ક્યૂ-કોમર્સ : ફાસ્ટ જનરેશનમાં અલ્ટ્રા ફાસ્ટ શોપિંગનો ટ્રેન્ડ
- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
- દુનિયાના ૨૫૦ કરોડ લોકો ઓનલાઈન શોપિંગ કરે છે. ઈ-કોમર્સની માર્કેટ વેલ્યૂ હજુય વધવાની છે એવા સમયે ઈ-કોમર્સના જ 'કિડ'
ક્વિક કોમર્સ.
૧૩ વર્ષ પહેલાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક નાનકડી કંપની સ્થપાઈ. જેનું નામ હતું - પોસ્ટમેટ્સ. એ કંપનીએ પહેલી વખત ૬૦ મિનિટમાં ફૂડ ડિલિવરીની સર્વિસ શરૂ કરી. ને એ રીતે ૨૦૧૧માં પહેલી વખત આ શબ્દ ચલણમાં આવ્યો હતો. કંપનીએ એક કલાકની અંદર ફૂડ ડિલિવરીની ગેરન્ટી આપી. તે વખતે અમેરિકામાં ઈ-કોમર્સનું માર્કેટ ગ્રો થતું હતું. આ નવી બનેલી કંપની પોસ્ટમેટ્સની સ્પર્ધા ઈ-કોમર્સ સાથે હતી એટલે કંપનીએ ઈ-કોમર્સને બદલે ઝડપી ડિલિવરી આપવાના દાવા સાથે તેને 'ક્વિક કોમર્સ' નામ આપ્યું.
એના પગલે અમેરિકામાં ઉબર, ગોપફ, ઈન્સ્ટાકાર્ટ જેવી કંપનીઓ બની અને ફૂડથી લઈને બ્રેડ-દૂધ-કરિયાણાની ડિલિવરી એક કલાકમાં શરૂ કરી. પછીના વર્ષોમાં ચીન, સ્પેન, સિંગાપોર, જકાર્તા અને ભારતમાં પણ ક્વિક કોમર્સની સર્વિસ ઓફર કરતી કંપનીઓ સ્થપાઈ. આમ તો આ ઈ-કોમર્સ જ છે, પરંતુ એનું ફોર્મેટ ઝડપી હોવાથી 'ક્વિક કોમર્સ' નામ અપાયું ને એનુંય વળી શોર્ટફોર્મ થઈને 'ક્યૂ કોમર્સ' થઈ ગયું. જેમ ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટ, વનડે ક્રિકેટ અને ટી-૨૦ના અલગ અલગ ફોર્મેટ છે એવું જ કંઈક ઈ-કોમર્સ, સોશિયલ કોમર્સ અને ક્વિક કોમર્સનું છે.
ઈ-કોમર્સ કંપનીઓ બધી જ પ્રોડક્ટ ઓફર કરે છે, પરંતુ એનો ડિલિવરી ટાઈમ એક દિવસથી માંડીને એક સપ્તાહ કે ઘણી વખત એનાથી પણ વધારે હોય છે. સોશિયલ કોમર્સ પણ ઈ-કોમર્સનો જ ભાગ છે. ફરક એટલો છે કે એનો ઓર્ડર સોશિયલ મીડિયામાંથી પ્લેસ થાય છે. એના માટે કોઈ કંપનીની એપ કે વેબસાઈટમાં જવું પડતું નથી. પ્રોડક્ટ દેખાય સોશિયલ મીડિયામાં, ઓર્ડર પણ ત્યાંથી થાય, પેમેન્ટ માટેય ત્યાં વ્યવસ્થા થઈ હોય ને રિટર્ન કરવા માટે સંપર્ક સોશિયલ મીડિયામાંથી જ થઈ જાય છે. સોશિયલ કોમર્સનો ટ્રેન્ડ દુનિયામાં વધી રહ્યો છે અને મોટાભાગે સોશિયલ કોમર્સમાં પ્રોડક્ટ ડિલિવરીનો સમયગાળો બે-ત્રણ દિવસ જેવો હોય છે.
આ બંનેથી ઝડપી છે ક્યૂ કોમર્સ. ઈ-કોમર્સ અને સોશિયલ કોમર્સમાં ઘણાં સેલર્સ એક જ શહેરમાં ડિલિવરી કરવાની હોય તો સેમ-ડે ડિલિવરીની સર્વિસ આપે છે. ધારો કે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ ને જે પ્રોડક્ટનો ઓર્ડર કર્યો છે એ સેલર અમદાવાદમાં જ હોય તો પ્રોડક્ટ આપણને એક દિવસમાં મળી જતી હોય છે, પરંતુ ક્વિક કોમર્સ એનાથી એક કદમ આગળ રહે છે ને મિનિટોમાં આપણી સામે ઓર્ડર હાજર કરી દે છે. ક્વિક કોમર્સ એપ્સ મોસ્ટલી જીવનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી ઓફર કરતી હોય છે. કરિયાણું, દૂધ-દહીં-છાશ-પનીર-ચીઝ, ફ્રૂટ્સ, શાકભાજી, દવાઓ, વેલનેસ પ્રોડક્ટ્સ વગેરે ઓર્ડર કર્યાના ૧૫-૨૦માં મળી રહે છે. હવે ક્વિક કોમર્સની કંપનીઓની સર્વિસનો વ્યાપ વધ્યો છે. અસંખ્ય પ્રોડક્ટ ઓફર કરે છે અને એની ડિલિવરી પણ મિનિટોમાં કરી આપે છે, પરિણામે ઈ-કોમર્સ કંપનીઓ સામે ફાસ્ટ ડિલિવરીનો પડકાર સર્જાયો છે.
૧૯૮૧થી ૧૯૯૬ વચ્ચે જન્મેલી જનરેશન મિલેનિયલ્સ અને ૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે જન્મેલી જેન-ઝેડને ક્વિક કોમર્સ બેહદ અપીલ કરે છે. ફાસ્ટ જનરેશનને ક્યૂ કોમર્સ સૌથી અસરકારક લાગે છે. પ્લાનિંગ વગર પણ છેલ્લી ઘડીએ કેક-ચોકલેટ્સ-ગિફ્ટ-ફૂડ કે એવું કશું જોઈતું હોય તો સમય બગડતો નથી. કોરોનાની મહામારી માનવજાત માટે આફત બનીને ઉતરી હતી, પણ એ આફત ક્યૂ કોમર્સ માટે અવસર બની. લોકો બહાર નીકળી શકતા ન હતા તે વખતે ક્વિક ડિલિવરીની સર્વિસ ઓફર કરતા ઘણાં પ્લેટફોર્મ બન્યા. મોલ્સ, સુપરમોલ્સે પણ કોવિડના ટાઈમે ક્યૂ કોમર્સની સર્વિસ શરૂ કરી હતી. ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરો એની મિનિટોમાં કે કલાકોમાં ઘરે બેઠાં બધો સામાન મળી જતો હોવાથી કોવિડ પછીય એની પોપ્યુલારિટી અકબંધ રહી છે.
ક્વિક કોમર્સની સર્વિસ ઓફર કરતી કંપનીઓના મોટાભાગના શહેરમાં વેરહાઉસ હોય છે અથવા તો લોકલ વેપારીઓ સાથે એક ચેનલ બનેલી હોય છે. જેમ ફૂડ ડિલિવરી એપ્સ ખુદ ફૂડ બનાવતી નથી, પરંતુ રેસ્ટોરન્ટ્સને જોડે છે એમ ક્યૂ કોમર્સ એ જ પદ્ધતિથી કામ કરે છે. આફટર ઓલ, ક્વિક કોમર્સની શરૂઆત જ આ રીતે ઝડપી ફૂડ ડિલિવરીના કોન્સેપ્ટમાંથી થઈ હતી અને હજુય આ બિઝનેસમાં એ જ મોડલ ફોલો થાય છે.
આજે દુનિયાભરમાં ક્વિક કોમર્સનો ગજબનો ટ્રેન્ડ છે. નોર્મલી એક કલાકમાં ગ્રાહકને પ્રોડક્ટ પહોંચાડી આપતી સર્વિસને ક્વિક કોમર્સ કહેવાય છે. પરંતુ હવે કંપનીઓ વચ્ચે ૩૦ મિનિટની અંદર ડિલિવરી કરવાની સ્પર્ધા ચાલી રહી છે. જેમ એક જમાનામાં ૪૫ મિનિટમાં પિત્ઝા પહોંચાડી દેવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો એવો જ ટ્રેન્ડ અત્યારે ક્વિક કોમર્સ કંપનીઓ વચ્ચે ૨૫-૩૦ મિનિટથી ઓછા સમયમાં પ્રોડક્ટ પહોંચાડી દેવાનો ચાલી રહ્યો છે અને તેના પરિણામે અત્યારે ક્વિક કોમર્સનું ગ્લોબલ માર્કેટ ૩૦ કરોડ ડોલરે યાને અંદાજે ૨૫ અબજ રૂપિયાએ પહોંચ્યું છે. એ ૧૦-૧૫ ગણું વધીને આગામી પાંચ વર્ષમાં પાંચ અબજ ડોલરને પાર પહોંચી જશે.
વેલ, જેન-ઝેડ ફાસ્ટ છે. તેમની પાસે ધીરજ રાખવાનો સમય નથી! એમને ફટાફટ બધું જ કામ કરી લેવું છે. ઈન્સ્ટન્ટ પાકી જાય એવું ફૂડ ભાવે છે, તુરંત મળી જાય એવી સર્વિસ જોઈએ છે. ક્યાંય વેઈટિંગ હોય એ પસંદ નથી. ઓર્ડર કર્યા ભેગું તરત મળી જાય એવી લક્ઝરી ક્યૂ કોમર્સમાં મળે છે ને એ લક્ઝરીના પાટા પર ક્યૂ કોમર્સ કંપનીઓની બુલેટ રમરમાટ દોડી રહી છે.
- ઈ-કોમર્સનું બિઝનેસ મોડલ ઃ ઓછો નફો, વધુ વકરો
ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન અને ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશને દેશમાં સર્વિસ આપતી ઈ-કોમર્સ કંપનીઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાને રજૂઆત કરતાં આ સંગઠનોએ કહ્યું હતું કે ઓનલાઈન કંપનીઓ બેફામ ઓફર્સ આપીને માર્કેટનું સંતુલન બગાડે છે અને એમાં ગરબડો કરે છે. એમનો આરોપ એવો છે કે ખોટ કરીને પણ આ કંપનીઓ ધારણા બહારની ઓફર્સ આપે છે. તેનાથી માર્કેટમાં કંપનીઓની પક્કડ બને છે. જે રકમની ખોટ કરે છે એ વિદેશથી ફંડ મેળવીને સરભર કરે છે. ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં આ કંપનીઓ ગરબડ કરે છે એવા આરોપની તપાસની માગ ઉઠી છે. એમ તો આખાય ઈ-કોમર્સ પર ડાર્ક પેટર્નના ઉપયોગનો પણ આરોપ છે. ડાર્ક પેટર્ન એટલે એક નહીં તો બીજી રીતે ગ્રાહકને પોતાના પ્લેટફોર્મ તરફ લાવવા માટેની ગેરવાજબી તરકીબો. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ અહેવાલમાં તો ત્યાં સુધી દાવો થયો હતો કે ભારતમાં સરેરાશ ૫૩માંથી ૫૨ એપમાં ડાર્ક પેટર્નથી ગ્રાહકોને લોભાવવામાં આવે છે. ઈ-કોમર્સ કંપનીઓની આ ચાલાકી સામેય વિરોધ ઉઠતો રહે છે.
જ્યાં સુધી ઈ-કોમર્સ કંપનીઓના બિઝનેસ મોડલની વાત છે ત્યાં સુધી એની તરફેણમાં એક દલીલ એવી થઈ રહી છે કે આ કંપનીઓ સામાન સીધો જ નિર્માતા પાસેથી ખરીદે છે અને એમાં વચ્ચે સેલિંગની જે ડાઉનલાઈન ચેનલ છે એનો નફાનો ગાળો બાદ થાય છે એટલે ગ્રાહકને માર્કેટમાં જે ચીજવસ્તુઓ ૧૫૦૦૦માં મળતી હોય એ ૧૩૦૦૦ હજારમાં મળી જાય છે. એક તર્ક એવોય છે કે આ કંપનીઓ નફાના ગાળા કરતાં મોટા બિઝનેસ પર વધુ ફોકસ કરે છે. અત્યારે ચાલી રહેલા બિગ બિલિયન્સ ડેઝની વાત કરીએ તો ઈ-કોમર્સનો બિઝનેસ ૧૨ અબજ ડોલર સુધી પહોંચી જશે. ગયા વર્ષે આ ગાળામાં ૯.૭ અબજ ડોલરનો બિઝનેસ થયો હતો. આ વર્ષે એમાં બે-અઢી અબજ ડોલરનો વધારો થવાનો છે. તે હિસાબે ઓછા માર્જિનમાં મોટો વકરો કરીને કંપનીઓ એમાંથી અબજો રૂપિયાની કમાણી કરે છે.
- ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ગામડાં સુધી પહોંચ્યો
દેશમાં ઈ-કોમર્સ માર્કેટ કેટલી ઝડપે વધી રહ્યું છે એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ૨૦૧૧માં ૨૮,૫૦૦ કરોડનું ઈ-કોમર્સ માર્કેટ ૨૦૧૭માં એક લાખ કરોડથી વધુ થયું હતું. ૨૦૨૩ના અંતે ૧૧૬૦ કરોડ ડોલરે પહોંચેલું આ સ્વદેશી માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૩૨૫૦ કરોડ ડોલરથી પણ વધારે હશે. દેશમાં ઈ-કોમર્સ ગ્રાહકો ૩૫ કરોડ પહોંચ્યા છે ને આગામી ચાર-પાંચ વર્ષમાં ૫૦ કરોડ લોકો ઓનલાઈન શોપિંગ પર ભરોસો કરતા હશે. થોડા વર્ષો પહેલાં ઓનલાઈન શોપિંગ માત્ર મોટા શહેરોમાં જ થતી હતી. મહાનગરની બહાર ઈ-કોમર્સ કંપનીઓ પ્રોડક્ટની ડિલિવરી કરતી ન હતી. એ પછી પ્રથમ સ્તરના થોડાં મોટાં શહેરો સુધી સામાનની ડિલિવરી થવા માંડી, પણ ગામડાંઓમાં પ્રોડક્ટ મળતી ન હતી. ગામડાંમાંથી ઓર્ડર કર્યો હોય તો એ શહેરમાં જ લેવા જવું પડે. એટલે નાના શહેરમાં ન મળતી હોય એવી ચીજવસ્તુઓ ગામડાંના યુઝર્સ ઓનલાઈન ઓર્ડર કરીને શહેરમાંથી મેળવી લેતા, પરંતુ આ ટ્રેન્ડ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ઝડપભેર બદલાયો છે. ગુજરાતમાં અમદાવાદથી ૩૦૦-૪૦૦ કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટીના ગામડાં સુધી ઈ-કોમર્સ કંપનીઓ સર્વિસ આપતી થઈ હોવાથી ગામડાંમાં ઓનલાઈન શોપિંગનો જબરો ટ્રેન્ડ ચાલ્યો છે. તે એટલે સુધી કે મહાનગરોને ટક્કર આપે એટલી શોપિંગ ગામડાંમાં થવા માંડી છે. ફિક્કી એન્ડ ડિલોયના લેટેસ્ટ સર્વેમાં જણાયું છે કે મહાનગરોમાં ઈ-કૉમર્સ એપ્સમાંથી ૪૯ ટકા ચીજવસ્તુઓ ઓર્ડર કરે છે. તો કસ્બાં અને ગામડાઓના ૪૫ ટકા યુઝર્સ ઓનલાઈન ઓર્ડર કરીને સામાન મંગાવે છે. ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ગામડાંમાં પહોંચ્યો તેનાથી દેશની ઈ-કોમર્સ કંપનીઓ ઉત્સાહમાં છે. તેમને આગામી વર્ષોમાં કરોડો નવા ગ્રાહકો મળશે.