कम खाना गम खाना .
- થોડામાં ઘણું - દિલીપ શાહ
- શેઠ, બોસ, શાસક... સામેની રાંક વ્યક્તિ ગમ ખાતી થઈ ગઈ છે. કર્મચારીને ઠપકો ખાવાની હવે આદત પડી ગઈ છે
ખાવું... પીવું ક્રિયાપદો પાચનતંત્રનાં પ્રતિનિધિઓ તરીકે આપણે ઓળખીએ છે. મોં, જડબું, દાંત, જીભ, લાળગ્રંથિઓ, અન્નનળી, જઠર... પાચન સંસ્થાનાં કર્મઠ સ્વયંસેવકો છે. ભોજન ખાવું (આરોગવું) ને પ્રવાહી પીવુંના સનાતન સૂત્ર સાથે જીવન ધબકારાનાં તાલમેલ ચાલે છે. પણ આ 'ખાવું... પીવું' ક્રિયાપદ ડીજીટલ આબોહવામાં જોડણીકોશનાં અર્થઘટન કરતા ગુગલ જ્ઞાાનના વધુ વિકલ્પ આપે છે. સરકારી ખાતાઓમાં આ બે ક્રિયાપદોએ જાત વટલાવી દીધી છે. ટેબલ નીચે નાણાનો વિનિમય રંગે 'શ્યામ' થઈ ગયો છે. આનાથી 'લાંચ-રૂશ્વત' ખાતું (!) ધમધોકાર ચાલે છે. ઈડી (ઈઘ) ના દરોડા ફ્રોમ નાસિક ટૂ નરોડા પડઘા પાડતા થઈ ગયા છે. પેટને ફાંદનું પ્રમોશન આપવામાં આ 'લાંચ' 'ખાવાની' કવાયત ઉધઈની જેમ ફેવીકોલી થઈ ગઈ છે.
શેઠ, બોસ, શાસક... સામેની રાંક વ્યક્તિ ગમ ખાતી થઈ ગઈ છે. કર્મચારીને ઠપકો ખાવાની હવે આદત પડી ગઈ છે. સાસુ-વહુનાં મ્હેણાં-ટોણાં પરસ્પર વાટકી વહેવારમાં સાંભળી ખાવાની ટેવ પડોશીઓની ખુલ્લી બારીઓમાં દેખાય છે.
મણનો ધક્કો પડયો. મહેમાનોનાં ઉતરી ગયેલા ચહેરાની આ સેલ્ફી છે. ધક્કા ખાઈ ખાઈને સમૃદ્ધ થતાં ઉઘરાણીવાળા, કુરીયરવાળા અને બોણી બોનસવાળા આના તાજના સાક્ષી છે.
'હવા ખાવા' હીલસ્ટેશને જવું ગુજરાતીઓનું ગૌરવ છે. અપવાસ અગિયારસમાં ફરાળી ખાવા ઉપરાંત બગાસા... ઓડકાર... છીંક... ઘચરકા... હેડકી... ઉધરસ ખાઈ ખાઈને પણ ધરાઈ જવાનો સંતોષ આપણે માણી લઈએ છે ને ?
વિદુરની ભાજી અને સુદામાના તાંદુલ 'ખાવા'માં ભગવાનનું ય નામ સંભળાય છે એટલે 'ખાવા'માં વાંધો નથી! સ્વરૂચિ ભોજન ખાવામાં આપણે પરિવાર વતી 'ચાંલ્લા'નું ઈન્વેસ્ટમેંટ બંધ કવરમાં કરી હોજરી કેવી ખોલી દઈએ છે !
મરી મસાલા
વિશ્વમાં પાણી વધારે પીવાય છે કે બોટલમાં દારૂ કે શ્રમિકોનું લોહી?