોઈ ચૂક્યા છે. વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ, ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને સમર્થન કરતો ખુલ્લો પત્ર લખી ચૂક્યા છે. જ્યારે આ પત્ર નાસા સાયન્સ મિશન ડિરેક્ટોરેટના વરિષ્ઠ સ્ટાફ નિકોલા ફોક્સ અને માર્ક ક્લેમ્પિનના ડેસ્ક પર પહોંચ્યો, ત્યાં સુધીમાં તેનાં ૮૭ પાના ઉપર વિવિધ વિજ્ઞાાનીઓ સહીઓ કરી ચૂક્યા હતા. ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીનાં સ્થાને કોઈ બીજી નવી વેધશાળા પ્રસ્થાપિત કરવાની કોઈ યોજના પણ રજૂ કરવામાં આવી નથી.

૧૯૯૦થી માંડીને ૨૦૦૩ વચ્ચે બ્રહ્માંડને સમજવા માટે ચાર અલગ અલગ પ્રકારની વેધશાળા એટલે કે ટેલિસ્કોપરૂપી ઓબ્ઝર્વેટરી અંતરિક્ષમાં ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી, હબલ સ્પેસ ટેલિસ્કોપ, સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ અને કોમ્પટન ગામા રે ઓબ્ઝર્વેટરીનો સમાવેશ થતો હતો. એકમાત્ર ચંદ્ર સિવાયની બાકીની ત્રણ ઓબ્ઝર્વેટરી એટલે કે ટેલિસ્કોપનો વિકલ્પ વિકસાવવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં આવું ટેલિસ્કોપ કાર્યરત પણ થઈ ચૂક્યું છે. પરંતુ ચંદ્ર એક્સરે ટેલિસ્કોપનો કોઈ જ વિકલ્પ નાસા કે અમેરિકન સરકારે વિચાર્યો નથી. #SaveChandra માટે પ્રચંડ સમર્થન જોયા પછી, NASA વહીવટીતંત્રે તેમના પ્રારંભિક પ્રસ્તાવ પર પાછા જવાનો અને ચંદ્ર માટે ભંડોળ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

- નાસાના બજેટમાં ત્રણ ટકા કાપ મુક્યો હતો. એમાં ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી માટેનું ભંડોળ નાટકીય રીતે ખૂબ જ ઘટાડવાનું છે. ઘણા લોકો ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરીને નામે બોલાવે છે. અંગ્રેજો અને અમેરિકનો રામને રામા બનાવી દે, તેમ ચંદ્રને અને ચંદ્રા બનાવી દે છે. ખેર નામમાં શું રાખ્યું? કામ મહત્વનું છે. ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરીએ જે કામ કર્યું છે. તેનો બીજો કોઈ વિકલ્પ મળે તેમ નથી. એટલે જ એસ્ટ્રો-ફિઝિક્સ અને કોસ્મોલોજીના ક્ષેત્રમાં કામ કરનારા કેટલાક વિજ્ઞાાનીઓ, ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીનો મૃત્યુઘંટ વાગતો સાંભળીને નારાજ થઈ ચૂક્યા છે. તેમણે ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરીને બચાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. જેનું નામ છે : 'સેવ ચંદ્રા'.

અમેરિકન પ્રમુખે ભંડોળનું સ્તર એટલું ઘટાડી દીધું છે કે ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીનું કામકાજ, સમય કરતા પહેલા બંધ કરીને, મિશનને તાળા મારી દેવાનો સમય આવી ગયો છે. જોકે ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી હજી દસ વર્ષ સુધી સ્વસ્થ રહીને પોતાનું કામ ચાલુ રાખી શકે તેમ છે. ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીનો અડધો સ્ટાફ નાણાંના અભાવે, ૨૦૨૫ના અંત સુધીમાં છૂટો કરવામાં આવશે. ૨૦૨૬ના અંત સુધીમાં સમગ્ર મિશન નિવૃત્ત કરી દેવામાં આવશે. શું વિજ્ઞાાનીઓનો સમુદાય ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને જીવતદાન આપી શકશે ખરો? આ સવાલનો જવાબ, ચંદ્ર ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટર પેટ્રિક સ્લેન પણ આપી શકે તેમ નથી. આવું શા માટે? 

- ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી

૧૯૭૮થી ૧૯૮૧ સુધી, હાઇ એનર્જી એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી પ્રોગ્રામના ભાગરૂપે આઈન્સ્ટાઈન ઓબ્ઝર્વેટરી, અંતરિક્ષમાં લો અર્થ ઓર્બીટમાં ગોઠવવામાં આવી હતી. આઈન્સ્ટાઈન ઓબ્ઝર્વેટરીએ વિશ્વનું પ્રથમ અંતરિક્ષમાં ગોઠવેલ એક્સરે ટેલિસ્કોપ હતું. આ દરમિયાન એક્સરે એસ્ટ્રોનોમીમાં ઇટાલિયન-અમેરિકન ખગોળશાસ્ત્રી રિકાર્ડો ગિયાકોની ઓથોરિટી એટલે કે સ્થાપિત સત્તા તરીકે લોકપ્રિય થઈ ચૂક્યા હતા. તેઓ હવે આઈન્સ્ટાઈન ઓબ્ઝર્વેટરી કરતાં પણ વધારે પાવર ફૂલ ટેલિસ્કોપ અંતરીક્ષમાં ગોઠવવા માગતા હતા. તેમણે વધુ શક્તિશાળી વેધશાળાની દરખાસ્ત સાથે સ્મિથસોનિયનના હાર્વે ટેનાનબૌમ સાથે જોડાણ કર્યું. ૧૯૭૬માં તેમનાં સહયોગથી  ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને અત્યાધુનિક ટેલિસ્કોપરૂપે અંતરિક્ષમાં ગોઠવવાની સૌપ્રથમ દરખાસ્ત  રજૂ થઇ હતી. ૧૯૮૦ના દાયકામાં એક્સ-રે ઓબ્ઝર્વેટરીની ડિઝાઇનથી માંડીને બાંધકામનું કાર્ય આગળ વધ્યું. 

આ ટેલિસ્કોપનું નામ, નોબેલ પુરસ્કાર વિજેતા અને ખગોળ ભૌતિકશાસ્ત્રી સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરના નામ પરથી 'ચંદ્ર' રાખવામાં આવ્યું હતું. તે સમયનું સૌથી મોટું અને અત્યાધુનિક ટેલિસ્કોપ એટલે કે ચંદ્ર એક્સરે ઓબ્ઝર્વેટરી. ૨૩ જુલાઈ ૧૯૯૯ના રોજ સ્પેસ શટલ કોલંબિયા દ્વારા તેને અંતરિક્ષમાં ગોઠવવામાં આવ્યું હતું.  આ એજ કોલંબિયા સ્પેસ શટલ હતું, જે ત્યારબાદ પહેલી ફેબુ્રઆરી ૨૦૦૩ના રોજ, અંતરીક્ષમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે સળગી ગયું હતું. જેમાં ભારતીય મૂળ ધરાવતી લોકલાડીલી અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાનું દુઃખદ મૃત્યુ થયું હતું. 

'ચંદ્ર'ને  અંતિમ ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યું ત્યારે, તે પૃથ્વીથી ૧૬૦૦૦ કિલોમીટર દૂર હતું. જોકે તે લંબગોળ ભ્રમણ કક્ષામાં હોવાથી, પૃથ્વીથી 'ચંદ્ર'નું સૌથી દૂરનું અંતર, એક લાખ તેત્રીસ હજાર કિલોમીટર થતું હતું. જે કુદરતી ચંદ્ર અને પૃથ્વીના અંતર કરતાં ત્રીજા ભાગનું છે. સરખામણી કરવા માટે કહેવું હોય તો, ત્યારબાદ નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપ અંતરીક્ષમાં ગોઠવ્યું હતું. તેના કરતાં પણ ૩૦ ગણું વધારે દૂર, ચંદ્ર એક્સરે ઓબ્ઝર્વેટરી ગોઠવવામાં આવી હતી.

- 'ઉહુરુ' એટલે 'સ્વતંત્રતા'

- ૨૩ ઑગસ્ટના રોજ, હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રી યવેટ સેન્ડેસે 'ઠદ (ટ્વીટ્ટર) પર તેમની સંસ્થાના ડિરેક્ટર તરફથી એક ઈમેલ પોસ્ટ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીનો સ્ટાફ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કામ કરી શકે એટલું ભંડોળ ફાળવવામાં આવશે? પરંતુ મુખ્ય સવાલ એ છેકે 'આ સમયગાળા બાદ શું થશે?' ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીને એક વર્ષ ચલાવવા માટેનો ઓપરેટિંગ ખર્ચ, નાસાના બજેટના માત્ર ૦.૩૦ ટકા જેટલો જ છે. આમ છતાં નાસા અથવા અમેરિકન સરકાર શા માટે? આ મિશનને આગળ વધારવા માગતી નથી? વિજ્ઞાાન જગત માટે ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી શા માટે ખૂબ જ જરૂરી છે?તે સવાલનો ઉત્તર મેળવવા માટે આપણે ભૂતકાળ અને ઇતિહાસમાં ડોકિયું કરવાની જરૂર પડે તેમ છે.

૧૯૬૨માં ઇટાલિયન-અમેરિકન ખગોળશાસ્ત્રી રિકાર્ડો ગિયાકોની અને તેમની ટીમે એક્સ-રે ડિટેક્ટર સાથે રોકેટ મોકલીને તારાઓની એક્સ-રે સિગ્નેચરનાં પ્રથમ સ્ત્રોતની શોધ કરી હતી. સ્વાભાવિક રીતે ગિયાકોની વધુ સંશોધન કરવા આતુર હતા. તેમને એક એક્સ-રે ઉપગ્રહ અને એક ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવવાની ઈચ્છા હતી. તારાઓની એક્સ-રે સિગ્નેચરની સફળતા જોઈને, ગિયાકોનીની મદદથી નાસાએ દુનિયાનો પ્રથમ એક્સરે ઉપગ્રહ તૈયાર કર્યો હતો. જેનું નામ હતુંઃ 'ઉહુરુ'. આફ્રિકાની શ્વાહીલી  ભાષામાં આ શબ્દનો અર્ર્થ થાય 'સ્વતંત્રતા'. આ ઉપગ્રહને આફ્રિકન ભાષાનું ઉહુરુ નામ આપવાનું મુખ્ય કારણ એ હતું કે 'તેનું પ્રક્ષેપણ કેન્યાને આતિથ્યનો લાભ આપી, મોમ્બાસા નજીક આવેલ ઇટાલિયન શાન માર્કો લોન્ચ પ્લેટફોર્મ ઉપરથી કરવામાં આવ્યું હતું. બે વર્ષ સુધી અંતરીક્ષમાં રહીને આ ઉપગ્રહે વિશ્વના પ્રથમ બ્લેક હોલના ચિહ્ન શોધી કાઢયા હતા. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં નાસાએ એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. હાઇ એનર્જી એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી પ્રોગ્રામ અંતર્ગત તેમણે એક્સ-રે, ગામા રે અને કોસ્મિક-રેની તપાસ માટે, પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં ત્રણ ટેલિસ્કોપ ગોઠવવાની યોજના ઘડી  હતી.

- અવકાશી આંખો બંધ થશે?

વિજ્ઞાાન જગતમાં હબલ સ્પેસ ટેલિસ્કોપ વધારે લોકપ્રિય છે, કારણ કે તે સીધું દ્રશ્યમાન પ્રકાશ વડે જ બ્રહ્માંડના દ્રશ્ય ઝીલે છે. જ્યારે ચંદ્ર એક્સરે ઓબ્ઝર્વેટરી બ્રહ્માંડની એક્સરે તસવીર ખેંચીને આપણને આપે છે. જેમ તબીબી વિજ્ઞાાનમાં એક્સરેની શોધ ઉપયોગી સાબિત થઈ છે, તેમ બ્રહ્માંડને સમજવા માટે, બ્રહ્માંડમાં રહેલી અદ્રશ્ય ઉર્જાને સમજવા માટે, અદ્રશ્ય પદાર્થને સમજવા માટે ચંદ્ર એક્સરે ઓબ્ઝર્વેટરી ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. જે વ્યક્તિએ બ્રહ્માંડની આપણી સમજમાં વધારો કર્યો હોય, અને તેની કાર્યની કદર વિજ્ઞાાન જગત ન કરે તો વિજ્ઞાાન વિશ્વ નગુણું ગણાય. ૨૦૦૨માં એક્સરે એસ્ટ્રોનોમીમાં સંશોધન કરવા માટે અને એક્સ-રે ઉપગ્રહ તથા એક્સરે ટેલિસ્કોપની યોજનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવવા બદલ, ઇટાલિયન-અમેરિકન ખગોળશાસ્ત્રી રિકાર્ડો ગિયાકોનીને  ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. 

ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી દ્વારા બ્રહ્માંડને લગતી જે નવી શોધખોળ થઈ અને બ્રહ્માંડની આપણી સમજની   સીમારેખાઓ વિસ્તરતી ગઈ છે. ટૂંકમાં કહીએ તો આપણી આકાશગંગા જેને દૂધગંગા અથવા મિલ્કી વે તરીકે ઓળખવામાં આવે છે, તેના કેન્દ્રમાં સુપરમેસિવ બ્લેકહોલ હોવાની શોધ, ચંદ્ર દ્વારા કરવામાં આવી હતી. તેણે ઇન્ટરમીડીયેટ માસ બ્લેક હોલ પણ શોધ્યાં છે. આ ટેલિસ્કોપ દ્વારા ન્યુટ્રોન સ્ટારની રચના અને એનું બંધારણ સમજવામાં મહત્વની માહિતી મળી હતી. ચંદ્ર ઓબ્ઝર્વેટરીનો વધુ સારો ઉપયોગ, સુપરનોવા વિસ્ફોટ ઘટનાને સમજવા માટે કરવામાં આવે છે. ચંદ્ર ઓબ્ઝર્વેટરીની મહત્વપૂર્ણ શોધમાં અદ્રશ્ય પદાર્થ જેને શ્યામ પદાર્થ કે ડાર્કમેટર અને કોસ્મિક વેબ તરીકે ઓળખાતી રચના પણ છે. ચંદ્રએ  ન્યુટ્રોન સ્ટારની ફરતે અત્યંત મજબૂત એટલે કે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટર્સની શોધ કરી છે. નવા મળી આવતા બાહ્યગ્રહ એટલે કે એક્ઝો-પ્લેનેટ ઉપર વાતાવરણની હાજરી છે કે નહીં?ત્યાં સજીવ સૃષ્ટિના વિકાસ થાય કે નહિ? આ પ્રકારના અનેક સવાલોના જવાબનો ડેટા ચંદ્ર ઓબ્ઝર્વેટરી મેળવી આપે છે. ચંદ્ર ઓબ્ઝર્વેટરીને બંધ કરી દેવાનું કૃત્ય બ્રહ્માંડને એક્સ રે નજરે જોતી આંખોને કાયમ માટે બંધ કરવાં જેવું છે.


Google NewsGoogle News