Get The App

નવરાત્રિના દિવસો માત્ર 'ગરબા' માટે નહીં પણ ''ગરવા'' બનવા માટે છે

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
નવરાત્રિના દિવસો માત્ર 'ગરબા' માટે નહીં પણ ''ગરવા'' બનવા માટે છે 1 - image


- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- ''મારે મન 'દેશભક્તિ' એ જ  'દેવ ભક્તિ' છે. ભગવાન ધન એટલા માટે આપે છે કે તમે માનવધર્મનું પાલન કરી બીજાને ઠારો.'' - અંચલ શેઠનું જીવનદર્શન.

તપનકુમારને બે દીકરા, મોટો દીકરો વર્ચસ્વ અને નાનો દીકરો સર્વસ્વ. અને સૌથી નાની દીકરી વાચા. વર્ચસ્વ માતૃભક્ત, સર્વસ્વ પિતૃ ભક્ત અને વાચા મધ્યમાર્ગી. અને પિતાને પણ નારાજ ના કરે અને મમ્મી સુગંધાદેવીને પણ ખુશ રાખે.

સુગંધાદેવીનો એક નિયમ : જ્યાં સુધી મા અંબાની પૂજા પૂરી ન થાય, ત્યા સુધી એક ઘુંટડો પાણી પીવું નહીં. પૂજા સમાપ્ત કરતાં દોઢ કલાક વીતી જાય, ત્યાં સુધી એમના પતિ તપનકુમાર ધૂંઆપૂંઆં થતાં એમની આસપાસ આંટા માર્યા કરે. સુગંધાદેવી પતિના નાસ્તિક સ્વભાવને કારણે અત્યંત ખિન્ન રહેતાં હતાં.

વર્ચસ્વને ડૉક્ટર થવું હતું, પણ ઘરની આર્થિક રીતે કમજોર હાલત જોઈને વચર્વ ગ્રેજ્યુએટ થઈ સરકારી નોકરીમાં જોડાઈ ગયો. સર્વસ્વને નોકરીમાં રસ નહોતો. એ ગર્વભેર કહેતો ઃ ''વર્ચસ્વ, મને 'ગવર્મેન્ટ સર્વન્ટ' શબ્દ નથી ગમતો. નોકરી કરે તે નોકર. હું સ્વતંત્ર બિઝનેસ કરીશ. મારામાં સફળતાનો આત્મવિશ્વાસ છે, અને મારી મમ્મીનાં અંબામાતા પણ મારી સાથે છે. '' કહી હાસ્ય સાથે એ કટાક્ષ કરતો.

વર્ચસ્વની બાંધી આવકથી ઘરનું ગાડું ચાલતું હતું. તપનકુમાર રિટાયર્ડ થઈ ગયા હતા. તેમનું પેન્શન આવતું હતું પણ ઘરના ખર્ચા પૂરા થતા નહોતા. બીજી તરફ વાચા મોટી થઈ રહી હતી. એ પોતાનું લગ્ન કોઈ ધનાઢય કુટુંબના પુત્ર સાથે થાય એનાં સપનાંમાં રાચતી હતી. તપનકુમારને વાચાના લગ્નની ચિંતા હતી. પણ શ્રીમતી સુગંધાદેવી તો બધી જ જવાબદારી એમનાં આરાધ્યા મા અંબાને સોંપીને નિશ્ચિંત થઈ ગયાં હતાં. તપનકુમારે સગાં-વહાલાંને વાચા માટે ખાધેપીધે સુખી ઘરનો મુરતિયો શોધવાનું કામ સોંપી દીધું હતું.

તપનકુમાર પૈસે ટકે સુખી નથી, એ વાત જ્ઞાાતિબંધુમાં ફેલાઈ ગઈ હતી. એટલે અમીર પરિવારનાં લોકોએ પોતાના પુત્ર માટે તેમની દીકરી વાચાના નામ પર ચોકડી મારી દીધી હતી. તપનકુમારની લાચારીનો લાભ ઉઠાવતાં સગાં-વહાલાં પોતપોતાના ભાણિયા-ભત્રીજા નામો સૂચવતાં અને સલાહ આપતાં કે - હવે 'કંકુ કન્યા' ના દિવસો ગયા. મધ્યમ વર્ગનો યુવક પણ પાંચ-દસ લાખ વગર રાજી થતો નથી. એટલે વાચાને સુખી કરવા કરતાં 'ઠેકાણે' પડે એનો આગ્રહ રાખો.

નવરાત્રિમાં સુગંધાદેવી નકોરડા ઉપવાસ કરતાં. તપનકુમાર પિતૃભક્ત સર્વસ્વને કહેતાં ઃ ''દીકરા, મને ચટાકેદાર વાનગીઓ ખાવાનો પહેલેથી શોખ છે. એટલે તારી મમ્મી નવ દિવસ ઉપવાસ કરે અને મને તું નવ દિવસ રોજ નવાં-નવાં રેસ્ટોરન્ટમાં ભોજન કરાવે તો મારા આનંદનો પાર નહીં રહે. તારી મમ્મી આગળ વાચાના લગ્ન માટે પૈસાની જોગવાઈની વાત કરું, ત્યારે એ શ્રધ્ધાવાદી બની એક જ વાતનું રટણ કર્યા કરે છે - 'મા અંબા પોતાના ભક્તની લાજ રાખશે, તમે ચિંતા ના કરો.'' સર્વસ્વ જાતજાતના નાના-નાના ધંધા કરતો હતો. એટલે લોન લઈને કામ ચલાવતો હતો. એણે પપ્પા તપનકુમારને ભાવતાં ભોજન નવરાત્રિના નવ દિવસો દરમિયાન કરાવવાની ખાત્રી આપી.

વર્ચસ્વ પણ નવરાત્રિમાં ઉપવાસ કરતો, પણ નકોરડા નહીં. ફળ-ફળાદિ, દૂધ વગેરે અલ્પપ્રમાણમાં લેવાનું રાખતો એ નવરાત્રિમાં ઓફિસમાં વધુ કલાકો કામ કરતો. એ માનતો હતો કે ભક્તિ નિષ્ક્રિય બનવાનો અવસર નથી, પણ પોતાની પાસે જે કાંઈ શ્રેષ્ઠ હોય, તે દેવી-દેવતાને અર્પણ કરવાનો અવસર છે. 

એક દિવસ એક અમીર પણ સાદગીમાં માનતા અંચલકુમાર પોતાના પુત્રને પાસપોર્ટ અને વિઝાના કામમાં મદદરૂપ થવા માટે વર્ચસ્વને મળવા આવ્યા. વર્ચસ્વએ તેમને આવકાર આપ્યો ઃ ''જય અંબે, આપની શી સેવા કરું ?''

અંચલકુમાર પણ મા અંબાના પરમ ઉપાસક હતા. 'જય અંબે' શબ્દ સાંભળી ખુશખુશાલ થઈ ગયા ! વર્ચસ્વએ તેમને પાસપોર્ટ અને વિઝાનાં કામમાં મદદરૂપ થવાની ખાત્રી આપી. અંચલકુમાર તો વર્ચસ્વનાં વિનય અને વિનમ્રતા જોઈને નવાઈ પામ્યા. વર્ચસ્વના મમ્મી સુગંધાદેવી મા અંબાના પરમ ભક્ત છે જાણીને અંચલકુમારને વિશેષ  આનંદ થયો. વર્ચસ્વ ઘરે જવાની તૈયારી કરતો હતો, ત્યાં જ તપનકુમારનો ફોન આવ્યો, તેઓ ધૂ્રસકે-ધૂ્રસકે રડતાં ફોન પર કહી રહ્યા હતા ઃ ''બેટા, તારા નાનાભાઈ સર્વસ્વએ કોઈ વહેપારી સાથે મારામારી કરી છે. વહેપારીએ પોલીસ ફરિયાદ કરી છે. એટલે પોલીસ સર્વસ્વને પકડીને લઈ ગઈ છે. એને જામીન પર છોડાવવા માટે ઘરમાં પૈસા નથી. તું જલ્દી ઘરે આવી જા. અને પૈસાની સગવડ કરવી પડશે.''

પપ્પા તપનકુમારના ફોનથી વર્ચસ્વને ચિંતિત અને ઉદાસ જોઈને પેલા સજ્જન અંચલકુમારે પોતાની ગાડીમાં બેસતાં પુછ્યું ઃ ''ભાઈ, તમે એકાએક ટેન્સનમાં કેમ આવી ગયા?''

વર્ચસ્વએ પોતાના નાનાભાઈને પોલીસ પકડી ગઈ હોવાની વાત કરી. એટલામાં એક પોલીસ ઓફિસર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અંચલકુમારને જોયા એટલે તરત જ પોલીસ ઓફિસર દોડી આવ્યા. અને વંદન કરતાં કહ્યું ઃ ''અંચલ શેઠ, આપ અહીં ? શું કામ હતું. મને કહ્યું હોત તો હું તમારું કામ કોઈની પણ પાસે કરાવી શકત. આપને તો નવરાત્રિના ઉપવાસ ચાલતા હશે. ભૂખ્યા પેટે તડકામાં આપ શા માટે બહાર નીકળ્યા?  મને એક ફોન કરી દેવો હતો ને !''

'અંચલશેઠ' શબ્દ સાંભળીને વર્ચસ્વને આશ્ચર્ય થયું. અંચલશેઠે વર્ચસ્વના નાનાભાઈ સર્વસ્વની પોલીસ ફરિયાદની વાત પેલા પોલીસ ઓફિસરને કરી. પોલીસ  ઓફિસરે કહ્યું ઃ ''આપ ચિંતા ન કરશો, શેઠજી  હું માતાજીના દર્શન કરીને સીધો જ પોલીસ સ્ટેશન જઈશ અને સર્વસ્વને જામીન પર છોડાવા માટે જરૂરી  જામીનગીરીના પેપર્સ અને પૈસાની સગવડ કરી દઈશ. આપ દરેક તહેવારે પોલીસ-ક્વાર્ટસમાં આવી પોલીસનાં બાળકોને મીઠાઈ અને ભેટ-સોગાદ આપો છો, એટલે અમે સહુ આપને ભગવાન માનીએ છીએ. ભાઈ વર્ચસ્વ તમારા પપ્પાજીને કહી દો કે સર્વસ્વ દોઢ કલાકમાં ઘરે પાછો આવી જશે.''

વર્ચસ્વએ અંચલશેઠના પગ પકડી આભાર માન્યો શેઠે જતાં-જતાં પોતાનું વિઝિટીંગ કાર્ડ આપી વર્ચસ્વના માથે પોતાનો વરદ હાથ મૂકી 'જય અંબે' કહી વિદાય લીધી. વર્ચસ્વએ કહ્યું. ''આપ આટલા મોટા બિઝનેસમેન છો, છતાં આપના પુત્રના પાસપોર્ટ અને વિઝાના કામ માટે આપની ઓફિસના સ્ટાફને મોકલવાને બદલે આપ જાતે મારી પાસે કેમ આવ્યાં ?''

''એટલા માટે કે મેં તમારી ઈમાનદારી અને કર્તવ્યભાવનાના વખાણ સાંભળ્યાં હતાં. એટલું જ નહીં, તમારાં મમ્મી મા અંબાના સમર્પિત ભક્ત છે, એ જાણી મને વધુ આનંદ થયો હતો,એટલે જાતે તમને મળવા આવી ગયો. મારે મન દેશભક્તિ એ જ દેવભક્તિ છે. તમે મા અંબાના લાડકા પુત્ર છો, એટલે હું પણ, 'અંબાભક્ત' તરીકે આજથી તમારો મુરબ્બી છું.''

એ ઘેર પહોંચ્યો. ત્યારે સર્વસ્વ પોલીસ સ્ટેશનથી ઘરે પાછો આવી ગયો હતો. એણે કહ્યું 'એક પોલીસ-ઓફિસર મારી મદદે આવ્યા અને જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મને ઘેર જવાની રજા આપી. ભાઈ, તમે જીત્યા છો. મમ્મી પણ જીતી છે. દેવી-દેવતાઓ ભક્તની લાજ જવા દેતા નથી.''

બીજે દિવસે સવારે ૧૦ વાગે વર્ચસ્વના ઘર આગળ એક કારમાંથી અંચલશેઠ ઊતરતા નજરે પડયા. વર્ચસ્વએ દોડીને તેમનું સ્વાગત કર્યું અને કહ્યું ઃ 'શેઠ સાહેબ, મને બોલાવી લેવો હતોને!'

અંચલ શેઠે કહ્યું ઃ ''ભાઈ વર્ચસ્વ, કામ તમારું નહીં મારું છે. એટલે હું જાતે આવ્યો છું. સુગંધાદેવીનો વેવાઈ બનવા  માટે. તમને સૌને બહેન વાચાનાં લગ્નની ચિંતા છે, પણ પૈસાની તકલીફને લીધે, વાચાના લગ્ન ગોઠવાતા નથી, એવા સમાચાર મને મળ્યા છે. હું વાચાને પારાવાર સુખ આપીશ. વાચાનો હાથ મારા પુત્ર વરદાન માટે માગવા આવ્યો છું. મા અંબાએ પણ મને સ્વપ્નમાં આદેશ આપ્યો છે. મને સેવાની તકથી વંચિત ના રાખશો.''

તપનકુમાર અંચલશેઠને ભેટી પડયા. તેઓ અંચલશેઠને સુગંધાદેવી જ્યાં પૂજા કરતાં હતાં તે રૂમમાં લઈ ગયા. અને મા અંબાની મૂર્તિને વંદન કરતાં કહ્યું ઃ ''માતા, અંબા સુગંધા તારી પૂજા કરતી હતી ત્યારે હું ગુસ્સો કરતો હતો... મને માફ કરી દે, માડી. સુગંધાની પૂજા આજે ફળી છે. 

અને અંચલશેઠે કહ્યું ઃ ''માતા અંબામૈયા તરફનો ભક્તિભાવ હું પણ વ્યક્ત કરવા ઈચ્છું છું. મે નક્કી કર્યું છે કે વાચા અને વરદાનનું લગ્ન મા અંબાની સાક્ષીએ અંબાજીના ધામમાં કરવું. પણ એક સમસ્યા છે, મારી પત્ની વિધાતા ભાગ્યમાં માને છે. એ માને છે કે કોઈનું ભાગ્યલેખન વ્યક્તિના હાથનો વિષય નથી, પણ કુદરતના હાથનો વિષય છે. આપણે લગ્ન કરાવનાર કોણ ? ભગવાને કોણ કોનું જીવનસાથી બનશે એ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોય છે. આપણે તો તેનું નિમિત્ત બનતાં હોઈએ છે.''

અંચલશેઠે કહ્યું ઃ ''દરેકને પોતાનું મંતવ્ય ધરાવવાનો અધિકાર છે. હું તારા મંતવ્ય સાથે સમ્મત થતો નથી. પણ વ્યક્તિ સ્વાતંત્ર્યની દ્રષ્ટિએ તેનો આદર કરું છું. તું પણ મારા નિર્ણયનું સ્વાગત કરે એમ ઈચ્છું છું.''

''કહો, પછી હું એ નિર્ણય વિશે મારું મંતવ્ય જણાવીશ.''

''તો સાંભળ તપનકુમારનાં પત્ની સુગંધાદેવી માતા અંબાનાં પરમ ભક્ત છે એટલે એમના વ્યક્તિભાવની હું કદર કરું છું.''

''તમને તો ફોગટનાં કામોમાં પહેલેથી રસ છે.''

''આ કામ ફોગટનું નથી પણ સમાજસેવાનું છે. નવરાત્રિ દરમ્યાન ઘણાં લોકો પગપાળા માતા અંબાના દર્શને જાય છે. પણ ગરીબ, વૃધ્ધા અશક્ત લોકો મનમાં ભક્તિભાવ હોવા છતાં માતાજીના દર્શને જઈ શકતાં નથી. એટલે મેં નક્કી કર્યું છે કે હું દર વર્ષે નિઃશુક્લ યાત્રા સંઘ કાઢીશ અને ગરીબો, વૃધ્ધો તથા અશક્તોને અંબામાતાનાં દર્શન કરાવીશ. મારાથી જાણે-અજાણે થયેલી ભૂલો અને દોષોનું એ પ્રાયશ્ચિત હશે.'' વિધાતાદેવીએ કહ્યુંઃ ''આવા નેક કામમાં હું નકારો નહીં ભણું. બોલો, અંબામાતની જય. અને સુગંધાદેવી હરખથી હાથમાં મંજીરાં લઈ નાચવા માંડયાં.''


Google NewsGoogle News