Get The App

કુંડલિની શક્તિ જાગૃત કરવાથી પ્રાપ્ત થતી અનેક સિદ્ધિઓ

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
કુંડલિની શક્તિ જાગૃત કરવાથી પ્રાપ્ત થતી અનેક સિદ્ધિઓ 1 - image


- અગોચર વિશ્વ - અગોચર વિશ્વ

- કુણ્ડલિની અને ચક્રોને જાગૃત કરવા યોગ પ્રક્રિયામાં કુંભક પ્રાણાયામનો પ્રયોગ કરવામાં આવે છે. કુંભક, મહાકુંભક પ્રાણાયામથી મૂલાધાર ચક્રમાં રહેલા પ્રાણાગ્નિની વૃદ્ધિ થાય છે

'વેદાધીનં મહાયોગં યોગાધીનો ચ કુણ્ડલી ।

કુણ્ડલ્યધીનં ચિત્તંતુ ચિત્તાધીનં ચરાચરમ્ ।।

મનસઃ સિધ્ધિ માત્રેણ શક્તિ સિધ્ધિ ર્ભવેદ્ ધુ્રવમ્ ।

યદિ શક્તિવશીભૂતા ત્રૈલોક્ય સ્યાત્તદા વશે ।।

વેદને અધીન યોગ છે. યોગને અધીન કુણ્ડલિની છે. કુણ્ડલિનીને અધીન ચિત્ત છે અને ચિત્તને અધીન ચરાચર જગત છે. મનની સિધ્ધિ પ્રાપ્ત થઈ જાય છે એટલે શક્તિની સિધ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે અને જે શક્તિને પોતાના વશમાં કરી લે છે, ચરાચર, જગત એટલે કે ત્રણેય લોક તેના વશમાં આવી જાય છે.'

- મહાયોગ વિજ્ઞાાન

મનુષ્યના શરીરના મૂલાધાર ચક્રમાં રહેલી કુણ્ડલિની બ્રહ્મ શક્તિ - આત્મ શક્તિ છે. સુવર્ણ જેવી આભા ધરાવતી મહાશક્તિ કુણ્ડલિની જીવન શક્તિ છે. તેજસ્વી પ્રાણ એનો આકાર છે. મૂલાધાર ચક્રમાં રહેલા સ્વયંભૂ લિંગને સાડા ત્રણ આંટા મારીને સૂતેલી સર્પિણીની જેમ રહેલી આ શક્તિ પ્રકૃતિની જ્ઞાાનશક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિનું સૂચન કરે છે. 'જ્ઞાાનેચ્છા ક્રિયાણાં તિમૃણાં વ્યષ્ટીનાં મહાસરસ્વતી મહાકાલી મહાલક્ષ્મીરિત । જ્ઞાાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ આ ત્રણ જ શક્તિની પ્રકૃતિ છે. તેમને જ મહા સરસ્વતી, મહા લક્ષ્મી અને મહાકાલી કહેવાય છે. દેવી ભાગવતમાં દેવી સ્વયં કહે છે - 'કેચિત્ તાં તપ ઈત્યાહુસ્તમઃ કેચિજ્જડં પરે । જ્ઞાાન માયાં । પ્રધાનં ચ પ્રકૃતિ શક્તિમળ્યભમ્ । આનંદરૂપતા ચાસ્યાઃ પરપ્રેમાસ્પદત્વતઃ । - કોઈ મને તપ શક્તિ કહે છે, કોઈ જડ, તો કોઈ ચેતન. કોઈ માયા પ્રકૃતિ. હું જ આનંદરૂપા અને પરમ પ્રેમાસ્પદ છું.'

મહાયોગ સૂત્રમાં કહેવાયું છે - 'યોગિનાં હૃદયામ્બુજે નૃત્યન્તી નૃત્યમજ્જસા । આધારે સર્વભૂતાનાં સ્ફુરન્તિ વિદ્યુતાકૃતિ ।। યોગીઓના હૃદય પ્રદેશમાં તે નૃત્ય કરતી રહે છે. આ જ હમેશા પ્રસ્ફુટિત થનારી વિદ્યુત રૂપ મહાશક્તિ બધા પ્રાણીઓની આધાર છે.' કુંડલિની રહસ્યમય દૈવી શક્તિ છે. તે જાગૃત થઈ જાય એટલે સાધક અનેક પ્રકારની વિશિષ્ટ શક્તિઓ અને સિધ્ધિઓ પ્રાપ્ત કરવા લાગે છે. જ્યાં સુધી તે જાગૃત ન થાય ત્યાં સુધી જીવન પશુવત્ બની રહે છ તેનો આધ્યાત્મિક વિકાસ થતો નથી. તેની ચેતના ઉચ્ચ સ્તરે પહોંચતી જ નથી. એટલે જ કહેવાયું છે - 'યાવત્સા નિદ્રિતા દેહે તાવજ્જીવઃ પશુર્યથા । જ્ઞાાનં ન ભયતે તાવત્ કોટિ યોગ વિધેરપિ ।।''

કુણ્ડલિની સુષુમ્ણા નાડીના દ્વારને બંધ રાખે છે તેને યોગ્ય યોગ પ્રક્રિયાથી જાગૃત કરાય છે ત્યારે સુષુમ્ણા નાડીનું દ્વાર ખૂલી જાય છે. તેમાંથી આ વિદ્યુત ચૈતસિક પ્રવાહ મસ્તિક તરફ પ્રવાહિત થાય છે. મધ્યમાં રહેલી સુષુમ્ણા નાડીની આજુબાજુમાં ઇડા અને પિંગળા નાડીઓ રહેલી છેે. મનુષ્ય શરીરમાં સાડા ત્રણ કરોડ નાડીઓ છે એવું કહેવાય છે. એમાં સુષુમ્ણા, ઇડા, પિંગળા, ગાંધારી, હસ્તિજિહ્વા, કુહુ, સરસ્વતી, પુષા, શંખિની, પયસ્વિની, વારુણી, અલંબુજા, નાડીઓ મુખ્ય છે. એમાંય પાછી ઇડા, પિંગળા અને સુષુમ્ણા એ સૌથી પ્રમુખ છે.

મેરુદંડમાં ચંદ્ર સ્વરૂપા ઈડા ડાબી તરફ, સૂર્ય સ્વરૂપા પિંગળા જમણી તરફ અને અગ્નિ સ્વરૂપા સુષુમ્ણા વચ્ચેની તરફ રહેલી છે. તમામ નાડીઓમાં યોગની દ્રષ્ટિએ સૌથી મહત્વની આ સુષુમ્ણા નાડી છે. તે અત્યંત તેજયુક્ત છે. તે કેવળ શ્રેષ્ઠ યોગીઓને જ ગોચર બને છે. એની અંદર ઇચ્છા, જ્ઞાાન, ક્રિયાત્મક કરોડો સૂર્યના તેજ જેવું સ્વયંભૂ લિંગ છે. સૂક્ષ્મ શરીરની શિરોલંબ ધરી (Vertical Axis)  પર કરોડ રજ્જુ અને મસ્તિષ્ક સાથે સંબંધિત સુષુમ્ણા નાડી પર સાત ચક્રો (શક્તિ કેન્દ્રો) આવેલા છે. આ સાત ચક્રોના નામ છે - ૧. મૂલાધાર ચક્ર ૨. સ્વાધિષ્ઠાન ચક્ર ૩. મણિપુર ચક્ર ૪. અનાહત ચક્ર ૫. વિશુદ્ધિ ચક્ર ૬. આજ્ઞાા ચક્ર ૭. સહસ્ત્રાર ચક્ર. યોગ ગ્રંથોમાં ક્યાંક ષડચક્રો તો ક્યાંક અષ્ટ ચક્રો હોવાની વાતનો ઉલ્લેખ છે.

કુણ્ડલિની અને ચક્રોને જાગૃત કરવા યોગ પ્રક્રિયામાં કુંભક પ્રાણાયામનો પ્રયોગ કરવામાં આવે છે. કુંભક, મહાકુંભક પ્રાણાયામથી મૂલાધાર ચક્રમાં રહેલા પ્રાણાગ્નિની વૃદ્ધિ થાય છે. આ અત્યંત વધેલો પ્રાણ-અગ્નિ કુણ્ડલિનીને જાગૃત કરવા શક્તિ આપે છે. તે ફૂંફાડા મારતા સાપની જેમ ઉપર ઉઠે છે અને બધાં ચક્રોનું ભેદન કરી સૌથી ઉપરનાં સહસ્ત્રાર ચક્રમાં જઈને મહાશિવ સાથે જોડાઈ જાય છે. શક્તિનો શિવ સાથે સંયોગ થતાં અમૃતત્વની અનુભૂતિ થાય છે.

થિયોસોફીના વિદ્વાન લેખક સી. ડબલ્યુ. બેડબીટરે એમના લખેલા 'ધ ચક્રાસ' પુસ્તકમાં આ ચક્રો વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેમાં તેમણે દર્શાવ્યું છે કે પ્રાણ શરીર એક વિશેષ પ્રકારની વિદ્યુતથી નિર્મિત થાય છે. ઘણા વિજ્ઞાાનીઓએ પ્રાણને 'ફાયર ઑફ લાઇફ' કહ્યો છે. કુણ્ડલિની યોગ પ્રાણ વિદ્યા પર જ આધારિત છે. યુરોપિયન તાંત્રિક જેકબ બોહમના શિષ્ય જ્યોર્જ મિશેલે થિયોસોફિક પ્રેકિટકામાં કુંડલિની જાગરણ અને ષડચક્રભેદન વિશે પણ ઉપયોગી માહિતી આપી છે. ઇટાલિયન ચિંતક જુલિયસ ઈવોલા તંત્ર યોગ અને ગૂઢ વિદ્યાના નિષ્ણાત હતા. તેમના ઘણા પુસ્તકો જર્મન, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષામાં અનુવાદિત થયા છે. અંગ્રેજીમાં અનુવાદ કરાયેલું તેમનું પુસ્તક 'ધ યોગા ઓફ પાવર'માં કુંડલિની યોગની સુંદર સમજૂતી રજૂ કરવામાં આવી છે. સર જ્હોન વુડરફે લખેલું 'ધ સર્પન્ટ પાવર' નામનું પુસ્તક પણ અત્યંત પ્રસિદ્ધ પામેલું છે. સર વુડરફે આર્થર એવેલોન ઉપનામથી પણ યોગને લગતા ઘણા પુસ્તકો લખ્યા છે.

કુણ્ડલિની યોગ સાધનામાં સિદ્ધહસ્ત બનેલા પંડિત ગોપીકૃષ્ણે કુણ્ડલિની - ધ ઇવોલ્યુશનરી એનર્જી ઇન મેન, લિવિંગ વિથ કુણ્ડલિનીમાં આને લગતા ઘણા રહસ્યોનું ઉદ્ધાટન કર્યું છે. તેમનામાં કુણ્ડલિની જાગરણ થયા પછી અનેક યોગસિદ્ધિ પણ આવી હતી. તેમના પુસ્તકોએ પશ્ચિમના લોકોને કુંડલિની યોગ તરફ સારા એવા પ્રમાણમાં આકર્ષિત કર્યા હતા.


Google NewsGoogle News