Get The App

યૌવનના સહજ આનંદને વખોડતી આસુરી વૃત્તિનો નાશ પણ શક્તિપૂજન છે!

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
યૌવનના સહજ આનંદને વખોડતી આસુરી વૃત્તિનો નાશ પણ શક્તિપૂજન છે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- આપણા ભારતીય વારસામાં કેન્દ્ર સ્થાને રસિકતા છે. વારંવાર એના પુરાવા આપો તો પણ પુરાતન થયેલા બુદ્ધિબુઠ્ઠાઓમાં નૂતન ચેતના જાગતી નથી

ભા રતીય રેલ્વેની જાણીતી બૂકિંગ સેવા છે, આઈઆરસીટીસી. ટ્વીટર ઉર્ફે એક્સ પણ એક્ટિવ છે. એમાં બે સ્ક્રીનશોટ લઈને કોઈ આનંદકુમાર નામના ગ્રાહકે ફરિયાદ કરેલી કે તમારી બૂકિંગ એપ ખોલું છું તો જુઓ કેવી વલ્ગર, અશ્લીલ જાહેરાતો દેખાય છે... આવું ગંદુ ગંદુ જોવાનું બહુ અકળામણ પેદા કરે છે, છીછીછી.

ભારતીય રેલ સેવાના અધિકારીએ એ પોસ્ટ નીચે આઈઆરસીટીસીનો સત્તાવાર જવાબ લખ્યો હતો કે, ''અમે એડ માટે જે ડિજીટલ સેવાઓનો ઉપયોગ લઈએ છીએ, એ (ગૂગલની માફક જ) તમારા ડિવાઈસ (મોબાઈલ, ટેબ, લેપટોપ)માં ડિજીટલ કૂકીઝ મુકે છે. જે તમારી બ્રાઇઝિંગ હિસ્ટ્રી યાને તમે ખાનગીમાં નવરા બેઠાં શું સર્ચ કરો છો, એ તમારા પર્સનલ પ્રેફરન્સને જાણીને એડ બતાવે છે. માટે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લીયર કરો, ડિજીટલ ક્લીન અપ કરો તો તમને આવી એડ્સ નહિ દેખાય !''

એમાં સરકારી મર્યાદાને લીધે જે ના લખાયું એ આમ હતું કે ''એલા હે વિકૃત કોડા, તું ખુદ જ વલ્ગર કે અશ્લીલ કહેવાય એવા કન્ટેન્ટ સર્ચ કરી કરીને જોતો હો છો છૂપાઈને ને એ મુજબ ઓટોમેટિક તારી ચોઈસને અનુરૂપ એડ્સ જનરેટ થઈને દેખાય છે ને પાછો જાહેરમાં મોટો સતો બનીને અમારી સામે પવિત્રતાનું પોટલું બનતા શરમાતો નથી અલ્યા નઘરોળ !'' ખીખીખી.

એક્ઝેટલી આ જ વાત ભારતમાં સંકુચિત રૂઢિચુસ્ત ખાલીખોપરાઓ કરતા હોય છે. કંઈ પણ શૃંગારિક જુએ એટલે એમની તરડાયેલી આઉટડેટેડ કેસેટ ચાલુ થઈ જાય કે 'અરરરર, કેવું બિભત્સ !' પહેલા તો એ કે ભરતમુનિના નાટયશાસ્ત્ર મુજબ જે નવરસ છે, એમાં બિભત્સ શબ્દ સેક્સ, અંગપ્રદર્શન, કામુકતા, લટકાઝટકા, માદક વસ્ત્રો વગેરે માટે છે જ નહિ. એ બધું જ શૃંગારરસમાં આવે. જેના પર તો સનાતનનો એવો પાયો ટકેલો છે કે કેવળ શુદ્ધ તત્વદર્શનની સાત્વિક કહેવાતી ચર્ચાઓમાં પણ રસ જળવાઈ રહે એટલે વેદઉપનિષદના ઋષિઓ પણ એના ઉદાહરણો આપતા ખચકાતા નથી. ગીતામાં કૃષ્ણ સ્વયં પોતે કંદર્પ ઉર્ફે કામદેવ હોવાનો જયઘોષ કરે છે. કારણ કે કામ ભારતમાં ઓર્થોડોક્સ ક્રિશ્ચયાનિટીની જેમ દાનવ નથી. લક્ષ્મીપુત્ર મનાતો રતિપતિ દેવ છે, જે શિવના વરદાનથી અનંગ (અદ્રશ્ય અંગવિહીન) બની વિહરે છે. પુષ્પધન્વા કહેવાયો છે જેના આમ્રપલ્લીના પાંચ બાણ મનુષ્યને મળેલી પંચેન્દ્રિયો છે !

બિભત્સ એટલે તો જેને જોઈને જુગુપ્સા, ધૃણા યાને ચીતરી ચડે. અંગ્રેજીમાં કહીએ તો ડિસ્ગસ્ટિંગ. (શૃંગારિક તો મોંમાં પાણી લઈ આવે એવું એટલે અલ્યોરિંગ હોય !) જેમકે ઉલટી કે મળમૂત્રવિસર્જનના દ્રશ્યો, કોહવાયેલા ખંડિત મૃતદેહોના દ્રશ્યો, ગીધ મડદાં ચૂંથે કે કોઈ પાગલ ગંદકી વચ્ચે ન્હાયાધોયા વાળ ઓળ્યા વિના પડયો હોય, કોઈ વિકૃત બળાત્કાર કરી ઈજાઓ પહોંચાડતો હોય પીડિત ને કોઈ બાળકને મારવામાં આવતું હોય એવા બધા કુત્સિત ગંદકીના દ્રશ્યો બિભત્સ છે. કહેવાતા વિકાર કે વાસનામાં તો આકર્ષણ છે, સુખ છે, પ્રસન્નતા છે. બેકલેસ ચોળી કે એમાંથી - છલકાતા ક્લીવેજ કે ઝમકદાર ઠુમકા અને ચમકદાર અંગમરોડ નર્તન એ શૃંગારિક છે. બિભત્સ નહિ. જે યુવક-યુવતી એમાં મસ્ત અને રમમાણ છે, એ પોતે દિલ ખોલીને જિંદગી એન્જોય કરે છે. બીજાઓ શું કરે એની પંચાત કરતી જીવાત બનતા નથી. જે નવરાત્રિ જેવા ઉત્સવમા નાચવારમવામાં વ્યસ્તમસ્ત છે, એ બીજા કેવી ભક્તિ કરે છે કે નથી કરતા એ જોવા નથી જતા. પણ કહેવાતી ભક્તિ કરનારાઓ પોતાના ડોળા ફૂટબોલની સાઇઝના કરીને ટેલીસ્કોપ લઈને રમનારાઓના કાજી થવા અદ્દલ ઈરાની મુલ્લાઓ જેવી માનસિકતા લઈને ધસી જાય છે ! તમે ખરેખર માઈભક્ત થઈને માતાજીની - સાધનાઆરાધના કરો છો તો બીજા શું કરે છે એમાં ધ્યાન કેમ જાય તમારું ? સ્વકલ્યાણ કરો, બીજાની લાઈફમાં નડતર બનવું એ તો ઉલટું કર્મબંધન છે ! કૃષ્ણની જોડે રહીને પણ અર્જુન કૃષ્ણ ન થઈ શકે. અને એમની જોડે રહ્યા વિના પણ નરસિંહ મહેતા કૃષ્ણમય થઈ શકે. એટલે ભક્તનું ધ્યાન સતત બીજે ભટક્યા કરતું હોય તો એ ઢોંગી તકલાદી છે !

પણ હમણા તો જેમના મંદિરોમાં માતાજીનું મુખ્ય સ્થાપન નથી હોતું ને પુરુષ જ સંત બની શકે છે એવા કોઈ સ્વામી નવરાત્રિ પર એને લવરાત્રિ કહીને એલફેલ વરસી પડયા. અરે, બ્રહ્મચારી થઈ જાય આખું જગત આવા સ્વામીઓ જેવું તો માનવજાતનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થઈ જાય સો વર્ષમાં આકર્ષણવિહીન, રતિક્રીડાવિહીન સમાજ સંતાનો જ પેદા ન કરે તો ! પછી તો કેવળ ફુલો, પશુપંખીજળચરો, વગેરેની સજીવસૃષ્ટિ રહે, જે પ્રાકૃતિક સાહજીક જીવન જીવતી હોય. જેમાં મેટિંગ કે એટ્રેકશનનો કોઈ છોછ હોય જ નહિ. ઇનફેક્ટ, ભગવાનને ચડતા રંગબેરંગી અને સુગંધી ફુલોને પણ આવા ચોખલિયાઓએ અડાય નહિ. પુષ્પના રંગ-સુગંધ પણ એમાં ભગવાને મુકેલી શુદ્ધ સેક્સ જ છે ! વાસના યુ નો ! પણ પ્રભુ તો કહે છે ઋતુનાં કુસુમાંકરઃ ઋતુઓમાં હું વસંત છું. સંત નહિ, વસંત. વસંત એટલે જ ફુલોના ખીલવાની યાને મિલનની, પ્રેમની મોસમ.

જે દેશમાં કામસૂત્રના રચયિતા મહર્ષિ કહેવાય, જ્યાં લવ મેસેન્જર મેઘદૂતના રચયિતા કવિકુલગુરૂ કહેવાય, જ્યાં પોતાના માછીમાર માતા અને બ્રાહ્મણ ઋષિના સહજ આકર્ષણ થકી થયેલા સમાગમના સંતાનની કથા સ્વયં લખનાર નિખાલસ સર્જકને વેદવ્યાસ કહેવાય, જેનું નામ મહર્ષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાના આકર્ષણયુક્ત મિલનથી પેદા થયેલ પુત્રી શકુંતલાના પ્રેમલગ્નના સંતાન ભરત પરથી પડયું હોય ને એ ભરતવંશ ઈશ્વરનો લાડકો ગણાતો હોય, એ કૃષ્ણનો કે જે ખુદ પ્રેમલગ્નો કરે, પૌત્રના અસુરપુત્રી ઉષા સાથે ઇન્ટરરેસિયલ લવમેરેજ માટે યુદ્ધ કરે ને બહેન સુભદ્રાને અર્જુન સાથે પ્રેમલગ્ન માટે રવાના કરે, એ પાર્થ કે જે નાગકન્યા ઉલૂપી કે ચિત્રાંગદા સાથે પણ પ્રેમવિવાહ કરે ને જેના બંધુ ભીમસેન રાક્ષસકન્યા હેડમ્બા સાથે પણ પ્રેમ કરે ને જેનાપિતામહ ભીષ્મ ગંગા-શાંતનુની પ્રેમકથાનું ફળ હોય ત્યાં લવ શબ્દનો આટલી એલર્જી ને પરહેજ એ તો પાકિસ્તાની-અફઘાની-તાલિબાની-ઇરાની બ્રેઈનવોશ બતાવે છે ભારતના સંસ્કૃતિરક્ષકોનું !

બાકી સંસ્કૃતિ સંસ્કૃતિ કરનારા એ સંસ્કૃત વાંચે તો - માતા ભગવતીની સ્તુતિ કરી (જેના વિશે વર્ષો પહેલા અનુવાદ સાથે લેખ લખેલો અહીં) એમના એકેએક (મીન્સ, એકેએક નખશિખ તમામેતમામ) અંગોની સ્તુતિનું નામ સૌંદર્યલહરી આપ્યું છે, એ વાંચીને બેહોશ જ થઈ જાય ! આમે જો કે એમને હોશ તો હોતો જ નથી. નહિ તો એટલી ખબર ન પડે કે જે શક્તિ, જે માની પૂજા કરવાનો દંભી દેખાડો કરે છે, એમની જ લવસ્ટોરી છે. અરે, એને લીધે તો ભારતમાં માની શક્તિપીઠો છે પૂરી એકાવન ! ભૂલી ગયા, પ્રેમવિરોધી પિતા જડસુ દક્ષ પ્રજાપતિ અને શિવના પ્રેમ ખાતર અપમાન સહન કરતા સતીએ કરેલું અગ્નિસ્નાન ? જે મૃતદેહને લઈ ક્રોધિત શિવે તાંડવ નૃત્યુ કર્યું અને નટરાજના તાંડવથી જે શક્તિના અલગ અલગ અંગો જ્યાં પડયા, ત્યાં રચાઈ શક્તિપીઠો ! ક્યાંક નેત્ર, ક્યાંક બાહુ, ક્યાંક હૃદય (આપણું અંબાજી), ક્યાંક યોનિ (કામાખ્યા, આસામ) વગેરે પછી પાર્વતી તરીકે શિવના પ્રણય માટે તો એમણે તપસ્યા કરી, શિવને પ્રેમ કરાવવા તો દેવતાઓ એકઠાં થયા અને બેઉના વિવાહમિલનથી કાર્તિકેયનો જન્મ થયો ને આ કથા પરથી વિશ્વસાહિત્યનું અણમોલ રોમેન્ટિક ઇરોટિક કાવ્ય કાલિદાસે લખ્યું 'કુમારસંભવ' જેને આપણા પૂર્વજોએ સાચવ્યું, ગંગામાં પધરાવી નથી દીધું ! જેમ નરસિંહ મહેતાએ ભક્તિના તત્ત્વદર્શનના પચાસેક પદ લખ્યા પણ ચોળી, નૂપૂર, હોઠ, બાજુબંધ, કુંડળ, ઉરોજ, કંકણ, હાંસડી, ટીલડી, વીંટી, વગેરેના શણગારથી છલકતા ગોપી માધવના રાસના સાતસો રસિક પદ લખ્યા એ દામોદરકુંડમાં વહાવી નહોતા દીધા એમ !

હવે જ્યાં પાયો જ લવ હોય શિવ-શક્તિના સાયુજયનોે, જ્યાં પ્રેમવિરોધી દક્ષને તો વીરભરૂ જેવા શિવગણો સજા કરતા હોય, જ્યાં બીજાને નડતા આસુરી રક્તબીજોનો કાલિકા ખડગ લઇને સંહાર કરતા હોય, જ્યાં દેવી ભાગવતમાં દેવીના રૂપનું એવું વર્ણન હોય કે મહિષાસુર મોહિત થાય ને એ ખોટું કરે ત્યાં જોગમાયા એને સજા કરે, ત્યાં લવરાત્રિ ખરાબ કેવી રીતે થઇ ગયો ? જ્યાં ખજૂરાહો નહિ, સમગ્ર ભારતમાં હજારેક વર્ષ જૂના જેટલા મંદિરો હોય ત્યાં અનાવૃત શૃંગાર અને મૈથુનશિલ્પો સહજ હોય ત્યાં એક્ટ ઓફ લવ વળી પાપ કઇ પરદેશી સંસ્કૃતિની અસરમાં થઇ ગયું ? સામુહિક શાસ્ત્રમાં તો સ્ત્રીને જ કામદેવનો નિવાસ કહી કામિની નામ અપાયું છે !

આજની પેઢી ઉછાંછળી ને એમના ગીતો આવા ને વસ્ત્રો તેવા એવો પાગલપ્રલાપ તો સદીઓથી જેને ખાટી જવા નથી મળ્યું મોજમાં, એવા શિયાળો ખાટી દ્રાક્ષ કહેતા ફરતા હોય છે ! પ્રાચીન સનાતન વારસામાં તો આજના મુક્ત ગણાતા પશ્ચિમને સરમાવું પડે એટલી ઉત્મુક્ત રસિકતા પડી છે. અહીં તો વૈરાગ્યશતક લખતા પહેલા ભર્તૃહરિ શૃંગારહશતક લખે છે. પણ કેટલાકને ધર્મથી મોક્ષ કૂદાવી જવો છે. અર્થ અને કામની એલર્જી હોય છે. ગ્લેમર જોઇને ભવાં ચડાવતા ચડાવતા ભ્રમર ખરી પડે છે એમની ! જે એથનિક ડ્રેસમાં સાવ સહજ છે. સદીઓથી એની રોજીંદા વસ્ત્ર તરીકે પહેરાતી બેકલેસ ચોળી જોઇને પણ આવા બૂડથલો છળી મરે છે. એમની અંગત મર્યાદાના પ્યાદા એમને જવાન જનરેશનને બનાવવા છે કારણ કે અહીં પુખ્ત વયના સંતાનોને ખાનગી મિલકત ગણવાનો ધારો છે, સ્વતંત્ર આત્મા ધરાવતો જીવ નહિ ! ડરપોક તો છે જ સમાજ, પણ અભણ છે જે સંસ્કૃતિની વાતો કરે છે, એનું જ ભાન અસલી કરાવતો અરીસો બતાવો તો આયનો જોઇને ચાંચ પ્રતિબિંબ સાથે પછાડતી કાબર જેવો કકળાટ કરવા લાગે છે !

તો મહેરબાન સાહિબાન, ફેશન કોઈ ગુનો નથી ને નાચવું કોઈ અપરાધ નથી. સંસ્કૃતિમાં પાછળ ન જવું હોય તો આગળ જાવ. દેશ ૭૫ વર્ષથી આઝાદ થઇ બંધારણ ને કાયદા મુજબ ચાલે છે. કોઇની વ્યક્તિગત માન્યતાઓ કે અંગત (અને હંમેશા દુભાયા જ કરતી) ધાર્મિક લાગણીઓ પર નહિ ! કોઈપણ રૂઢિચુસ્ત ઓર્થોડોક્સની આવી અશ્લીલતા બાબતની કોઈ ફરિયાદની ભારતની સુપ્રીમ કોર્ટે તરફેણ કરી એની ફેવરમાં ચૂકાદો આપ્યો નથી. કારણ કે, કાયદો કોણે કેવા વસ્ત્રો પહેરવા કે જાહેરમાં નાચવું એની બાબતમાં શરિયાનુમા પ્રતિબંધો મુક્તો નથી આપણે ત્યાં ! સન્માન કરતા શીખો બીજાની સ્વતંત્રતાનું ઘડીઘડી મોરલ પોલિસ બનીને મોરલી વગાડવા ના લાગો. આ બધા મૂલ્યો નવરાત્રિ જેવા સંગીન ઉત્સવોમાં યાદ આવે છે તો રોજ ભ્રષ્ટાચારથી ખદબદતા તંત્ર કે સડકના ખાડા, વીજળીના ધાંધિયા, ગંદકી, રખડતા ઢોર, બેશુમાર રોગચાળા વગેરે બિભત્સ નથી લાગતા ? પ્રકૃતિએ મુકેલા આકર્ષણ ને આવેગોને વાસના વાસના કહ્યા કરો છો તો જગતમાં શું કોઇએ યુવાન ઉંમરે મોજમજા કરવાની જ નહિ ? બોરિંગ ઉપદેશો જ સાંભળીને સંયમના નામે મન મારીને બેઠા કરવાનું ? કહેવાતા સાધુબાવાઓની કામલીલાના વિડિયો આવે છે, તો સંસારીઓ શું આનંદ ના કરે પરસ્પરની સહમતિથી ? ગુજરાતમાં આમે ક્વોલિટી ઇન્ટરનેશનલ ક્લાસની ડાન્સ ક્લબ કે ડિસ્કોથેક તો બનવા નથી દીધા, તો યૌવનધન હિલોળા લઇને ઝૂમેનાચે ક્યારે ? આ જ યુવાપેઢી આ જ બધા સ્ટેપ્સથી બેલ્જીયમથી જર્મની, અમેરિકાથી ઓસ્ટ્રેલિયાને ગરબામાં પાગલ કરે તો પોરસાઈ જાવ છો પાછા ! તો દુનિયા તમારા જુનવાણી પછાત બકવાસ સાંભળીને ભારત નહિ આવે, રાસનો ચાર્મ જોઇને ભારતમાં રસ લેશે.

યંગથીંગ્સને સમજતા શીખો, બાકી ટાઈમ જ તમને પાસ કરી નાખશે. લેટેસ્ટ ગેજેટસ વાપરવા છે, 

ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, મેડિસીન બધામાં ફોરેન લેવલે હાઈટેક થવું છે, અને ઘડીઘડી ભૂતકાળના નામે ભૂત થયા કરવું છે, ડાન્સ કે રોમાન્સની સૂગ રાખવી છે. જવાન તનબદન નાચે નહિ, મોજથી રમે નહિ તો શું પથારીવશ બૂઝૂર્ગો રમશે ? ગજબ છે, કોઇને ભોગ નથી લેવાતો એમ નાચવું ગાવું કે ભારતના કે પરદેશના સરસ ફિલ્મી કે પોપ સોંગ્સ વગાડવા એ પણ ક્રાઈમ ગણવાનું ? માતાજીની ભક્તિની દુહાઈ દેનારાઓનું એટલું જનરલ નોલેજ હોવું જોઇએ કે રાસ કૃષ્ણ-ગોપીઓની સાથે જોડાયેલી રસિક રોમેન્ટિક ઘટના છે અને માતાજીની ભક્તિમાં સ્તુતિ, હવન જ છે. લોકસંસ્કૃતિમાં નવરાત્રિમાં ગુજરાતમાં રાસગરબા આવ્યા (જે બીજે નથી ભારતમા) તો એ ખુદ જ માતાજીની ભક્તિમાં જે તે -વખતના લોકોએ આણેલું પરિવર્તન છે. જેને અસલી માની લો, તે હવેના લોકો એમાં પોતાની રીતે ફેરફાર કરે એ નકલી માની લો? આ તો મોરી કાન્તેના સોંગ ઉઠાવવા માટે 'તમા તમા' વાળા ભપ્પી લહેરી ને 'જુમ્મા ચુમ્મા' વાળા લક્ષ્મી પ્યારે ચોરીના સામસામા આક્ષેપો કરે એવી હાસ્યાસ્પદ 'આયરની' છે ! (આયરનીનો અર્થગૂગલ કરજો. ગૂગળના ધૂપ કરતા એનો ઉપયોગ વધુ છે આજના જીવનમાં !)

એકચ્યુઅલી ઉટપટાંગ આક્ષેપો અને જડસુ જજમેન્ટસથી યુવા પેઢીમાં ગિલ્ટ વધારવાને બદલે ભારતમાં હમણા સીજેઆઈ ચંદ્રચૂડસાહેબે ટકોર કરી અને હેલ્ધી સેક્સ એજ્યુકેશન વધારવાની જરૂર છે. સતત દબાઈને અને સંસ્કૃતિની જીવનવિરોધી, ધર્મની સુખવિરોધી વ્યાખ્યાઓ ધરમના ધંધાદારીઓ પાસેથી ગોખીગોખીને ભારતની ઘણી વસતિ શરીર બાબતે સહજ નથી રહી. ઢાંકપિછોડાને લીધે અમુક વધુ ભૂખાળવા થયા છે. સ્ત્રીઓ પર પ્રતિબંધો લાદવામાં શૂરાપૂરા સામાજીક મોભીઓ પુરૂષોને કંટ્રોલ એન્ડ કર્ટસીની તાલીમ આપવામાં ઠોઠિયા પુરવાર થયા છે. એ ભૂમિ જ્યાં સૌથી પહેલા દેહને સહજ માની ઉત્સવ મનાવવામાં આવ્યો જીવનના આનંદોનો, લિંગપૂજાથી અનાવૃત નારીદેહના ત્રિભંગી ચુડોળ શિલ્પો અને બેનમૂન સાહિત્યિક વર્ણનોથી શરીરને સાહજિક અને સૌંદર્યને સર્જનાત્મક પ્રેરણા ગણાયું. ત્યાં જ આજે દુર્ભાગ્યે અભણઅકોણા તાલિબાની નકલચીઓ ઉભરાઈ પડયા છે.

રીડરબિરાદર હસમુખ મકવાણાએ કોમેન્ટ કરેલી કે એમના ખેતર પાસેની નહેરમાં દેશી વરણની વિચરતી સ્ત્રીઓ ચણિયાભેર નહાતી હોય એ રોજીંદુ દ્રશ્ય હતું ને એમને લોભ ના થતો, પસાર થતા પુરૂષો પણ આરોજીંદા દ્રશ્યમાં તાક્યા કરવાને બદલે ત્યાંથી નજર ફેરવી પસાર થઇ જતા. જે રૂટિન હોય એ સહજ લાગે છે. લંગોટભેર યોગાસન કરતા પુરૂષને આપણે સહજ જોઇએ છીએ, પણ બિકિનીભેર સ્નાન કરતી સુંદરીને નહિ ! કોઈ પણ ફેમસ ફોરેન બીચ પર આવા દ્રશ્યો મા-બાપના પણ બાળકો માટે સ્વાભાવિક છે. એમાં એમને કશું ય સ્પેશ્યલ નથી લાગતુ. આપણે પતિ-પત્નીની પણ મર્યાદાને બાકીના તો સ્પર્શે, ભેટે, ચૂમે એ પાપ જ એવા ચોકઠાંથી બધુ છાનુંછપનું રાખી ભૂખ્ખડોના ભૂખાવડોના એન્ટીસોશ્યલ એલીમેન્ટસ પેદા કર્યા છે.

તો જ્યારે સહમતી વિના છેડતી કે દુષ્કર્મ થાય, ત્યાં તાજેતરમાં વડોદરામાં બન્યું એમ તાબડતોબ ગુનેગાર જેર કરી ત્વરિત કડક સજા કરો. પણ વગર નવરાત્રિએ વગર શણગારે દાહોદમાં એક વિકૃતા આચાર્યે નાની બાળકીની અત્યાચાર કરી હત્યા ના કરી ? દિલ્હીમાં લિવ ઇનમાં કટકા થયા એમ બેંગ્લોરમાં ય થયા, એકમાં મુસ્લિમ અપરાધી એકમાં હિન્દુ. કલકત્તાના ચકચારી કેસમાં સીબીઆઈએ સંજય સામે ચાર્જશીટ કરી છે. અધર્મી બધે છે, એવાઓને ઠોકીને ન્યાયનો ભય બેસાડવાનો હોય. પણ એની નામે યૌવનને ઠરાવીને મસ્તી કરતું બંધ કરવાનું ના હોય, એ મેચ્યોર્ડ નેશનની નિશાની છે. રીડરબિરાદર ભાવેશ પરમાર સત્યનું પુનરૂચ્ચારણ કરે છે કે પ્રકૃતિમાં યૌવન અવસ્થા (અને આકર્ષણની શૃંગારમઢી રસિકતા) ના હોત તો કવિ, કલાકાર, ચિત્રકાર, શિલ્પકારનું અસ્તિત્વ જ ના હોત ! તો શું મરીને સ્વર્ગના બોઝિલ ઉપદેશકોના કકળાટિયા ભાષણોથી કલ્ચર બનત ?

વિજયાદશમીએ આવા આસુરી અસત્યો પર જય મેળવીએ !

ફાસ્ટ ફોરવર્ડ

'પ્રિયેષુ સૌભાગ્યફલા હી ચારૂતા' (કુમારસંભવ, સર્ગપ, શ્લોક ૧, પાર્વતી તપ)

ભાવાર્થ ઃ (કામિનીનું) સૌંદર્ય પ્રિયતમના પ્રેમરૂપી ફળ મેળવે એ જ સાચું સૌભાગ્ય.


Google NewsGoogle News